અમેરિકામાં રહેતા એક ભારતીય વ્યક્તિ બદર ખાન સૂરીની (Badar Khan Suri) અટકાયત કરવામાં આવી છે. ટ્રમ્પ સરકારે તેના વિઝા રદ કરી દીધા છે અને કસ્ટડીમાં લીધો છે. હવે ત્યાંની કોર્ટમાં તેની સામે કાર્યવાહી ચાલશે. તેની વિરુદ્ધ હમાસ પ્રત્યે સહાનુભૂતિ દાખવવાનો અને સંગઠન સંબંધો ધરાવવાનો આરોપ લાગ્યો છે. જ્યોર્જટાઉન યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા બદરને વર્જનિયામાં તેના ઘરેથી ઉઠાવી લેવામાં આવ્યો હતો.
અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ બન્યા ત્યારથી જ રાષ્ટ્રવિરોધી ગતિવિધિઓમાં સંડોવાયેલા કથિત કાર્યકરો, એક્ટિવિસ્ટો અને વિદ્યાર્થીઓને વીણીવીણીને તગેડવામાં આવી રહ્યા છે. આ જ ક્રમમાં બદર ખાન સૂરીની પણ અટકાયત કરી લેવામાં આવી. તેના વિઝા પણ રદ કરી દેવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. હવે ઇમિગ્રેશન કોર્ટમાં આગળની કાર્યવાહી ચાલશે.
સૂરી સામે કાર્યવાહી કરવા માટે ટ્રમ્પ સરકારે ઇમિગ્રેશન કાયદાની એ કલમનો ઉપયોગ કર્યો છે, જે હેઠળ વિદેશ મંત્રીને લાગે કે કોઈ વ્યક્તિની ગતિવિધિઓ અમેરિકાની વિદેશ નીતિને નુકસાન પહોંચાડી શકે તેમ છે તો તેને ડિપોર્ટ કરવાનો આદેશ આપી શકે છે. ડિપાર્ટમેન્ટ ઑફ હોમલેન્ડ સિક્યુરિટી દ્વારા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું કે સેક્રેટરી ઑફ સ્ટેટ (વિદેશમંત્રી સમકક્ષ) માર્કો રૂબિયો એ મત ધરાવે છે કે બદર ખાન સૂરીની પ્રવૃત્તિઓને જોતાં તેનો દેશનિકાલ કરવો જરૂરી છે.
યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટીના આસિસ્ટન્ટ સેક્રેટરી ટ્રિશિયા મેકલોફલિનએ X પર પોસ્ટ કરીને કહ્યું કે સૂરી સતત હમાસના પ્રોપગેન્ડાને હવા આપી રહ્યો હતો અને સોશિયલ મીડિયા પર યહૂદી વિરોધી એજન્ડા આગળ ધપાવવામાં લાગેલો હતો.
Suri was a foreign exchange student at Georgetown University actively spreading Hamas propaganda and promoting antisemitism on social media.
— Tricia McLaughlin (@TriciaOhio) March 20, 2025
Suri has close connections to a known or suspected terrorist, who is a senior advisor to Hamas. The Secretary of State issued a… https://t.co/gU02gLAlX1
તેમણે આગળ લખ્યું હતું કે, “સૂરીના એક કુખ્યાત અને સંદિગ્ધ આતંકવાદી સાથે ગાઢ સંબંધો છે, જે હમાસનો વરિષ્ઠ સલાહકાર છે. 15 માર્ચ, 2025ના રોજ વિદેશ મંત્રીએ એક નિર્ણય જારી કર્યો હતો કે સૂરીની પ્રવૃત્તિઓ અને યુનાઇટેડ સ્ટેટ્સમાં હાજરીને કારણે તેને INA કલમ 237(a)(4)(C)(i) હેઠળ દેશનિકાલનો સામનો કરવો પડી શકે છે.”
બીજી તરફ બદર ખાનના વકીલોએ કોર્ટમાં તર્ક આપ્યો છે કે તેની સામે ભૂતકાળમાં કોઈ ક્રિમિનલ કેસ થયા નથી અને તેને માત્ર એટલા માટે ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે કારણ કે તેની પત્ની મૂળ પેલેસ્ટાઇનની છે.
કોણ છે બદર ખાન સૂરી
ભારતમાં જન્મેલા બદર ખાન સૂરીએ દિલ્હીની જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ તે અમેરિકા સ્થાયી થયો હતો. હાલ તે જ્યોર્જટાઉન યુનિવર્સિટી સાથે સંકળાયેલો હતો. તેણે પાકિસ્તાન, ઈરાન, તુર્કી, તૂર્કીના કુર્દિશ વિસ્તારો, સીરિયા, લેબનોન અને તેના દક્ષિણ પ્રદેશ, ઇજિપ્ત અને પેલેસ્ટાઇનના સંઘર્ષગ્રસ્ત વિસ્તારોમાં વ્યાપક પ્રવાસ કર્યો હોવાનું કહેવાય છે.
સ્ટુડન્ટ વિઝા પર અમેરિકામાં રહેતા સૂરીએ ગાઝામાં જન્મેલી એક અમેરિકન નાગરિક સાથે લગ્ન કર્યાં છે. તેની પત્ની માફીઝ સાલેહે પેલેસ્ટાઇનની ગાઝા ઇસ્લામિક યુનિવર્સિટીમાંથી પત્રકારત્વ અને માહિતીમાં સ્નાતકની ડિગ્રી અને નવી દિલ્હીની જામિયા મિલિયા ઇસ્લામિયામાંથી માસ્ટર ડિગ્રી મેળવી છે.
ઇન્ડિયા ટુડેનો એક રિપોર્ટ જણાવે છે કે, સૂરીનો સસરો અહમદ યુસુફ ગાઝામાં હમાસની સરકારમાં ઉપ-વિદેશમંત્રી રહી ચૂક્યો છે. કહેવાય છે કે યુસુફને ‘પશ્ચિમમાં હમાસના ગેટ’ તરીકે ઓળખવામાં આવે છે. DHA સેક્રેટરીએ જે હમાસ આતંકવાદીનો ઉલ્લેખ કર્યો હતો તે યુસુફની જ વાત હતી એમ કહી શકાય.