Monday, May 6, 2024
More
    હોમપેજરાજકારણકાશી વિશ્વનાથના સ્મરણ સાથે શરૂઆત, ઓવૈસી-AIMIM અને કોંગ્રેસ પર આકરા પ્રહાર….માધવી લતાએ...

    કાશી વિશ્વનાથના સ્મરણ સાથે શરૂઆત, ઓવૈસી-AIMIM અને કોંગ્રેસ પર આકરા પ્રહાર….માધવી લતાએ ઇન્ટરવ્યુમાં શું કહ્યું, જેની પીએમ મોદી પણ કરી ચૂક્યા છે પ્રશંસા

    તેમણે AIMIM સંબંધિત રઝાકારોના હુમલાથી હૈદરાબાદને બચાવવા માટે હિંદુઓએ આપેલાં બલિદાનો યાદ કર્યાં. આગળ કહ્યું, “આમ તો અકબરુદ્દીને 2-3 ગોળી ખાધી હશે, પણ અમારા દાદા-પરદાદાએ તો હિંદુસ્તાનના તોપોનો સામનો કર્યો છે.”

    - Advertisement -

    લોકસભા ચૂંટણીમાં હૈદરાબાદથી ભાજપનાં ઉમેદવાર માધવી લતા તેમનું નામ ઘોષિત થયું ત્યારથી અવારનવાર ચર્ચામાં રહે છે. આ બેઠક પરથી સાંસદ છે AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી. ભાજપે આ વખતે હિંદુવાદી અને રાષ્ટ્રવાદી ચહેરો એવાં માધવી લતાને ટીકીટ આપી છે. તાજેતરમાં તેઓ ‘ઇન્ડિયા ટીવી’ પર રજત શર્માના જાણીતા શૉ ‘આપ કી અદાલત’માં જોવા મળ્યાં. અહીં વિસ્તૃત ઇન્ટરવ્યુ દરમિયાન તેમણે ઘણા મુદ્દે વાતચીત કરી. 

    આ ઇન્ટરવ્યુને લઈને પછીથી વડાપ્રધાન મોદીએ પણ પોસ્ટ કરી. પીએમ મોદીએ X પર એક પોસ્ટ કરીને લખ્યું કે, ‘માધવી લતાજી, આપનો ‘આપ કી અદાલત’નો એપિસોડ અસાધારણ છે. તમે તર્ક સાથે પોતાની વાતો દ્રઢતાથી મૂકી. હું શુભકામનાઓ આપું છું.’ સાથે તેમણે લખ્યું કે, “હું આ કાર્યક્રમનું રિપીટ ટેલિકાસ્ટ જોવા માટે સૌને અપીલ કરું છું. તમને નિશ્ચિતપણે તેમાંથી ઘણું જાણવા મળશે.”

    માધવી લતાનો આ ઇન્ટરવ્યુ શનિવારે (6 એપ્રિલ) પ્રસારિત થયો હતો. જેમાં તેમણે અનેક મુદ્દે વાતચીત કરી. શરૂઆતમાં તેમણે કાશી વિશ્વનાથનું સ્મરણ કર્યું અને વૈદિક શ્લોક સાથે ભગવાનને પ્રાર્થના કરી કે કાર્યક્રમ દરમિયાન તેમની પાસે માત્ર સત્ય જ બોલાવડાવે. 

    - Advertisement -

    ‘સેક્યુલરિઝમના નામે થતું તુષ્ટિકરણનું રાજકારણ ઘાતક’

    ઇન્ટરવ્યુ દરમિયાન તેમણે જણાવ્યું કે, “તેમનો ઉછેર એ વિસ્તારમાં થયો, જે જૂના હૈદરાબાદના યકતપુરા મતવિસ્તારમાં આવે છે. તેમણે કહ્યું કે, આ વિસ્તારની પરિસ્થિતિ આજે 25 વર્ષ બાદ પણ બદલાઈ નથી. આગળ કહ્યું, “જ્યારે વરસાદ આવે છે ત્યારે પાણી ભરાય જાય છે. શાળાઓ અને કોલેજોની પણ પૂરતી વ્યવસ્થા નથી. તેમણે એમ પણ કહ્યું કે, સેક્યુલરિઝમના નામે થતા તુષ્ટિકરણના રાજકારણના કારણે મુસ્લિમો અને હિંદુઓ બંને ગરીબ રહી ગયા.

    ‘હિંદુઓનાં પહેલાં 100 ઘર હતાં, આજે 5 જ રહી ગયાં છે’ તેમ કહીને તેઓ જણાવે છે કે રમખાણોનાં કારણે આ વિસ્તારમાંથી હિંદુઓ ઓછા થવા માંડ્યા છે. રજત શર્માએ જ્યારે કહ્યું કે, હૈદરાબાદને તો મેટ્રો સિટી તરીકે ઓળખવામાં આવે છે, ત્યારે તેમણે જવાબ આપ્યો કે તમે જે હૈદરાબાદને જાણો છો તે IT હબ છે અને તેલંગાણાનું પાટનગર છે. હું જે હૈદરાબાદની વાત કરું છું તે 7 વિધાનસભાનો બનેલો એક સંસદીય મતવિસ્તાર છે. 

    ‘મુસ્લિમવિરોધી’ હોવાના દાવાઓ નકારી દીધા 

    ઇન્ટરવ્યુ દરમિયાન મુસ્લિમ સમુદાય પરની તેમની ટિપ્પણીઓ વિશે અને AIMIM દ્વારા તેમને મુસ્લિમવિરોધી ચીતરવાના થતા પ્રયાસ વિશે પૂછવામાં આવ્યું. જેના જવાબમાં તેમણે તમામ આરોપ નકારી દઈને પૂછ્યું કે, તેઓ ગરીબ મુસ્લિમ પરિવારોનાં બાળકો મદરેસાને સ્થાને શાળાઓમાં જાય તે માટે અનેક વખત અવાજ ઉઠાવી ચૂક્યાં છે. 

    આગળ તેમણે કહ્યું, “હું આ ઈસ્લામિક શાળાઓની મુલાકાત કરું છું ત્યારે મૌલાનાઓ મને પગ ભાંગી નાખવાની ધમકી આપે છે. પરંતુ હું મુસ્લિમ મહિલાઓના ન્યાય માટે કામ કરવાનું ચાલુ રાખીશ.” તેમણે ‘ટ્રિપલ તલાક’ વિશે પણ વાત કરી હતી અને મુસ્લિમ મહિલાઓની સમસ્યા પર પણ ધ્યાન દોર્યું. તેમણે કહ્યું, “તેઓ મઝહબનું નામ લઈને ખોટું કરે છે. કુરાનમાં નથી કહ્યું કે તમારે તલાક, તલાક, તલાક કહેવું જોઈએ.”

    તેમણે એ બાબત પર પણ ધ્યાન દોર્યું કે કેન્દ્ર સરકારની તમામ યોજનાઓ સમાજના દરેક વર્ગ સુધી પહોંચે છે અને તેમાં મુસ્લિમો પણ સામેલ છે. 

    ‘જબસે આયી લતા, તબસે અસદ ભાઈ લાપતા’

    ઇન્ટરવ્યુ દરમિયાયન માધવી લતાને AIMIMના ગઢમાં પોતાની સામેના પડકારો વિશે પણ પૂછવામાં આવ્યું. તેમણે કહ્યું કે, તેઓ ઓવૈસીને હરાવીને રહેશે. દરમ્યાન, રજત શર્માએ તેમને કહ્યું કે કઈ રીતે તેમનું નામ ઘોષિત થયું ત્યારથી તેમના સમર્થકો આનંદિત છે. જ્યાં માધવી લતાએ એક ચૂંટણીનો નારો દોહરાવ્યો અને કહ્યું કે, ‘જબસે આયી લતા, તબસે અસદ ભાઈ લાપતા’

    અકબરુદ્દીન ઓવૈસી વિશે પણ તેમણે ટિપ્પણી કરી. તેમણે AIMIM સંબંધિત રઝાકારોના હુમલાથી હૈદરાબાદને બચાવવા માટે હિંદુઓએ આપેલાં બલિદાનો યાદ કર્યાં. આગળ કહ્યું, “આમ તો અકબરુદ્દીને 2-3 ગોળી ખાધી હશે, પણ અમારા દાદા-પરદાદાએ તો હિંદુસ્તાનના તોપોનો સામનો કર્યો છે.” એમ પણ કહ્યું કે, હવે અકબરુદ્દીનનો ગઢ હલી જશે. 

    AIMIM વિશે શું કહ્યું? 

    અસદુદ્દીન ઓવૈસી જે પાર્ટીના અધ્યક્ષ છે તેના વિશે તેમણે કહ્યું કે, AIMIMનું માત્ર એક જ કામ છે. લોકોને ગેરમાર્ગે દોરવાનું. એ પણ સાથે યાદ કરાવ્યું કે કઈ રીતે ઓવૈસીની પાર્ટી મુસ્લિમ મતો એકઠા કરવા માટે ‘બીફ’નો મુદ્દો બનાવી રહી છે. એક ન્યૂઝપેપર કટિંગ તેમણે વાંચી સંભળાવ્યું, જેમાં પાર્ટીએ કહ્યું હતું કે, AIMIM જો સત્તામાં નહીં આવી તો મુસ્લિમોને બીફ ખાવા નહીં મળશે. તેમણે પૂછ્યું કે, “તમે ક્યારેય એવું જોયું છે કે કોઇએ ઘોષણાપત્રમાં લખ્યું હોય કે અમે સત્તામાં ન આવ્યા તો તેમને ચિકન ખાવાની છૂટ નહીં મળે?” અહીં તેમણે એ પણ ધ્યાન દોર્યું કે ગાય હિંદુ ધર્મમાં પવિત્ર માનવામાં આવે છે અને મોટાભાગનાં રાજ્યોમાં તેની કતલ ગેરકાયદેસર છે. 

    તેમણે એ પણ કહ્યું કે, AIMIM બીફ અને બાબરી મસ્જિદ જેવા વિવાદોમાં પાડીને મુસ્લિમ સમુદાયનું બ્રેનવૉશ કરી રહી છે. હિન્દીમાં ટિપ્પણી કરતાં કહ્યું- ઝીણા (પાકિસ્તાન સર્જક) નહીં, ઝીણાના બાપ નીકળી રહ્યા છે.”

    તેમણે અસદુદ્દીન ઓવૈસીની UCC વિશેની ટિપ્પણીઓનો પણ જવાબ આપ્યો. તેમણે કહ્યું કે, UCCના કારણે મુસ્લિમોની ઓળખ નષ્ટ થઈ જશે, તે અફવા છે અને એટલું થશે કે ઓવૈસીની ઓળખ છતી થઈ જશે. એ પણ પ્રશ્ન કર્યો કે યુનિફોર્મ સિવિલ કોડની ચર્ચામાં વચ્ચે બેડરૂમ ક્યાંથી આવી ગયો? તેઓ ઓવૈસીની ટિપ્પણીઓનો જવાબ આપી રહ્યાં હતાં. 

    આ સાથે તેમણે કહ્યું કે, “રઝાકાર ચાલ્યા ગયા, પણ કાસિમ રીઝવીના વફાદાર રહી ગયા. જ્યાં સુધી તેઓ ભારત નહીં છોડે ત્યાં સુધી ભારતના મુસ્લિમોનો વિકાસ નહીં થાય. તેઓ માત્ર હૈદરાબાદ જ નહીં પરંતુ ભારતમાં જ્યાં પણ તેઓ લડશે ત્યાં હિંદુઓ અને મુસ્લિમો બંને ભેગા મળીને તેમને હરાવશે.

    કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર ટિપ્પણીઓ 

    માધવી લતાએ ઇન્ટરવ્યુના અંતમાં કોંગ્રેસ અને રાહુલ ગાંધી વિશે પણ વાત કરી. રાહુલ ગાંધીના ‘શક્તિ સામે લડવાના’ નિવેદનનો ઉલ્લેખ કરીને તેમણે કહ્યું કે, રાહુલ ગાંધીએ સાચું કહ્યું છે. હિંદુ ધર્મ શક્તિનો બનેલો છે. તેઓ શક્તિ સામે લડવા માંગે છે તો હું અહીં જ છું.” 

    આગળ કહ્યું કે, “તેમનાં દાદી ઇન્દિરા ગાંધી પણ શક્તિ હતાં. જે વ્યક્તિ દાદીને ન સમજી શકે તેઓ દેશની મહિલાઓને સમજી શકશે? તેઓ ભારત માતા વિશે સમજશે? તેમણે અંતે કહ્યું કે, AIMIM અને કોંગ્રેસ બંને વડાપ્રધાન મોદીને એટલા માટે ટાર્ગેટ કરે છે, કારણ કે તેમણે હિંદુ સમુદાયને રામ મંદિર પરત મેળવવામાં મદદ કરી છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં