પાદરી બજિંદર સિંઘ (pastor baljinder singh) બાદ હવે પંજાબના બીજા એક પાદરી જશન ગિલ (Pastor Jashan Gill) પર 22 વર્ષની યુવતી પર બળાત્કાર (Rape) કરવાનો આરોપ લાગ્યો છે. પાદરી ગિલ પંજાબના ગુરદાસપુરનો રહેવાસી છે. મૃતક પીડિતાના પિતાએ જણાવ્યું છે કે, પાદરીએ તેમની પુત્રીને ફસાવી અને બળાત્કાર ગુજાર્યો હતો અને ત્યારબાદ ગર્ભપાત (Abortion) કરાવવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. પીડિતાના પિતાએ જણાવ્યું છે કે, ચેપના કારણે સારવાર દરમિયાન યુવતીનું મૃત્યુ થયું છે.
આ ઘટના એવા સમયે બની છે, જ્યારે થોડા દિવસો પહેલાં જ મોહાલી કોર્ટે પાદરી બજિંદર સિંઘને એક મહિલા પર બળાત્કાર કરવાના આરોપમાં આજીવન કેદની સજા ફટકારી હતી. બજિંદર સિંઘે વિદેશ મોકલવામાં બહાને એક મહિલા પર બળાત્કાર આચર્યો હતો અને કોઈને કહેવા પર ધમકી પણ આપતો હતો.
પાસ્ટર ગિલે બળાત્કાર બાદ યુવતીનો કરાવ્યો હતો ગર્ભપાત- પીડિતાના પિતા
પીડિતાના પિતાએ ANIને જણાવ્યું છે કે, પાદરી જશન ગિલે તેમની પુત્રીને ગેરમાર્ગે દોરી અને 2023માં તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. પિતાના જણાવ્યા મુજબ, તેઓ તેના પરિવાર સાથે ગુરદાસપુર જિલ્લાના અબુલ ખૈર ગામમાં એક ચર્ચમાં નિયમિત જતા હતા. તે ચર્ચમાં જશન ગિલ નામનો એક પાદરી હતો. યુવતીના પિતાનો આરોપ છે કે, પાસ્ટરે તેમની પુત્રીને ગેરમાર્ગે દોરી, ફસાવી અને તેના પર બળાત્કાર ગુજાર્યો હતો.
#WATCH | Chandigarh | Gurdaspur pastor Jashan Gill has been accused of raping a 22-year-old and forcing her to undergo an abortion which allegedly led to her death, the victim's father says, "We used to go to a church in Abul Khair village of Gurdaspur district with our family. A… pic.twitter.com/q8EXuN9z3E
— ANI (@ANI) April 5, 2025
પીડિતાના પિતા અનુસાર, તે સમયે તેમની પુત્રી 22 વર્ષની હતી અને BCAની વિદ્યાર્થિની હતી. આરોપ છે કે, પાદરીએ તેમની પુત્રી પર ઘણી વખત બળાત્કાર ગુજાર્યો હતો. જેના કારણે તે ગર્ભવતી થઈ ગઈ હતી. જ્યારે પાદરીને આ વાતની ખબર પડી ત્યારે તેણે ખોખર ગામમાં એક નર્સ પાસેથી તેનો ગર્ભપાત કરાવ્યો હતો.
ગર્ભપાત બાદ યુવતીનું થયું મોત – પિતા
પીડિતાના પિતાનો આરોપ છે કે, નર્સ દ્વારા પુત્રીનો ગર્ભપાત બેદરકારીથી કરવામાં આવ્યો હતો. જેના કારણે પુત્રીને ચેપ લાગ્યો હતો. પુત્રીએ પેટમાં દુખાવાની ફરિયાદ કરી હતી અને ત્યારબાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. યુવતીના પિતા અનુસાર, સારવાર દરમિયાન પેટમાં ચેપ હોવાનું જાણવા મળ્યું હતું અને બાદમાં અલ્ટ્રાસાઉન્ડ પછી પરિવારને ખબર પડી હતી કે, તેમની પુત્રી ગર્ભવતી હતી અને તેનો ગર્ભપાત કરવામાં આવ્યો હતો. ત્યારબાદ યુવતીને ગંભીર હાલતમાં અમૃતસર લઈ જવામાં આવી હતી, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.
પંજાબ પોલીસ પર પણ ઉઠાવ્યા સવાલ
પીડિતાના પિતાના જણાવ્યા મુજબ, સત્ય બહાર આવ્યા પછી પણ ગુરદાસપુર પોલીસે પાદરી જશન ગિલની ધરપકડ કરી ન હતી. આરોપ છે કે, તે મુક્તપણે ફરતો રહ્યો અને પોલીસ તેની પાસેથી પૈસા લેતી રહી હતી. ફરિયાદી અનુસાર, આ ઘટના 2023માં બની હતી. પરંતુ વર્ષો પછી પણ પાદરી વિરુદ્ધ કોઈ કાર્યવાહી નહીં થઈ. તેમણે વધુમાં જણાવ્યું છે કે, પરિસ્થિતિ એવી બની કે પરિવારને જાનથી મારી નાખવાની ધમકીઓ મળવા લાગી હતી. જેના કારણે પરિવારને પોતાનું ગામ છોડીને ભાગી જવાની ફરજ પડી હતી.
પરિવારે હવે તેમની પુત્રી માટે કોઈપણ ભોગે ન્યાયની માંગણી કરી છે. પરિવારને પંજાબ પોલીસ પર વિશ્વાસ નથી અને તેથી તેમણે ઘટનાની CBI તપાસની માંગ કરી છે. આ માટે પરિવારે પંજાબ હરિયાણા હાઇકોર્ટનો દરવાજો પણ ખખડાવ્યો છે. કહેવાય રહ્યું છે કે, 2023માં પાદરી વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો, પરંતુ કોઈ ધરપકડ કરવામાં આવી ન હતી. તે ફરાર છે અને તેને પકડવા માટે પોલીસની ઘણી ટીમો તહેનાત કરવામાં આવી છે, પરંતુ બે વર્ષથી તેનો કોઈ પત્તો લાગ્યો નથી.


