Wednesday, April 24, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ60થી વધુ રોહિંગ્યાઓને લઈને આંદામાન પહોંચી બોટ: બાંગ્લાદેશથી ભાગીને આવ્યા હતા, ગૃહ...

    60થી વધુ રોહિંગ્યાઓને લઈને આંદામાન પહોંચી બોટ: બાંગ્લાદેશથી ભાગીને આવ્યા હતા, ગૃહ મંત્રાલયને જાણ કરાઈ

    આ બોટ બાંગ્લાદેશથી ઇન્ડોનેશિયા જઈ રહી હતી પરંતુ ખરાબ હવામાનના કારણે તેઓ આંદામાન-નિકોબાર આવી પહોંચ્યા હતા.

    - Advertisement -

    બાંગ્લાદેશથી ભાગી આવેલા રોહિંગ્યાઓની એક બોટ સોમવારે (13 ફેબ્રુઆરી, 2023) સવારે આંદામાન-નિકોબાર પહોંચી હતી. આ બોટમાં 69 જેટલા રોહિંગ્યાઓ સવાર હતા. તેમના કહેવા અનુસાર તેઓ 2 અઠવાડિયાં પહેલાં શરણાર્થી કેમ્પમાંથી ભાગી છૂટ્યા હતા. 

    સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું કે, ‘મા-બાબર દોઆ’ નામની એક બોટ સવારે લગભગ સાડા દસ વાગ્યે નિકોબારના મલક્કા કિનારે પહોંચી હતી. હોડીમાં 19 પુરુષો, 22 મહિલાઓ અને 28 બાળકો સવાર હતાં. આ લોકો લગભગ બે અઠવાડિયાં પહેલાં બાંગ્લાદેશથી શરણાર્થી કેમ્પમાંથી ભાગી આવ્યા હોવાની અધિકારીઓએ પણ પુષ્ટિ કરી હતી. 

    જાણવા મળ્યા અનુસાર, આ બોટ બાંગ્લાદેશથી ઇન્ડોનેશિયા જઈ રહી હતી પરંતુ ખરાબ હવામાનના કારણે તેઓ આંદામાન-નિકોબાર આવી પહોંચ્યા હતા. વધુમાં તેમની મોટરબોટનું ઇંધણ પણ ખતમ થઇ ગયું હતું. 

    - Advertisement -

    અધિકારીઓએ કહ્યું કે, હાલ તમામની મેડિકલ તપાસ કરવામાં આવી રહી છે અને હમણાં કંઈ પણ કહેવું ઉતાવળ ગણાશે પરંતુ એક મેડિકલ ટીમ આ તમામ લોકોની હેલ્થ કન્ડિશનની તપાસ કરી રહી છે. ઉપરાંત, તેમને ભોજન અને દવાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી હોવાનું જણાવવામાં આવ્યું હતું. 

    આ મામલે આંદામાન-નિકોબારના તંત્ર દ્વારા કેન્દ્રીય ગૃહ મંત્રાલય અને વિદેશ મંત્રાલયને પણ અધિકારીક રીતે જાણકારી આપી દેવામાં આવી હોવાનું જણાવવામાં આવ્યું છે. 

    અહીં ઉલ્લેખનીય છે કે જાન્યુઆરી 2020માં બાંગ્લાદેશથી 66 રોહિંગ્યાઓને લઈને આવતી એક બોટ તારમુગલી દ્વીપ પાસેથી પકડાઈ હતી. આ વિસ્તાર પ્રતિબંધિત નોર્થ સેન્ટિનલ દ્વીપથી લગભગ 34 કિલોમીટર જેટલી દૂર પકડાઈ હતી.

    આ નોર્થ સેન્ટિનલ દ્વીપ આંદામાન નિકોબારમાં જ સ્થિત છે પરંતુ ત્યાં કોઈને પણ જવાની પરવાનગી આપવામાં આવતી નથી. અહીં એવો સમુદાય રહે છે જેમનો બહારની દુનિયા સાથે કોઈ સંપર્ક નથી અને બહારથી કોઈ પણ જવાના પ્રયાસ કરે તેને તેઓ મારી નાંખે છે. 

    રોહિંગ્યા મુસ્લિમોનો એક સમુદાય છે. મ્યાનમારના રખાઈન પ્રાંતમાં તેમની મોટી વસ્તી રહે છે પરંતુ અનેક દાયકાઓ પહેલાં તેમણે સ્થળાંતર શરૂ કરી દીધું હતું. તેઓ પોતે મ્યાનમારના મુસ્લિમોના વંશજ હોવાનો દાવો કરે છે જ્યારે મ્યાનમાર તેમને બાંગ્લાદેશી ઘૂસણખોરો ગણાવે છે. 2012માં રખાઈન પ્રાંતમાં મોટાપાયે હિંસા ફાટી નીકળ્યા બાદ લાખો રોહિંગ્યાઓએ ત્યાંથી સ્થળાંતરણ કરી લીધું હતું અને ભારત અને બાંગ્લાદેશ સહિતના દેશોમાં જઈને વસી ગયા હતા. ભારતમાં પણ રોહિંગ્યા મુસ્લિમો હજારોની સંખ્યામાં રહે છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં