ભારતમાં નક્સલવાદ આમ પણ હવે તેના અંતિમ દિવસો ગણી રહ્યો છે ત્યારે તાજેતરમાં માઓવાદીઓએ કેન્દ્ર સરકાર સમક્ષ એક મહિના માટે હથિયાર હેઠાં મૂકીને વાતચીત કરવા માટે પ્રસ્તાવ મૂક્યો છે. મંગળવારે (16 સપ્ટેમ્બર) રાત્રે આ સમાચાર સામે આવ્યા. CPI–માઓવાદીએ એક મહિના સુધી શસ્ત્રો ન ઉઠાવવાની બાંહેધરી આપીને કેન્દ્ર સરકાર સાથે વાતચીત કરવા માટે ઑફર મૂકી છે. કહેવામાં આવી રહ્યું છે કે સરકાર આ ઑફરની વિશ્વસનીયતા અને અન્ય પાસાંઓ ચકાસી રહી છે.
વાસ્તવમાં CPI-માઓવાદી તરફથી એક પ્રેસ રિલીઝ જારી કરવામાં આવી છે, જેમાં ‘અભય’ના નામથી નિવેદન આપવામાં આવ્યું છે. આ વાસ્તવમાં એક ઉપનામ છે, જે CPI-Mના પોલિટબ્યુરો અને સેન્ટ્રલ કમિટી સભ્ય મલ્લોજુલા વેણુગોપાલ રાવ પોતાના માટે વાપરે છે. નિવેદનમાં સંઘર્ષવિરામ કરવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે. માઓવાદીઓના પ્રસ્તાવમાં તેમના અન્ય નેતાઓ અને જેલમાં બંધ સભ્યો સાથે ચર્ચા કરવા માટે એક મહિનાનો સંઘર્ષવિરામ માંગવામાં આવ્યો હતો અને આ દરમિયાન નક્સલવાદીઓ વિરુદ્ધ કાર્યવાહી રોકવાની માંગ કરવામાં આવી હતી.
એક નિવેદનમાં CPI(M)એ જણાવ્યું કે, “પાર્ટીના મહાસચિવની (બસવરાજુ) પહેલથી શરૂ થયેલી શાંતિ પ્રક્રિયાને આગળ વધારવા માટે અમે સ્પષ્ટ કરીએ છીએ કે બદલાયેલી વૈશ્વિક અને રાષ્ટ્રીય પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને તેમજ વડા પ્રધાન, ગૃહ પ્રધાન અને દેશના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ દ્વારા શસ્ત્રો મૂકીને મુખ્ય પ્રવાહમાં જોડાવા માટે સતત કરવામાં આવતી વિનંતીઓને ધ્યાનમાં રાખીને અમે શસ્ત્રો છોડી દેવાનો નિર્ણય લીધો છે.”
નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે માઓવાદીઓ સશસ્ત્ર પ્રવૃત્તિઓ સ્થગિત કરીને જાહેર હિત માટે કામ કરતા અન્ય રાજકીય પક્ષો સાથે કામ કરવા તૈયાર છે. કેન્દ્ર સરકાર સાથે સીધી વાતચીતની ઑફર કરતાં નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “અમે આ મુદ્દા પર કેન્દ્રીય ગૃહમંત્રી અથવા તેમના દ્વારા નિયુક્ત અધિકારીઓ સાથે અથવા કોઈપણ પ્રતિનિધિમંડળ સાથે ચર્ચા કરવા તૈયાર છીએ.” આ સાથે જ પત્રમાં દેશભરમાં વિવિધ રાજ્યોમાં કાર્યરત અને જેલોમાં બંધ નક્સલીઓ પાસેથી સલાહ લેવાનો એક મહિનાનો સમય માંગ્યો છે.
આ સિવાય પત્રમાં વિડીયો કૉલથી વાતચીત કરવાનો પણ ઉલ્લેખ છે. તેમાં લખ્યું છે કે, “અમે ફરી એકવાર સ્પષ્ટ કરીએ છીએ કે (સરકારે) તાત્કાલિક એક મહિના માટે ઔપચારિક સંઘર્ષવિરામ જાહેર કરવો જોઈએ, શોધખોળ કામગીરી બંધ કરવી જોઈએ અને શાંતિ પ્રક્રિયાને આગળ વધારવી જોઈએ.”
છત્તીસગઢ પોલીસ ચકાસી રહી છે સત્યતા
છત્તીસગઢ પોલીસનું કહેવું છે કે તેઓ આ પ્રેસ રિલીઝની સત્યતા ચકાસી રહ્યા છે, કારણ કે અગાઉ સંગઠન જે પ્રકારે અખબારી યાદીઓ બહાર પાડતું હતું, તેનાથી ફોર્મેટ થોડું જુદું છે. જોકે પોલીસે સ્પષ્ટ કર્યું હતું કે આ દિશામાં કોઈ નિર્ણય લેવાનો રહેશે તો તે સંપૂર્ણપણે કેન્દ્ર સરકાર જ લેશે, ત્યાં સુધી નક્સલીઓ વિરુદ્ધની કાર્યવાહી ચાલુ જ રહેશે.
નોંધનીય છે કે આ વર્ષની શરૂઆતમાં છત્તીસગઢના બસ્તરમાં નમ્બાલા કેશવ રાવ ઉર્ફે બસવરાજુને ઠાર કરવામાં આવ્યો હતો, જે આ નક્સલવાદી ગતિવિધિઓના કેન્દ્રસ્થાને હતો. ત્યારથી નક્સલીઓ વધુ પડતા નબળા ગયા છે. આ પહેલાં પણ CPI-માઓવાદીએ સંઘર્ષવિરામ કરવાના પ્રસ્તાવો રજૂ કર્યા હતા, પણ કેન્દ્ર સરકારે સતત કાર્યવાહી ચાલુ જ રાખી અને એક પછી એક નક્સલ કમાન્ડરો વીંધાતા ગયા. તાજેતરમાં જ એક કરોડના ઈનામી સહદેવ સોરેન સહિત ત્રણ નક્સલીઓને ઠાર કરવામાં આવ્યા હતા. જેમ-જેમ માર્ચ 2026ની ડેડલાઈન નજીક આવી રહી છે તેમ નક્સલવાદીઓ ખતમ થતા જાય છે. એ જ કારણ છે કે હવે ફરી શાંતિપ્રસ્તાવો રજૂ કરવા માંડ્યા છે.
ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારના પ્રયાસોના પગલે પાછલાં કેટલાક વર્ષોમાં નક્સલવાદ પ્રેરિત ઘટનાઓમાં મોટી માત્રામાં ઘટાડો નોંધાયો છે. માઓવાદ વિરોધી કાર્યવાહીના પગલે 2024-25 દરમિયાન અનેક નક્સલીઓ ઠાર મરાયા છે. સરકારની નક્સલીઓને પુર્નવસન કરાવવાની નીતિના પગલે હજારોની સંખ્યામાં માઓવાદીઓ આત્મસમર્પણ પણ કરી ચૂક્યા છે. 2025ના પ્રથમ ચાર મહિનામાં જ 718 નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું હતું. 2024માં 928 નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું હતું.


