સોમવારે (13 જાન્યુઆરી 2025) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) જમ્મુ-કાશ્મીરના (Jammu-Kashmir) ગાંદરબલ ખાતે સોનમર્ગ અને લદાખને (Sonamarg Ladakh Tunnel) જોડતી Z-Morh ટનલનું ઉદ્ઘાટન કર્યું. જમ્મુ-કાશ્મીર માટે ખૂબ મહત્વપૂર્ણ એવી આ ટનલના ઉદ્ઘાટન સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે કેન્દ્રીય રોડ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી, રાજ્યના રાજ્યપાલ મનોજ સિન્હા તેમજ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લા પણ હાજર રહ્યા હતા. આ દરમિયાન જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ (Omar Abdullah) વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખૂબ વખાણ કર્યા હતા અને કહ્યું હતું કે, તેમણે જનતાને આપેલા વચનો પૂર્ણ કર્યા છે.
સીએમ અબ્દુલ્લાએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં જમ્મુ-કાશ્મીરમાં કોઈ પણ ગેરરીતિ વગર ચૂંટણી સંપન્ન થઈ છે. તેમણે કહ્યું કે, “તમે આંતરરાષ્ટ્રીય યોગ દિવસના રોજ રાજ્યની જનતાને આપેલું વચન નિભાવ્યું છે. તમે તે સમયે કહ્યું હતું કે, તમે દિલની દુરી અને દિલ્હીની દુરી ઘટાડી રહ્યા છો અને આપે તે કરી બતાવ્યું છે. તમે જનતાને વચન આપ્યું હતું કે, રાજ્યમાં જલ્દી જ ચૂંટણીઓ થશે અને લોકો પોતાના દમ પર સરકાર બનાવશે. તમે 4 મહિનાની અંદર જ પોતાનું વચન પાળી બતાવ્યું. તેના પરિણામ સ્વરૂપે જ આજે હું અહીં મુખ્યમંત્રી તરીકે વાત કરી રહ્યો છો.”
#WATCH | Sonamarg: Jammu and Kashmir CM Omar Abdullah says, "You (PM Modi) said 3 very important things during your program in Srinagar on International Yoga Day. You said that you are working on eliminating- Dil ki Doori (difference of hearts) and Delhi ki Doori (distance from… pic.twitter.com/NSjG1DdLpD
— ANI (@ANI) January 13, 2025
માન્યો વડાપ્રધાન મોદીનો આભાર
તેમણે કહ્યું કે, “તમારા કહ્યા અનુસાર, જમ્મુ-કાશ્મીરની જનતાએ હોંશે-હોંશે ચૂંટણીમાં ભાગ લીધો. ક્યાંય પણ કોઈ પણ પ્રકારની ગેરરીતિ થઈ હોય તેવું નથી બન્યું. ક્યાંય પણ સત્તાનો દુરુપયોગ નથી થયો અને ક્યાંય પણ રી-પોલ કરવાની જરૂર નથી પડી. આ માટે હું આપનો અને ચૂંટણી પંચનો આભારી છું. લોકો મને વારંવાર પૂછે છે, તો હું યાદ આપવી દઉં કે, તમે જેમ આ વાયદાઓ પૂર્ણ કર્યા એમ એ વાયદો પણ પૂર્ણ કરશો જેમાં આપે કહ્યું હતું કે, બહુ જ જલ્દી જમ્મુ-કાશ્મીરને સંપૂર્ણ રાજ્યનો દરજ્જો મળશે.”
આ દરમિયાન મુખ્યમંત્રી અબ્દુલ્લાએ નવી ટનલને લઈને પણ વડાપ્રધાન મોદીનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું હતું કે, આ ટનલથી સ્થાનિક લોકોને ખૂબ જ ફાયદો થશે. સાથે તેમણે એમ પણ કહ્યું હતું કે, વડાપ્રધાન મોદીના પ્રયાસોથી LoC નજીકના વિસ્તારોમાં પણ લાભ થયો છે. પર્યટકો વધુમાં વધુ જમ્મુ-કાશ્મીરમાં આવશે અને રોજગાર ઉભા થશે. જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કરતા કહ્યું કે, આ ટનલ બની જવાથી આખું વર્ષ સોનમર્ગની યાત્રા થઈ શકશે. તેમણે સંબોધન પૂર્ણ કરતાં અંતમાં ‘જય હિન્દ અને જય જમ્મુ-કાશ્મીર’નો નારો પણ લગાવ્યો હતો.
નોંધવું જોઈએ કે, જમ્મુ કાશ્મીરમાં સોનમર્ગ એક પર્યટન વિસ્તાર છે, પહેલાં દુર્ઘટના અને બરફવર્ષાને કારણે રસ્તો બંધ રહેતો હતો. પરંતુ હવે ટનલના નિર્માણથી આર્થિક જ નહીં પરંતુ પર્યટનને પણ ઘણો ફાયદો થશે. આ ટનલનું નિર્માણ 2018માં શરૂ થયું હતું. ગત વર્ષે 20 ઑક્ટોબર, 2024ના રોજ સુરંગ બનાવતા કર્મચારીઓ પર આતંકી હુમલો થયો હતો. ઝેડ-મોડ ટનલનું નિર્માણ કરતી ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીના છ કામદારો સહિત સાત નાગરિકો આ હુમલામાં માર્યા ગયા હતા. આ હુમલામાં એક સ્થાનિક ડોક્ટરનું પણ મોત થયું હતું.