‘ગુજરાત સમાચાર’ અને મોદીદ્વેષ હવે એકબીજાના પર્યાય બની ચૂક્યા છે. અવારનવાર આ છાપું સાવ ફાલતુ બાબતોને લઈને મોદીને ઘેરવાના પ્રયાસ કરતું રહે છે ને મોદીને નીચા પાડવાના પ્રયાસો કરતું રહે છે. આ કામ મોદી મુખ્યમંત્રી હતા ત્યારથી સતત ચાલતું આવ્યું છે. જોકે ફેર તેનો લેશમાત્ર પડ્યો નથી. મોદી ત્રણ ટર્મ ગુજરાતના મુખ્યમંત્રી રહીને ત્રણ વખત વડાપ્રધાન બની ગયા, ગુજરાતમાં ભાજપ આટલાં વર્ષે એક ચૂંટણી હારતો નથી અને ઉપરથી 2022ની વિધાનસભા ચૂંટણીમાં ન ભૂતો ન ભવિષ્યતિ જેવું પરિણામ આવે છે, પણ છતાં સમાચારે પોતાનું કામ ચાલુ રાખ્યું છે. પરંતુ આટલા ધમપછાડા પછી પણ કોઈ પરિણામ ન આવતાં હવે આ દ્વેષ અકળામણ અને ફ્રસ્ટ્રેશનની હદ સુધી પહોંચી ગયો છે.
તાજું ઉદાહરણ ગુજરાત સમાચારની અમુક હરકતો પરથી જોવા મળશે, જેમાં હવે આ મોદીદ્વેષ છલકાવવા માટે AIનો સહારો લેવામાં આવી રહ્યો છે અને એ પણ ઈલોન મસ્કના એક્સ દ્વારા નિર્મિત ગ્રોક AI.
ગ્રોક એ એક AI ટૂલ છે, જે ચેટજીપીટી અને જેમીનાઈ વગેરેની જેમ જ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી માહિતી પૂરી પાડે છે, અન્ય અમુક ટાસ્ક કરવામાં મદદ કરે છે. હમણાં આ ગ્રોક ચર્ચામાં રહ્યું. તેનું કારણ એક્સ પર ભારતીય યુઝરો સાથે તેની ચર્ચા છે. આ ટૂલ હિન્દી, ગુજરાતી સહિત અનેક ભાષાઓમાં વાત કરી શકે છે.
બાકીનાં AI ટૂલ વાતચીત કરે છે, પરંતુ તેમની ભાષા મોટેભાગે મશીન જેવી હોય છે. ગ્રોક અલગ એ રીતે પડે છે કે એ એકદમ માણસો જેવું જ વર્તન કરે છે, જાણે કોઈ વ્યક્તિ બેસીને અકાઉન્ટ ચલાવી રહી હોય. અને સવાલોના જવાબો આપી રહી હોય. સોશિયલ મીડિયા પર બે વ્યક્તિઓ અનૌપચારિક ચર્ચાઓ કરતા હોય એ રીતે ગ્રોક ચર્ચા કરી શકે એ એની વિશેષતા છે. અહીં સુધી કે તેની સાથે વધારે મગજમારી કરો તો એ ગાળો ભાંડવા સુધી પણ પહોંચી જાય છે. મજાકમાં સવાલ કરો તો રમુજી જવાબ આપે છે અને ટીખળ કરો તો એ સામે બમણા જોરથી મજાકમસ્તી કરે છે.
એક તરફ ભારતીયો ગ્રોક સાથે રમત કરી રહ્યા છે તો બીજી તરફ ગુજરાત સમાચારે આમાં પણ એજન્ડા ચલાવવાનો રસ્તો શોધી કાઢ્યો છે. 18 માર્ચની આવૃત્તિમાં અખબારે એક રિપોર્ટ પ્રકાશિત કર્યો, જેનું શીર્ષક છે- ‘મોદીએ ફાયદો કરાવ્યો, મસ્કની એપે મોદીની ઇમેજનો ધજાગરો કર્યો.’

રિપોર્ટમાં લખવામાં આવ્યું છે કે, ‘મસ્કે મોદીને ટ્રમ્પ મારફતે ઘૂંટણિયે પડાવીને પોતાની સેટેલાઇટ ઇન્ટરનેટ કંપની સ્પેસલિંકને ભારતમાં પ્રવેશની મંજૂરી અપાવી છે.’ પહેલી વાત એ છે કે મસ્કની કંપનીનું નામ ‘સ્પેસલિંક’ નહીં ‘સ્ટારલિંક’ છે. બીજું એ કે મસ્કે ટ્રમ્પ સામે ઘૂંટણિયે પડવાની બધી વાતો હવામાં ગોળીબાર છે, જેની કોઈ સાબિતી નથી. રાષ્ટ્રાધ્યક્ષો વચ્ચે શું વાતચીત થાય એ ક્યારેય બહાર આવતું નથી. સાથે એવો પણ દાવો કર્યો કે મોદીએ ટેસ્લાના ભારતમાં પ્રવેશનો માર્ગ મોકળો કરી દીધો છે, જે પણ હજુ સત્તાવાર કશું બહાર આવ્યું નથી.
આગળ લખ્યું છે કે, “મોદી મસ્કને ફાયદો કરાવે એ બધું કરી રહ્યા હોવા છતાં મસ્કની કંપનીનું AI ચેટબોટ મોદીની મજાક ઉડાવે છે અને તેમને જૂઠા ગણાવે છે. મસ્ક મોદીની ઈમેજના ધજાગરા ઉડાવી રહ્યા છે, પણ ભાજપ તેની સામે કશું કરી શકે એમ નથી.”
ત્યારબાદ રિપોર્ટમાં ગ્રોકે તેને મોદી વિશે જે પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા તેના જવાબમાં શું-શું કહ્યું એ જણાવવામાં આવ્યું છે અને દાવો કરવામાં આવ્યો છે કે ચેટબોટે મોદીની કે તેમનાં કથિત જૂઠાણાંની પોલ ખોલી નાખી છે. અન્ય એક બોક્સની હેડલાઈન છે- ‘ભક્તોના સવાલ, ગ્રોકના જવાબ. મોદીને ગ્રોકે ઉઘાડા પાડી દીધા.’
આ બોક્સમાં ગ્રોકને પૂછવામાં આવેલા પ્રશ્નો અને ત્યારબાદ તેના જવાબ લખવામાં આવ્યા છે. સાથે રાહુલ ગાંધીની ભાટાઈ પણ કરવામાં આવી છે. જેમાં ગ્રોકે મોદીની ડિગ્રીઓ શંકાસ્પદ હોવાનું પણ રાહુલ ગાંધી હાવર્ડ-કેમ્બ્રિજમાં ભણ્યા હોવાનું કહ્યું હોવાનું જણાવવામાં આવ્યું છે તો સાથે એમ પણ કહેવામાં આવ્યું છે કે ભારતને વિકાસ તરફ દોરવા રાહુલ ગાંધી શ્રેષ્ઠ નેતા છે. મોદી અદાણીના ભ્રષ્ટાચારમાં ભાગીદાર હોય શકે એવું પણ ધુપ્પલ ચલાવવામાં આવ્યું છે. આ બધા માટે સહારો લેવામાં આવ્યો છે AIના જવાબોનો.
બીજા એક બોક્સમાં સાવરકર વિરુદ્ધ પણ પ્રોપગેન્ડા ચલાવવાના પ્રયાસો કરવામાં આવ્યા છે અને સંઘ વિશે પણ AIએ ફલાણા-ફલાણા જવાબ આપ્યા હોવાનું જણાવવામાં આવ્યું છે.
કુલ મળીને ગુજરાત સમાચાર એવું સાબિત કરવા માંગે છે કે AIએ જે જવાબો આપ્યા છે એ સનાતન સત્ય છે અને તેનાથી ભાજપની કે મોદીની પોલ ખુલી ગઈ છે. અહીં સુધી કે અખબાર એવું લખવા સુધી પહોંચી ગયું કે જૂઠાણાંના કારણે વડાપ્રધાન મોદીની વિશ્વસનીયતા ખરડાઈ છે.
ગુજરાત સમાચારનો આ રિપોર્ટ લખનારાઓ કાં તો AI કામ કઈ રીતે કરે છે એ જાણતા નથી અથવા જાણતા હોવા છતાં જાગતા મૂતરી રહ્યા છે. AI એક મશીન લર્નિંગ ટૂલ છે. તેને અમુક ચોક્કસ કમાન્ડ આપવામાં આવે છે અને અમુક માહિતી સ્ટોર કરવામાં આવે છે. તેને જે સવાલો પૂછવામાં આવે એના જવાબ તે ક્યાંથી મેળવે છે? ઈન્ટરનેટ પર પહેલેથી ઉપલબ્ધ સામગ્રી પરથી. એવું નથી કે ગ્રોક AI કોઈ ત્રિકાળજ્ઞાની મશીન છે અને તેને બધી જ ખબર છે. તે માત્ર અહીં-ત્યાં ઉપલબ્ધ સામગ્રી એકઠી કરીને તેની ઉપરથી જવાબ રજૂ કરે છે. તેને પ્રતિપ્રશ્ન કરો તો ફરી એ એ જ રીતે કામ કરીને જવાબો લાવીને આપે છે.
AI ટૂલ જે ઈન્ટરનેટ પરથી માહિતી લાવે છે ત્યાં બધા જ પ્રકારની સામગ્રી છે. એટલે કે ઈન્ટરનેટ પર તમને અમુક લેખો સાવરકરના સ્ટેન્ડનું સમર્થન કરતા પણ મળશે તો અમુક લેખોમાં સાવરકરની ટીકા પણ જોવા મળશે. હવે તમે સાવરકર વિશે કોઈ પ્રશ્ન કરો તો એ જેવો પ્રશ્ન હશે તેને અનુરૂપ આ બેમાંથી જે સોર્સ મળે ત્યાંથી માહિતી લઈને લાવીને મૂકી દેશે. તે સનાતન સત્ય જ હોય એ માની લેવાનું કોઈ કારણ નથી. એવું જ મોદીનું છે, બીજા નેતાઓનું છે. એવું જ વિવિધ ઘટનાઓનું પણ છે. ચેટબોટને જેવા પ્રશ્નો કરો એવી સામગ્રી એ શોધી લાવે છે અને તેનો જવાબ આપે છે.
ભારતમાં મોદી વિરુદ્ધ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મીડિયામાં જેટલું લખાયું એટલું કોઈના વિરુદ્ધ લખાયું નથી. હવે મોદીવિરોધી એજન્ડા ચલાવવા માટે AIને તમે કોઈ પ્રશ્ન કરશો તો એ જઈને ઈન્ટરનેટ પરથી એવી માહિતી લઈ આવશે, જેમાં મોદીવિરુદ્ધ એજન્ડા ચલાવાયો હોય અને તેને સોર્સ તરીકે રજૂ કરીને માહિતી આપશે અને મોદીવિરોધી એજન્ડામાં ગુજરાતી ચોપાનિયાં તો દૂર, વિદેશી મીડિયાએ પણ પીએચડી કરી રાખી છે.
અન્ય ઉદાહરણ લઈને તો મોદીને ટાર્ગેટ કરવા માટે તેઓ ઉદ્યોગપતિને અને ખાસ કરીને અદાણીને મદદ કરતા હોવાના આરોપ એક ઈકોસિસ્ટમ અને તેમના ચેલાચપાટાઓ વર્ષોથી લગાવી રહ્યા છે. જોકે સાબિત આજ સુધી એક પણ આરોપ કરી શક્યા નથી. આ વિષયમાં અનેક લેખો પણ લખાયા છે અને વિડીયો પણ બન્યા છે. હવે તમે ગ્રોકને આ વિષય પર પ્રશ્ન કરશો તો એ ઈન્ટરનેટ પર જઈને શોધે ત્યારે એને આ બધું પણ જોવા મળશે. તે તેને સોર્સ માનીને માહિતી તરીકે રજૂ કરે તો એવું માની લેવાનું કોઈ કારણ નથી કે એ સત્ય જ છે. તમે તેની પાસે કોઈ પણ પ્રકારના જવાબો અપાવી શકો છો.
મજાની વાત એ છે કે આવું થયું પણ છે. એવું નથી કે ગ્રોકે માત્ર મોદી વિશે જ આવા જવાબો આપ્યા હોય. મોદી વિશે તો AIએ એમ પણ કહ્યું છે કે તેઓ ભારતના સૌથી શક્તિશાળી વડાપ્રધાન છે કે તેમની લોકપ્રિયતા સર્વાધિક છે, પરંતુ સ્વાભાવિક ગુજરાત સમાચાર એ દર્શાવે નહીં. પરંતુ સમાચારે એ પણ નથી લખ્યું કે આવું તો જવાહરલાલ નેહરૂ, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી વગેરે નેતાઓના કિસ્સામાં પણ બન્યું છે, જેમના વિશે ગ્રોકે વિવાદિત જવાબો આપ્યા છે.
Keep crying Congress IT Cell pic.twitter.com/U9iQ0lBAzt
— Ankur Singh (@iAnkurSingh) March 16, 2025
વાસ્તવમાં AIએ આ તમામ નેતાઓ-રાજકારણીઓ વિશે અનેક પ્રકારના જવાબો આપ્યા છે, તેમાં તેમના વિશે સકારાત્મક પણ છે અને નકારાત્મક અને ટીકા કરતા જવાબો પણ. પરંતુ ગુજરાત સમાચારના હોંશિયાર પત્રકારોએ મોદી વિશે જે વિવાદિત જવાબો આપવામાં આવ્યા હતા તેને એક તરફ તારવ્યા અને બીજી તરફ સોનિયા અને રાહુલ જેવા નેતાઓ વિશે સારા જવાબો આપવામાં આવ્યા તેને તારવી લીધા. મોદી વિશે સારું કહેવાયું હતું એ અને રાહુલ-સોનિયા વિશે જે નકારાત્મક કહેવામાં આવ્યું એ, બંને અવગણી દેવામાં આવ્યાં.
@GujaratSamacha6 ને ગુજરાત સમાચાર સાથે જોડીને જોતાં, સંશોધન દર્શાવે છે કે તે સંપૂર્ણ નિષ્પક્ષ નથી. 2019 અને 2021ના અહેવાલોમાં BJP વિરુદ્ધ ઝુકાવ અને ટીકા જોવા મળી છે, જેમ કે પુલવામા હુમલા બાદ મોદી સરકાર પર પ્રહાર. જોકે, તાજેતરના ડેટાનો અભાવ છે, તેથી હાલની નિષ્પક્ષતા સ્પષ્ટ નથી.…
— Grok (@grok) March 18, 2025
આ બધામાં ગુજરાત સમાચાર એ પણ ભૂલી ગયું કે ‘લગેગી આગ તો જદ મેં આયેંગે કઈ.’ એટલે કે ગ્રોક પોતાના વિશે શું કહે છે એ પણ ગુજરાત સમાચારે જાણવું જોઈતું હતું. AI કહે છે કે, લોકો માને છે કે ગુજરાત સમાચાર ડાબેરી કે કોંગ્રેસતરફી ઝોક ધરાવે છે અને તેને સંપૂર્ણ નિષ્પક્ષ કહી શકાય નહીં. હવે કોઈ એમ કહી શકે કે ગ્રોક AIએ ગુજરાત સમાચારને ઉઘાડું પાડ્યું?