અખબાર ગુજરાત સમાચારના માલિકો પૈકીના એક બાહુબલી શાહની EDએ ધરપકડ કરી પછી સામાન્ય લોકો તરફથી તો મિશ્ર પ્રતિક્રિયા જોવા મળી રહી છે અને એમાં પણ મોટાભાગના મજા લેતા હોય એવું સોશિયલ મીડિયા પર આંટો મારતા જોવા મળે છે, પણ મીડિયા જગતની એક જમાત હવે ધીમેધીમે આ કાર્યવાહીને ‘પત્રકારત્વ’ અને ‘અખબારી સ્વાતંત્ર્ય’ પર હુમલો ગણાવવા માટે મેદાને આવવા માંડી છે. જોકે કાર્યવાહી કયા કારણોસર થઈ અને આરોપો શું લાગ્યા છે– આવી કોઈ વિગતો હજુ મળી શકી નથી.
બીજી બાજુ સોશિયલ મીડિયા પર ગુજરાત સમાચારની ભૂતકાળની કરતૂતો ઉઘાડી પડી રહી છે. છેક 1932થી ચાલતું આ અખબાર આધુનિક સમયમાં તેના મોદીદ્વેષના કારણે કુખ્યાત બન્યું અને પછીથી આ મોદીદ્વેષ ધીમેધીમે ભારતવિરોધ અને સેના પ્રત્યેના દ્વેષમાં પણ પરિણમતો ગયો એ અખબાર ચલાવનારાઓને પણ ખબર રહી નહીં. અથવા તો ખબર હતી ને ઇરાદાપૂર્વક આ પ્રવૃત્તિઓ ચાલુ રાખી હતી.

એપ્રિલ 2017માં છત્તીસગઢમાં નક્સલીઓના હુમલામાં 26 જવાનો વીરગતિ પામ્યા પછી ગુજરાત સમાચારે તેની મુખ્ય હેડલાઇનમાં જવાનો માટે ‘ફૂંકી માર્યા’ જેવા શબ્દો વાપર્યા પછી અખબારની છબી બહુ ખરડાઈ. બહિષ્કાર શરૂ થઈ ગયો. તે પહેલાં પણ અખબાર મોદીવિરોધમાં ઘણું લખી ચૂક્યું હતું, પણ એ રાજકીય બાબતો થઈ ગઈ. પહેલી વખત જવાનોને રાજકારણમાં ઢસડી લાવવામાં આવ્યા હતા.
આ ઘટના પછી અખબાર યુ-ટર્ન લઈ શક્યું હોત પણ પછી પણ આવાં બધાં કારસ્તાનો ચાલુ જ રહ્યાં અને પત્રકારત્વના નામે ગંદવાડ જ ઠાલવવાનો ચાલુ કર્યો. ક્યારેક નરેન્દ્ર મોદીને વ્યક્તિગત નિશાન બનાવવામાં આવતા તો ક્યારેક સદંતર ફાલતુ બાબતોને આધાર બનાવીને મોદી પર માછલાં ધોવાના પ્રયાસ કરવામાં આવતા. આ બધામાં ઘણી વખત મોદીવિરોધ ભારતવિરોધમાં પણ તબદીલ થઈ જતો.
ગુજરાત સમાચારનું આ પત્રકારત્વ દર્શાવતાં અમુક કટિંગ ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યાં છે. આમ તો શોધવા જઈએ તો સેંકડો કટિંગ મળી શકે એમ છે, પણ વ્યવહારિક રીતે એ શક્ય નથી. એટલે જેટલાં ધ્યાનમાં છે એની ઉપર એક નજર કરીએ.
નકશા બતાવવામાં એક નહીં અનેક વખત ભૂલ
ભારતના નકશામાં જમ્મુ-કાશ્મીર સંપૂર્ણ બતાવવામાં આવે છે, કારણ કે આખું કાશ્મીર ભારતનો અભિન્ન હિસ્સો છે. પાકિસ્તાને જે ભાગ પચાવી પાડ્યો છે એ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર કહેવાય છે. ભારતવિરોધીઓ કે ભારતમાં બેઠેલા અમુક તત્ત્વો જાણીજોઈને કે જાણીજોઈને કરવામાં આવેલી ભૂલથી ભારતના નકશામાં ગોટાળો કરતા રહે છે અને ઘણી વખત POK ભારતમાં બતાવવામાં આવતું નથી.
1. Distorting India’s Map
— Political Kida (@PoliticalKida) May 16, 2025
Not once, but multiple times , Gujarat Samachar published wrong map of India on its front page attacking on India’s sovereignty. pic.twitter.com/DFVaVwsEeO
ગુજરાત સમાચારે અનેક તબક્કે ભારતનો નકશો છાપતી વખતે ખોટો નકશો દર્શાવ્યો હતો. એક વખત થાય એ ભૂલ કહી શકાય. બીજી વખત થાય તો જાણીજોઈને કરવામાં આવેલી ભૂલ કહેવાય અને તેનાથી વધુ વખત થાય એને આદત કહેવાય.
POK મુદ્દે આ અખબાર એવું પણ કહી ચૂક્યું છે કે તેને અમેરિકાને સોંપી દેવું જોઈએ. એક તરફ દેશ આખો POK લેવા માટે સરકાર પર દબાણ કરી રહ્યો હતો અને બીજી બાજુ અખબારનું માનવું હતું કે તેનો ઝડપી ઉકેલ લાવીને અમરકને સોંપી દેવું જોઈએ. કથિત જિયોપોલિટિકલ એક્સપર્ટોને ટાંકીને અખબારે લખ્યું હતું કે, આ મુદ્દાનો ક્યારેય નિકાલ લાવી શકાય એમ નથી અને તેના માટે છાશવારે યુદ્ધ કરવું પણ બંને દેશોને પરવડે તેમ નથી. ભારતમાં જો તેને લઈ લેવાય તો મોટાપાયે યુદ્ધ ફાટી નીકળે એમ છે એટલે તેના માટે અમેરિકાની મદદ લેવી જોઈએ.
POK અમેરિકાને આપી દેવું જોઈએ– ગુજરાત સમાચારનું જ્ઞાન
ગુજરાત સમાચારે જે ફોર્મ્યુલા મૂકી એ આ પ્રમાણે હતી– “ભારતે અમેરિકાની મદદથી સૌથી પહેલાં POK મુક્ત કરાવવું જોઈએ. ત્યારબાદ પોતાના કાશ્મીરનો અમુક ભાગ અને POK ભેગાં કરીને એક નાનકડા રાષ્ટ્રનું નિર્માણ કરીને તેની જવાબદારી અમેરિકાને સોંપી દેવી જોઈએ. અમેરિકાના હસ્તક પ્રદેશ હશે તો પાકિસ્તાન ઘૂસણખોરી નહીં કરે અને આતંકવાદની સમસ્યા પણ ઉકેલાય જશે.”
જમ્મુ-કાશ્મીરના પહલગામમાં જ્યારે પાકિસ્તાન પ્રેરિત ઇસ્લામી આતંકવાદીઓએ હુમલો કર્યો તો ભારતે કડક પગલાં લઈને સિંધુ જળ સંધિ પર રોક લગાવી દીધી. પછીથી આ નિર્ણયની ઠેરઠેર સમીક્ષા થવા માંડી. જોકે મોટાભાગનાં સમીક્ષા અને વિશ્લેષણો પોકળ હતાં. ગુજરાત સમાચારે આવા વખતે લખ્યું કે, “આપણે ગમે તેટલા દાવા કરીએ પણ પાકિસ્તાનમાં જતી નદીઓનાં પાણી સંપૂર્ણપણે રોકવાં શક્ય નથી. બીજી વાત એ કે પાકિસ્તાન સામે શું કરવું એ મુદ્દે મોદી સરકાર મૂંઝવણમાં છે અને જે પગલાં લેવાઈ રહ્યાં છે તેની પાછળ કોઈ નક્કર વ્યૂહરચના નથી.”
મોદી સરકારનો વિરોધ કરવામાં ગુજરાત સમાચારે આ બધું છાપી નાખ્યું, પણ પછીથી જે ઘટનાઓ બની તેનાથી એટલું સાબિત થઈ ગયું કે સરકાર જે કરી રહી હતી એ જડબેસલાક વ્યૂહરચનાનો ભાગ જ હતો અને વાત જ્યાં સુધી પાણી રોકવાની છે તો તેમાં પણ વિશ્લેષણો ખોટાં સાબિત થયાં અને ભારતે પોતાની રીતે પાણી રોકવાનું-છોડવાનું શરૂ કર્યું તેમાં પાકિસ્તાનમાં ફફડાટ પેસી ગયો. સરકાર આયોજન સાથે જ કામ કરતી હતી, અખબારને ઉતાવળ વધારે હતી.
3. Undermining India’s Strategic Moves
— Political Kida (@PoliticalKida) May 16, 2025
When India suspended the Indus Waters Treaty post-Pahalgam attack, Gujarat Samachar ran a report saying “India can’t stop water from flowing into Pakistan” and called the move “insignificant”. pic.twitter.com/AMovUazVw6
મોદીદ્વેષ અને ગુજરાત સમાચાર
અખબારનો મોદી દ્વેષ બહુ જાણીતો છે. નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારથી ગુજરાત સમાચારે તેમની સામે મોરચો ખોલી દીધો હતો. મોદી 13 વર્ષ ઐતિહાસિક શાસન કરીને દિલ્હી ગયા, એક દાયકાથી વડાપ્રધાન છે, ત્રીજી ટર્મ ચાલી રહી છે. વિશ્વભરના રાષ્ટ્રાધ્યક્ષોમાં મોખરાનું સ્થાન પામ્યા, પણ અખબાર તેનો મોદીદ્વેષ ન ભૂલ્યું અને મોદી સામે અવળચંડાઈઓ કરવાની ચાલુ જ રાખી.
આ કાર્ટૂન જુઓ. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર ગુજરાત સમાચારમાં પ્રકાશિત એક કાર્ટૂનમાં મોદીની ભદ્દી મજાક ઉડાવવામાં આવી હતી. પાકિસ્તાન અને ચીન પ્રત્યે તેઓ અલગ નીતિ દાખવતા હોવાના વિપક્ષી પ્રોપગેન્ડાને પકડી લઈને ગુજરાત સમાચારે કાર્ટૂનના બહાને મોદીદ્વેષ ઠાલવ્યો હતો.
8. The cartoon published by Gujarat Samachar on International Yoga Days
— Political Kida (@PoliticalKida) May 16, 2025
This is Indian news paper, not Pakistani 🤷 pic.twitter.com/Wwutk3D2ED
માર્ચ 2025માં ગ્રોક અને અન્ય અમુક AI ટૂલે ઇન્ટરનેટ ગાંડું કર્યું ત્યારે ગુજરાત સમાચારે AIને અમુક પ્રશ્નો પૂછીને મોદીની મજાક ઉડાવવાના નિષ્ફળ પ્રયાસો કર્યા હતા. સદંતર તથ્ય વગરની વાતો છાપીને ગ્રોકે મોદીને ઉઘાડા પાડી દીધા હોવાનું તૂત ચલાવ્યું અને એવું પણ જાહેર કરી દીધું કે તેના કારણે મોદીની વિશ્વસનીયતા ખરડાઈ છે. એક સામાન્ય AI ટૂલના આધારે પણ મોદીદ્વેષ છલકાવવાનો મોકો અખબાર ચૂક્યું ન હતું.
જ્યારે પુલવામા હુમલો થયો ત્યારે પણ ગુજરાત સમાચારે મોદીને ટાર્ગેટ કર્યા અને ‘છપ્પાની છાતીની કાયરતા’ જેવા શબ્દો વાપર્યા. જોકે પછીથી મોદીના આદેશથી સેનાઓએ પાકિસ્તાનમાં ઘૂસીને એરસ્ટ્રાઈક કરી તો અખબારે સ્વીકારવું પડ્યું હતું અને ‘છપ્પાની છાતીની મર્દાનગી’ લખીને જૂનાં પાપ ધોઈ નાખ્યાં હતાં.
પરંતુ પછી પણ એક લેખમાં ‘દેશની જનતા સરકારને પૂછે છે, હાઉ ઇઝ ધ જોશ’ જેવું વ્યંગપૂર્ણ મથાળું લખીને મુદ્દાના રાજનીતિકરણનો પ્રયાસ કર્યો હતો.
નકરા દ્વેષથી, માત્ર વિરોધ કરવા ખાતર છાપી મારવામાં આવેલા આવા અમુક તથ્યવિહોણા અહેવાલો પછીથી પરત ખેંચવા પડ્યા હતા.
ખુલાસા પ્રકાશિત કરીને લેવા પડ્યા યુટર્ન
અખબારે 9 મે, 2016ની આવૃત્તિમાં એક લેખ પ્રકાશિત કરીને દાવો કર્યો હતો કે મોદીએ જનતાના ખર્ચે મેડમ તુસાદ મ્યુઝિયમમાં પોતાનું પૂતળું ઊભું કરાવ્યું અને એ સવા લાખ ડોલર દેશની જનતાના ખર્ચાયા. પણ વાસ્તવમાં આ કામમાં દેશનો રૂપિયો ખર્ચાયો જ ન હતો અને મેડમ તુસાદના કાર્યાલયની વિનંતીનું માન રાખીને વડાપ્રધાન મોદીએ પોતાનું પૂતળું ઊભું કરવા તૈયારી બતાવી હતી. ગુજરાત સમાચારે પછીથી બીજા દિવસે ‘ખુલાસો’ પ્રકાશિત કરીને લખ્યું કે– ‘આ ભૂલ ઇરાદાપૂર્વકની નહોતી, પણ તથ્યોને તપાસ્યા વગરની હતી, જેના માટે ખેદ છે.’

આવા અન્ય ખુલાસા પણ ગુજરાત સમાચારે સમયે-સમયે છાપવા પડ્યા છે. પરંતુ અખબારી જગતનો એક વણલખ્યો નિયમ છે કે ભૂલો ભલે પહેલા પાને થઈ હોય, પણ તેના ખુલાસા કાયમ અંદરના પાને એક ખૂણામાં જ કરવામાં આવે છે. એટલે બહુ ધ્યાને ચડતા નથી.