Saturday, May 4, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘જય શ્રીરામ ન કહેવા બદલ ચાલતી ટ્રેનમાં મારપીટ કરી’: આસિમે કર્યો દાવો,...

    ‘જય શ્રીરામ ન કહેવા બદલ ચાલતી ટ્રેનમાં મારપીટ કરી’: આસિમે કર્યો દાવો, મીડિયાએ ‘ધર્મના નામે ગુંડાગીરી’ ગણાવી; હકીકત સાવ વિપરીત

    14 જાન્યુઆરીએ મીડિયામાં એક સમાચાર પ્રસારિત થયા હતા અને જેમાં જણાવવામાં આવ્યું હતું કે દિલ્હીથી પ્રતાપગઢ જતી ‘પદ્માવત એક્સપ્રેસ’માં એક મુસ્લિમ વ્યક્તિને નિર્વસ્ત્ર કરીને મારવામાં આવ્યો હતો અને તેનું કારણ એ જણાવવામાં આવ્યું કે તેણે ‘જય શ્રીરામ’ બોલવાનો ઇનકાર કર્યો હતો.

    - Advertisement -

    ભૂતકાળમાં અનેક વખત એવું બન્યું છે કે કોઈ મુસ્લિમ વ્યક્તિએ તેને હિંદુઓ દ્વારા મારપીટ કરીને કે અન્ય રીતે પ્રતાડિત કરીને ‘જય શ્રીરામ’ બોલવા માટે મજબુર કર્યો હોવાનો આરોપ લગાવ્યો હોય પરંતુ હકીકત કંઈક જુદી જ સામે આવી હોય. આવો વધુ એક કિસ્સો તાજેતરમાં સામે આવ્યો છે, જ્યાં એક વ્યક્તિએ ખોટો દાવો કર્યો હતો અને તેને આગળ મીડિયાથી માંડીને અમુક રાજકારણીઓએ પણ ભૂમિકા ભજવી હતી. 

    ઘટના ઉત્તર પ્રદેશના મુરાદાબાદની છે. 14 જાન્યુઆરીએ મીડિયામાં એક સમાચાર પ્રસારિત થયા હતા અને જેમાં જણાવવામાં આવ્યું હતું કે દિલ્હીથી પ્રતાપગઢ જતી ‘પદ્માવત એક્સપ્રેસ’માં એક મુસ્લિમ વ્યક્તિને નિર્વસ્ત્ર કરીને મારપીટ કરવામાં આવી હતી અને તેનું કારણ એ જણાવવામાં આવ્યું કે તેણે ‘જય શ્રીરામ’ બોલવાનો ઇનકાર કર્યો હતો. 

    આજતકના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો કે, આસિમ નામના એક યુવકને પદ્માવત એક્સપ્રેસમાં ‘જય શ્રીરામ’ના નારા ન બોલવા બદલ મારવામાં આવ્યો હતો. ત્યારબાદ માર મારનારાઓએ ચોરીનો આરોપ લગાવી દીધો હોવાનું પણ જણાવવામાં આવ્યું હતું. 

    - Advertisement -

    ABP ન્યૂઝના ટ્વિટર હેન્ડલ પરથી પણ એક ટ્વિટ કરીને આ રિપોર્ટ ચલાવવામાં આવ્યો છે સાથે ‘ધર્મના નામે ગુંડાગીરી’ પણ લખવામાં આવ્યું. ઉપરાંત, ઝી ન્યૂઝે પણ ‘જય શ્રીરામ’ના નારા ન લગાવવા બદલ ટ્રેનમાં મુસ્લિમ કારોબારી સાથે મારપીટ થઇ હોવાના દાવા સાથે અહેવાલ પ્રકાશિત કર્યો હતો. 

    ત્યારબાદ AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી પણ આ વિવાદમાં કૂદ્યા હતા. તેમણે આસિમનો એક વિડીયો પોસ્ટ કરીને RSS અને ડૉ. મોહન ભાગવત પર આરોપો લગાવી દીધા હતા અને સાથે કાર્યવાહીની પણ માંગ કરી હતી. 

    આ વીડિયોમાં આસિમ કહે છે કે, તે દિલ્હીથી મુરાદાબાદ જઈ રહ્યો હતો અને હાપુડમાં કેટલાક લોકો ચડ્યા અને ધક્કા-મુક્કી કરવા માંડ્યા. એક વ્યક્તિએ પાછળથી કહ્યું કે આ ચોર છે. ત્યારપછી અચાનક બધાએ માર મારવાનું શરૂ કરી દીધું અને મારી દાઢી ખેંચી. આગળ તે કહે છે કે, તેમણે તેને જય શ્રી રામના નારા લગાવવા માટે કહેવામાં આવ્યું હતું, જેનો તેણે ઇનકાર કરી દીધો હતો. તેણે કહ્યું કે, ત્યારબાદ તેને નિર્વસ્ત્ર કરીને મારવામાં આવ્યો હતો.

    શું છે આ દાવા પાછળનું સત્ય?

    ઘટના બાદ બીજા દિવસે રાત્રે રેલવે પોલીસ સમક્ષ ફરિયાદ દાખલ કરાવવામાં આવી હતી. જેના આધારે FIR દાખલ કરીને મુરાદાબાદ GRP દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. ફરિયાદમાં મુસ્લિમ યુવકે તેની સાથે ‘જય શ્રીરામ’ના નારા લગાવવાનું કહીને મારપીટ કરવામાં આવી હોવાનો આરોપ લગાવ્યો હતો. 

    પોલીસે ઘટનાની તપાસ કરી ત્યારે જાણવા મળ્યું હતું કે આસિમ એક મહિલાની છેડતી કરી રહ્યો હતો અને એટલે તેને અન્ય મુસાફરોએ મેથીપાક ચખાડ્યો હતો. પોલીસે ‘જય શ્રીરામ’ના નારા લગાવવા માટે દબાણ કરવામાં આવ્યું હોવાની વાત સદંતર નકારી દીધી હતી અને કહ્યું કે તપાસમાં એવું કશું જ સામે આવ્યું નથી. 

    મુરાદાબાદ GRPના પોલીસ અધિક્ષકે એક વિડીયો બાઈટમાં જણાવ્યું હતું કે, “ફરિયાદીનું કહેવું છે કે મારી દાઢી પકડીને મારવામાં આવ્યો અને જય શ્રીરામના નારા લગાવવામાં આવ્યા, પરંતુ તપાસમાં આ પ્રકારની કોઈ બાબતો સામે આવી નથી. એવું જાણવા મળ્યું છે કે ફરિયાદી મહિલાની છેડતી કરી રહ્યો હતો અને જેથી ત્યાં હાજર લોકોએ તેને માર્યો હતો. આ મામલે પણ તપાસ થઇ રહી છે અને કોઈ ફરિયાદ મળ્યે આગળની કાર્યવાહી કરવામાં આવશે.” 

    પત્રકારો સાથેની વાતચીત બાદ ફરિયાદ નોંધાઈ હતી: પોલીસ

    આ મામલે ઑપઇન્ડિયાએ પણ મુરાદાબાદ પોલીસના અધિકારી સાથે વાતચીત કરી હતી. જેમાં પણ તેમણે જણાવ્યું હતું કે, આસિમ મહિલાની છેડતી કરી રહ્યો હતો જેના કારણે અન્ય યાત્રિકોએ તેની સાથે મારપીટ કરી હતી, ‘જય શ્રીરામ’ના નારા લગાવવાની કોઈ વાત નથી. 

    પોલીસે એ પણ જણાવ્યું હતું કે, આ ઘટના 12 જાન્યુઆરીના રોજ બની હતી. ત્યારબાદ એક દિવસ પછી કેટલાક પત્રકારો સાથે વાતચીત થયા બાદ આસિમ ફરિયાદ નોંધાવવા માટે પોલીસ મથકે આવ્યો હતો અને 13મીએ રાત્રે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં