ગત 2 ડિસેમ્બરના રોજ 13 ઠગોએ નકલી ED અધિકારીઓ બનીને કચ્છના (Kutch) ગાંધીધામના એક સોનીને ઠગીને દોઢ કરોડથી ઉપરનો ચૂનો લગાવ્યો હતો. ત્યારબાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ (Harsh Sanghavi) શુક્રવારે (13 ડિસેમ્બર) ઘટસ્ફોટ કરતાં કહ્યું કે, નકલી ED અધિકારી બનેલી ગેંગનો કર્તાહર્તા અબ્દુલ સત્તાર આમ આદમી પાર્ટીનો નેતા છે. હર્ષ સંઘવીએ તેના અરવિંદ કેજરીવાલ અને ઇસુદાન ગઢવી (Isudan Gadhvi) વગેરે નેતાઓ સાથેના ફોટા પણ શેર કર્યા હતા. ત્યારે હવે આમ આદમી પાર્ટીના (AAP) નેતાઓ આ સમગ્ર મામલે સ્પષ્ટતા આપવાના બદલે ગોળગોળ વાતો કરી રહ્યા છે.
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નકલી ED અધિકારી બનીને ગાંધીધામના વેપારીને ઠગનાર AAP નેતાની પોલ ખોલતાં પાર્ટીના નેતાઓએ હવે ‘ડિફેન્સ સિસ્ટમ’ એક્ટિવ કરી દીધી હોય એમ, પોતાના નેતા પર સ્પષ્ટતા આપવાની જગ્યાએ સોશિયલ મીડિયામાં આડીઅવળી વાતો કરી હતી. કેસના મુખ્ય આરોપી અબ્દુલ સત્તારના અરવિંદ કેજરીવાલ અને ઇસુદાન ગઢવી સાથેના ફોટા સામે આવ્યા બાદ ઇસુદાન ગઢવીએ એક વિડીયો જાહેર કર્યો હતો. ગળામાં આમ આદમી પાર્ટીનો ખેસ અને સાથે ફોટા હોવા છતાં ઇસુદાને તેને પાર્ટી કાર્યકર્તા નહીં હોવાનું રટણ ચાલુ રાખ્યું હતું.
Video 1: Fake ED Team under police arrest.
— Harsh Sanghavi (@sanghaviharsh) December 13, 2024
Photos 2: Captain of Fake ED Team Abdul Sattar, Official General Secretary of AAP.
अरविंद केजरीवाल की आम आदमी पार्टी का एक और कारनामा सामने आया है! गुजरात में पार्टी के नेता ने ईडी की नकली टीम बनाई और उसके कैप्टन बनकर लोगो को लूटा!… pic.twitter.com/Gclq3XpQLP
ઈસુદાન ગઢવીએ કહ્યું- સંઘવી ખોટા, અત્યારે તે AAPનો હોદ્દેદાર નથી
ઇસુદાન ગઢવીએ આમ આદમી પરીના સત્તાવાર X હેન્ડલ પર એક વિડીયો શેર કરીને ઝડપાયેલો નકલી ED અધિકારી AAPનો કાર્યકર્તા કે નેતા ન હોવાનું જણાવ્યું છે. આ વિડીયો પોસ્ટના કેપ્શનમાં સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે કે, “ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ખોટું ટ્વિટ કરીને કહ્યું કે નકલી ED અધિકારી AAP કાર્યકર્તા છે. આ વાત તદ્દન પાયાવિહોણી છે.” જ્યારે આરોપી ગળામાં આમ આદમી પાર્ટીનો ખેસ નાખીને પાર્ટી સુપ્રીમો અરવિંદ કેજરીવાલ અને ઇસુદાન ગઢવી સહિતના નેતાઓ સાથે જોવા મળ્યો હતો.
જોકે, ઈસુદાન ગઢવીએ પોતાની વાતમાં ‘અત્યારે’ શબ્દ વાપર્યો છે. એનો એક અર્થ એવો પણ કરી શકાય કે પહેલાં આ શખ્સ પાર્ટી સાથે સંકળાયેલો હતો, પણ અત્યારે નથી.
ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ખોટું ટ્વિટ કરીને કહ્યું કે નકલી ED અધિકારી AAP કાર્યકર્તા છે. આ વાત તદ્દન પાયાવિહોણી છે.
— AAP Gujarat (@AAPGujarat) December 13, 2024
ગુજરાતમાં ભાજપના રાજમાં એવું કંઈ જ બચ્યું નથી જે નકલી ના હોય. સરકારી કચેરીઓ અને નકલી PMO સુધી બધું નકલી.
આ બધા મુદ્દે હર્ષ સંઘવી કઈ જાહેરમાં ચર્ચા કરી શકશે? pic.twitter.com/mNPuxOJO52
ગોપાલ ઇટાલિયાએ પણ જવાબ આપવાની જગ્યાએ રમ્યા પડકાર-પડકાર
આવી જ રીતે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ પણ એક વિડીયો જાહેર કર્યો છે. તેમણે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની પોસ્ટ રિપોર્ટ કરીને એક વિડીયો મૂક્યો હતો. આ વિડીયોમાં ગોપાલ ઇટાલિયાએ પણ ઝડપાયેલો આરોપી આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા નથી, તો તેના પાર્ટીના ‘કદાવર નેતાઓ’ સાથેના ફોટા મામલે સ્પષ્ટતા આપવાની જગ્યાએ હર્ષ સંઘવીએ પોસ્ટ કરી તેના પર રોકકળ કરી હતી.
ગોપાલ ઇટાલિયા આ વખતે પણ મુદ્દાની વાત પરથી પરે જઈને આખા વિડીયોમાં માત્ર ગૃહ રાજ્યમંત્રીનું નામ લઇ પડકાર-પડકાર જ રમતા નજરે પડ્યા હતા. આખા વિડીયોમાં તેઓ અલગ અલગ ‘લહેકા’ કરીને એકની એક જ વાત રિપીટ કરતા જોવા મળ્યા કે હર્ષ સંઘવી તેમની સાથે ડિબેટ કરવાનો સમય આપે. નોંધવું જોઈએ કે ઈટાલિયા આ પહેલાં ઘણી વખત હર્ષ સંઘવીને આવા પડકારો ફેંકી ચૂક્યા છે.
હર્ષ સંઘવી ભાગે નહીં, ભાગતા નહી.
— Gopal Italia (@Gopal_Italia) December 13, 2024
ટીવી પાછળ છુપાઈને ટ્રોલ સેનાની જેમ ટ્વીટ ટ્વીટની રમત કરવાના બદલે ગૃહમંત્રીને છાજે એમ સામી છાતીએ ચર્ચા કરવા હાલ્યા આવો.
કચ્છની નકલી ઈડી મુદ્દે આમ આદમી પાર્ટીને Expose કરવા હર્ષ સંઘવી જાહેરમાં ડિબેટ કરવાના સમય સ્થળની જાણ કરે. https://t.co/EO5xNZpEoy pic.twitter.com/uS34OdKt09
કાયમ ભાજપને ઘેરવા તલપાપડ રહેતા AAP નેતાઓ પોતાના પર આવ્યું તો ઘાંઘા થયા
નોંધવું જોઈએ કે ભૂતકાળમાં જ્યારે કોઈ ગુનામાં ઝડપાયેલા આરોપીના કોઈ નેતા સાથેના ફોટા સામે આવતા તો આમ આદમી પાર્ટીના નેતાઓ ગામ ગજવી મૂકતા હતા. તેઓ ભાજપને ઘેરવાનો એક પણ મોકો છોટા ન હતા અને નેતાઓ સાથેના ફોટા શેર કરીને સવાલો કરતા હતા. આ વખતે બાજી અવળી પડી અને ગૃહ રાજ્યમંત્રીએ એક કેસમાં પકડાયેલા આરોપીની AAPના નેતાઓ સાથેની તસવીરો ફરતી કરી દીધી, તો આ જ નેતાઓ બેકફૂટ પર આવી ગયા.
ગોપાલ ઇટાલિયાએ પાર્ટી સુપ્રીમો અને દિલ્હીના માજી મુખ્યમંત્રી સાથેના આરોપીના ફોટા પર સ્પષ્ટતા આપવાની જગ્યાએ ગોળગોળ વાતો કર્યે રાખી. ઇસુદાન ગઢવીએ પણ શરૂઆત કરીને વાતને અવળે પાટે ચઢાવીને ગૃહ રાજ્યમંત્રીને ‘તમે મંત્રી છો કે નકલી મંત્રી’ જેવો ‘ક્રાંતિકારી’ સવાલ તો પૂછ્યો, પણ તેમની સાથે ફોટામાં લગોલગ ઉભેલા માણસે નકલી ED અધિકારી બનીને જે ગુનો આચર્યો છે તે બાબતે આખા વિડીયોમાં ક્યાંય મગનું નામ મરી તો ન જ પાડ્યું.