તાજેતરમાં જ કચ્છના (Kutch) ગાંધીધામમાં એક જ્વેલર્સને ત્યાં નકલી ED અધિકારીઓ બનીને દરોડા પાડવાનું નાટક રચીને ઘરેણાં અને રોકડ લૂંટી લઈ જનારી ટોળકીનો સૂત્રચાર આમ આદમી પાર્ટીનો એક નેતા હોવાનો ઘટસ્ફોટ થયો છે. જાણવા મળ્યા અનુસાર, અબ્દુલ સત્તાર નામનો આ આરોપી ગુજરાતમાં આમ આદમી પાર્ટીનો (AAP) જનરલ સેક્રેટરી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ શુક્રવારે (13 ડિસેમ્બર) તેના AAP નેતાઓ સાથેના ફોટા જાહેર કરીને ઘટસ્ફોટ કર્યો હતો. માહિતી સામે આવ્યા બાદ ફરી એક વખત આમ આદમી પાર્ટી પર સવાલો ઊભા થયા છે.
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા માધ્યમ X પર એક પોસ્ટ કરી છે. જેમાં પકડાયેલા આરોપીઓને પોલીસ લઇ જઈ રહી હોય એવો વિડીયો જોવા મળે છે તો સાથે એક આરોપી અબ્દુલ સત્તારના AAP સુપ્રીમો અરવિંદ કેજરીવાલ અને ગુજરાતના આમ આદમી પાર્ટીના નેતાઓ સાથેના ફોટોગ્રાફ જોવા મળે છે. ફોટામાં અબ્દુલ સત્તાર કેજરીવાલ, AAP પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવી સહિતના નેતાઓ સાથે પાર્ટીનો ખેસ પહેરીને ઊભેલો જોવા મળે છે.
હર્ષ સંઘવીએ આ ફોટા પોસ્ટ કરીને લખ્યું હતું કે, “વિડીયો 1: પોલીસની કસ્ટડીમાં નકલી ED ટીમ. ફોટો 2: નકલી ED ટીમનો કેપ્ટન અબ્દુલ સત્તાર, AAPનો મહાસચિવ.” નોંધનીય છે કે પોલીસે નકલી ED અધિકારીઓ બનીને દરોડા પાડવાનું નાટક કરીને લૂંટ મચાવવા બદલ અબ્દુલ સહિત કુલ 12 લોકોની ધરપકડ કરી હતી, જેમાં એક મહિલા પણ સામેલ હતી.
Video 1: Fake ED Team under police arrest.
— Harsh Sanghavi (@sanghaviharsh) December 13, 2024
Photos 2: Captain of Fake ED Team Abdul Sattar, Official General Secretary of AAP.
अरविंद केजरीवाल की आम आदमी पार्टी का एक और कारनामा सामने आया है! गुजरात में पार्टी के नेता ने ईडी की नकली टीम बनाई और उसके कैप्टन बनकर लोगो को लूटा!… pic.twitter.com/Gclq3XpQLP
આગળ હર્ષ સંઘવીએ લખ્યું કે, “અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીનું વધુ એક કારનામું સામે આવ્યું છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીના એક નેતાએ નકલી ED ટીમ બનાવી અને તેનો કેપ્ટન બની લોકોને લૂંટ્યા!” આગળ તેમણે લખ્યું કે, “કચ્છમાં પકડાયેલ નકલી ED ટીમનો કમાન્ડર ગુજરાતનો આમ આદમી પાર્ટીનો નેતા નીકળ્યો. આ છે કેજરીવાલના ચેલાઓનાં કુકર્મોનો ખરો પુરાવો.”
આ અંગે આમ આદમી પાર્ટીએ કોઈ પ્રતિક્રિયા આપી હોય તેવું આ પ્રકાશિત થઈ રહ્યું છે ત્યાં સુધીમાં સામે આવ્યું નથી.
શું હતો સમગ્ર મામલો?
વાસ્તવમાં, ગત 2 ડિસેમ્બરના રોજ 13 ઠગોએ મળીને નકલી ED અધિકારી બનીને ગાંધીધામના એક જ્વેલર્સની દુકાન અને ઘરે ‘દરોડા’ પાડ્યા હતા. આ દરમિયાન આ તેમણે તપાસના બહાને વેપારી તથા અન્ય લોકોની નજર ચૂકવીને ₹25.25 લાખના સોનાના દાગીના ચોરી લીધા હતા. આ સાથે તેઓ રોકડ રકમ પણ ઉઠાવી લઈ ગયા હતા. ત્યારબાદ વેપારીને તેમની સાથે છેતરપિંડી થઇ હોવાનો ખ્યાલ આવતાં તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે આ મામલે ગુનો નોંધીને આધારે પોલીસે અલગ-અલગ ટીમ બનાવીને હ્યુમન રિસોર્સ અને સીસીટીવી ફૂટેજ તેમજ ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી. પોલીસે તપાસ બાદ આરોપીઓની ઓળખ કરીને 13 આરોપીઓમાંથી 12ની ધરપકડ કરી હતી, જેમની પૂછપરછ કરવામાં આવતાં તેમણે ગુનો કબૂલી લીધો હતો.
હવે ગૃહ રાજ્યમંત્રીએ ઘટસ્ફોટ કર્યો છે કે આ ટોળકીનો એક આરોપી અબ્દુલ સત્તાર આમ આદમી પાર્ટીનો નેતા છે. જેના કારણે ફરી એક વખત ‘કટ્ટર ઈમાનદાર’ હોવાનો દાવો કરતી પાર્ટી સવાલોના કઠેડામાં ઊભી રહી ગઈ છે.