Thursday, March 28, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટકોર્ટમાં પાડવામાં આવતા વેકેશન સામે બોમ્બે હાઈકોર્ટમાં અરજી: અરજદારે કહ્યું- 'આ મૂળભૂત...

    કોર્ટમાં પાડવામાં આવતા વેકેશન સામે બોમ્બે હાઈકોર્ટમાં અરજી: અરજદારે કહ્યું- ‘આ મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન’

    અરજીમાં કહેવામાં આવ્યું હતું કે ન્યાયતંત્રની હાલત ખરાબ છે. રજાઓના નામે કોર્ટ બંધ કરવી એ ગુલામીની નિશાની છે, તેનો અંત આવવો જોઈએ.

    - Advertisement -

    કોર્ટની લાંબી રજાઓ તે અરજદારોના મૂળભૂત અધિકારોનું ઉલંઘન હોવાના દાવા સાથે કોર્ટમાં પાડવામાં આવતા વેકેશન સામે બોમ્બે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી છે. અરજીમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે રજાના દિવસોમાં કોર્ટમાં તાકીદની બાબતોની સુનાવણી માટે બહુ ઓછા જજો હોય છે. જોકે, કોર્ટ આ અરજી પર દિવાળીની રજાઓ પછી સુનાવણી કરશે.

    અહેવાલો અનુસાર કોર્ટમાં પાડવામાં આવતા વેકેશન સામે બોમ્બે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરનાર અરજદાર સબીના લાકડાવાલાએ માંગણી કરી છે કે દિવાળી, ક્રિસમસ અને ઉનાળા દરમિયાન 70 દિવસથી વધુની રજાઓ તે ન્યાય યાચકના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન છે અને આ મોટા વેકેશનોની પ્રથાને નાબૂદ કરવી જોઈએ.

    અરજીમાં એવી પણ માંગ કરવામાં આવી છે કે વેકેશન બેન્ચની પરવાનગી વિના જ તમામ અરજીઓ નોંધવામાં આવે. એટલું જ નહીં દિવાળીની રજાઓમાં પણ બોમ્બે હાઈકોર્ટમાં કામ ચાલુ રાખવામાં આવે. આ સાથે જ આવનારા કેસોની સુનાવણી માટે પૂરતી સંખ્યામાં જજોની નિમણૂક કરવા સૂચના આપવામાં આવે.

    - Advertisement -

    અરજદારનું કહેવું છે કે લાંબી રજાઓ જે સંસ્થાનવાદી યુગની નિશાની છે. આ જસ્ટિસ ડિલિવરી સિસ્ટમના પતન માટે મુખ્ય કારણ છે, જે સિસ્ટમ પહેલેથી જ વેન્ટિલેટર પર છે. એલીટ લોયર્સ માટે લાંબી રજાઓ યોગ્ય છે.

    અરજી કરવા પાછળનું કારણ

    દૈનિક ભાસ્કરના અહેવાલ મુજબ સબીનાએ આ અપીલ એટલા માટે કરી છે કારણ કે તેના સાસરિયાઓ, સાવકા બાળકો અને સાવકા પૌત્રોએ તેને 3 જુલાઈ, 2021ના રોજ ઘરમાંથી કાઢી મૂકી હતી. ખોટા આરોપમાં આઈપીસીની કલમ 326 હેઠળ તેની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારથી, તેણે રાહત મેળવવા માટે નીચલી અદાલતો અને ઉચ્ચ અદાલતોનો સંપર્ક કર્યો છે. તે લગભગ 158 દિવસ સુધી કોર્ટમાં હાજર રહી હોવા છતાં તેને કોઈ રાહત મળી ન હતી.

    અરજીમાં કહેવામાં આવ્યું હતું કે ન્યાયતંત્રની હાલત ખરાબ છે. રજાઓના નામે કોર્ટ બંધ કરવી એ ગુલામીની નિશાની છે, તેનો અંત આવવો જોઈએ. પહેલાં મોટાભાગના ન્યાયાધીશો બ્રિટિશ હતા ત્યારે લાંબી રજાઓ એટલે પાડતા હતા કે તેઓ ભારતના ઉનાળામાં રહી શકતા નહતા. દરિયાઈ માર્ગે ઈંગ્લેન્ડ જવા માટે પણ તેમને લાંબી રજાઓની જરૂર રહેતી હતી. આજે તે માત્ર એક લક્ઝરી છે, જે દેશને પોસાય તેમ નથી. કોર્ટ બંધ કર્યા વિના પણ જજો અને વકીલોને રજા આપી શકાય છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં