Tuesday, March 18, 2025
More
    હોમપેજદુનિયાઅમેરિકામાં પીએમ મોદી-ડોનાલ્ડ ટ્રમ્પની દ્વિપક્ષીય બેઠક…અનેક મુદ્દે કરાર, અનેક મુદ્દે વાતચીત: વિગતવાર...

    અમેરિકામાં પીએમ મોદી-ડોનાલ્ડ ટ્રમ્પની દ્વિપક્ષીય બેઠક…અનેક મુદ્દે કરાર, અનેક મુદ્દે વાતચીત: વિગતવાર વાંચો

    મોદીની ટ્રમ્પ સાથેની મુલાકાત બાદ બંને નેતાઓએ પત્રકાર વાર્તા પણ સંબોધી હતી. દરમિયાન તેમણે ભારત-અમેરિકા વચ્ચે થયેલ મહત્વપૂર્ણ કરાર અંગે માહિતી આપી હતી, આ ઉપરાંત પત્રકારોના પ્રશ્નોના જવાબ પણ આપ્યા હતા.

    - Advertisement -

    ગુરુ-શુક્રની મધ્ય રાત્રિએ જ્યારે ભારત નિંદ્રામાં હતું ત્યારે હજારો કિલોમીટર દૂર સંયુક્ત રાજ્ય અમેરિકામાં સૌથી મોટી લોકશાહી અને સૌથી જૂની લોકશાહીના વડાઓ વચ્ચે સત્તાવાર મુલાકાત થઈ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ માટે અમેરિકાની યાત્રાએ હતા અને બીજા દિવસે ગુરુવારે (13 ફેબ્રુઆરી) તેમણે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત કરી. ડોનાલ્ડ ટ્રમ્પ બીજી ટર્મ માટે અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા બાદ પીએમ મોદીની સત્તાવાર રીતે અમેરિકાની પહેલી મુલાકાત હતી. બંને નેતાઓએ રાષ્ટ્રપતિ કાર્યાલય ઓવલ ઑફિસ ખાતે દ્વિપક્ષીય બેઠક કરી, જેમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા થઈ. પછીથી એક પ્રેસ કૉન્ફરન્સ પણ યોજી હતી, જેમાં બંને નેતાઓએ મીડિયાના પ્રશ્નોના જવાબ આપ્યા.

    વ્હાઇટ હાઉસ પહોંચેલા ભારતીય પ્રધાનમંત્રીનું રાષ્ટ્રપતિ ટ્રમ્પે ઉષ્માભેર સ્વાગત કર્યું. ત્યારબાદ બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય બેઠક થઈ. દરમ્યાન બંને દેશોનાં પ્રતિનિધિમંડળો પણ ઉપસ્થિત રહ્યાં. ભારત તરફથી વિદેશ મંત્રી એસ જયશંકર, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ વગેરે પણ પીએમ મોદી સાથે હતા.

    મુલાકાત દરમિયાન PM મોદીએ ટ્રમ્પને રાષ્ટ્રપતિ ચૂંટણીમાં તેમની જીત બદલ અભિનંદન પાઠવ્યા. તેમણે કહ્યું, ફક્ત મારા તરફથી જ નહીં પરંતુ ભારતના 140 કરોડ લોકો વતી તમને તમારી જીત બદલ અભિનંદન. PM મોદીએ કહ્યું કે તમને વ્હાઇટ હાઉસમાં પાછા જોઈને મને આનંદ થયો. સાથે મળીને આપણે બંને દેશોની પ્રગતિ અને સમૃદ્ધિ તરફ આગળ વધીશું.

    - Advertisement -

    PM મોદીએ કહ્યું હતું કે, “જ્યારે પણ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો ઉલ્લેખ થાય છે, ત્યારે દરેકને ‘મેક અમેરિકા ગ્રેટ અગેઇન’ યાદ આવે છે. દરેક વ્યક્તિ તેનાથી પ્રેરિત થાય છે. તેવી જ રીતે, 2047 સુધીમાં જ્યારે ભારત તેની સ્વતંત્રતાનાં 100 વર્ષ પૂર્ણ કરશે, ત્યારે ભારતને વિકસિત દેશ બનાવવાના 140 કરોડ દેશવાસીઓના સંકલ્પને આજે નવી ગતિ મળી રહી છે. અમેરિકા વિશ્વની સૌથી જૂની લોકશાહી છે અને ભારત સૌથી મોટી લોકશાહી છે, તેથી આપણા બંનેના જોડાણનો અર્થ 1+1 = 2 નથી પરંતુ 1 અને 1= 11 છે. આ શક્તિનો ઉપયોગ વિશ્વના કલ્યાણ માટે કરવામાં આવશે.”

    નોંધનીય છે કે મોદીની ટ્રમ્પ સાથેની મુલાકાત બાદ બંને નેતાઓએ પત્રકાર વાર્તા પણ સંબોધી હતી. દરમિયાન તેમણે ભારત-અમેરિકા વચ્ચે થયેલ મહત્વપૂર્ણ કરાર અંગે માહિતી આપી હતી, આ ઉપરાંત પત્રકારોના પ્રશ્નોના જવાબ પણ આપ્યા હતા. PMએ કહ્યું કે 2030 સુધીમાં આપણે ભારત-અમેરિકા વેપાર બમણો કરીશું.

    ભારતનો પક્ષ શાંતિ

    આ સિવાય રશિયા યુક્રેન મામલે PM મોદીએ કહ્યું હતું કે, “રાષ્ટ્રપતિ ટ્રમ્પે પુતિન સાથે વાત કરી છે. દુનિયાનો મત એવો છે કે ભારત તટસ્થ છે, પણ હું તમને કહી દઉં કે ભારત તટસ્થ નથી, ભારતનો પોતાનો પક્ષ છે શાંતિ. પહેલા દિવસથી જ મેં રાષ્ટ્રપતિ પુતિનને કહ્યું છે કે યુદ્ધથી સમસ્યાઓનો ઉકેલ લાવી શકાતો નથી. ટેબલ પર ચર્ચા કરીને જ સમાધાન મળે છે. અમે શાંતિ માટેના પ્રયાસોને સંપૂર્ણ સમર્થન આપીએ છીએ. રાષ્ટ્રપતિ ટ્રમ્પે શાંતિ માટે કરેલી પહેલને હું સમર્થન આપું છું.”

    યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે “હું વ્હાઇટ હાઉસમાં પીએમ મોદીનું સ્વાગત કરીને રોમાંચિત છું… મેં 5 વર્ષ પહેલાં તમારા સુંદર દેશની મુલાકાત લીધી હતી અને એ અનુભવ અદભૂત રહ્યો હતો. વિશ્વના સૌથી જૂના અને સૌથી મોટા લોકશાહી દેશો – યુનાઇટેડ સ્ટેટ્સ અને ભારત વચ્ચે એક ખાસ બંધન છે. આજે PM મોદી અને હું સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે આગળ વધવાની દિશામાં પહેલ કરી રહ્યા છીએ.”

    PM મોદીએ અમેરિકામાં ગેરકાયદે રહેતા લોકો અંગે કહ્યું, “જે લોકો અન્ય દેશોમાં ગેરકાયદેસર રીતે રહે છે તેમને ત્યાં રહેવાનો કોઈ કાનૂની અધિકાર નથી. જ્યાં સુધી ભારત અને અમેરિકાનો સવાલ છે, અમે હંમેશા કહ્યું છે કે જે લોકો વેરિફાઈડ છે અને ભારતના ખરા નાગરિક છે – જો તેઓ અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા હોય, તો ભારત તેમને પરત લેવા માટે તૈયાર છે.”

    તહવ્વુર રાણાનું પ્રત્યાર્પણ  

    આગળ બોલતાં યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, “મને એ જાહેરાત કરતા આનંદ થાય છે કે મારા વહીવટીતંત્રે ભારતમાં ટ્રાયલનો સામનો કરતા મુંબઈ આતંકવાદી હુમલાના કાવતરાખોરોમાંના (તહવવુર રાણા) એકના પ્રત્યાર્પણને મંજૂરી આપી છે. તે 2008ના ભયાનક મુંબઈ આતંકવાદી હુમલા સાથે જોડાયેલો છે. તે ટ્રાયલનો સામનો કરવા માટે ભારત પરત જઈ રહ્યો છે.”

    અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઊર્જા કરારની જાહેરાત કરતાં કહ્યું કે, “પ્રધાનમંત્રી મોદી અને મેં ઊર્જા પર પણ એક મહત્વપૂર્ણ કરાર કર્યો છે. જે અમેરિકાને ભારત માટે તેલ અને કુદરતી ગેસનો અગ્રણી સપ્લાયર બનાવશે, આશા છે કે તે નંબર 1 સપ્લાયર હશે. યુએસ પરમાણુ ઉદ્યોગ માટે અભૂતપૂર્વ વિકાસમાં, ભારત યુએસ પરમાણુ ટેકનોલોજીને આવકારવા માટે કાયદાઓમાં પણ સુધારો કરી રહ્યું છે.”

    MAGA અને MIGA

    વધુમાં, PM નરેન્દ્ર મોદીએ કહ્યું કે “અમેરિકાના લોકો MAGA – મેક અમેરિકા ગ્રેટ અગેઇનને સારી રીતે જાણે છે. ભારતના લોકો પણ વિકસિત ભારત 2047 તરફ આગળ વધી રહ્યા છે. જો અમેરિકન ભાષામાં કહેવું હોય તો ‘મેક ઇન્ડિયા ગ્રેટ અગેઇન’ – MIGA કહી શકાય. જ્યારે અમેરિકા અને ભારત સાથે મળીને કામ કરે છે, ત્યારે તે MEGA વત્તા MIGA ‘સમૃદ્ધિ માટે મેગા ભાગીદારી’ બની જાય ​​છે. આજે, અમે 2030 સુધીમાં અમારો વ્યવસાય બમણો કરવાનો નિર્ણય લીધો છે.”

    PM મોદી કહ્યું, “ભારતની સંરક્ષણ તૈયારીઓમાં અમેરિકાની મહત્વપૂર્ણ ભૂમિકા છે. વ્યૂહાત્મક અને વિશ્વસનીય ભાગીદારો તરીકે, અમે સંયુક્ત વિકાસ, સંયુક્ત ઉત્પાદન અને ટેકનોલોજીના ટ્રાન્સફર તરફ સક્રિયપણે આગળ વધી રહ્યા છીએ. આજે અમે TRUST એટલે કે Transforming Relationship Utilizing Strategic Technology  પર સહમતિ દર્શાવી છે. આ અંતર્ગત, મહત્વપૂર્ણ ખનિજો, અદ્યતન સામગ્રી અને ફાર્માસ્યુટિકલ્સની મજબૂત સપ્લાય ચેઇન બનાવવા પર ભાર મૂકવામાં આવશે.”

    PMએ એમ પણ કહ્યું કે આજે અમે 2030 સુધીમાં આપણા દ્વિપક્ષીય વેપારને બમણાથી વધુ વધારીને $500 બિલિયન કરવાનું લક્ષ્ય રાખ્યું છે. તેમણે કહ્યું કે અમારા લોકો વચ્ચેના સંબંધોને વધારવા માટે અમે ટૂંક સમયમાં લોસ એન્જલસ અને બોસ્ટનમાં ભારતીય કોન્સ્યુલેટ સ્થાપિત કરીશું. આ સિવાય ડોનાલ્ડ ટ્રમ્પે PM મોદીને એક મહાન નેતા પણ ગણાવ્યા હતા. તથા બાંગ્લાદેશ મામલે તેમણે કહ્યું હતું કે “હું બાંગ્લાદેશનો મુદ્દો પ્રધાનમંત્રી મોદી પર છોડી દઉં છું.”

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં