Saturday, April 4, 2026
More
    હોમપેજગુજરાતગુજરાત યુનિવર્સિટીમાં RSS સંલગ્ન વિચારમંચની પ્રદર્શનીમાં કોંગ્રેસના વિદ્યાર્થી સંગઠન NSUIની ધમાલ: એડમિશન...

    ગુજરાત યુનિવર્સિટીમાં RSS સંલગ્ન વિચારમંચની પ્રદર્શનીમાં કોંગ્રેસના વિદ્યાર્થી સંગઠન NSUIની ધમાલ: એડમિશન રદ કરાયાં, કેમ્પસમાં પ્રવેશબંધી

    આરોપ લગાવ્યો છે કે NSUI દ્વારા વારંવાર એવી ઘટનાઓને અંજામ આપવામાં આવી રહ્યો છે, જેનાથી દેશને નુકસાન પહોંચે. પરિષદે તાજેતરમાં દિલ્હી AI સમિટમાં કોંગ્રેસીઓએ કરેલા 'નગ્ન પ્રદર્શન'નો ઉલ્લેખ પણ કર્યો હતો અને જવાબદાર લોકશાહીમાં આવી ઘટનાઓને કલંક ગણાવી હતી.

    - Advertisement -

    તાજેતરમાં વિચારમંચ અને ગુજરાત યુનિવર્સિટીનો સંલગ્ન એક પ્રદર્શની કાર્યક્રમ યુનિવર્સિટીમાં યોજાયો હતો, જે દરમિયાન ત્યાં કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ NSUIના લગભગ 10-15 કાર્યકર્તાઓ આવી પહોંચ્યા હતા અને હોબાળો કરવા લાગ્યા હતા. તેમણે પ્રદર્શનીમાં રહેલાં પોસ્ટરો પણ ફાડી નાખ્યાં હતાં અને મહાપુરુષોનું અપમાન પણ કર્યું હતું. વધુમાં NSUI ગુજરાતના સોશિયલ મીડિયા પેજ પર ગર્વ સાથે આ ઘટનાના વિડીયો અને ફોટો પોસ્ટ કર્યા હતા. આ મામલે ગુજરાત યુનિવર્સિટીએ પોતે ફરિયાદી બનીને FIR નોંધાવી હોવાનું સામે આવ્યું છે. 

    સમગ્ર ઘટના વિશે વિગતે વાત કરીએ તો આ ઘટના સોમવારે (23 ફેબ્રુઆરી) ગુજરાત યુનિવર્સિટી ખાતે બનવા પામી હતી. RSS સાથે સંકળાયેલા વિચારમંચ અને ગુજરાત યુનિવર્સિટીએ સાથે મળીને અહીં એક પ્રદર્શનીનું આયોજન કર્યું હતું, જેનું શીર્ષક હતું ‘રાષ્ટ્રીય સંગોષ્ઠી- ભારત કી વૈશ્વિક ભૂમિકા’. પ્રદર્શનીમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની ઘણી વાતો પુરાવા અને રિસર્સ સાથે રજૂ કરવામાં આવી હતી. સંઘના બાબાસાહેબ આંબેડકર સાથેના સંબંધો, સરદાર પટેલ સાથેના સંબંધો અને ગાંધીના સંઘ માટેના વિચારો જેવી બાબતો પોસ્ટરો દ્વારા પ્રદર્શનીમાં મૂકવામાં આવી હતી. 

    પોસ્ટર અને સ્લાઇડ્સ સ્વરૂપે આ તમામ માહિતીઓ ત્યાં દર્શાવવામાં આવી હતી અને સાથે પુરાવા પણ જોડવામાં આવ્યા હતા. લગભગ 400-500 માણસો આ પ્રદર્શની નિહાળવા માટે ત્યાં આવ્યા હતા. તેવામાં લગભગ બપોરે 12:15 આસપાસ અચાનક NSUIના કાર્યકર્તાઓ ત્યાં આવી પહોંચ્યા હતા અને ભારે હોબાળો કરવા લાગ્યા હતા. તેમણે નારાઓ લગાવીને પોસ્ટરો ફાડવાનું શરૂ કરી દીધું હતું અને પ્રદર્શની પણ અટકાવી દીધી હતી. બાદમાં પોલીસે તમામની અટકાયત પણ કરી હતી.

    - Advertisement -

    ‘ભારત માતા અને મહાપુરુષોનું પણ કર્યું અપમાન’- ABVP

    ઑપઇન્ડિયા સાથેની વાતચીતમાં ABVPના કર્ણાવતી મહાનગર મંત્રી ધ્રુમિલ અખાણીએ જણાવ્યું હતું કે પ્રદર્શનીમાં જેટલાં પણ પોસ્ટર લગાવાયાં હતાં તે તમામ રિસર્ચ પર આધારિત હતાં અને સાથે જ પુરાવા પણ જોડવામાં આવ્યા હતા. સરળ ભાષામાં કહીએ તો મળેલા તે તમામ પુરાવાઓ અને ડોક્યુમેન્ટ્સની જ પ્રદર્શની યોજવામાં આવી હતી. જેમકે બાબાસાહેબ આંબેડકર જે સમયે ચૂંટણી લડ્યા હતા ત્યારે સંઘે શું સહયોગ કર્યો હતો, સંઘ માટેના તેમના વિચારો શું હતા, ગાંધીના વિચારો સંઘ માટે કેવા હતા અને સરદાર પટેલના શું વિચારો હતા, આ બધી બાબતો એકઠી કરીને સ્લાઇડ્સ બનાવવામાં આવી હતી. 

    સરદાર પટેલ અને ભૂતપૂર્વ સરસંઘચાલક ગુરુ ગોળવેલકર વચ્ચેના પત્રવ્યવહારો પણ જોડવામાં આવ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમ ભારતની વૈશ્વિક ભૂમિકા પર વિચારમંથન માટેનો હતો, તેમ છતાં NSUIના કાર્યકર્તાઓએ ત્યાં આવીને હોબાળો કર્યો અને તમામ પોસ્ટર્સ ફાડી નાખ્યાં.

    ABVP મંત્રીએ કટાક્ષ કરતાં એવું પણ કહ્યું હતું કે તેમના નેતાઓ હાથમાં બંધારણની નકલો લઈને ફરે છે, પણ તેઓ બંધારણના ઘડવૈયાનું જ અપમાન કરે છે. પ્રદર્શનીમાં NSUIના કાર્યકર્તાઓએ બાબાસાહેબના નામ પર બ્લેડ મારી હતી, એવી જ રીતે ગાંધી અને સરદાર પટેલના નામ પર પણ બ્લેડ મારી દેવામાં આવી હતી. પરિષદે આરોપ લગાવતા કહ્યું કે આરોપીઓ એટલા રાજકારણમાં ઘૂસી ગયા હતા કે તેમણે ભારત લખેલા એક હોર્ડિંગને પણ તોડી પાડ્યું હતું. તેમણે આ સમગ્ર ઘટનાને ભારતની અખંડિતતા અને એકતાને તોડવા માટેનું કાવતરું ગણાવ્યું છે.

    આરોપીઓએ ત્યાં આવીને વીર સાવરકરનું અપમાન પણ કર્યું હતું. તેમને ‘માફી માગનારા’ કહેવામાં આવ્યા હતા અને વારંવાર વિવાદિત નારા પણ લગાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત તેમણે સંઘ પર પણ પ્રહાર કર્યા હતા અને દેશના વિકાસમાં તથા સ્વતંત્રતામાં સંઘની કોઈ ભૂમિકા ન હોવાનો દાવો પણ કર્યો હતો. 

    નોંધનીય છે કે NSUIએ સંઘ પર આરોપ લગાવ્યા હતા કે તેઓ સમાજમાં ખોટી માહિતી ફેલાવી રહ્યા છે અને યુનિવર્સિટીમાં પોતાની વિચારધારાનો પ્રચાર કરી રહ્યા છે. આરોપ એવો પણ લગાવવામાં આવ્યો કે બી. આર આંબેડકર અને સરદાર પટેલ વિશે અમુક જ પ્રકારની અને સિલેક્ટિવ માહિતી દર્શાવવામાં આવી છે. ઇતિહાસ તોડી-મરોડીને રજૂ કરવાના આરોપો ABVPએ સંપૂર્ણપણે ફગાવી દીધા છે અને પ્રદર્શની રિસર્સ અને પુરાવા પર આધારિત હોવાનું સ્પષ્ટ કર્યું છે. NSUIના કાર્યકર્તાઓના હોબાળાના વિરોધમાં 23 ફેબ્રુઆરીએ ABVPએ પણ વિરોધ પ્રદર્શન હાથ ધર્યું હતું અને કડક કાર્યવાહીની માગણી કરી હતી. 

    હાલ જાણવા મળી રહ્યું છે કે ગુજરાત યુનિવર્સિટીએ પોતે ફરિયાદી બનીને NSUIના ઘણા કાર્યકર્તાઓ વિરુદ્ધ નામજોગ અને અન્ય ટોળા સામે ફરિયાદ દાખલ કરી છે અને આ ઘટના સાથે સંકળાયેલા તમામ વિદ્યાર્થીઓને પણ પ્રતિબંધિત કરી દેવાયા છે તથા તેમના એડમિશન પણ રદ કરી દેવાયાં છે. પોલીસે આ મામલે FIR દાખલ કરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

    ગુજરાત યુનિવર્સિટીએ દલીલ કરી છે કે આ ઘટના ભારત માતા, બાબાસાહેબ આંબેડકર, વીર સાવરકર અને અન્ય મહાપુરુષોનું અપમાન છે અને આ ઘટનાથી કરોડો હિંદુઓની લાગણીને પણ ઠેસ પહોંચી છે. જોકે, હાલ આરોપીઓની શું સ્થિતિ છે તે વિશેની માહિતી મળી શકી નથી, પણ FIR નોંધાઈ ચૂકી છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આરોપીઓનો ઓળખ ચિરાજ દરજી, નારાયણ ભરવાડ, યશરાજસિંહ ખેર, શિવરાજસિંહ બારડ, સંજય સોલંકી, મીત પનારા, કશિશ ડામોર, હર્ષ ચૌહાણ, પૃથ્વી દેસાઈ અને અન્ય માણસો તરીકે થઈ છે.

    ABVPએ આ ઘટનાની ટીકા કરી છે અને આરોપ લગાવ્યો છે કે NSUI દ્વારા વારંવાર એવી ઘટનાઓને અંજામ આપવામાં આવી રહ્યો છે, જેનાથી દેશને નુકસાન પહોંચે. પરિષદે તાજેતરમાં દિલ્હી AI સમિટમાં કોંગ્રેસીઓએ કરેલા ‘નગ્ન પ્રદર્શન’નો ઉલ્લેખ પણ કર્યો હતો અને જવાબદાર લોકશાહીમાં આવી ઘટનાઓને કલંક ગણાવી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં