ઉત્તર પ્રદેશ અને ગુજરાત બાદ હવે મહારાષ્ટ્રની ભાજપ સરકાર (Maharashtra Government) પણ ‘લવ જેહાદ’ વિરુદ્ધ કાયદો (Law Against Love Jihad’) બનાવવાની તૈયારી કરી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે. અહેવાલોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, શુક્રવારે (14 ફેબ્રુઆરી) મહારાષ્ટ્ર સરકારે DGPની અધ્યક્ષતામાં એક વિશેષ સાત સભ્યોની સમિતિનું ગઠન કર્યું છે. આ સમિતિ ‘લવ જેહાદ’ના કિસ્સાઓ સંબંધિત કાનૂની અને તકનીકી પાસાઓની તપાસ કરશે અને એક વ્યાપક અહેવાલ તૈયાર કરશે. તે રિપોર્ટને આગળની કાર્યવાહી માટે રાજ્ય સરકારને સોંપવામાં આવશે.
ટાઈમ્સ ઑફ ઇન્ડિયાએ એક સરકારી પ્રસ્તાવને ટાંકીને કહ્યું છે કે, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ દ્વારા રચાયેલી સમિતિમાં DGP સિવાય વિભિન્ન વિભાગના સાત સભ્યો હશે. જેમાં મહિલા અને બાળ વિકાસ, લઘુમતી વિકાસ, કાનૂન અને ન્યાયપાલિકા, સામાજિક ન્યાય અને વિશેષ સહાયતાની સાથે-સાથે ગૃહ વિભાગના સભ્યને પણ સામેલ કરવામાં આવશે.
આ સમિતિને વર્તમાન પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવાનું, લવ જેહાદ અને બળજબરીથી ધર્મ પરિવર્તન અંગેની ફરિયાદોનું નિરાકરણ કરવાનું, અન્ય રાજ્યોના કાયદાઓની તપાસ કરવાનું, કાનૂની માળખાને સ્થાપિત કરવાનું અને કાયદાની અસરોની સમીક્ષા કરવાનું કામ સોંપવામાં આવ્યું છે. પ્રસ્તાવમાં ‘લવ જેહાદ’ને રોકવા માટે જનપ્રતિનિધિઓ, સંગઠનો અને નાગરિકોની ફરિયાદોનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે.
માહિતી અનુસાર સરકારી આદેશમાં કહેવાયું છે કે, “રાજ્યના વિવિધ સંગઠનો અને ઘણા નાગરિકોએ લવ જેહાદ અને છેતરપિંડી અથવા બળજબરીથી ધર્મ પરિવર્તનને રોકવા માટે કાયદો ઘડવા અંગેની રજૂઆતો કરી હતી. ભારતના કેટલાક રાજ્યોએ પણ લવ જેહાદ અને બળજબરીથી થતાં ધર્માંતરણને રોકવા માટે કાયદા ઘડ્યા છે.” સાથે સરકારી આદેશમાં તે પણ કહેવાયું છે કે, રિપોર્ટ માટે કોઈ નિર્ધારિત સમયમર્યાદા નથી.
ફડણવીસે કરી હતી કાયદાની માંગણી
નોંધનીય છે કે, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે લાંબા સમયથી મહારાષ્ટ્રમાં ‘લવ જેહાદ’ વિરુદ્ધ કાયદો બનાવવા માટેની માંગણી કરી હતી. ગયા વર્ષે ચૂંટણી પહેલાં તેમણે કહ્યું હતું કે, બળજબરીથી વાતચીત કરવા મામલે એક લાખથી વધુ ફરિયાદો મળી હતી, જે ઈરાદાપૂર્વક ‘લવ જેહાદ’ ષડયંત્રને દર્શાવે છે, જે હેઠળ નકલી ઓળખનો ઉપયોગ કરીને મુસ્લિમ પુરુષો દ્વારા હિંદુ મહિલાઓને લગ્ન માટે લાલચ આપવામાં આવી રહી છે.” સાથે તેમણે 2023માં એવું પણ કહ્યું હતું કે, રાજ્ય સરકાર લવ જેહાદ વિરુદ્ધ કાયદો લાવવાનું વિચારી રહી છે. પરંતુ તે પહેલાં અન્ય રાજ્યોના કાયદાઓનો સભ્યાસ કરવામાં આવશે.
આ સાથે જ મહારાષ્ટ્રના સમાજવાદી પાર્ટીના નેતા રઈસ શેખે મહારાષ્ટ્ર સરકારના આ પગલાંનો વિરોધ કર્યો છે. તેમણે કહ્યું છે કે, રાજ્ય સરકાર પાસે આવા કેસોના આંકડાકીય પુરાવાનો અભાવ છે અને બળજબરીથી ધર્માંતરણના મુદ્દાને ‘જેહાદ’ ગણાવીને ભાજપ સરકાર તેનું રાજકારણ રમી રહી છે. જોકે, મહારાષ્ટ્ર સરકાર તરફથી આ અંગેની કોઈ આધિકારિક માહિતી આપવામાં નથી આવી.