Friday, April 19, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટએક્સાઇઝ પોલિસી કેસમાં 15 લોકો વિરુદ્ધ સીબીઆઈની FIR, સિસોદિયા મુખ્ય આરોપી: નીતિના...

    એક્સાઇઝ પોલિસી કેસમાં 15 લોકો વિરુદ્ધ સીબીઆઈની FIR, સિસોદિયા મુખ્ય આરોપી: નીતિના અમલીકરણમાં ગોટાળાનો આરોપ

    એક્સાઈઝ પોલિસી કેસ મામલે જ આજે વહેલી સવારથી મનિષ સિસોદિયાના ઘરે સીબીઆઈની કાર્યવાહી ચાલી રહી છે.

    - Advertisement -

    એક્સાઈઝ કૌભાંડ મામલે દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનિષ સિસોદિયા વધુ મુશ્કેલીમાં મૂકાતા જણાઈ રહ્યા છે. સિસોદિયાના ઘરે સીબીઆઈ દ્વારા દરોડાની કાર્યવાહી હજુ પણ ચાલી રહી છે ત્યારે જાણવા મળ્યું છે કે સીબીઆઈએ આ મામલે FIR દાખલ કરી છે, જેમાં તેમને મુખ્ય આરોપી બનાવ્યા છે. FIRમાં કુલ 15 લોકોનાં નામ છે, જેમાં મનિષ સિસોદિયાનું નામ સૌથી પહેલું છે. 

    FIR માં મનિષ સિસોદિયા ઉપરાંત આઈએએસ આરવ ગોપી કૃષ્ણ, તત્કાલીન ડેપ્યુટી કમિશનર (એક્સાઇઝ) આનંદ તિવારી, આસિસ્ટન્ટ કમિશન પંકજ ભટનાગર સહિત કુલ 15 લોકોનાં નામ સામેલ કરવામાં આવ્યાં છે. 

    દિલ્હીના ઉપ-મુખ્યમંત્રી મનિષ સિસોદિયા તેમજ આઈએએસ અધિકારી આરવ ગોપી કૃષ્ણના પરિસરો ઉપરાંત અન્ય 25 ઠેકાણાં પર શુક્રવારે સવારે સીબીઆઈના અધિકારીઓએ દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહી હાલ પણ ચાલી રહી છે અને સીબીઆઈ અધિકારીઓએ મનિષ સિસોદિયાના ઘર ઉપરાંત તેમની કાર વગેરેની પણ તપાસ કરી હતી. 

    - Advertisement -

    એક્સાઈઝ પોલિસી મામલે તપાસ કરતી સીબીઆઈએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, કેસ મામલે દિલ્હી ,ગુરુગામ, ચંદીગઢ, મુંબઈ, હૈદરાબાદ, લખનઉ, બેંગ્લોર જેવા કુલ 31સ્થળો એ તપાસ ચાલી રહી છે અને આ તપાસમાં કેટલાક અગત્યના દસ્તાવેજો, ડિજિટલ રેકોર્ડ્સ વગેરે મળી આવ્યું છે તેમજ હાલ પણ કાર્યવાહી ચાલુ જ છે. 

    સીબીઆઈએ જણાવ્યું કે, ગત વર્ષે નવેમ્બરમાં લાવવામાં આવેલ દિલ્હી એક્સાઈઝ પોલિસી બનાવવા અને તેના અમલીકરણમાં કથિત અનિયમિતતાઓ મામલે એક એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી. આ કાર્યવાહી તે સંદર્ભે જ ચાલી રહી છે. 

    એફઆઈઆરમાં મનિષ સિસોદિયા અને અન્યો પર એક્સાઈઝ પોલિસી બનાવવા અને તેનો અમલ કરવામાં સરકારી નિયમોનું ઉલ્લંઘન કરવાનો આરોપ લાગ્યો છે. સાથે ઉપરાજ્યપાલની પરવાનગી વગર શરાબ ઉત્પાદકોને ફાયદો પહોંચાડવાનો, શરાબ વિતરકોની ઈએમડી પરત કરવાનો અને L1, L7 લાયસન્સ આપવાની પ્રક્રિયામાં કૌભાંડ થયું હોવાનો આરોપ લાગ્યો છે.  તદુપરાંત, કેન બિયર પોલિસીમાં પણ ગોટાળાનો આરોપ છે.

    દિલ્હીના ઉપ-રાજ્યપાલ વીકે સક્સેનાએ મુખ્ય સચિવના રિપોર્ટના આધારે ઉપ-મુખ્યમંત્રી મનિષ સિસોદિયા વિરુદ્ધ સીબીઆઈ તપાસની ભલામણ કરી હતી. મનિષ સિસોદિયા પર નવી એક્સાઈઝ ડ્યુટીમાં ગડબડ કરવાનો આરોપ લાગ્યો છે. 

    મુખ્ય સચિવે બે મહિના પહેલાં સોંપેલા રિપોર્ટમાં GNCTD એક્ટ 1991 અને ટ્રાન્ઝેક્શન ઑફ બિઝનેસ રૂલ્સ 1993, દિલ્હી એક્સાઈઝ એક્ટ 2009 અને દિલ્હી એક્સાઈઝ રૂલ્સ 2010ના નિયમોનું ઉલ્લંઘન થયું હોવાનું જણાવ્યું હતું.  ઉપરાંત, સિસોદિયાએ કોરોનાના બહાને લાયસન્સ આપવાના નિયમોમાં પણ ઘાલમેલ કરી હોવાનો અને ટેન્ડર બાદ દારૂના ઠેકેદારોના 144 કરોડ રૂપિયા માફ કરવાનો પણ આરોપ લાગ્યો છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં