વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) 13 જાન્યુઆરીના (સોમવાર) રોજ જમ્મુ-કાશ્મીરની મુલાકાત લેશે. અહીં તેઓ સોનમર્ગ અને લદાખને જોડતી ટનલ સોનમર્ગ ટનલનું (Sonamarg Tunnel) ઉદ્ઘાટન કરશે ઉપરાંત એક જનસભા પણ સંબોધિત કરશે. કાશ્મીરમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ માટે મોદી સરકારે ઉપાડેલા અભિયાનના ભાગરૂપે તૈયાર કરવામાં આવેલી આ ટનલ સ્થાનિકો, પર્યટકો અને સેના માટે એક ભેટ સમાન છે. મહિનાઓના નિર્માણકાર્ય બાદ આખરે સોમવારે પીએમ મોદીના હસ્તે તેને લોકાર્પિત કરવામાં આવશે.
શનિવારે (11 જાન્યુઆરી) જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાહે આ ટનલની મુલાકાત લીધી હતી. જેની તસવીરો પોસ્ટ કરીને તેમણે કહ્યું કે, આ ટનલના નિર્માણ બાદ સોનમર્ગમાં બારેમાસ ટૂરિઝમનાં દ્વાર ખુલી જશે. ઉપરાંત, શ્રીનગરથી કારગિલ અને લેહ જવા માટે લાગતો સમય પણ બચશે. અબ્દુલ્લાહની આ પોસ્ટને રિપોસ્ટ કરીને પીએમ મોદીએ લખ્યું કે, તેઓ પણ આ ટનલનું ઉદ્ઘાટન કરવા માટે ઉત્સુક છે.
I am eagerly awaiting my visit to Sonmarg, Jammu and Kashmir for the tunnel inauguration. You rightly point out the benefits for tourism and the local economy.
— Narendra Modi (@narendramodi) January 11, 2025
Also, loved the aerial pictures and videos! https://t.co/JCBT8Ei175
શું છે આખી પરિયોજના અને કેટલો થયો છે ખર્ચ
જમ્મુ-કાશ્મીરમાં પર્વતીય વિસ્તારમાં બનાવવામાં આવેલી આ 12 કિલોમીટર લાંબી ટનલ સહિત સમગ્ર પ્રોજેક્ટનો ખર્ચ 2,700 કરોડ રૂપિયાથી વધુ થયો છે. આ આખા પ્રોજેક્ટમાં સોનમર્ગની મુખ્ય ટનલ તેની સાથે સંકળાયેલી એક્ઝિટ ટનલ અને કનેક્ટિંગ રોડનો સમાવેશ થાય છે. દરિયાની સપાટીથી 8,650 ફૂટની ઊંચાઈએ આવેલી આ ટનલ શ્રીનગર અને સોનમર્ગથી લેહ વચ્ચે ગમે તેવા વાતાવરણમાં યાતાયાતને સુગમ બનાવશે.
આ ટનલથી લદ્દાખ વિસ્તારમાં ભૂસ્ખલન અને હિમસ્ખલનના જોખમ ધરાવતા માર્ગોને બાયપાસ કરીને સલામત અને કોઈ પણ પ્રકારના અવરોધ વિના સુગમ યાતાયાત સુનિશ્ચિત થશે. આ ઉપરાંત તેનાથી પર્યટનને પણ વેગ મળશે અને પર્યટકો આખા વર્ષ દરમિયાન અહીં આવી શકશે.
આખું વર્ષ પર્યટકોથી ભર્યું-ભર્યું રહેશે સોનમર્ગ
આ ટનલ ગગનગીરથી સોનમર્ગ સુધીના મુશ્કેલ માર્ગને બાયપાસ કરશે, જેના કારણે પ્રવાસીઓ અને સ્થાનિક લોકો આખું વર્ષ આ પ્રખ્યાત હિલ સ્ટેશન પર અવરજવર કરી શકશે. ગગનગીર-સોનમર્ગ સેક્શન ભારે હિમવર્ષા અને હિમપ્રપાતને કારણે બંધ થઈ જાય છે. આ ટનલ જમ્મુ-કાશ્મીરના ગાંદરબલ જિલ્લામાં ગગનગીર અને સોનમર્ગને જોડતી 12 કિલોમીટર લાંબી 2-લેન રોડ ટનલ છે.
અગાઉ જે રસ્તો ઉપયોગમાં હતો તે હિમપ્રપાતથી પ્રભાવિત હતો અને તે દુર્ગમ સ્થિતિમાં મહિનાઓ સુધી બંધ રહેતો હતો. પરંતુ ઝેડ-મોડ ટનલ સોનમર્ગ ટૂરિસ્ટ ટાઉનને તમામ ઋતુઓમાં કનેક્ટેડ રાખશે. આ ટનલને પાર કરવામાં માત્ર 15 મિનિટનો સમય લાગે છે, જ્યારે પહેલાં પહાડો પર ઉપર-નીચે ઝિગઝેગ માર્ગ પર મુસાફરી કરવામાં કલાકોનો સમય લાગતો હતો. જમ્મુ-કાશ્મીર વિસ્તારમાં સરકાર 31 રોડ ટનલ બનાવી રહી છે. જેમાંથી 20 જમ્મુ-કાશ્મીરમાં અને 11 લદાખમાં છે. આ તેમાંની જ એક ટનલ છે.
સોનમર્ગની વાત કરવામાં આવે તો તે કાશ્મીરનું એક સુંદર પર્યટન સ્થળ છે, જ્યાં શિયાળાની ઋતુમાં સૌથી વધુ બરફવર્ષા થાય છે. અહીંનું તાપમાન માઈનસ 25 ડિગ્રી સુધી નીચે ચાલ્યું જાય છે. હિમવર્ષાના કારણે આ વિસ્તાર લગભગ 4 મહિના સુધી કાશ્મીર અને દેશના અન્ય રાજ્યોથી સંપર્કવિહોણો થઈ જતો હતો. પરંતુ હવે આ ટનલના નિર્માણથી આખું વર્ષ માત્ર પ્રવાસીઓ સોનમર્ગની મુલાકાત લઈ શકશે, એટલું જ નહીં લેહ લદાખના લોકોને મુસાફરી કરવામાં પણ સરળતા રહેશે.
આધુનિક સુવિધાઓથી સુસજ્જ છે ટનલ
આ ટનલમાં બે લેન બનાવવામાં આવી છે. ઉપરાંત એક ઈમરજન્સી લેનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે, જેને એસ્કેપ ટનલ પણ કહેવામાં આવે છે. આ ટનલમાં એ તમામ સુવિધાઓ છે જે વર્તમાનના આધુનિક યુગ અનુસાર જરૂરી છે. ખાસ કરીને આ ટનલમાં સીસીટીવી કેમેરા, વાઇફાઇ કનેક્ટિવિટી ઉપરાંત અનેક ક્રોસ ગેલેરીઓ પણ બનાવવામાં આવી છે, જેનો ઉપયોગ આગ કે અન્ય કોઇ અકસ્માત દરમિયાન કરી શકાશે. ઈન્ક્રોસ ગેલેરીમાં મોટર વ્હીકલ કે વૉકિંગની સુવિધા ઉભી કરવામાં આવી છે.
ખાસ વાત એ છે કે હિમપ્રપાતથી આ ટનલને જરા પણ ખતરો નહીં રહે. આ ટનલ સામાન્ય લોકો અને પર્યટકો માટે ફાયદાકારક સાબિત થશે એટલું જ નહીં, આ ટનલ સુરક્ષાની દ્રષ્ટિએ સેના માટે પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. કારણ કે લદ્દાખ અને કારગિલ જેવા મહત્વપૂર્ણ સીમાંતર વિસ્તારો અહીંથી સાવ નજીક છે. આ સીમાઓ ચીન અને પાકિસ્તાન સાથે સંકળાયેલી છે.
ટનલ બન્યા બાદ સ્થાનિકો ખુશ, મીડિયા સામે આપી પ્રતિક્રિયા
સ્થાનિક લોકોએ આ ટનલના ઉદ્ઘાટન પર ખુશી વ્યક્ત કરી છે. તેમણે આ મામલે પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે, આ ટનલ શરૂ થવાથી કાશ્મીરના લોકોને ઘણો ફાયદો થશે. એક સ્થાનિક રહેવાસીએ મીડિયાને જણાવ્યું કે, “આ ટનલ ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાની છે. તે ખુલ્લી મૂકાવાની સાથે જ સોનમર્ગ અને લદ્દાખ વચ્ચેનો રસ્તો હવે આખું વર્ષ ખુલ્લો રહેશે. લદ્દાખનું આની સાથે જોડાવું ખૂબ મહત્વનું છે કારણ કે તે સરહદી વિસ્તાર છે. અગાઉ અહીં હવાઇ સેવા દ્વારા સામાન લાવવામાં આવતો હતો, પરંતુ ટનલ શરૂ થતાં જ માલ-સામાન સડક માર્ગે મોકલી શકાશે જેનાથી તેના પર લાગતો ખર્ચ ઓછો થશે.”
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “સોનમર્ગ એક પર્યટન વિસ્તાર છે, પહેલાં દુર્ઘટના અને બરફવર્ષાને કારણે રસ્તો બંધ રહેતો હતો. પરંતુ હવે ટનલના નિર્માણથી આર્થિક જ નહીં પરંતુ પર્યટનને પણ ઘણો ફાયદો થશે. અમે બધા ખુશ છીએ કે અહીં આ ટનલ બનાવવામાં આવી છે અને અમે અહીંના લોકો વિશે આટલું વિચારવા બદલ સરકારના આભારી છીએ.” નોંધનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ ટનલનું ઉદ્ઘાટન કર્યા બાદ તેના નિર્માણ કાર્યમાં જોડાયેલા શ્રમિકો સાથે મુલાકાત લઈને તેમને બિરદાવશે.
નોંધવું જોઈએ કે જમ્મુ કાશ્મીરમાં આ ટનલનું નિર્માણ 2018માં શરૂ થયું હતું. ગત વર્ષે 20 ઑક્ટોબર, 2024ના રોજ સુરંગ બનાવતા કર્મચારીઓ પર આતંકી હુમલો થયો હતો. ઝેડ-મોડ ટનલનું નિર્માણ કરતી ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીના છ કામદારો સહિત સાત નાગરિકો આ હુમલામાં માર્યા ગયા હતા. આ હુમલામાં એક સ્થાનિક ડોક્ટરનું પણ મોત થયું હતું.