EDના અધિકારીઓ બનીને ગોલ્ડ ડીલરને ત્યાં દરોડા પાડવાનું તરકટ રચીને લાખો રૂપિયા પડાવી લેનાર એક ગેંગની ગુજરાત પોલીસે ધરપકડ કરી છે. 12 વ્યક્તિઓની આખી આ ગેંગમાં ભુજનો એક પત્રકાર અને અમદાવાદની એક મહિલા પણ સામેલ છે. હજુ એક વ્યક્તિ ફરાર છે.
આ તમામે ગત 2 ડિસેમ્બરના રોજ નકલી ED અધિકારીઓએ બનીને ગાંધીધામના એક જ્વેલર્સની દુકાન અને ઘરે દરોડા પાડ્યા હતા. દરમ્યાન સર્ચિંગ કરતી વખતે નજર ચૂકવીને સોનાના દાગીના ચોરી લીધા હતા. સાથે રોકડ રકમ પણ ઉઠાવી ગયા હતા.
જ્વેલર્સના માલિકને પછીથી શંકા જતાં તેમણે ગાંધીધામ પોલીસ મથકે ફરિયાદ દાખલ કરાવી હતી. જેના આધારે પોલીસે અલગ-અલગ ટીમ બનાવીને હ્યુમન રિસોર્સ અને સીસીટીવી ફૂટેજ તેમજ ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી.
પોલીસે તપાસ બાદ વારાફરતી આરોપીઓની ઓળખ કરીને ધરપકડ કરી હતી, જેમની પૂછપરછ કરવામાં આવતાં ગુનો કબૂલી લીધો હતો. આ મામલે કુલ 13 આરોપીઓમાંથી 12ની ધરપકડ કરી લેવામાં આવી છે, જ્યારે એક હજુ ફરાર છે.
જાણવા મળ્યા અનુસાર, આરોપીઓમાંથી અમુકને ખબર હતી કે જે-તે જ્વેલર્સને ત્યાં અગાઉ ITની રેડ પડી હતી અને સંપત્તિ સેંકડો કરોડોમાં છે. પછી આ સમગ્ર પ્લાન ઘડ્યો હતો.