ચીનમાં શાંઘાઇ સહયોગ સંગઠન (SCO) સમિટ ચાલી રહ્યું છે. 1 સપ્ટેમ્બરના રોજ તેનું પૂર્ણ સત્ર ભરાયું છે અને દુનિયાના નેતાઓ સમિટને સંબોધન કરીને વિવિધ મુદ્દાઓ પર પોતાના વિચારો રજૂ કરી રહ્યા છે. આ સમિટમાં ભાગ લેવા માટે પીએમ મોદી (PM Modi) પણ ચીન પહોંચ્યા છે. સોમવારે (1 સપ્ટેમ્બર) ચીનમાં SCO સમિટનું મહત્વપૂર્ણ સત્ર શરૂ થયું. જેમાં તમામ સભ્યદેશોના નેતાઓએ ચર્ચા કરી. આ દરમિયાન વડા પ્રધાન મોદીએ પહલગામ આતંકી હુમલાનો (Pahalgam terror attack) ઉલ્લેખ કરીને પાકિસ્તાનને ઘેર્યુ છે. પીએમ મોદીએ કહ્યું છે કે, આતંકવાદનું ખુલ્લુ સમર્થન સ્વીકાર્ય નથી.
નોંધનીય છે કે, આ સમિટમાં પાકિસ્તાનના વડા પ્રધાન પણ હાજર હતા. પીએમ મોદીએ સંબોધન દરમિયાન કહ્યું કે, આતંકવાદ પ્રાદેશિક શાંતિ માટે સૌથી મોટો જોખમ છે. ભારતે હંમેશા સરહદ પાર આતંકવાદ, અલગાવવાદ અને કટ્ટરવાદ વિરુદ્ધ ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી છે અને આગળ પણ તેના માટે પ્રતિબદ્ધ છે. ભારતે SCO સ્તર પર આતંકવાદને મળતી નાણાકીય સહાય અને કટ્ટરવાદનો સામનો કરવા માટે એક માળખું તૈયાર કરવાનો પ્રસ્તાવ રાખ્યો છે.
#WATCH | At the Shanghai Cooperation Council (SCO) Members Session in Tianjin, China, Prime Minister Narendra Modi says, "Security, peace and stability are the basis of development of any country. But terrorism, separatism and extremism are big challenges in this path. Terrorism… pic.twitter.com/BCEm6JfJFj
— ANI (@ANI) September 1, 2025
પીએમ મોદીએ કહ્યું છે કે, આતંકવાદ અને ડ્રોન જેવા નવા જોખમોનો સામનો કરવા માટે તૈયાર રહેવું પડશે. વધુમાં તેમણે કહ્યું કે, કોઈપણ દેશના વિકાસનો આધાર સુરક્ષા, શાંતિ અને સ્થિરતા છે, પણ આતંકવાદ, અલગાવવાદ અને કટ્ટરવાદ આ માર્ગ પર એક મોટો પડકાર બની રહ્યા છે. આતંકવાદ સમગ્ર માનવતા માટે જોખમ છે. તેમણે કહ્યું કે, કોઈપણ દેશ, કોઈપણ સમાજ આતંકવાદથી સુરક્ષિત નથી.
પહલગામ આતંકી હુમલાનો ઉલ્લેખ કરીને પાકિસ્તાનને ઘેર્યુ
પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે, ભારતે આતંકવાદ વિરુદ્ધ એકતા પર ભાર આપ્યો છે. SCO-RATSએ આ દિશામાં યોગદાન પણ આપ્યું છે. તેમણે અલ-કાયદા જેવા સંગઠનનો ઉલ્લેખ કરીને કહ્યું છે કે, આ વર્ષે ભારતે ‘અલ-કાયદા’ અને તેની સાથે સંકળાયેલા સંગઠનો વિરુદ્ધ સંયુક્ત સૂચના અભિયાનનું નેતૃત્વ કર્યું હતું. ભારતે આતંકવાદના પોષણ માટે પણ અવાજ ઉઠાવ્યો છે અને તેના પર મળેલા સમર્થન માટે આભાર પણ વ્યક્ત કર્યો છે.
પીએમ મોદીએ યાદ અપાવ્યું કે, ભારત છેલ્લા ચાર દાયકાઓથી નિર્દયી આતંકવાદનો ભોગ બનતું રહ્યું છે. ઘણી માતાઓએ પોતાના બાળકો ખોયા છે અને અનેક બાળકો અનાથ થયા છે. તેમણે પહલગામ આતંકી હુમલા વિશે વાત કરતા કહ્યું કે, તાજેતરમાં જ પહલગામમાં આતંકવાદનું ધૃણિત સ્વરૂપ સામે આવ્યું છે. આ વિકટ સમયમાં સાથે ઊભા રહેલા દેશોનો આભાર પ્રગટ કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે, આ હુમલો માત્ર ભારતની આત્મા પરનો હુમલો નહોતો, પરંતુ માનવતામાં વિશ્વાસ કરતા તમામ દેશો અને દરેક વ્યક્તિ માટે એક પડકાર હતો.
#WATCH | "We have to say clearly and unanimously that no double standards are acceptable on terrorism…" says Prime Minister Narendra Modi at the Shanghai Cooperation Council (SCO) Members Session in Tianjin, China
— ANI (@ANI) September 1, 2025
PM Modi says, "… This attack was an open challenge to every… https://t.co/n9LlMc91Kq pic.twitter.com/UtlvwlHo5B
પીએમ મોદીએ સંબોધનમાં સવાલ પણ કર્યા છે. તેમણે પૂછ્યું કે, કેટલાક દેશો દ્વારા ખુલ્લેઆમ આતંકવાદને સમર્થન આપવું એ આપણાં માટે સ્વીકાર્ય કઈ રીતે હોય શકે? તેમણે પાકિસ્તાનને ઘેરતા સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, આતંકવાદ પર કોઈ બેવડા ધોરણો સ્વીકાર્ય નથી. તમામ દેશોએ આતંકવાદના દરેક રૂપ અને રંગનો સાથે મળીને વિરોધ કરવો પડશે. આ માનવતા પ્રત્યેની એક ફરજ છે.
અન્ય બાબતો પર પણ કરી ચર્ચા
આતંકવાદ સિવાયના અનેક મુદ્દાઓ પર પણ પીએમ મોદીએ ચર્ચા કરી છે. તેમણે મજબૂત કનેક્ટિવિટી વિશે વાત કરતા કહ્યું કે, મજબૂત કનેક્ટિવિટી માત્ર વેપાર જ નહીં, પણ વિશ્વાસ અને વિકાસના દરવાજા પણ ખોલે છે. તેમણે ચાબહાર પોર્ટ અને ઇન્ટરનેશનલ નોર્થ-સાઉથ ટ્રાન્સપોર્ટ કોરિડોરમાં ભારતના યોગદાન વિશે પણ વાત કરી હતી. આ દરમિયાન પીએમ મોદીએ ભારતના રીફોર્મ, પરફોર્મ અને ટ્રાન્સફૉર્મ પર પણ ભાર આપ્યો હતો.
પીએમ મોદીએ કહ્યું કે, આજે ભારત ‘રીફોર્મ, પરફોર્મ અને ટ્રાન્સફૉર્મ’ના મંત્ર પર આગળ વધી રહ્યું છે. કોવિડ હોય કે, વૈશ્વિક આર્થિક અસ્થિરતા, ભારતે દરેક પડકારને તકમાં ફેરવવાનો પ્રયાસ કર્યો છે. વ્યાપક સુધારાઓ પર સતત કામ થઈ રહ્યું છે, જેનાથી દેશમાં વિકાસ માટે નવી તકો ખુલી રહી છે અને આંતરરાષ્ટ્રીય સહયોગ પણ વધી રહ્યો છે. તેમણે તમામ દેશોને ભારતની વિકાસ યાત્રામાં જોડાવા આમંત્રણ આપ્યું છે.
પીએમ મોદીએ કહ્યું કે, ગ્લોબલ સાઉથની આકાંક્ષાઓને જૂના માળખામાં કેદ કરવી એ આવનારી પેઢીઓ સાથે ઘોર અન્યાય છે. તેમણે વધુમાં કહ્યું કે, આપણે નવી પેઢીના રંગીન સપનાઓને જૂના કાળા અને સફેદ પડદા પર બતાવી શકતા નથી. પડદાને બદલવો પડશે. SCO બહુપક્ષીયતા અને સમાવેશી વિશ્વ વ્યવસ્થા માટે માર્ગદર્શક બની શકે છે.


