Saturday, April 27, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટખાલિસ્તાન સમર્થક અમૃતપાલ સિંઘ હજુ ફરાર, શોધી રહી છે પંજાબ પોલીસ: રાજ્યમાં...

    ખાલિસ્તાન સમર્થક અમૃતપાલ સિંઘ હજુ ફરાર, શોધી રહી છે પંજાબ પોલીસ: રાજ્યમાં ઈન્ટરનેટ સેવા બંધ કરાઈ

    શનિવારે સવારે પોલીસે જાલંધર પાસે અમૃતપાલ સિંઘના કાફલાને રોક્યો હતો. ત્યારબાદ તેના અમુક સાથીઓને પકડી લેવામાં આવ્યા હતા, જ્યારે અમૃતપાલ સિંઘ ફરાર થઇ ગયો હતો.

    - Advertisement -

    ખાલિસ્તાન સમર્થક અને ‘વારિસ પંજાબ દે’ સંગઠનના પ્રમુખ અમૃતપાલ સિંઘની ધરપકડ થઇ હોવાના અહેવાલો બાદ પંજાબ પોલીસે સ્પષ્ટતા કરતાં કહ્યું છે કે હજુ પણ તે અને તેના કેટલાક સાથીઓ ફરાર છે અને હાલ તેને શોધવા માટે પોલીસની ટીમો કામે લાગેલી છે.

    શનિવારે સવારે પંજાબ પોલીસે અમૃતપાલ સિંઘની ધરપકડ માટે એક ઓપરેશન લોન્ચ કર્યું હતું. આ જ ઓપરેશનના ભાગરૂપે તેના સમર્થક અને સહયોગીઓની પણ ધરપકડ કરવામાં આવી હતી. જોકે, અમૃતપાલ ત્યાંથી ભાગી છૂટ્યો હતો અને પોલીસે તેનો પીછો પણ કર્યો હતો.

    શનિવારે સવારે પોલીસે જાલંધર પાસે અમૃતપાલ સિંઘના કાફલાને રોક્યો હતો. ત્યારબાદ તેના અમુક સાથીઓને પકડી લેવામાં આવ્યા હતા, જ્યારે અમૃતપાલ સિંઘ ફરાર થઇ ગયો હતો, જેનો પીછો કરવામાં આવ્યો હતો. પંજાબ પોલીસની 50થી 100 ગાડીઓનો કાફલો આ ઓપરેશનમાં જોડાયો હતો. શરૂઆતના અમુક રિપોર્ટ્સમાં અમૃતપાલની ધરપકડના સમાચાર આપવામાં આવ્યા હતા, પરંતુ પંજાબ પોલીસ અનુસાર હજુ પણ તે ફરાર છે.

    - Advertisement -

    આ ઘટનાક્રમ બાદ કાયદો-વ્યવસ્થા જાળવવા માટે પંજાબ સરકારે રાજ્યમાં ઈન્ટરનેટ સેવા પણ અસ્થાયીરૂપે બંધ કરી દીધી છે. 19 માર્ચે, 12 વાગ્યા સુધી રાજ્યમાં ઈન્ટરનેટ સેવા બંધ રહેશે.

    ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલાં પંજાબ સરકારે અમૃતપાલ સિંઘના કેટલાક સાથીઓના હથિયાર લાયસન્સ રદ કરી દીધાં હતાં. ત્યારબાદ તેણે ધમકી પણ આપી હતી અને કહ્યું હતું કે તેઓ (સરકાર) તેમને કાયમ માટે હથિયારવિહોણા કરી શકે નહીં અને પોતાની સુરક્ષાની વ્યવસ્થા કરી લેશે. 

    30 વર્ષીય અમૃતપાલ સિંઘ ખાલિસ્તાન સમર્થક છે. તે ‘વારિસ પંજાબ દે’ નામના એક સંગઠનનો પ્રમુખ છે, જેને એક્ટર-એક્ટિવિસ્ટ દીપ સિદ્ધુએ સ્થાપ્યું હતું. એ જ દીપ સિદ્ધુ જે 26 જાન્યુઆરી 2021ના દિવસે લાલ કિલ્લા પર થયેલી ધમાલમાં મુખ્ય આરોપી હતો અને જેણે ખેડૂત આંદોલનો દરમિયાન પણ મોટો ભાગ ભજવ્યો હતો. 

    અમૃતપાલ સિંઘ વર્ષોથી દુબઇ રહેતો હતો. પરંતુ ફેબ્રુઆરી 2022માં દીપ સિદ્ધુના મૃત્યુ બાદ સપ્ટેમ્બરમાં તે ભારત આવી ગયો અને સંગઠનનો પ્રમુખ બની ગયો હતો. તે ખાલિસ્તાની જરનૈલ સિંઘ ભીંડરાંવાલેનો પણ સમર્થક છે. 

    (નોંધ: તાજા જાણકારી મળ્યા બાદ આ રિપોર્ટને અપડેટ કરવામાં આવ્યો છે.)

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં