Wednesday, March 5, 2025
More
    હોમપેજરાજકારણડઝનબંધ ગાડીઓનો કાફલો લઈને પંજાબ વિપશ્યના કરવા પહોંચ્યા કેજરીવાલ, AAP સાંસદ સહિત...

    ડઝનબંધ ગાડીઓનો કાફલો લઈને પંજાબ વિપશ્યના કરવા પહોંચ્યા કેજરીવાલ, AAP સાંસદ સહિત લોકોએ યાદ કરાવી ‘આમ આદમી’વાળી વાતો

    સ્વાતિ માલીવાલે કેજરીવાલની ટીકા કરતા લખ્યું હતું કે, “જે પંજાબની જનતાએ આટલો બધો પ્રેમ આપ્યો એ જનતાથી આટલા બધા ડરે છે કેજરીવાલ? VIP કલ્ચર પર આખી દુનિયાની ટીકા કરનારા કેજરીવાલજી આજે પોતે ડોનાલ્ડ ટ્રમ્પ કરતા પણ મોટા સુરક્ષા કવચ સાથે ફરે છે."

    - Advertisement -

    દિલ્હીના મુખ્યમંત્રી પદ પર બિરાજવાના સપના જોતા રહેલ અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) હજી સુધી વાસ્તવિકતાનો સ્વીકાર કરી શક્યા નથી કે તેઓ તાજેતરમાં યોજાયેલી દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ધારાસભ્ય તરીકે પણ ચૂંટાઈ શક્યા નથી. તેમની પાસે કોઈ પદ ન હોવા છતાં VVIP ટ્રીટમેન્ટનો (VVIP Treatment) લાભ લઈ રહ્યા છે. તાજેતરમાં અરવિંદ કેજરીવાલ વિપશ્યના (Vipashyana) માટે પંજાબ (Punjab) પહોંચ્યા છે, જ્યાં તેમની પાછળ લગભગ 10 ગાડીઓનો કાફલો જોવા મળ્યો હતો. હવે મીડિયાથી લઈને સોશિયલ મીડિયા ઉપરાંત તેમની પાર્ટીના સાંસદ પણ તેમની ટીકા કરી રહ્યા છે.

    નોંધનીય છે કે અરવિંદ કેજરીવાલ વિધાનસભા ચૂંટણીમાં વર્તમાન દિલ્હી કેબિનેટના મંત્રી પ્રવેશ સાહિબ સિંઘ વર્મા સામે 4000 કરતા વધુ મતોથી હારી ગયા હતા. ત્યારપછી તેઓ તેમની પત્ની સુનીતા કેજરીવાલ સાથે 4 માર્ચ 2025ના રોજ પંજાબના હોશિયારપુર સ્થિત ધમ્મ ધ્વજા વિપશ્યના કેન્દ્રમાં પહોંચ્યા હતા. 5 માર્ચે શરૂ થનાર આ વિપશ્યના કાર્યક્રમ 10 દિવસ સુધી ચાલવાનો છે. ત્યારે જે સમયે તેઓ વિપશ્યના માટે પહોંચ્યા હતા તે સમયનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં તેઓ લગભગ 8-10 લકઝુરિયસ ગાડીઓના કાફલા સાથે જોવા મળ્યા હતા.  

    આ વિડીયો સામે આવતાં જ તેમની ટીકા થઈ રહી છે. વિડીયોમાં દેખાઈ રહ્યું છે કે ગાડીઓના કાફલામાં સ્કોર્પિયો-થાર જેવી ગાડીઓ સામલે છે. ગાડીઓ પર લાલ-વાદળી બત્તીઓ પણ જોવા મળી રહી છે. નોંધવા જેવું એ છે કે આ ગાડીઓ બુલેટપ્રૂફ હતી. આ મામલે તેમની પાર્ટીના સાંસદ સ્વાતિ માલીવાલે પોસ્ટ કરી હતી.

    - Advertisement -

    સ્વાતિ માલીવાલે કેજરીવાલની ટીકા કરતા લખ્યું હતું કે, “જે પંજાબની જનતાએ આટલો બધો પ્રેમ આપ્યો એ જનતાથી આટલા બધા ડરે છે કેજરીવાલ? VIP કલ્ચર પર આખી દુનિયાની ટીકા કરનારા કેજરીવાલજી આજે પોતે ડોનાલ્ડ ટ્રમ્પ કરતા પણ મોટા સુરક્ષા કવચ સાથે ફરે છે. ગજબ છે…કેવી રીતે પંજાબ જેવા મહાન રાજ્યને પોતાના એશ-આરામના સાધન પૂરા પડવાનું માધ્યમ બનાવી દેવાયું છે.”

    બીજી તરફ દિલ્હી સરકારના મંત્રી મનજિંદર સિંઘ સિરસાએ પણ કેજરીવાલની ટીકા કરતા કહ્યું હતું કે, “અરવિંદ કેજરીવાલની આ નકલી સાદગી એક નવી નૌટંકી છે. ભ્રષ્ટાચાર અને અહંકારમાં ડૂબેલો વ્યક્તિ વિપશ્યનાનો સાચો અર્થ કેવી રીતે સમજી શકે?” તેમણે લખ્યું હતું કે, “એવી વિપશ્યનાનો શું લાભ જ્યાં સાદગી અને આત્મચિંતનની જગ્યાએ 50 ગાડીઓના કાફલામાં અહંકાર અને દેખાડો હોય?”

    આ સિવાય એક સોશિયલ મીડિયા યુઝરે લખ્યું હતું કે, “દિલ્હીમાં કચડાઈ ગયા પછી પણ, ભ્રષ્ટાચારના આરોપી ભૂતપૂર્વ સીએમ કેજરીવાલ હજુ પણ વીઆઈપીની જેમ ફરે છે અને પોતાના ‘ખાનગી’ વિપશ્યના શિબિર પર પંજાબના સંસાધનોનો બગાડ કરી રહ્યા છે. પંજાબ નાદારીની આરે છે ત્યારે, માન કેજરીવાલની વૈભવી સુવિધાઓ માટે જાહેર નાણાંનો ઉપયોગ કરી રહ્યા છે. શા માટે કરદાતાઓએ તેમના વ્યક્તિગત બેકાર ખર્ચાઓનો બોજ ઉઠાવવો જોઈએ?”

    અન્ય એક યુઝરે લખ્યું હતું કે, “કેજરીવાલની VVIP હરકતો તેમના દંભનો પર્દાફાશ કરે છે! દિલ્હી દ્વારા નકારવામાં આવ્યા હોવા છતાં, તેઓ પંજાબના કરદાતાઓની દયાથી વૈભવી સુવિધાઓનો આનંદ માણી રહ્યા છે. રાજ્ય નાદારીની આરે હોવા છતાં, CM માનની પ્રાથમિકતાઓ સ્પષ્ટપણે ખોટી છે. જવાબ આપવાનો સમય આવી ગયો છે!”

    નોંધનીય છે કે આ સિવાય પણ ઘણા સોશિયલ મીડિયા યુઝર તેમના આ દંભની ટીકા કરી રહ્યા છે. એક તરફ તે વિપશ્યનામાં જવાનું કહી રહ્યા છે, બીજી તરફ તેમના કાફલાઓ સાથેના વિડીયો તેમના બેવડા વલણો અને માનસિકતા ઉજાગર કરે છે.

    વિપશ્યનાથી વિપરીત કેજરીવાલની હરકતો

    વિપશ્યના ભારતની પ્રાચીન સાધનાવિધિ છે. જે લગભગ વિલુપ્ત થઈ ગઈ હતી. પરંતુ આશરે 2500 વર્ષ પહેલાં ગૌતમ બુદ્ધે આ વિલુપ્ત થઈ ગયેલી સાધનાવિધિને ફરી શોધી અને જનકલ્યાણાર્થે સર્વસુલભ બનાવી. વિપશ્યના પોતાના આત્મનિરીક્ષણ અને ચિત્તશુદ્ધિ માટે કરવામાં આવતી એક વૈજ્ઞાનિક સાધના છે. મનમાં ઉદ્ભવેલા ક્રોધ, લોભ, ઈર્ષ્યા, ભય, દ્વેષ, દુર્ભાવના, અસુરક્ષા જેવા વિકારોને દૂર કરવા માટે આ સાધના કરવામાં આવે છે.

    જોકે આ સાધનામાં જતા પહેલાં પણ અરવિંદ કેજરીવાલ તેમના VVIP ટ્રીટમેન્ટના વિકારને છોડી શકતા નથી. જ્યાં આત્મચિંતન કરવાનું છે ત્યાં પણ લકઝુરિયસ ગાડીઓના કાફલા લઈને જઈ રહ્યા છે. જેના કારણે તેઓ ભારે ટીકાનો સામનો કરી રહ્યા છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં