Wednesday, May 8, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટપોતે ગ્રેજ્યુએટ પણ નહીં થયેલા AAP નેતા મનિષ સિસોદિયાએ પોસ્ટ ગ્રેજ્યુએટ PM...

    પોતે ગ્રેજ્યુએટ પણ નહીં થયેલા AAP નેતા મનિષ સિસોદિયાએ પોસ્ટ ગ્રેજ્યુએટ PM મોદીના શિક્ષણ પર સવાલ ઉઠાવ્યા, જેલમાંથી પત્ર લખ્યો

    જેલમાંથી જ મનિષ સિસોદિયાએ એક પત્ર લખીને પીએમ મોદીના શિક્ષણ પર સવાલ ઉઠાવીને ‘ચિંતા’ વ્યક્ત કરી છે અને કહ્યું કે દેશ માટે શિક્ષિત વડાપ્રધાન હોવા ખૂબ જરૂરી છે. 

    - Advertisement -

    દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી કન્વીનર છેલ્લા થોડા દિવસથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શિક્ષણ પાછળ લાગ્યા છે અને રોજ ગમેતેમ કરીને મુદ્દો ઉછાળતા રહ્યા છે. જોકે, તેનો કોઈ ફેર પડતો જણાઈ રહ્યો નથી અને ઉપરથી ગુજરાત હાઇકોર્ટે પીએમ મોદીની ડિગ્રી મામલે કેજરીવાલને ફટકાર લગાવીને દંડ વસૂલતાં વધુ ફજેતી થઇ હતી. જોકે, તેમ છતાં તેમણે આ મુદ્દો પકડી રાખ્યો છે અને હવે એન્ટ્રી થઇ છે ભ્રષ્ટાચારના કેસમાં જેલમાં બંધ મનિષ સિસોદિયાની.

    કેજરીવાલના સાથી અને દિલ્હીના પૂર્વ ઉપ-મુખ્યમંત્રી મનિષ સિસોદિયા હાલ ભ્રષ્ટાચારના કેસમાં સીબીઆઈ અને ઇડીની કાર્યવાહીનો સામનો કરી રહ્યા છે અને તિહાડ જેલમાં બંધ છે. જેલમાંથી જ મનિષ સિસોદિયાએ એક પત્ર લખીને પીએમ મોદીના શિક્ષણ પર સવાલ ઉઠાવીને ‘ચિંતા’ વ્યક્ત કરી છે અને કહ્યું કે દેશ માટે શિક્ષિત વડાપ્રધાન હોવા ખૂબ જરૂરી છે. 

    મનિષ સિસોદિયાએ આ પત્ર ‘દેશવાસીઓને નામ’ લખ્યો હોવાનું જણાવ્યું છે. પત્રમાં તેમણે નરેન્દ્ર મોદીને અશિક્ષિત ગણાવ્યા છે અને પોતાની રીતે જ અનેક બાબતોનું અર્થઘટન કરી નાંખ્યું છે. તેમણે મોદીનાં અમુક કથિત નિવેદનોને ટાંકીને એવા પણ દાવા કર્યા કે તેનાથી આખી દુનિયાને ખબર પડી જાય છે કે ભારતના વડાપ્રધાન કેટલા ઓછા ભણેલા છે અને તેમને પાયાની જાણકારીઓ પણ નથી. 

    - Advertisement -

    સાથે મનિષ સિસોદિયાએ કહ્યું કે, દેશના યુવાઓ આશાવાદી છે અને કશુંક કરવા માંગે છે પરંતુ ઓછા ભણેલા વડાપ્રધાન આજના યુવાનોનાં સપનાં કઈ રીતે પૂરાં કરી શકે? સાથે કહ્યું કે તેમણે મોદીનો એક વિડીયો જોયો હતો જેમાં તેઓ ગર્વથી કહે છે કે તેઓ ભણેલા નથી અને ગામની શાળા સુધી જ તેમનું શિક્ષણ થયું છે. 

    મનિષ સિસોદિયાએ પત્રમાં ‘ચિંતાઓ’ વ્યક્ત કરતાં કહ્યું કે, જે દેશના વડાપ્રધાન ઓછું શિક્ષણ મેળવ્યાનો ગર્વ લેતા હોય ત્યાં સામાન્ય માણસનાં બાળકો માટે સારા શિક્ષણની વ્યવસ્થા થઇ શકે નહીં અને આ સંજોગોમાં દેશ કઈ રીતે પ્રગતિ કરશે?

    મજાની વાત હવે આવે છે. મનિષ સિસોદિયાએ જે વ્યક્તિના (મોદી) શિક્ષણ પર સવાલ ઉઠાવ્યા છે તેઓ પોસ્ટ ગ્રેજ્યુએટ છે. જે ડિગ્રી સર્ટિફિકેટ પણ જાહેર માધ્યમોમાં ઉપલબ્ધ છે. અને આ સવાલો ઉઠાવનાર મનિષ સિસોદિયા પોતે ગ્રેજ્યુએટ પણ નથી! 

    ઑપઇન્ડિયાએ 2020ની દિલ્હી વિધાનસભા ચૂંટણી વખતે મનિષ સિસોદિયા દ્વારા દાખલ કરવામાં આવેલ એફિડેવિટની નિકલ મેળવી હતી. એફિડેવિટમાં દરેક ઉમેદવારે પોતાની દરેક વિગતો આપવી પડે છે, જેમાં શૈક્ષણિક લાયકાત પણ સામેલ છે. મનિષ સિસોદિયાએ પોતે જણાવ્યું છે કે તેમણે ડિપ્લોમા ઈન જર્નલિઝમ કર્યું છે.

    મનિષ સિસોદિયાની શૈક્ષણિક લાયકાત (સાભાર-ECI)

     

    મનિષ સિસોદિયાએ વર્ષ 1993માં ભારતીય વિદ્યાભવન, દિલ્હી ખાતેથી પત્રકારત્વમાં ડિપ્લોમા પાસ કર્યું હતું. અહીં ધ્યાન રહે કે આ ‘PG ડિપ્લોમા’ નથી પરંતુ એ ડિપ્લોમાની વાત છે જે 12મા ધોરણ પછી કરવામાં આવે છે. જેથી ડિપ્લોમા જો તેમનું ઉચ્ચ શિક્ષણ હોય તો તેનો અર્થ એ થાય કે તેમણે ગ્રેજ્યુએશન પણ પૂર્ણ કર્યું નથી.

    બીજી તરફ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગ્રેજ્યુએટ જ નહીં પોસ્ટ ગ્રેજ્યુએટ છે. તેમણે વર્ષ 1967માં દસમું ધોરણ પાસ કર્યું હતું. 1978માં તેઓ દિલ્હી યુનિવર્સીટીમાંથી BA થયા અને 1983માં ગુજરાત યુનિવર્સીટીમાંથી MAની ડિગ્રી મેળવી હતી. આ ડિગ્રીઓ ભાજપે સ્વયં જાહેર માધ્યમોમાં મૂકી છે અને સોશિયલ મીડિયાથી માંડીને અનેક પ્લેટફોર્મ્સ ઉપર ઉપલબ્ધ છે. 

    PM મોદીની શૈક્ષણિક લાયકાત (તસ્વીર: ECI)

    એ પણ ઉલ્લેખનીય છે કે દિલ્હી સરકારના શિક્ષણ મંત્રી રહી ચૂકેલા મનિષ સિસોદિયા હાલ ભ્રષ્ટાચારના કેસમાં જેલમાં બંધ છે. તેમની ઉપર દિલ્હી સરકારની નવી એક્સાઇઝ પોલિસીમાં ગોટાળો કરવાનો આરોપ લાગ્યો છે અને કરોડોના આ કૌભાંડ મામલે એજન્સીઓએ તપાસ અને પૂછપરછ બાદ તેમની ધરપકડ કરી લીધી હતી. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં