Tuesday, September 17, 2024
More
    હોમપેજદુનિયાકટ્ટરપંથીઓ સામે ઘૂંટણિયે પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટ, અહમદિયાઓના અધિકારોની વાત કરતા ફકરાઓ ચુકાદામાંથી...

    કટ્ટરપંથીઓ સામે ઘૂંટણિયે પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટ, અહમદિયાઓના અધિકારોની વાત કરતા ફકરાઓ ચુકાદામાંથી હટાવવા પડ્યા: જાણો શું છે કેસ, જેમાં જજોને પણ મળી હતી ધમકી

    કોર્ટની બહાર ઇસ્લામિક કટ્ટરપંથીઓના ટોળેટોળા ભેગા થઈ ગયા હતા. જજોને ધમકીઓ આપવામાં આવી. અંતે પોતાનો જીવ બચાવવા જજે પોતાના નિર્ણય પર માફી માંગવી પડી હતી અને મૌલવીઓ સાથે સલાહ-સૂચન કરીને પરિસ્થિતિને નિયંત્રણમાં લેવાનો પ્રયત્ન કર્યો હતો.

    - Advertisement -

    પાડોશી દેશ પાકિસ્તાનમાં લઘુમતી સમુદાયો પર થઈ રહેલા અત્યાચારો તો જગજાહેર છે, પરંતુ ત્યાં મુસ્લિમ સમુદાયના એક ફિરકાની પણ હાલત ખરાબ છે. ઈસ્લામિક રાષ્ટ્ર પાકિસ્તાનમાં અહમદિયા મુસ્લિમ સમાજને મુસ્લિમ નથી માનવામાં આવતા. આટલું જ નહીં, કટ્ટરપંથી મુસ્લિમોએ દેશને એ હદે બાનમાં લીધો છે કે, પાકિસ્તાની સુપ્રીમ કોર્ટે પોતાનો એ નિર્ણય પાછો લેવો પડ્યો, જેમાં અહમદિયા સમાજને તેમની મઝહબી સ્વતંત્રતા આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. કટ્ટરપંથી મુસ્લિમોએ આ નિર્ણય બાદ એ હદે હુલ્લડ મચાવ્યું કે સુપ્રીમ કોર્ટના જજના જીવ જોખમમાં મૂકાઈ ગયા. અંતે કોર્ટે પોતાનો નિર્ણય પરત લેવો પડ્યો હતો.

    સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ કોર્ટની બહાર ઇસ્લામી કટ્ટરપંથીઓના ટોળેટોળા ભેગા થઈ ગયા હતા. જજોને ધમકીઓ આપવામાં આવી રહી હતી. અંતે પોતાનો જીવ બચાવવા જજે પોતાના નિર્ણય પર માફી માંગવી પડી હતી અને મૌલવીઓ સાથે સલાહ-સૂચન કરીને પરિસ્થિતિ નિયંત્રણમાં લેવાના પ્રયાસ કરવા પડ્યા હતા. આ આખી ઘટના અહમદિયા મુસ્લિમ સમુદાયમાંથી આવતા મુબારક સાનીના કેસને લઈને સુનાવણીઓ બાદ પ્રકાશમાં આવી હતી. વિવાદ થયા બાદ કોર્ટે પાકિસ્તાની સરકારની અપીલ સ્વીકારીને અહમદિયા મુસ્લિમોને તેમના મઝહબી અધિકારો આપવાની વાત કરતા ‘વિવાદિત ફકરાઓ’ દૂર કરવાનો નિર્ણય લીધો હતો.

    કોર્ટને પોતાની ભૂમિકા જામીન આપવા સુધી સીમિત રાખવાની મૌલાનાની સલાહ

    પાકિસ્તાની ન્યાયપ્રણાલીની શું સ્થિતિ છે તેનો અંદાજો તેના પરથી લગાવી શકાય કે, કોર્ટે મૌલાનાઓની વર્ચ્યુઅલ હાજરીમાં માંગોની સમીક્ષા કરવી પડી અને પોતે જ લીધેલા નિર્ણયના દસ્તાવેજમાંથી 7, 42 અને 49-સી ફકરાને હટાવવા પડ્યા. આ ફકરામાં પ્રતિબંધિત પુસ્તક અને અહમદિયા સમુદાયની ધર્માંતરણ ગતિવિધિઓનો ઉલ્લેખ હતો. આટલું જ નહીં, આ સુનાવણી દરમિયાન મૌલાના ફઝલુર રહેમાને સુપ્રીમ કોર્ટને તેવી સલાહ આપી કે તેમણે તેમની ભૂમિકા આ કેસમાં માત્ર જામીન આપવા પૂરતી સીમિત રાખવી જોઈએ.

    - Advertisement -

    કોર્ટની ત્રણ સભ્યોની બેન્ચના અધ્યક્ષ ચીફ જસ્ટિસ કાઝી ફૈઝ ઇસાએ આ કેસમાં મુફ્તી તકી ઉસ્માની અને મૌલાના ફઝલુર રહેમાન સહિત ઇસ્લામિક સ્કોલરોની મદદ માંગી હતી. સુપ્રીમ કોર્ટનો નિર્ણય જોયા બાદ ઉલેમાએ નિર્ણયમાં સુધારો કરવા અથવા તેને સંપૂર્ણપણે રદ કરવાનું સૂચન કર્યું હતું. તુર્કીથી વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા ભાગ લેતા મુફ્તી તાકી ઉસ્માનીએ ધર્માંતરણના અર્થઘટન અંગેની ચિંતાઓને ટાંકીને ફકરા 7 અને 42 ને દૂર કરવાની સુપ્રીમ કોર્ટને ભલામણ કરી હતી.

    વાસ્તવમાં મુબારક અહેમદ સાની પર ‘પંજાબ દીની કિતાબ કુરાન (પ્રિન્ટિંગ એન્ડ રેકોર્ડિંગ) (સુધારા) અધિનિયમ 2021’ હેઠળ આરોપ મૂકવામાં આવ્યો હતો. આ કેસમાં પણ તેને દોષી ઠેરવવામાં આવ્યો હતો. જોકે, તેણે ગુનો કાયદો બન્યા પહેલા આચર્યો હોવાથી તેને જામીન પર મુક્તિ મળી ગઈ હતી. આ નિર્ણય બાદ સુપ્રીમ કોર્ટની બહાર ભારે દેખાવો થયા હતા.

    શું છે મુબારક સાની કેસ?

    ઈશનિંદાના આરોપસર ધરપકડ કરાયેલા અહમદિયા સમુદાયમાંથી આવતા મુબારક અહમદ સાનીને મુક્ત કરવા માટેનો આદેશ પાકિસ્તાની સુપ્રીમ કોર્ટે આપ્યો હતો. 2023માં તફસીર-એ-સગીર (કુરાનનું ટૂંકું સંસ્કરણ) વહેંચવા બદલ તેની ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં પાકિસ્તાની સુપ્રીમ કોર્ટે તેને મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો. તેણે જે મઝહબી પુસ્તક વહેંચ્યું હતું તેમાં અહમદિયા સંપ્રદાયના સ્થાપકના પુત્ર મિર્ઝા બશીર-ઉદ-દીન મહમૂદ અહમદ દ્વારા અર્થઘટન કરવામાં આવેલા કુરાનના 10 ખંડોનો સમાવેશ થાય છે.

    સાની પર 2021ના પંજાબ કાયદાનું ઉલ્લંઘન કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. તે કાયદામાં કુરાન સંબંધિત ટિપ્પણીઓના છાપકામ અને વિતરણ પર પ્રતિબંધ મૂકવાની જોગવાઈ હતી. સાનીએ દલીલ કરી હતી કે કાયદો અમલમાં આવ્યો તે પહેલાં જ તેણે 2019માં તેનું વિતરણ કર્યું હતું. પાકિસ્તાનના મુખ્ય ન્યાયાધીશ કાઝી ફૈઝ ઇસાએ તેમના ચુકાદામાં કહ્યું હતું કે ફોજદારી કાયદાઓને પૂર્વવર્તી અસરથી લાગુ ન કરી શકાય.

    આ પછી, સુપ્રીમ કોર્ટે તેને મુક્ત કરી દીધો. જોકે, સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ ઘણા સમય સુધી બધુ વ્યવસ્થિત ચાલ્યું હતું, પાકિસ્તાનમાં કોઈને ખબર જ નહોતી કે, સુપ્રીમ કોર્ટના જજે શું નિર્ણય આપ્યો છે. પરંતુ ત્યારબાદ એક મૌલાનાએ સુપ્રીમ કોર્ટના જજને અહમદિયાના સમર્થન બદલ હત્યાની ધમકી આપી દીધી હતી. જે બાદ તે મૌલાનાની ધરપકડ પણ કરવામાં આવી હતી. ત્યારબાદ તહરીક-એ-લબ્બૈક પાકિસ્તાન (TLP)એ આ મુદ્દાને સોશિયલ મીડિયામાં ઉછાળ્યો હતો. આ પછી સુપ્રીમ કોર્ટના નિર્ણયના વિરોધમાં કટ્ટરપંથી લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. ત્યારપછી ફઝલુર રહેમાન જેવા કટ્ટરપંથીઓ પણ કૂદી પડ્યા અને બળતામાં ઘી હોમવાનું કામ શરૂ કર્યું.

    ગત 23 ફેબ્રુઆરીએ હજારો પાકિસ્તાનીઓએ ચુકાદો આપનાર મુખ્ય જજ ઈસા સામે વિરોધ નોંધાવ્યો હતો. સુપ્રીમ કોર્ટે જસ્ટિસ ઇસાના નિર્ણયનો બચાવ કરતા નિવેદન જારી કરીને કહ્યું કે, જજે આપેલો નિર્ણય કોઈ રીતે પાકિસ્તાનના ઇસ્લામિક બંધારણનું ઉલ્લંઘન નથી કરતો. તેમ છતાં લોકોનો વિરોધ યથાવત રહ્યો. વિરોધના નામે કટ્ટરપંથી ટોળું સુપ્રીમ કોર્ટના જજના ઘરમાં ઘૂસી ગયું અને તોડફોડ પણ કરી.

    જોકે, વિવાદ વધ્યા બાદ પંજાબ સરકારે અને કેટલીક મઝહબી સંસ્થાનોએ આ નિર્ણય પર પુનર્વિચાર અરજી દાખલ કરી હતી. બીજી તરફ કટ્ટરપંથીઓએ સુપ્રીમ કોર્ટને વિરોધ પ્રદર્શનથી બાનમાં લઈ રાખી હતી. તેમણે સુપ્રીમ કોર્ટને ચેતવણી આપતા કહ્યું કે, જો 7 સપ્ટેમ્બર પહેલાં નિર્ણયમાં ફેરફાર કરવામાં નહીં આવે તો ઇસ્લામાબાદમાં શાંતિ નહીં રહે.

    આખરે પાકિસ્તાન સુપ્રીમ કોર્ટે કટ્ટરપંથીઓ સામે નમતું જોખવું પડ્યું. 24 જુલાઈએ ચીફ જસ્ટિસ ઇસા સહિત ત્રણ જજની બેન્ચે આ ચુકાદાની ફરીથી તપાસ આદરી. ન્યાયાધીશોએ પોતાના નિર્ણયમાં સુધાર કરતાં સ્પષ્ટતા કરી હતી કે, અહમદિયા સમુદાયને હજુ સુધી મુસ્લિમનો દરજ્જો નથી આપવામાં આવ્યો, તેથી તેઓ પોતાની ઈબાદતગાહો બહાર મઝહબી પ્રચાર કરી શકે નહીં.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં