Saturday, April 20, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટખ્રિસ્તી મશીનરીઓ દ્વારા પંજાબના ઝીરકપુરમાં ‘સત્સંગ’નું આયોજન : બળજબરીથી ધર્મપરિવર્તન માટેનો કાર્યક્રમ...

    ખ્રિસ્તી મશીનરીઓ દ્વારા પંજાબના ઝીરકપુરમાં ‘સત્સંગ’નું આયોજન : બળજબરીથી ધર્મપરિવર્તન માટેનો કાર્યક્રમ યોજાતા સ્થાનિકોનો ઉગ્ર વિરોધ

    પંજાબમાં ખ્રિસ્તીમાં ધર્મપરિવર્તન કરવા માટે અપાતી લાલચ અને કાર્યક્રમનો ઑપઇન્ડિયા દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે અને તેમાં ચોંકાવનારી માહિતી મળી છે.

    - Advertisement -

    ગત 21 મેના રોજ પંજાબ રાજ્યના મોહાલી જિલ્લામાં આવેલ ધકોલી ખાતે ખ્રિસ્તી મિશનરીઓ દ્વારા એક બે દિવસીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ખ્રિસ્તી મશીનરીઓ દ્વારા યોજાયેલા આ કાર્યક્રમનો હિંદુ સંગઠનો અને સ્થાનિકો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. સ્થાનિકોએ વિરોધ કરતા આરોપ લગાવ્યો કે મિશનરીઓ દ્વારા લોકોને લાલચ આપીને ધર્માંતરણ કરાવવામાં આવી રહ્યું છે. 

    મિશનરીઓનો સંદિગ્ધ કાર્યક્રમ 

    આ બે દિવસીય કાર્યક્ર્મ 21 મેના રોજ સાંજે પાંચ વાગ્યે શરૂ થયો હતો. ચર્ચ ગ્રુપના સભ્યોએ કોમ્યુનિટી હોલની બહાર એકઠા થઈને લાઉડસ્પીકર ઉપર જાહેરાત કરીને ગ્રીન સિટી, મમતા એન્કલેવ અને લક્ષ્મી એન્કલેવમાંથી (ત્રણેય સ્થાનિક વિસ્તારો) લોકોને આવવા માટે અને ‘ઈશુ ખ્રિસ્તના ચમત્કારો’નો અનુભવ કરવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. 

    - Advertisement -

    જોકે, જાહેરાત બાદ પણ સ્થાનિક વિસ્તારમાંથી કોઈ તેમની વાતો સાંભળવા ન આવ્યું ત્યારે ચર્ચ ગ્રુપના સભ્યોએ ખ્રિસ્તી ધર્મના વખાણ કરવાનું ચાલુ રાખ્યું હતું. જે બાદ એક સ્થાનિક વ્યક્તિ શ્લોક અગ્રવાલે જઈને કાર્યક્રમ બંધ કરવા માટે કહ્યું હતું. તેમણે ચર્ચ ગ્રુપના સભ્યોને અવાજ ઘટાડવા માટે કહ્યું હતું પરંતુ તેમાંથી કોઈએ ધ્યાન આપ્યું ન હતું. જે બાદ તેમની સાથે અન્ય સ્થાનિકોએ પણ કાર્યક્રમનો વિરોધ કર્યો હતો. 

    રિપોર્ટ અનુસાર, કાર્યક્રમ દરમિયાન ચર્ચ ગ્રુપના વક્તાઓએ દાવો કર્યો હતો કે તેમની સાથે જોડાનાર વ્યક્તિ તમામ નાણાકીય અને સ્વાસ્થ્ય સબંધિત સમસ્યાઓમાંથી મુક્ત થઇ જશે. વક્તાએ કહ્યું કે, “ઈશુ મસીહ તમને આશીર્વાદ આપશે અને તમારી તમામ સમસ્યાઓ દૂર કરશે. જો તમારામાંથી કોઈ આર્થિક કે સ્વાસ્થ્ય સબંધિત સમસ્યાથી પીડાઈ રહ્યું હોય તો આવો અને ઈશુ મસીહના આશીર્વાદ લો.“

    બીજા દિવસે પોલીસની હાજરીમાં કાર્યક્રમ થયો 

    પહેલા દિવસે સ્થાનિકોના વિરોધનો સામનો કરવો પડ્યો હોવાથી બીજા દિવસે ચર્ચ ગ્રુપના સભ્યો પોલીસ સુરક્ષા સાથે આવ્યા હતા. જોકે, હિંદુ સંગઠનો અને સ્થાનિક લોકોએ બીજા દિવસે પણ વિરોધ કર્યો અને પોલીસ અધિકારીઓ સામે અનેક મુદ્દાઓ ઉઠાવ્યા હતા.

    વિરોધ કરનારા હિંદુઓને અધર્મી કહેવાયા 

    જયારે વિરોધ કરતા સ્થાનિક લોકોએ મિશનરી કાર્યક્રમ વિરુદ્ધ જય શ્રીરામ અને ભારત માતા કી જયના નારા લગાવ્યા ત્યારે મંચ પરથી સંબોધિત કરનારાઓએ આ નારા લગાવનાર હિંદુઓને અધર્મી કહ્યા હતા. તેમણે સ્ટેજ પરથી કહ્યું કે, ધર્મનું પાલન કરતા વ્યક્તિને અમારા કાર્યક્રમથી કોઈ સમસ્યા નહીં થાય. કોઈ અધર્મી વ્યક્તિ જ આવા કાર્યક્રમનો વિરોધ કરી શકે.”

    બહારથી લોકોને કાર્યક્રમમાં બોલાવાયા 

    સ્થાનિકો દ્વારા વાંધો ઉઠાવતા કહેવામાં આવ્યું કે, ખ્રિસ્તી મિશનરીઓના આ કાર્યક્રમમાં સ્થાનિક લોકો બેઠા જ ન હતા. સ્થાનિકોનો આરોપ છે કે ત્યાં બેઠેલો એક પણ વ્યક્તિ સ્થાનિક ન હતો અને તમામને બહારથી બોલાવવામાં આવ્યા હતા. ધર્મ જાગરણ સમન્વયના રાજ્ય પ્રમુખ મહેન્દ્ર કુમારે કહ્યું કે, “આ અમારા વિસ્તારની સુરક્ષા માટે જોખમ છે. તેમના કારણે કંઈ પણ બને તો તે માટે જવાબદાર કોણ હશે?”

    ઑપઇન્ડિયા સાથે વાત કરતા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના સોશિયલ મીડિયા સંયોજક શ્લોક અગ્રવાલે કહ્યું કે, “મને એ વાતનું આશ્ચર્ય થાય છે કે તેમને આ પ્રકારનો કાર્યક્રમ યોજવાની પરવાનગી કેવી રીતે મળી ગઈ? ત્યાં બેઠેલો એક પણ વ્યક્તિ સ્થાનિક ન હતો. તેઓ આ વિસ્તારના લોકોને ધર્મપરિવર્તન માટે લલચાવી રહ્યા છે. આ આખા પંજાબમાં થઇ રહ્યું છે. અમે આવું શક્ય નહીં બનવા દઈએ.”

    ‘પૈસાની લાલચ આપીને લોકોને ધર્માંતરિત કરાવવા એ અયોગ્ય અને અનૈતિક છે’

    પંજાબ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના શ્લોક અગ્રવાલે આગળ કહ્યું, “અન્ય ત્રણ વ્યક્તિઓ સાથે હું અહીં આવ્યો હતો. અમારા માથે તિલક જોઈને તેમણે અમને ધમકાવ્યા હતા અને જતા રહેવા માટે કહ્યું હતું. અમે ધાર્યું ન હતું કે પોલીસ પણ તેમની સુરક્ષા માટે આવશે. તેમને ધર્મપરિવર્તન કરતા અટકાવવાને બદલે પોલીસ અમને રોકી રહી હતી. જ્યારે અમારા સ્થાનિક વિસ્તારમાં બહારના લોકો આવીને કોઈ પણ જાતના ડર વગર હિંદુઓનું ધર્માંતરણ કરાવવાના પ્રયત્નો કરી રહ્યા હોય તો અમને બોલવાનો અધિકાર નથી?”

    શ્લોક અગ્રવાલે વધુમાં ઉમેર્યું કે, “અમારા હિંદુ ભાઈ-બહેનોને ધર્મપરિવર્તન કરાવવાના પ્રયત્નો કરનારાઓને રોકવાની જગ્યાએ તંત્ર અમને અવાજ ઉઠાવતા રોકી રહ્યું છે. હું એ જ પૂછવા માંગુ છું કે આ બધું ક્યારે બંધ થશે?”

    પંજાબ RSS કાર્યકર્તા રાહુલ એન શર્માએ કહ્યું કે, “આ લોકો પૈસાની લાલચમાં ધર્માંતરણ જેવી બાબતોમાં સામેલ થાય છે. કોઈ પણ ધર્મમાં આ ખોટું છે. હું જઈને લોકોને કહું કે શાખામાં સામેલ થવા માટે હું તેમને એક હજાર રૂપિયા આપીશ, તો તેનો કેટલો વિરોધ થશે. પરંતુ અહીં કોઈ પણ સમસ્યા સમજવા માટે તૈયાર નથી. એ વાત અલગ છે જ્યારે લોકો પોતાની ઈચ્છાથી ધર્મ પરિવર્તન કરે છે, પણ કોઈને પૈસાની લાલચે ખ્રિસ્તી કે ઇસ્લામમાં પરિવર્તિત કરવામાં આવી રહ્યા હોય તો તે અયોગ્ય અને અનૈતિક છે.”

    પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને પણ સમસ્યા થઇ 

    બોર્ડની પરીક્ષાઓ સ્થગિત કરવામાં આવી છે અને હાલ વિસ્તારના અનેક વિદ્યાર્થીઓ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે. સ્થળ પર હાજર ભાજપ નેતા નીતુ ખુરાનાએ કહ્યું કે, “મને આશ્ચર્ય છે કે વિદ્યાર્થીઓ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે તે જાણવા છતાં એસડીએમે આ પ્રકારના કાર્યક્રમની પરવાનગી આપી હતી. આ લોકો ઉપદ્રવ કરી રહ્યા છે અને પોલીસ તેમની વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરી રહી નથી.”

    દરમ્યાન, કેટલાક વિદ્યાર્થીઓ પણ સ્થળ પર આવ્યા હતા અને પોલીસને લાઉડસ્પીકરનો અવાજ ઓછો કરાવવા માટે અપીલ કરી હતી, પરંતુ તેમ પણ થયું ન હતું. જે બાદ પોલીસની આવી નિષ્ક્રિયતાથી નારાજ સ્થાનિક લોકોએ જયશ્રી રામ, ભારત માતા કી જય અને હર હર મહાદેવના નારા લગાવ્યા હતા. તેમણે પોલીસને ચેતવણી આપી હતી કે જો અવાજ ઓછો કરવામાં નહીં આવે તો તેઓ ધરણાં કરશે. જે બાદ લગભગ સાડા આઠ વાગ્યે પોલીસે ચર્ચ ગ્રુપને અવાજ ઓછો કરવા માટે કહ્યું હતું, અને કાર્યક્રમ નવ વાગ્યે પૂર્ણ થવાનો હતો. 

    ‘હિંમત હોય તો પંચકુલામાં કાર્યક્રમ કરી બતાવો’

    પંજાબ અને અન્ય રાજ્યોમાં ચર્ચ સમૂહ દ્વારા કથિત રીતે થઇ રહેલા ધર્માંતરણ જેવા મુદ્દાથી નારાજ એક સ્થાનિકે કહ્યું હતું કે, “તમારામાં હિંમત હોય તો પંચકુલા (હરિયાણા) જઈને આવો કાર્યક્રમ આયોજિત કરી બતાવો. સરહદ પાર જઈને આવા કાર્યક્રમો કરો. પંજાબમાં આ એક મોટી સમસ્યા બની ગઈ છે અને અધિકારીઓ પણ કંઈ કરી રહ્યા નથી. 

    અન્ય એક સ્થાનિકે કહ્યું કે, આ પ્રકારના ધર્માંતરણ કાર્યક્રમો ખુલ્લેઆમ ચાલી રહ્યા છે તેનું કારણ એ છે કે હિંદુઓ અવાજ ઉઠાવી રહ્યા નથી. તેમણે કહ્યું, “હવે હિંદુઓએ ધર્માંતરણ વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો તો તેઓ અકળાઈ ઉઠ્યા છે. હવે અમને રોકવા માટે પોલીસ બોલાવવામાં આવી છે. અમે હાર નહીં માનીએ, આ સ્વીકર્યા નથી અને અમે અમારા ભાઈ-બહેનોનું ધર્મપરિવર્તન નહીં થવા દઈએ.”

    ચર્ચ ગ્રુપ દ્વારા પોલીસ ટેગવાળી કાર વાપરવામાં આવી 

    જ્યારે કાર્યક્રમ સમાપ્ત થયો તો ચર્ચ સમૂહના સભ્યોને લેવા માટે એક કાર આવી હતી. સ્થાનિક લોકોને આશ્ચર્ય એ વાતનું થયું કે, ચંદીગઢના રજીસ્ટ્રેશનવાળી આ ગાડીના આગલા કાચ પર ‘પોલીસ’નું ટેગ લાગ્યું હતું. જે બાદ પંજાબના ઝીરકપૂરના સ્થાનિકોએ પ્રશ્ન ઉઠાવ્યો હતો કે ધર્માંતરણ કાર્યક્રમો માટે પોલીસ વાહનો શા માટે વાપરવામાં આવી રહ્યા છે. જે બાદ પોલીસે તેમને હટાવવાના પ્રયાસો કર્યા હતા.

    (સાભાર: RSS કાર્યકર્તા/પ્રશાંત)

    જે બાદ પોલીસે હેડકવાર્ટર સાથે સંપર્ક કરીને SHO હરદીપસિંહને આવીને હસ્તક્ષેપ કરવા માટે કહ્યું હતું. દરમ્યાન, ચર્ચ સમૂહની મહિલા સભ્યો અને ભાજપ નેતા નીતુ ખુરાના વચ્ચે ઝપાઝપી પણ થઇ હતી. ભાજપ મહિલા નેતા અન્ય સ્થાનિકો અને હિંદુ નેતાઓ સાથે કાર આગળ ઉભા રહી વિરોધ કરી રહ્યા હતા.

    ચર્ચ સમૂહના પુરુષ સભ્યો રસ્તો ખાલી ન કરાવી શક્યા ત્યારે મહિલા સભ્યોએ આગળ આવીને ભાજપ મહિલા નેતા સાથે ઝપાઝપી કરી હતી. જયારે નીતુ ખુરાનાએ તેમને ચેતવણી આપી તો તેમણે તેમને ધક્કો મારી હટાવવાના પ્રયાસો કર્યા હતા. જે બાદ પોલીસે હસ્તક્ષેપ કરવો પડ્યો હતો. 

    સ્થાનિક SHOએ કહ્યું, આ સામાન્ય બાબત 

    જે બાદ SHO હરદીપસિંહ સ્થળ પર આવ્યા હતા અને બંને પક્ષો સાથે વાતચીત કરી હતી. શરૂઆતમાં તેમણે કાર સામે ઉભા રહેલા લોકોને એક તરફ ખસી જવાની વિનંતી કરીને કહ્યું કે પોલીસ સ્ટેશન દ્વારા ચલાન જારી કરવામાં આવશે. પરંતુ કોઈ ત્યાંથી ખસવા માટે તૈયાર ન હતું. 

    જે બાદ કેટલીક મિનિટોમાં એક અન્ય અધિકારી ચલાન લઈને આવ્યો હતો. જે બાદ જાણવા મળ્યું હતું કે, ધાર્મિક આયોજન માટે ઉપયોગમાં લેવામાં આવનાર કાર પર પોલીસ ટેગનો દુરુપયોગ કરવા બદલ ચલાન જારી કરવામાં આવ્યું હતું. આ મામલે ઑપઇન્ડિયા સાથે વાત કરતા, SHO હરદીપસિંહે જણાવ્યું કે, આ એક સામાન્ય બાબત હતી અને સમાધાન થઇ ગયું છે. SHO દ્વારા વાહન માલિક વિરુદ્ધ યોગ્ય કાર્યવાહીનું આશ્વાસન આપ્યા બાદ સ્થળ પર હાજર સ્થાનિક લોકો અને નેતાઓએ પોલીસનો આભાર માન્યો હતો.

    બહારના લોકો માટે કાર્યક્રમની પરવાનગી અપાવા મુદ્દે સવાલો ઉઠ્યા 

    મમતા એન્કલેવ, લક્ષ્મી એન્ક્લેવ અને ગ્રીન સિટીમાં રહેતા સ્થાનિક નિવાસીઓએ સ્થાનિક લોકોની ભાગીદારી ન હોવા છતાં આ પ્રકારના કાર્યક્રમો માટે ચર્ચ સમૂહને આપવામાં આવેલ અનુમતિ મામલે આપત્તિ વ્યક્ત કરી હતી. ત્રણેય સોસાયટીની સમિતિઓએ આયોજન માટે કોમ્યુનિટી હોલની પરવાનગી આપવામાં ન આવી હોવાનું જણાવ્યું હતું. સામાન્ય રીતે આવા કાર્યક્રમો માટે સમિતિ પરવાનગી આપતી હોય છે પરંતુ ચર્ચ ગ્રુપે એસડીએમનો સંપર્ક કર્યો હતો. 

    સ્થાનિકો દ્વારા ઑપઇન્ડિયા સાથે શૅર કરવામાં આવેલ દસ્તાવેજોમાં ખ્રિસ્તી ગ્રુપના કાર્યક્રમનો ઉલ્લેખ ન હતો. ચર્ચ સમૂહ દ્વારા આપવામાં આવેલ આવેદનમાં કહેવામાં આવ્યું હતું કે, “અમે લક્ષ્મી એન્કલેવ, ઢકોલિ, ઝીરકપૂર ખાતે એક સત્સંગ આયોજિત કરી રહ્યા છે. જેથી તે માટે લાઉડસ્પીકરના ઉપયોગની પરવાનગી માંગવામાં આવે છે.”

    (સાભાર: RSS કાર્યકર/પ્રશાંત)

    આ ઉપરાંત, અનુમતિ પત્ર પર જે સરનામું આપવામાં આવ્યું હતું તે સોસાયટીની બહાર આવેલ શાંતિ એન્કલેવ નિવાસી રોબિન નામના વ્યક્તિનું હોવાનું જાણવા મળ્યું હતું. કોમ્યુનિટી હોલની આસપાસ રહેતા લોકોએ રોબિન નામના કોઈ વ્યક્તિએ આ પ્રકારની પરવાનગી માંગવા આવ્યા હોવાનું જાણમાં ન હોવાનું જણાવ્યું હતું. 

    ‘આ પ્રકારના ધર્માંતરણ બંધ થાય તે જરૂરી’

    ઑપઇન્ડિયા સાથે વાત કરતા પંજાબ ઝીરકપુરથી મહેન્દ્ર કુમારે કહ્યું કે, આ લોકો ખ્રિસ્તી ધર્મમાં પરિવર્તિત કરવા માટે ગરીબ હિંદુઓને શિક્ષણ, ધન અને ભોજનના નામે લલચાવે છે. આ પ્રકારના ધર્માંતરણ રોકવાની જવાબદારી રાજ્ય, સમાજ અને હિંદુ સંગઠનોની છે. પરંતુ દુર્ભાગ્યપૂર્ણ છે કે સરકાર અને સમાજ આ ધર્માંતરણ રોકવામાં નિષ્ફ્ળ રહ્યા છે. હિંદુ સંગઠનો આવી ધર્માંતરણ પ્રક્રિયાઓ રોકવા માટે મોટા સ્તરે કામ કરી રહ્યા છે.

    પંજાબ અને ધર્માંતરણની સમસ્યા 

    પંજાબ દેશમાં બળજબરીથી થતા ધર્માંતરણનું હોટસ્પોટ બનતું જઈ થયું છે. છેલ્લા કેટલાક વર્ષોમાં રાજ્યમાં અનેક ચર્ચ ખૂલ્યા છે. આ સમૂહો લોકોને વધુ સારું જીવન અને બીમારીઓથી રાહત આપવાના વાયદા કરીને ધર્માંતરણ માટે ફોસલાવે છે. કથિત પ્રોફેટ બજીન્દર રાજ્યમાં ઉભરી આવેલા આવા સ્વયંકથિત ભગવાનોનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. 

    (ગુજરાતીમાં મેઘલસિંહ પરમાર દ્વારા અનુવાદિત થયેલો આ લેખ મૂળરૂપે અંગ્રેજીમાં અનુરાગ દ્વારા લખવામાં આવ્યો છે, જે અહીં ક્લિક કરીને વાંચી શકાશે.)

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં