નકલી ED અધિકારીઓ બની ગાંધીધામના જ્વેલર્સને ત્યાં દરોડા પાડવાનું નાટક કરીને લૂંટપાટ મચાવતી ટોળકીનો કેપ્ટન આમ આદમી પાર્ટીનો (Aam Aadmi Party) નેતા હોવાનો ઘટસ્ફોટ થયા બાદ પાર્ટી પર સવાલો ઊભા થયા છે ત્યારે કચ્છ પોલીસે (Kutch Police) આ મામલે આરોપીની પૂછપરછ બાદ અમુક નવા ઘટસ્ફોટ કર્યા છે. જેમાં AAPના અન્ય બે નેતાઓ ગોપાલ ઈટાલિયા (Gopal Italia) અને મનોજ સોરઠિયાનું નામ પણ ખૂલ્યું છે. કચ્છ પૂર્વના જિલ્લા પોલીસ વડા સાગર બાગમારે શનિવારે (14 ડિસેમ્બર) આ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે, અબ્દુલ ગેરકાયદેસર ધંધા કરીને જે કમાણી કરતો હતો તે પૈસાનો ઉપયોગ પાર્ટીની પ્રવૃત્તિઓ માટે પણ થતો હતો.
સાગર બાગમારે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે, “થોડા દિવસ પહેલાં ગાંધીધામમાં નકલી EDની ટીમે રેડ કરી હતી, તે મામલે અબ્દુલ સત્તાર માજોઠી નામના એક ઇસમની સંડોવણી સામે આવી હતી. હાલ તમામ આરોપીઓ રિમાન્ડ હેઠળ છે. ગઈકાલે એવો પણ ઘટસ્ફોટ થયો કે અબ્દુલ સત્તાર આમ આદમી પાર્ટીનો કાર્યકર છે અને અલગ-અલગ સમયે તે પાર્ટીના નાના-મોટા કાર્યક્રમો કરવા માટે ગેરકાયદેસર પ્રવૃત્તિ માટે કમાયેલા નાણાંનો પણ ઉપયોગ કરતો હતો.”
This is a massive scam.
— Vijay Patel🇮🇳 (@vijaygajera) December 14, 2024
Why is the national media not showing this?
AAP leader Abdul Sattar faked an ED raid.
He is a repeat offender.
He used this money for AAP.
Police are investigating the role of the top AAP Gujarat leaders, as Abdul confessed many shocking details. pic.twitter.com/jdHJyTzcym
જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું કે, “થોડા મહિના પહેલાં અબ્દુલની ભુજ સર્કિટ હાઉસ ખાતે આમ આદમી પાર્ટીના આગેવાન ગોપાલ ઈટાલિયા અને મનોજ સોરઠિયા સાથે એક મીટિંગ પણ થઈ હતી. આ બધી વિગતો અબ્દુલ સત્તારે જ પોતાના નિવેદનમાં જણાવી છે.”
અધિકારીએ જણાવ્યું કે, આ મામલે સમગ્ર મની ટ્રેઇલ તપાસવામાં આવી રહી છે અને અન્ય વિગતો મેળવવામાં આવી રહી છે. ભવિષ્યમાં જો તપાસ કરતા અધિકારીને જરૂર જણાશે તો પાર્ટીના અન્ય નેતાઓને પણ પૂછપરછ માટે બોલાવવામાં આવશે.
તેમણે આગળ જણાવ્યું કે, “CCTV ફૂટેજની તપાસમાં અન્ય વિગતો ખુલી છે કે, આ નકલી ટોળકીની આખી રેડ ચાલતી હતી ત્યારે અબ્દુલ સત્તાર દુકાનની બહાર સતત ફરી રહ્યો હતો અને મોનિટરિંગ કરી રહ્યો હતો. તેમના સમગ્ર પ્લાનિંગની વિગતો પોલીસ મેળવી રહી છે અને હાલ તપાસ ચાલુ છે.”
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, અબ્દુલ સત્તાર સામે અગાઉ જામનગર અને ભુજમાં IPCની કલમ 302 અને 307 હેઠળ ગુના દાખલ કરવામાં આવ્યા હતા. જેની પણ વિગતો કઢાવવામાં આવી રહી છે અને ટોળકીના અન્ય આરોપીઓના ગુનાહિત ઇતિહાસ છે કે કેમ, તે વિગતો પણ મેળવવામાં આવી રહી છે.
શું હતો આખો કેસ?
ગત 2 ડિસેમ્બરના રોજ 13 ઠગોએ નકલી ED અધિકારીઓ બનીને કચ્છ ગાંધીધામના એક સોનીને ત્યાં દરોડા પાડવાનું નાટક કર્યું હતું અને દોઢ કરોડથી ઉપરનો ચૂનો લગાવ્યો હતો. આ ટોળકીએ તપાસના બહાને વેપારી તથા અન્ય લોકોની નજર ચૂકવીને ₹25.25 લાખના સોનાના દાગીના ચોરી લીધા હતા. આ સાથે તેઓ રોકડ રકમ પણ ઉઠાવી લઈ ગયા હતા. ત્યારબાદ વેપારીને તેમની સાથે છેતરપિંડી થઇ હોવાનો ખ્યાલ આવતાં તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
પોલીસ ફરિયાદ થયા બાદ વારાફરતી તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ થયેલી પોલીસ તપાસમાં સામે આવ્યું કે, ટોળકીનો માસ્ટરમાઈન્ડ અબ્દુલ સત્તાર માજોઠી આમ આદમી પાર્ટીનો નેતા છે. જે આમળે શુક્રવારે (13 ડિસેમ્બર) ગૃહ રાજ્યમંત્રીએ ઘટસ્ફોટ કર્યો હતો. તેમણે આરોપીના AAP સુપ્રિમો અરવિંદ કેજરીવાલ અને પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવી સાથેના ફોટા પણ શેર કર્યા અને સવાલો ઉઠાવ્યા હતા. હવે પોલીસે પણ અબ્દુલ AAP નેતા હોવાની પુષ્ટિ કરી છે.
બીજી તરફ, આમ આદમી પાર્ટીના નેતાઓ આરોપો નકારીને ગોળગોળ વાતો કરી રહ્યા છે. ગોપાલ ઇટાલિયાએ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને પડકાર ફેંકવાનું ચાલુ કર્યું છે તો ઈસુદાન ગઢવી પણ બીજી જ વાતો કરવા માંડ્યા છે. પોલીસ હાલ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે.