અમદાવાદના (Ahmedabad) ચંડોળામાં (Chandola) મેગા ડિમોલિશન (Mega Demolition) 2.0 થઈ ચૂક્યું છે. મંગળવારે (20 મે) વહેલી સવારે 6 વાગ્યાથી કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી હોવાનું સામે આવ્યું છે. ઈસનપુર વિસ્તારમાં આવેલા સૂર્યનગર પોલીસ ચોકીથી મીરા સિનેમા તરફના રોડ પર આવેલા તમામ ગેરકાયદે મકાનો ધ્વસ્ત કરવામાં આવી રહ્યા છે. પહેલા તબક્કામાં શરૂ થયેલી બુલડોઝર કાર્યવાહી (Bulldozer Action) કરતાં આ તબક્કામાં બમણી કાર્યવાહી કરવામાં આવી રહી છે.
માહિતી અનુસાર, પ્રથમ તબક્કામાં 1.5 લાખ વર્ગ મીટર જમીન ખાલી કરવામાં આવી હતી, જ્યારે હવે બીજા તબક્કામાં 2.5 લાખ વર્ગ મીટર જમીનને સમતલ કરવામાં આવશે. આ સમગ્ર કાર્યવાહી દરમિયાન 60 JCB, 40 ક્રેન, 3000 પોલીસકર્મીઓ ખડપગે રહેશે. AMCએ સોમવારે બપોરે જ આખા વિસ્તારમાં માઇક ફેરવીને લોકોને ઘર ખાલી કરવાની ચેતવણી આપી દીધી હતી. તે સિવાય અઠવાડિયાથી ત્યાં રહેતા લોકોને મકાનો ખાલી કરવા માટેની ચેતવણી આપવામાં આવી રહી હતી.
2025માં પકડાયેલા 205 બાંગ્લાદેશીઓમાંથી 207 ચંડોળાના- પોલીસ
આ સમગ્ર કાર્યવાહીને લઈને અમદાવાદ શહેર પોલીસ કમિશનર જીએસ મલિકે મીડિયાને માહિતી પણ આપી છે. તેમણે કહ્યું છે કે, ચંડોળા તળાવ ઘણા સમયથી બાંગ્લાદેશી ઘૂસણખોરોનો અડ્ડો બની ગયો હતો અને ગેરકાયદેસર કામો પણ થવા લાગ્યા હતા. 2025માં અમદાવાદમાંથી 250 બાંગ્લાદેશીઓ પકડાયા હતા અને તેમાંથી 207 તો માત્ર ચંડોળામાંથી પકડવામાં આવ્યા હતા. દરવર્ષે 10-20-40 જેટલા બાંગ્લાદેશીઓ પકડાતાં રહ્યા છે. તેમણે વધુમાં કહ્યું કે, બીજા તબક્કાની કાર્યવાહી માટે એક જોઇન્ટ કમિશનર, એક એડિશનલ કમિશનર, 6 DCP અને PI વગેરે મળીને કુલ 3000 પોલીસકર્મીઓની તૈનાતી કરવામાં આવી છે.
વધુમાં તેમણે જણાવ્યું કે, તે સિવાય 25 SRPFની કંપનીઓ પણ પોલીસ પાસે છે. તે સિવાય ડ્રોનનો ઉપયોગ પણ કરવામાં આવશે. આ સાથે જ તેમણે કહ્યું કે, પહેલાંની કાર્યવાહીમાં લગભગ 1.5 લાખ વર્ગ મીટર જમીન ખાલી કરાવી હતી અને હવે 2.5 લાખ વર્ગ મીટર જમીન ખાલી કરાવવા માટેનું ઑપરેશન શરૂ કરવામાં આવ્યું છે. સાથે એવું પણ કહેવાયું છે કે, લગભગ ત્રણ-ચાર દિવસ સુધી ડિમોલિશનની આ કાર્યવાહી કરવામાં આવશે. તેમ છતાં જો દિવસો વધે તોપણ પોલીસ સંપૂર્ણપણે તૈયાર છે.
નોંધનીય છે કે, ચંડોળા ડિમોલિશનની કાર્યવાહી સરકાર તરફથી આયોજનપૂર્વક શરૂ કરવામાં આવી છે. તેને અટકાવવા માટે ઘણા ઘૂસણખોરોના સમર્થકો હાઇકોર્ટ સુધી પણ પહોંચી ગયા હતા. જોકે, હાઇકોર્ટે કાર્યવાહીને લીલી ઝંડી આપી દીધી હતી અને ત્યારથી આ કાર્યવાહી ચાલી રહી છે. આ પહેલાં હજારોની સંખ્યામાં ગેરકાયદે બાંગ્લાદેશીઓને પણ પકડવામાં આવ્યા હતા.