મુંબઈના (Mumbai) કુર્લા પશ્ચિમ રેલવે સ્ટેશનના આંબેડકર નગરમાં સોમવારે (10 ડિસેમ્બર) રાત્રે મુંબઈની સાર્વજનિક પરિવહન સેવા BESTની બસનો ભયંકર અકસ્માત (BEST Bus Accident) થયો હતો. બસે રસ્તા પર ચાલતા કેટલાય લોકોને કચડી નાખ્યા હતા. આ બસ દુર્ઘટનામાં 7 લોકો મૃત્યુ પામ્યા છે અને 48 લોકો ઘાયલ થયા હોવાનું સામે આવ્યું હતું. ઘટનાના કારણ અંગે એવું સામે આવ્યું હતું કે બસની બ્રેક ફેલ થઇ ગઈ હતી જેના કારણે આ દુર્ઘટના સર્જાઈ હતી.
અહેવાલો અનુસાર આ દુર્ઘટના મુંબઈના કુર્લામાં રાતે લગભગ પોણા દસ વાગ્યાની આસપાસ બની હતી. અંજુમ-એ-ઈસ્લામ સ્કૂલ પાસે એલ વોર્ડની સામે એસજી બર્વે માર્ગ પર BESTની બસ રૂટ નંબર 332 અનેક વાહનો સાથે અથડાઈ હતી. બ્રેક ફેલ થવાના કારણે આ અકસ્માત થયો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું. પોલીસના જણાવ્યા અનુસાર જે જગ્યાએ આ દુર્ઘટના થઈ તે ખૂબ જ ભીડભાડવાળી જગ્યા છે.
Mumbai: A major road accident occurred in Kurla when a BEST bus collided with several vehicles on S G Barve Marg, opposite L Ward, near Anjum-E-Islam School. The incident, reported at 9:50 PM on December 9, 2024, resulted in around 10 people being injured. According to Dr. Abdul,… pic.twitter.com/70PmuJfSZs
— IANS (@ians_india) December 9, 2024
પોલીસના જણાવ્યા અનુસાર, અકસ્માતની તપાસ કરવા માટે ઘટના સ્થળની આસપાસ 500 મીટરના વિસ્તારમાં લગાવેલ તમામ સીસીટીવી કેમેરાના ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે. જેથી અકસ્માતોના સાચા કારણો જાણી શકાય. જોકે ઘટનાના પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે બસનો ડ્રાઈવર દારૂના નશામાં બસ હાંકી રહ્યો હતો. જોકે ડ્રાઈવરે બ્રેક ફેલ હોવાનું કહ્યું હતું.
પોલીસે આ મામલે વધુ તપાસ કરવા બસના ડ્રાઈવરની ધરપકડ કરી હતી. બસ ડ્રાઈવર સંજય મોરેને મેડિકલ ચેકઅપ માટે મુંબઈની જેજે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. અધિકારીઓના જણાવ્યા અનુસાર બૃહન્મુંબઈ વિદ્યુત આપૂર્તિ એવં પરિવહનની (BEST) આ બસ બુદ્ધ કોલોનીમાં ઘુસી ગઈ હતી અને ત્યાં જ થોભી ગઈ હતી. આ ઘટના દરમિયાન લગભગ 48 લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે, તથા 7 લોકોએ જીવ ગુમાવ્યા હોવાનું સામે આવ્યું હતું.
ઇન્ડિયા ટીવીના અહેવાલ અનુસાર આ અકસ્માતમાં 7 લોકોના મોત થયા છે. મૃતકોમાંથી કેટલાકની ઓળખ થઈ ગઈ છે. પોલીસે જણાવ્યું કે મૃતકોની ઓળખ શિવમ કશ્યપ (18), કનીઝ ફાતિમા (55), આફીલ શાહ (19) અને અનમ શેખ (20) તરીકે થઈ છે. બાકીના મૃતકોની ઓળખ હજુ જાહેર કરવામાં આવી નથી. સાયન અને કુર્લાની હોસ્પિટલમાં ઘાયલોની સારવાર ચાલુ છે. ઘાયલોમાંથી 4ની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું.