Sunday, October 6, 2024
More
    હોમપેજદુનિયા‘ભારત જેવા દેશો સંઘર્ષનો અંત લાવવામાં ભૂમિકા ભજવી શકે’: રશિયા-યુક્રેન યુદ્ધ પર...

    ‘ભારત જેવા દેશો સંઘર્ષનો અંત લાવવામાં ભૂમિકા ભજવી શકે’: રશિયા-યુક્રેન યુદ્ધ પર બોલ્યાં ઇટાલિયન PM મેલોની, NSA અજિત ડોભાલ રશિયા જશે

    જ્યોર્જિયા મેલોનીએ યુક્રેનના રાષ્ટ્રાધ્યક્ષ વોલોદિમીર ઝેલેન્સ્કીની મુલાકાત કરી હતી. આ મુલાકાતના થોડા સમય બાદ જ ઇટલીના સેર્નોબિયોમાં એમ્બ્રોસીટી ફોર્મમાં તેમના સંબોધન દરમિયાન તેમણે આ મહત્વપૂર્ણ વાત કરી હતી.

    - Advertisement -

    યુક્રેન સાથે ચાલતા યુદ્ધ વચ્ચે તાજેતરમાં રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને એક કાર્યક્રમમાં કહ્યું હતું કે તેઓ વાટાઘાટો માટે તૈયાર છે અને ભારત, બ્રાઝિલ કે ચીન જેવા દેશો મધ્યસ્થતા કરી શકે તેમ છે. હવે તાજેતરમાં ઈટલીનાં વડાંપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ પણ યુક્રેન-રશિયા યુદ્ધ અને શાંતિની વાતો વચ્ચે ભારતનો ઉલ્લેખ કર્યો. 

    શનિવારે (8 સપ્ટેમ્બર, 2024) જ્યોર્જિયા મેલોનીએ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કી સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાતના થોડા સમય બાદ જ ઇટલીના સેર્નોબિયોમાં એમ્બ્રોસીટી ફોર્મમાં તેમના સંબોધન દરમિયાન તેમણે આ મહત્વપૂર્ણ વાત કરી હતી. તેમણે જ્યારે આ વાત કરી ત્યારે વોલોદિમીર ઝેલેન્સ્કી પણ મંચ પર ઉપસ્થિત હતા. જ્યોર્જિયા મેલોનીએ ભારપૂર્વક કહ્યું હતું કે, ભારત અને ચીન જેવા દેશો આ સંઘર્ષનો અંત લાવવામાં ભૂમિકા ભજવી શકે તેમ છે.

    તેમણે કહ્યું કે, “એ બાબત બહુ સ્પષ્ટ છે કે આંતરરાષ્ટ્રીય નિયમોનું ઉલ્લંઘન થાય તો સંકટ અને અરાજકતા જ પેદા થશે. જેમજેમ આ સંકટ વધશે તેમ જિઓ-ઇકોમોનિક સ્પેસમાં ભાગ પડતા જશે. આ સ્થિતિમાં લાંબાગાળે આર્થિક વૈશ્વિકીકરણ અને આંતરરાષ્ટ્રીય નિયમો પર પ્રશ્નો, બંને બાબતો સાથે ચાલી શકે નહીં. આ જ બાબત મેં ચીનના વડાપ્રધાનને પણ કહી હતી, કે આપણે બેમાંથી એક બાબત પસંદ કરવી પડશે. આ પણ એક કારણ છે કે મને લાગે છે કે ભારત કે ચીન જેવા દેશો યુક્રેનની આ સમસ્યાનું સમાધાન લાવવામાં ભૂમિકા ભજવી શકે છે અને તેમણે તેમ કરવું પણ જોઈએ.” 

    - Advertisement -

    ‘અમે વાતચીત માટે તૈયાર, ભારત, ચીન કે બ્રાઝિલ કરી શકે મધ્યસ્થતા’: પુતિન

    જ્યોર્જિયા મેલોનીએ જે વાત કરી, તેવી જ વાત ગત ગુરુવારે (5 સપ્ટેમ્બર 2024) રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પણ કરી હતી. તેમણે કહ્યું કે તેઓ યુક્રેન સાથે વાતચીત કરવા તૈયાર છે અને ભારત, ચીન અને બ્રાઝિલ જેવા દેશો વાટાઘાટો માટે મધ્યસ્થતા કરી શકે એમ છે. એક કાર્યક્રમ દરમિયાન પુતિને રશિયા-યુક્રેન યુદ્ધ પર ચર્ચા દરમિયાન આ વાતો કહી હતી. તેમણે કહ્યું હતું કે, જો મધ્યસ્થી મંત્રણા ફરી શરૂ કરવામાં આવે તો ઇસ્તંબૂલમાં થયેલી આ પ્રાથમિક તબક્કાની વાટાઘાટોને આધાર બનાવીને આગળ ચર્ચા કરી શકાય તેમ છે.

    રશિયાના વ્લાદિવોસ્તોક શહેરમાં રશિયાના ઈસ્ટર્ન ઈકોનોમિક ફોરમમાં એક સવાલ-જવાબના સત્રમાં બોલતાં પુતિને કહ્યું કે, “શું અમે તેમની (યુક્રેન) સાથે વાટાઘાટો કરવા તૈયાર છીએ? અમે મંત્રણા કરવાનો ક્યારેય ઇનકાર કર્યો નથી. પરંતુ મંત્રણા કેટલીક ક્ષણિક માંગણીઓના આધારે થવી જોઈએ નહીં. મંત્રણા ઇસ્તંબૂલમાં નક્કી થયેલા દસ્તાવેજોના આધારે થવી જોઇએ, જે તે સમયે લાગુ કરવામાં આવ્યા નહોતા.”

    યુદ્ધની વાટાઘાટોની મધ્યસ્થતા કોણ કરી શકે, તે જણાવતાં પુતિને ઉમેર્યું હતું કે, તેઓ આ દેશોના વડાઓ સાથે સતત સંપર્કમાં રહ્યા છે. “અમને અમારા મિત્રો, સાથીઓ પ્રત્યે આદર છે, જેમને મને લાગે છે કે આ વિવાદનો અંત લાવવામાં ખરેખર રસ છે. જેમાં ભારત, પીપલ્સ રિપબ્લિક ઑફ ચાઈના, અને બ્રાઝિલનો સમાવેશ થાય છે. આ બાબત પર હું સતત નેતાઓની સાથે સંપર્કમાં રહ્યો છું અને કોઇ શંકા નથી કે આ દેશના નેતાઓ સાથે આપણા મૈત્રીપૂર્ણ સંબંધો રહ્યા છે અને તેઓ આ જટિલ પ્રક્રિયામાં તમામ મદદ કરવા માટે તૈયાર છે અને પ્રયાસો કરી રહ્યા છે.”

    NSA અજીત ડોભાલ કરી શકે છે રશિયાની યાત્રા

    આ બધા વચ્ચે વધુ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાદ હવે દેશના રાષ્ટ્રીય સલાહકાર અજીત ડોભાલ રશિયાના પ્રવાસે જઈ શકે છે. સમાચાર મળી રહ્યા છે કે અજીત ડોભાલ આગમી સમયમાં રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે શાંતિપૂર્ણ સમાધાન માટે રાજધાની મોસ્કોમાં મહત્વપૂર્ણ બેઠકો કરી શકે છે.

    એક તરફ વૈશ્વિક નેતૃત્વ આ સંઘર્ષ વચ્ચે ભારત સામે આશાભરી નજરે જોઈ રહ્યું છે, તો બીજી તરફ ભારત દ્વારા કરવામાં આવી રહેલી ગતિવિધિઓ યુદ્ધમાં મધ્યસ્થતામાં વધી રહેલી ભૂમિકાને દર્શાવે છે. જોકે એ પણ જગજાહેર છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી શાંતિ પ્રયાસોમાં સૌથી આગળ રહ્યા છે. ભૂતકાળમાં પણ તેમણે બંને દેશો વચ્ચેના સંઘર્ષને શાંત કરવાની દિશામાં વિચારવા સલાહ-સૂચનો આપ્યાં છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં