હાલમાં ટેરર ફન્ડિંગના કેસમાં આજીવન જેલની સજા ભોગવી રહેલા જમ્મુ અને કાશ્મીર લિબરેશન ફ્રન્ટના (JKLF) આતંકી યાસીન મલિકે દિલ્હી હાઇકોર્ટમાં એક ઘટસ્ફોટ કર્યો હોવાનું સામે આવ્યું છે. મલિકે કહ્યું છે કે 2006માં તેણે પાકિસ્તાનમાં લશ્કર-એ-તૈયબાના સ્થાપક અને મુંબઈ હુમલાના માસ્ટરમાઈન્ડ હાફિઝ સઈદ સાથે મુલાકાત કરી હતી અને તે પછી ભારતના તત્કાલીન વડા પ્રધાન ડૉ. મનમોહન સિંઘે તેનો આભાર માન્યો હતો.
આ ઘટસ્ફોટ યાસીન મલિકે દિલ્હી હાઇકોર્ટમાં રજૂ કરેલા એક સોગંદનામામાં કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે, જેની વિગતો ઘણા અહેવાલોમાં પ્રકાશિત થઈ છે. નોંધનીય છે કે 2006માં કોંગ્રેસ શાસિત સરકાર હતી જેનું નેતૃત્વ ડૉ. મનમોહન સિંઘ કરતા હતા, જોકે આ સમયગાળા દરમિયાન સોનિયા ગાંધી સુપર PM હતા એવા આરોપો પણ ઘણી વાર લાગી ચૂક્યા છે.
શું છે આ મામલો?
અહેવાલ અનુસાર, યાસીન મલિકે 25 ઑગસ્ટ, 2025ના રોજ દિલ્હી હાઇકોર્ટમાં એક સોગંદનામું રજૂ કર્યું, જેમાં તેણે જણાવ્યું કે તે જે રીતે હાફિઝ સઈદને મળ્યો તે તેનો પોતાનો નિર્ણય નહોતો, પરંતુ ભારતની ગુપ્તચર એજન્સી ઇન્ટેલિજન્સ બ્યુરોના (IB) વરિષ્ઠ અધિકારીઓની વિનંતીથી થયું હતું. આ મુલાકાત ભારત અને પાકિસ્તાન વચ્ચે ‘શાંતિની વાતચીત’નો એક ભાગ હતી, જેને ‘બેકચેનલ ડિપ્લોમસી’ (ગુપ્ત વાતચીત) કહેવામાં આવે છે.
મલિકના કહેવા પ્રમાણે 2005માં કાશ્મીરમાં આવેલા ભૂકંપ બાદ તે પાકિસ્તાન ગયો હતો. આ પહેલાં નવી દિલ્હીમાં IBના તત્કાલીન સ્પેશિયલ ડિરેક્ટર વી. કે. જોશીએ તેને મળીને વિનંતી કરી હતી કે તે પાકિસ્તાનમાં રાજકીય નેતાઓ ઉપરાંત હાફિઝ સઈદ અને યુનાઇટેડ જેહાદ કાઉન્સિલના અન્ય આતંકવાદી નેતાઓને મળે. મલિકે કહ્યું, “મને ખાસ કરીને હાફિઝ સઈદ અને અન્ય આતંકવાદી નેતાઓ સાથે વાત કરવા માટે કહેવામાં આવ્યું હતું.”
હાફિઝ સઈદ સાથે મુલાકાત
પાકિસ્તાનમાં એક કાર્યક્રમ દરમિયાન યાસીન મલિકે હાફિઝ સઈદ અને અન્ય જેહાદી નેતાઓ સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં મલિકે ભાષણ આપ્યું અને ઇસ્લામી શિક્ષણોનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે, “જો કોઈ તમને શાંતિની ઓફર કરે તો તેનો સ્વીકાર કરો.” તેણે આતંકવાદી જૂથોને હિંસા છોડીને શાંતિનો રસ્તો અપનાવવા પ્રોત્સાહન આપ્યું હતું, જોકે આ દાવા કેટલી હદે સાચાં હતા તેના પર હજી પ્રશ્નો છે. આ મુલાકાત પછી મલિક ભારત પરત આવ્યો અને IBના અધિકારી જોશીને આ બધી વિગતો જણાવી. જોશીએ તેને વડા પ્રધાન મનમોહન સિંઘને મળવા માટે કહ્યું હતું.
મલિકે જણાવ્યું કે પાકિસ્તાનથી પરત ફર્યા બાદ તે એ જ સાંજે વડા પ્રધાન મનમોહન સિંઘને મળ્યો હતો. આ મુલાકાતમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર એમ. કે. નારાયણ પણ હાજર હતા. મલિકે સિંઘને પાકિસ્તાનમાં થયેલી વાતચીત અને શાંતિની શક્યતાઓ વિશે જણાવ્યું હતું. આ સાંભળીને મનમોહન સિંઘે તેના ‘પ્રયાસો, સમય અને સમર્પણ’ માટે આભાર વ્યક્ત કર્યો હતો.
મલિકે એક તસવીરનો પણ ઉલ્લેખ કર્યો, જેમાં સિંઘે તેની સાથે હાથ મળાવતા કહ્યું, “હું તમને કાશ્મીરમાં અહિંસક આંદોલનનો પિતા માનું છું.” આ ઉપરાંત, 2006માં વડા પ્રધાનની ઓફિસમાં થયેલી એક બેઠકમાં સિંઘે મલિકને કહ્યું, “યાસીનજી, વિશ્વાસ રાખો, હું કાશ્મીરનો મુદ્દો ઉકેલવા માંગું છું.” આ બધા દાવાઓથી એવું લાગે છે કે મનમોહન સિંઘની સરકાર કાશ્મીરના મુદ્દાને ઉકેલવા માટે આતંકી મલિકની મદદ લઈ રહી હતી. વધુમાં મનમોહન સિંઘે મલિકનો આભાર પણ માન્યો હતો.
મલિકે તેના સોગંદનામામાં એમ પણ જણાવ્યું કે તેણે ભારતના અન્ય મોટા નેતાઓ સાથે પણ વાતચીત કરી હતી. તેણે વી. પી. સિંઘ, અટલ બિહારી વાજપેયી, સોનિયા ગાંધી, પી. ચિદમ્બરમ અને રાજેશ પાયલટ જેવા નેતાઓ સાથેની મુલાકાતોનો ઉલ્લેખ કર્યો છે.
કોર્ટ કેસ અને ‘વિશ્વાસઘાત’નો આરોપ
આ સોગંદનામું રાષ્ટ્રીય તપાસ એજન્સીના (NIA) એક કેસના જવાબમાં રજૂ કરવામાં આવ્યું છે, જેમાં મલિક પર ટેરર ફન્ડિંગ લેવાનો આરોપ છે. NIAએ મલિક માટે ફાંસીની સજા માંગી હતી, પરંતુ કોર્ટે તેને ‘અત્યંત દુર્લભ’ કેસ ન ગણીને આજીવન કેદની સજા આપી હતી. મલિકે આ કેસને ‘વિશ્વાસઘાત’ ગણાવ્યો, કારણ કે તેના મતે, સરકારે તેને હાફિઝ સઈદને મળવા મોકલ્યો હતો અને હવે તે જ મુલાકાતને તેની વિરુદ્ધ પુરાવા તરીકે વાપરવામાં આવી રહી છે.
કોર્ટે મલિકને જવાબ આપવા માટે ચાર અઠવાડિયાનો સમય આપ્યો છે. આ મામલો 10 નવેમ્બર, 2025ના રોજ ફરી સુનાવણી માટે નક્કી થયો છે.
નોંધનીય છે કે યાસીન મલિકના આ દાવાઓ હજુ સુધી સ્વતંત્ર રીતે ચકાસાયા નથી. કોઈ નેતાઓ કે IBના અધિકારીઓ તરફથી આ વિશે કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. આ દાવાઓ ફક્ત મલિકના સોગંદનામા પર આધારિત છે. જો આ વાત સાચી હશે તો તે ભારતની શાંતિ નીતિ અને આતંકવાદ સામેની લડાઈ પર મોટા સવાલો ઉભા કરશે, કારણ કે હાફિઝ સઈદ જેવા આતંકવાદી સાથે વાતચીતની વ્યૂહરચના ખૂબ જ જટિલ અને વિવાદાસ્પદ હોઈ શકે છે.


