પાડોશી દેશ પાકિસ્તાન (Pakistan) અને તેની સેના નિમ્ન કક્ષાની હરકતો કરીને અવારનવાર ચર્ચામાં આવતી જ રહે છે. તેવામાં પાકિસ્તાની સેનાના નિવૃત્ત અધિકારી તારીક મજીદે (Tariq Majeed) વીર સ્વતંત્ર સેનાની ભગત સિંઘને (Bhagat Singh) લઈને વિવાદિત નિવેદન આપ્યું હતું તેને લઈને ફરી એક વાર ચર્ચાઓ શરૂ થઈ છે. તેમણે ભગત સિંઘને અપરાધી અને આતંકવાદી (Terrorist) ગણાવ્યા હતા. તેમના આ નિવેદન બાદ લાહોરના શાદમાન ચોકનું નામ બદલીને ભગત સિંઘના નામે રાખવાનો નિર્ણય રદ કરવામાં આવ્યો હતો.
વાસ્તવમાં મામલો ગત નવેમ્બર 2024નો છે. તે સમયે લાહોરમાં આવેલા સાદમાન ચોકનું નામ ફેરવીને તેને ભગત સિંઘનું નામ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ નિર્ણય પાછળ ભગત સિંઘ મેમોરીયલ ફાઉન્ડેશન પાકિસ્તાનના અધ્યક્ષ ઈમ્તિયાઝ રશીદ કુરેશીની માંગ જવાબદાર હતી. જોકે બાદમાં પાકિસ્તાની સેનાના પૂર્વ અધિકારી તારીક મજીદે લાહોર હાઇકોર્ટમાં આ મામલાને પડકાર્યો હતો. તે સમયે તારીકે પોતાના રિપોર્ટમાં કહ્યું હતું કે, “ભગત સિંઘ એ કોઈ સ્વતંત્ર સેનાની નહીં, પરંતુ એક અપરાધી હતા અને આજની ભાષામાં કહીએ તો તે એક આતંકવાદી હતા. તેમણે બ્રિટીશ પોલીસ અધિકારીની હત્યા કરી હતી અને માટે તેમને તેમના બે સાથીઓ સાથે ફાંસીએ લટકાવી દેવામાં આવ્યા હતા.”
ભગત સિંઘને લઈને કરેલી ટિપ્પણીઓથી લાગી રોક
તારીકની આ પ્રકારની ટિપ્પણી બાદ કોર્ટે શાદમાન ચોકનું નામ બદલીને ભગત સિંઘના નામે રાખવાના નિર્ણય પર રોક લગાવી દીધી હતી અને કહ્યું હતું કે, “શાદમાન ચોકનું નામ ભગત સિંઘના નામે રાખવા અને ત્યાં તેમનું પુતળું લગાવવું લાહોર શહેર જિલ્લા સરકારની પ્રસ્તાપિત યોજના કોમોડોર (સેવાનિવૃત્ત) તારીક મજિદની ટિપ્પણી બાદ રદ કરવામાં આવે છે.”
તારીકે પોતાના રિપોર્ટમાં ભગત સિંઘને નાસ્તિક કહીને ધાર્મિક નેતાઓથી પ્રભાવિત મુસ્લિમ વિરોધી કહ્યા હતા. સાથે જ ભગત સિંઘ મેમોરીયલ ફાઉન્ડેશન અને તેના અધ્યક્ષ પર વિદેશી ફંડ મેળવવાના આરોપ લગાવ્યા હતા.
NGOએ ફટકારી નોટીસ, માંગ્યું ₹50 કરોડનું વળતર
નોંધનીય છે કે, આ મામલે ભગત સિંઘ મેમોરીયલ ફાઉન્ડેશન દ્વારા તારીકને નોટીસ ફટકારીને માફી માંગવા કહ્યું છે. તેમણે ભગત સિંઘના અપમાન બદલ ₹50 કરોડનું વળતર પણ માંગ્યું છે. આ નોટીસ એડવોકેટ ખાલીદ જમાં ખાન દ્વારા તારીક મજીદને ફટકારવામાં આવી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, ભગત સિંઘ મેમોરીયલ ફાઉન્ડેશન અને તેના ચેરમેન રાશીદ કુરેશી દેશભક્ત છે અને તેઓ પાકિસ્તાન અને ઇસ્લામ પ્રત્યે ઈમાનદાર છે. તેમણે વિદેશથી એક પણ રૂપિયો નથી લીધો. પરંતુ તેઓની માંગ ભારત અને પાકિસ્તાનના સંબંધોને મજબૂત કરે તેવી છે.
નોટીસમાં લખવામાં આવ્યું છે કે, “કાયદે-આઝમ મોહમ્મદ અલી જીણાએ 12/9/1929ના રોજ સેન્ટ્રલ એસેમ્બલી દિલ્હીમાં ભગત સિંઘને બિરદાવ્યા હતા. તેમ છતાં મજીદ તારીકે લાહોર હાઈકોર્ટમાં આપેલા રિપોર્ટમાં અત્યંત ગંદી અને અપમાનજનક ભાષાનો પ્રયોગ કર્યો છે. તેઓ (રાશીદ કુરેશી) દેશભક્ત છે અને પોતાની ક્ષમતા અનુસાર જીવન નિર્વાહ કરે છે. તારીકે આ મામલે વગર શરતે માફી માંગવી જોઈએ.”
ભારતે કર્યો હતો વિરોધ
નોંધવું જોઈએ કે પાકિસ્તાની અધિકારીની આ કરતુત સામે આવ્યા બાદ તરત જ ભારતે આ મામલે વાંધો ઉઠાવ્યો હતો. ભારત સરકારે માંગ કરી હતી કે પાકિસ્તાન સરકાર આ મામલે નોંધ લે અને યથાયોગ્ય પગલા લેવામાં આવે. ભારત સરકારના પગલાં બાદ પાકિસ્તાનમાં પણ આ મામલે જોર-શોરથી ચર્ચાઓ ચાલી હતી. ત્યારે હવે ભગત સિંઘ મેમોરીયલ ફાઉન્ડેશન દ્વારા તારીક મજીદને ફટકારવામાં આવેલી નોટીસ બાદ મામલો ફરી એક વાર ચર્ચામાં આવ્યો છે.