Saturday, October 5, 2024
More
    હોમપેજદેશમણિપુરમાં હિંસા બાદ એન્ટી ડ્રોન સિસ્ટમ તહેનાત, સેનાએ ઉતાર્યું હેલિકોપ્ટર, મળી આવ્યો...

    મણિપુરમાં હિંસા બાદ એન્ટી ડ્રોન સિસ્ટમ તહેનાત, સેનાએ ઉતાર્યું હેલિકોપ્ટર, મળી આવ્યો યુદ્ધનાં ઘાતક હથિયારોનો જથ્થો: IGએ કહ્યું- સ્થિતિ સંપૂર્ણ નિયંત્રણમાં

    ઇન્સ્પેકટર જનરલ ઓફ પોલીસ (ઇન્ટેલિજન્સ) કે. કબીબે જણાવ્યું કે, મણિપુરની પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણ હેઠળ લાવી દેવામાં આવી છે. મણિપુર પોલીસ અનુસાર, રૉકેટ હુમલા બાદ તરત જ એન્ટી ડ્રોન સિસ્ટમ તહેનાત કરવાની કામગીરી હાથ ધરી લેવામાં આવી હતી અને રવિવારે સવારે તે કામ પણ પૂર્ણ કરી દેવામાં આવ્યું હતું.

    - Advertisement -

    મણિપુરમાં ફાટી નીકળેલી હિંસા વચ્ચે હવે પોલીસ અને અન્ય સુરક્ષાદળોએ પણ તૈયારીઓ તેજ કરી દીધી છે. શનિવારે થયેલી હિંસામાં લગભગ 6 લોકોનાં મોત થયાં હતાં. જે બાદ રવિવારે (8 સપ્ટેમ્બર) મણિપુરમાં સુરક્ષાનો વધારો કરી દેવામાં આવ્યો છે. અસરગ્રસ્ત વિસ્તારમાં એન્ટી ડ્રોન સિસ્ટમ શરૂ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત હથિયારબંધ કૂકી આતંકવાદીઓને શોધવા માટે પોલીસે સર્ચ ઑપરેશન પણ શરૂ કર્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. દરમિયાન સેનાના જવાનોને યુદ્ધનાં ઘાતક હથિયારોનો જથ્થો પણ મળી આવ્યો છે. જેમાં ઘણાં આધુનિક હથિયારો પણ જોવા મળ્યાં છે.

    સેનાને મળી આવેલાં ઘાતક હથિયારોમાં સ્નાઇપર રાઇફલો, પિસ્તોલ, બંદૂકો, મોર્ટાર, ગ્રેનેડ અને રૉકેટ બૉમ્બ તથા અન્ય ઘાતક દારૂગોળો વગેરેનો સમાવેશ થાય છે. હાલ પોલીસ અને સેનાનું સંયુકત ઑપરેશન ચાલી રહ્યું હોવાનું સામે આવ્યું છે. ઉપરાંત સેનાના એક હેલિકોપ્ટરને પણ મણિપુરમાં ઉતારી દેવામાં આવ્યું છે. આ હેલિકોપ્ટર મણિપુરના સંવેદનશીલ વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ અને સર્વેક્ષણ કરી રહ્યું છે. શનિવારની હિંસામાં અંદાજિત 6 લોકોનાં મોત બાદ સુરક્ષાદળોએ કમર કસી છે.

    મહત્વની વાત છે કે, ઇન્સ્પેકટર જનરલ ઓફ પોલીસ (ઇન્ટેલિજન્સ) કે. કબીબે જણાવ્યું કે, મણિપુરની પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણ હેઠળ લાવી દેવામાં આવી છે. મણિપુર પોલીસ અનુસાર, રૉકેટ હુમલા બાદ તરત જ એન્ટી ડ્રોન સિસ્ટમ તહેનાત કરવાની કામગીરી હાથ ધરી લેવામાં આવી હતી અને રવિવારે સવારે તે કામ પણ પૂર્ણ કરી દેવામાં આવ્યું હતું. હાલ કુકી આતંકીઓને શોધવા માટે પોલીસ અને સેનાના જવાનોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.

    - Advertisement -

    બીજી તરફ, શનિવારની હિંસા અને પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાને રાખીને મણિપુરના મુખ્યમંત્રી એન બિરેન સિંઘે સત્તારૂઢ ગઠબંધનના ધારાસભ્યો સાથે એક ઇમરજન્સી બેઠક પણ બોલાવી હતી. ઘણા સમય સુધી ચાલેલી આ બેઠક બાદ તરત જ મુખ્યમંત્રી રાજ ભવન ખાતે પહોંચ્યા હતા અને રાજ્યપાલ એલ. આચાર્ય સાથે બંધ બારણે બેઠક કરી હતી. આ બેઠક પણ ઘણા સમય સુધી ચાલી હોવાનું કહેવાય છે. બેઠક બાદ તરત જ સુરક્ષાદળો અને પોલીસે કાર્યવાહી તેજ કરી દીધી હતી.

    શુક્રવારે કૂકી આતંકીઓના રૉકેટમારા બાદ શરૂ થઈ હતી હિંસા

    નોંધનીય છે કે, શુક્રવારે રાત્રે કૂકી આતંકવાદીઓએ મણિપુરના બિષ્ણુપુર જિલ્લામાં રૉકેટમારો ચલાવ્યો હતો અને એક હિંદુ પૂજારીની હત્યા કરી નાખી હતી. આ હુમલામાં અન્ય પાંચ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થઈ ગયા હતા. શનિવારે સવારે પણ અહીં હિંસામાં આતંકવાદીઓએ એક વ્યક્તિને ઘરમાં ઘૂસીને મારી નાખ્યો. ત્યારબાદ થયેલા ગોળીબારમાં અન્ય ચાર લોકોનાં મૃત્યુ થઈ ગયાં હતા, જેમાંથી ત્રણ કૂકી આતંકવાદીઓ હોવાનું કહેવાય રહ્યું છે. અધિકારીઓએ આ ઘટના અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, જિલ્લા મુખ્યમથકથી 5 કિલોમીટર દૂર આવેલા એક અંતરિયાળ વિસ્તારમાં એકલા રહેતા એક વ્યક્તિ તેમના ઘરમાં ઊંઘી રહ્યા હતા. આ દરમિયાન જ આતંકવાદીઓ તેમના ઘરમાં ઘૂસી ગયા અને તેમના પર તાબડતોડ ગોળી ચલાવી દીધી હતી. ત્યારબાદ અન્ય એક વિસ્તારમાં ગોળીબાર થયો, જેના કારણે ત્રણ કૂકી આતંકવાદીઓ અને એક મૈતેઈ એમ કુલ ચાર વ્યક્તિઓનાં મોત થયાં.

    તે ઉપરાંત શુક્રવારે, મણિપુરમાં હિંસા અને તણાવપૂર્ણ પરિસ્થિતિ વચ્ચે ટોળાંએ ઇમ્ફાલ પશ્ચિમ અને પૂર્વમાં રાઈફલ્સ હેડક્વાર્ટર પર હુમલો કરીને સુરક્ષાદળોના હથિયારો લૂંટવાનો પ્રયાસ કર્યો હતો. જે બાદ પોલીસે પણ જવાબી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે કાર્યવાહીના ભાગરૂપે મોક બૉમ્બ અને ટિયર ગેસના સેલ છોડ્યા હતા. સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે લાંબો સમય સુધી સંઘર્ષ થયો હતો, આ દરમિયાન પણ 5 લોકો ઘાયલ થયા હોવાની માહિતી મળી હતી. ઘાયલ લોકોને JNIMS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. રાજ્યમાં તણાવના કારણે બધી જ શાળા-કોલેજો બંધ રાખવાના આદેશ પણ આપી દેવામાં આવ્યા હતા.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં