Monday, April 29, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટદેશનું નવું સંસદ ભવન બનીને તૈયાર, પીએમ નરેન્દ્ર મોદી કરશે ઉદ્ઘાટન: સામે...

    દેશનું નવું સંસદ ભવન બનીને તૈયાર, પીએમ નરેન્દ્ર મોદી કરશે ઉદ્ઘાટન: સામે આવી ગઈ તારીખ

    ગુરૂવારે લોકસભા સ્પીકર ઓમ બિરલા પીએમ મોદીને મળ્યા હતા અને તેમને નવનિર્મિત સંસદ ભવનનું લોકાર્પણ કરવા માટે આમંત્રણ પાઠવ્યું હતું.

    - Advertisement -

    દેશનું નવું સંસદ ભવન આખરે બનીને તૈયાર થઇ ગયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 28 મેના રોજ તેનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે. લોકસભા સચિવાલયે આ બાબતની જાણકારી આપી છે. 

    સચિવાલયે નિવેદનમાં જણાવ્યું કે, ગુરૂવારે લોકસભા સ્પીકર ઓમ બિરલા પીએમ મોદીને મળ્યા હતા અને તેમને નવનિર્મિત સંસદ ભવનનું ઉદ્ઘાટન કરવા માટે આમંત્રણ પાઠવ્યું હતું. તદઅનુસાર, પીએમ મોદી આગામી 28 મે, 2023ના રોજ દેશના નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરશે.

    નિવેદનમાં આગળ જણાવવામાં આવ્યું કે, હાલનું ભવન વર્ષ 1927માં બનીને તૈયાર થયું હતું અને તેમાં હાલની જરૂરિયાતોના હિસાબે જગ્યાની અછત હતી અને અગવડ પડતી હતી. બંને ગૃહોમાં સાંસદોની બેઠક વ્યવસ્થામાં પડતી અગવડો અને તેના કારણે કામગીરી પર પડતી અસરોને ધ્યાનમાં લઈને બંને ગૃહો- લોકસભા અને રાજ્યસભાએ સરકારને નવું સંસદ ભવન બનાવવા માટે અરજ કરતો એક પ્રસ્તાવ પસાર કર્યો હતો. ત્યારબાદ નવા ભવનનું નિર્માણકાર્ય આરંભાયું હતું. 

    - Advertisement -

    નવા ભવનના નિર્માણ માટે 10 ડિસેમ્બર, 2020ના રોજ શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ જાન્યુઆરી, 2021માં તેનું નિર્માણકાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. કોરોના મહામારી વચ્ચે પણ કામ સતત ચાલુ જ રહ્યું અને આખરે 28 મહિનાને અંતે સંસદ ભવન બનીને તૈયાર થઇ ગયું છે. 

    નવા સંસદ ભવનમાં લોકસભાના 888 સાંસદો માટે બેઠક વ્યવસ્થા હશે, જ્યારે રાજ્યસભામાં 300 સાંસદો બેસી શકે તેવી વ્યવસ્થા હશે. જ્યારે, બંનેનું સંયુક્ત સત્ર લોકસભામાં જ મળે તેવી વ્યવસ્થા કરવામાં આવશે. હાલ લોકસભામાં 543 જ્યારે રાજ્યસભામાં 250 સાંસદો હોય છે. પરંતુ ભવિષ્યમાં નવા સીમાંકન બાદ આ સંખ્યા વધે તોપણ કોઈ સમસ્યા ન સર્જાય તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે.

    નવા સંસદ ભવનમાં સાંસદો માટે એક લાઉન્જ, એક અત્યાધુનિક લાઈબ્રેરી, ભોજન માટેનો વિસ્તારથી માંડીને પૂરતા પાર્કિંગ માટેની પણ વ્યવસ્થા હશે. જૂનું સંસદ ભવન ગોળાકાર હતું, જ્યારે આ નવું ભવન ત્રિકોણાકારે બનાવવામાં આવ્યું છે. જેમાં એક તરફ લોકસભા હશે અને બીજી તરફ રાજ્યસભા. 

    ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ પીએમ મોદીએ નિર્માણાધીન સંસદ ભવનની મુલાકાત લીધી હતી, તે સમયની અમુક તસ્વીરો પણ સામે આવી હતી. હવે, આગામી 28મીએ તેઓ અધિકારીક રીતે આ અત્યાધુનિક ભવન દેશને લોકાર્પિત કરશે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં