Thursday, December 5, 2024
More
    હોમપેજદેશ‘રેવન્યુ રેકર્ડમાં જે જમીનની એન્ટ્રી મસ્જિદ-કબ્રસ્તાન તરીકે, તે લાંબા સમયથી ઉપયોગમાં ન...

    ‘રેવન્યુ રેકર્ડમાં જે જમીનની એન્ટ્રી મસ્જિદ-કબ્રસ્તાન તરીકે, તે લાંબા સમયથી ઉપયોગમાં ન લેવાતી હોય તોપણ સંરક્ષિત કરવામાં આવે’: પંજાબ-હરિયાણા હાઈકોર્ટે ફગાવી વક્ફ ટ્રિબ્યુનલ વિરુદ્ધ ગ્રામ પંચાયતની અરજી

    વાસ્તવમાં પંજાબની એક ગ્રામ પંચાયતે એક જમીનના ટુકડાને વકફ સંપત્તિ ઘોષિત કરવાના વક્ફ ટ્રિબ્યુનલના નિર્ણયને હાઈકોર્ટમાં પડકાર્યો હતો, પણ કોર્ટે અરજી માન્ય ન રાખી. 

    - Advertisement -

    પંજાબ-હરિયાણા હાઈકોર્ટે (Punjab-Haryana High Court) તાજેતરમાં એક ગ્રામ પંચાયતની અરજી ફગાવીને ઠેરવ્યું હતું કે, રેવન્યુ રેકર્ડમાં  જો કોઈ જમીનની એન્ટ્રી કબ્રસ્તાન, મસ્જિદ કે તકિયા (મુસ્લિમોના ઉપયોગ માટેની જગ્યા) તરીકે થઈ હોય તો પછી તેનું સંરક્ષણ થવું જોઈએ, પછી ભલે લાંબા સમયથી મુસ્લિમ સમુદાય તેનો ઉપયોગ ન કરતો હોય. 

    હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે કહ્યું, “રેવન્યુ રેકોર્ડમાં જમીનને ‘તકિયા, કબ્રસ્તાન કે મસ્જિદ’ તરીકે દર્શાવતી કોઈ પણ એન્ટ્રી નિર્ણીત ગણાય છે અને તેનું સંરક્ષણ કરવામાં આવે એ જરૂરી છે, પછી ભલે જે-તે સ્થળનો ઉપયોગ લાંબા સમયથી મુસ્લિમ સમુદાય દ્વારા કરવામાં ન આવતો હોવાના પુરાવા પણ ઉપલબ્ધ કેમ ન હોય.”

    વાસ્તવમાં પંજાબની એક ગ્રામ પંચાયતે એક જમીનના ટુકડાને વકફ સંપત્તિ ઘોષિત કરવાના વક્ફ ટ્રિબ્યુનલના નિર્ણયને હાઈકોર્ટમાં પડકાર્યો હતો, પણ કોર્ટે અરજી માન્ય ન રાખી. 

    - Advertisement -

    આ કેસની વધુ વિગતો જોઈએ તો, બુધો પંધર ગામની એક જમીનને લઈને વક્ફ બોર્ડ અને ગ્રામ પંચાયત  વચ્ચે વિવાદ સર્જાયો હતો. આ જમીન મહારાજા કપૂરથલાએ દાનમાં આપી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. 1971માં તેને વક્ફ સંપત્તિ ઘોષિત કરવામાં આવી હતી. વક્ફ બોર્ડે ટ્રિબ્યુનલમાં કેસ દાખલ કરીને દાવો કર્યો હતો કે સંપત્તિ તેમની માલિકીની છે અને જે-તે જમીન રેવન્યુ રેકર્ડમાં તકિયા, કબ્રસ્તાન અને મસ્જિદ તરીકે ઉલ્લેખિત છે. 

    મામલો ટ્રિબ્યુનલ પાસે પહોંચતાં ટ્રિબ્યુનલે વક્ફ બોર્ડનો દાવો માન્ય રાખ્યો હતો અને આદેશ પસાર કરીને ગ્રામ પંચાયતને જે-તે જમીનનો કબજો મેળવવા પર રોક લગાવી દીધી હતી. આ નિર્ણય સામે પછીથી પંચાયતે હાઈકોર્ટમાં અરજી કરી હતી. 

    પંચાયતે હાઇકોર્ટ સમક્ષ દલીલ કરતાં કહ્યું કે, જમીનને રેવન્યુ રેકર્ડમાં ‘શામિલાત દેહ’ (પંચાયતની જાહેર મિલકત) તરીકે વર્ણવવામાં આવી છે, જેથી તે પંચાયતની માલિકીની કહેવાય. વધુમાં, તેની માલિકી નક્કી કરવામાં આવે તો તે નિર્ણય પંજાબ વિલેજ કોમન લેન્ડ્સ એક્ટ, 1953 હેઠળ થવું જોઈએ, વક્ફ એક્ટ હેઠળ નહીં. પંચાયતે એમ પણ કહ્યું કે, 1971માં જ્યારે જમીનને વક્ફ સંપત્તિ ઘોષિત કરવામાં આવી તે નોટિફિકેશન પણ ગેરકાયદેસર છે, કારણ કે પંચાયતને કોઈ પણ નોટિસ આપવામાં આવી ન હતી. 

    કોર્ટે વક્ફ ટ્રિબ્યુનલનો નિર્ણય યથાવત રાખ્યો

    જોકે, કોર્ટે પંચાયતની દલીલો ન સ્વીકારીને વક્ફ ટ્રિબ્યુનલનો નિર્ણય યથાવત રાખ્યો હતો, અને કહ્યું કે, રેવન્યુ રેકર્ડમાં જમીનને તકિયા, કબ્રસ્તાન કે મસ્જિદ તરીકે વર્ણવવામાં આવી હોય તો એ પૂરતું છે. ઉપરાંત, શામિલાત દેહ તરીકે પણ ઉલ્લેખ હોય તોપણ અગાઉની એન્ટ્રીને જ અગ્રિમતા આપવામાં આવે છે. 

    કોર્ટે પંજાબ એક્ટ, 1953 હેઠળ નિર્ણય કરવાની માંગ પણ ફગાવી દીધી અને કહ્યું કે, વક્ફ એક્ટને લગતા કેસો પર નિર્ણય કરવાની એકમાત્ર સત્તા ટ્રિબ્યુનલ પાસે જ છે. સાથે કોર્ટે જમીનને વકફ સંપત્તિ ઘોષિત કરવાના 1971ના નોટિફિકેશનને પણ યોગ્ય ઠેરવ્યું. 

     કોર્ટે અંતે ગ્રામ પંચાયતની અરજી ફગાવી દઈને વક્ફ ટ્રિબ્યુનલના નિર્ણયને બરકરાર રાખ્યો હતો અને યોગ્ય ઠેરવ્યો હતો. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં