તાજેતરમાં જ ICC ચેમ્પિયન્સ ટ્રોફીની સેમિફાઇનલમાં ભારતીય ક્રિકેટ ટીમે ઑસ્ટ્રેલિયાને હરાવીને ફાઇનલમાં સ્થાન મેળવી લીધું, જેના કારણે દેશભરમાં ખેલાડીઓની પ્રશંસા થઈ રહી છે. પણ બરેલી, ઉત્તર પ્રદેશના ઑલ ઇન્ડિયા મુસ્લિમ જમાતના રાષ્ટ્રીય અધ્યક્ષ મૌલાના શાહબુદ્દીન રઝવી બરેલવીએ અલગ જ વિવાદને જન્મ આપી દીધો છે. તેમણે રમજાનમાં ‘જાણીજોઈને’ રોજા ન રાખવા બદલ ક્રિકેટર મોહમ્મદ શમીને ‘ગુનેગાર’ ઠેરવી દીધો છે.
એક વિડીયો બાઈટ મારફતે રઝવીએ આ વાત કહી. તેઓ શું કહે છે એ સાંભળો.
बरेली, उत्तर प्रदेश: ऑल इंडिया मुस्लिम जमात के राष्ट्रीय अध्यक्ष मौलाना शहाबुद्दीन रजवी बरेलवी ने भारतीय क्रिकेटर मोहम्मद शमी के रोजा न रखने पर कहा, "इस्लाम ने रोज़े को फर्ज़ करार दिया है। सभी पर रोज़ा फर्ज़ है। अगर कोई जानबूझकर रोज़ा नहीं रखता, तो वह गुनहगार है। ऐसा ही क्रिकेटर… pic.twitter.com/lHm2Ysex2R
— IANS Hindi (@IANSKhabar) March 6, 2025
“ઇસ્લામમાં રોજાને ફરજ કહેવામાં આવ્યો છે. મહિલા, પુરુષ તમામે રોજા રાખવા ફરજ છે. જો કોઈ શખ્સ જાણીજોઈને રોજા ન રાખે તો ગુનેગાર છે. આવું જ ક્રિકેટર મોહમ્મદ શમીએ કર્યું. તેમણે રોજા ન રાખ્યા. જ્યારે તેમણે રોજા રાખવા ફરજિયાત છે. તેમણે રોજા ન રાખીને મોટો ગુનો કર્યો છે. શરિયતની નજરમાં તેઓ ગુનેગાર છે. સવાલોના કઠેડામાં ઊભા છે. તેમણે કોઈ પણ સંજોગોમાં આવું ન કરવું જોઈએ. હું તેમને સલાહ આપું છું કે ઇસ્લામના જે નિયમો છે, તેનું કડક પાલન કરે. ક્રિકેટ અને ખેલકૂદ પણ કરે, બીજાં તમામ કામ કરે, પણ અલ્લાહે જે જવાબદારી આપી છે, ઇસ્લામના જે નિયમો છે, તે પણ પાળવા જ પડશે. મોહમ્મદ શમીએ આ વાત સમજવી જોઈએ.” (મૌલાનાએ અમુક ઉર્દૂ શબ્દો વાપર્યા છે, જે ભાવાનુવાદમાં સરળ અને સમજાય એવી ભાષા કરવા માટે બદલવામાં આવ્યા છે એ વાચકોની જાણ સારુ.)
વાસ્તવમાં મેચ દરમિયાન મોહમ્મદ શમીનો એક ફોટો પણ વાયરલ થયો હતો, જેમાં તેઓ એનર્જી ડ્રીંક પીતા જોવા મળે છે. આ મેચ 4 માર્ચના રોજ રમાઈ હતી, જ્યારે 1 માર્ચથી ઇસ્લામિક મહિનો રમજાન શરૂ થયો છે, જેમાં મુસ્લિમો રોજા રાખે છે.
શમીનો આ ફોટો વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા પર અન્ય અમુક મુસ્લિમ યુઝરોએ પણ તેમને ટ્રોલ કર્યા હતા અને કોઈએ કહ્યું કે તે માત્ર નામનો મુસ્લિમ છે તો કોઈએ ‘શરમ’ અનુભવવાની સલાહ પણ આપી દીધી હતી.
જોકે બીજી તરફ ઘણા શમીના સમર્થનમાં પણ આવ્યા છે. જેમની દલીલ છે કે ઇસ્લામમાં રોજા રાખવા આવશ્યક છે પરંતુ સાથે કુરાનમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે મુસાફરી કરનારાઓ તેમાંથી મુક્તિ મેળવી શકે છે અને શમી હાલ દેશ બહાર છે, ટ્રાવેલ કરી રહ્યા છે જેથી તેઓ રોજા ન રાખે એ સમજી શકાય એમ છે. દિલ્હીની મોતી મસ્જિદના ઇમામ મૌલાના અરશદે આ વાત કહી હતી.