તાજેતરમાં જ ભારતીય વાયુસેના (IAF) માટેના C-295 લશ્કરી વિમાને પોતાની પહેલી ઉડાન (મેઇડન ફ્લાઇટ) વડોદરાથી સફળતાપૂર્વક પૂરી કરી લીધી છે. વાયુસેનાએ આ સિદ્ધિ પાછળ મહેનત કરનારી આખી ટીમને અભિનંદન આપ્યા છે અને જણાવ્યું છે કે આ સફળતાથી ભારતમાં વિમાન બનાવવાની ક્ષમતા વધુ મજબૂત થશે. સાથે જ આ પગલું દેશમાં જ સંરક્ષણ ક્ષેત્રની વસ્તુઓ બનાવવાના ‘આત્મનિર્ભર ભારત’ના સપનાને પૂરું કરવા તરફ ભારતીય વાયુસેનાની એક મોટી પ્રતિબદ્ધતા દર્શાવે છે.
અહેવાલો અનુસાર ભારતીય વાયુસેના અંદાજે ₹21,935 કરોડના ખર્ચે 56 નંગ C-295 વિમાનો ખરીદવાની પ્રક્રિયા કરી રહી છે. તેમાંથી 40 વિમાનો ગુજરાતના વડોદરામાં આવેલી ‘ફાઇનલ એસેમ્બલી લાઇન’ (FAL) ફેસિલિટી ખાતે એરબસના સહયોગથી ‘ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ લિમિટેડ’ (TASL) એસેમ્બલ કરશે. આ ફેસિલિટી દેશમાં ખાનગી ક્ષેત્રનો પ્રથમ મિલિટરી એરક્રાફ્ટ એસેમ્બલી પ્લાન્ટ છે. આ પ્રગતિને આવકારતા એરબસ ડિફેન્સે આ ઘટનાક્રમને ‘ભારતીય ઉડ્ડયન અને સંરક્ષણ ક્ષેત્ર માટે એક ઐતિહાસિક સીમાચિહ્ન’ અને ભારત સરકારના ‘મેક ઇન ઇન્ડિયા’ વિઝનમાં ‘ગેમ ચેન્જર’ ગણાવી હતી.
The Indian Air Force congratulates the entire team behind the successful maiden flight of the first India-made C-295.
— Indian Air Force (@IAF_MCC) June 10, 2026
The achievement reinforces India's growing aerospace capabilities and underscores the Indian Air Force commitment to fostering indigenous defence capability… pic.twitter.com/tsU0dQUdi5
એરબસ ડિફેન્સે ‘X’ પર લખ્યું કે, “આ પહેલી ટેસ્ટ ફ્લાઇટ એ વિમાન બન્યા પછી થતી તપાસનો એક ખૂબ જ મહત્વનો ભાગ છે. ભારતમાં જે 40 વિમાનો બનવાના છે, તેમાંનું આ પહેલું વિમાન છે. આ ટેસ્ટ ફ્લાઇટની સફળતાથી, આ જ વર્ષે ભારતીય વાયુસેનાને પહેલું ‘મેડ ઇન ઇન્ડિયા’ C295 વિમાન સોંપવાના અમારા લક્ષ્ય તરફ અમે એક ડગલું આગળ વધ્યા છીએ.”
The first 'Made in India' Airbus C295 military transport aircraft has conducted its first test flight from the Final Assembly Line in Vadodara 🇮🇳, marking a milestone for Indian aviation and defence. This maiden test flight is a crucial step in the aircraft's post production… pic.twitter.com/nPkjpIENkD
— Airbus Defence (@AirbusDefence) June 10, 2026
આગળ લખ્યું હતું કે, “ભારત સરકારના ‘મેક ઇન ઇન્ડિયા’ અભિયાન માટે આ પ્રોજેક્ટ એક મોટું પરિવર્તન લાવનારો સાબિત થશે, કારણ કે ભારતના ઇતિહાસમાં આ પહેલીવાર બન્યું છે કે જ્યારે કોઈ ખાનગી કંપની દેશમાં લશ્કરી વિમાન બનાવી રહી છે. આ પ્રોજેક્ટની સફળતા એરબસ, ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ લિમિટેડ અને ભારતની નાની-મોટી કંપનીઓની (MSMEs) મહેનતનું પરિણામ છે, જેઓ દેશભરમાં આ વિમાનના અલગ-અલગ સ્પેરપાર્ટ્સ બનાવી રહી છે.”
C-295 વિમાનો વાયુસેનાના જૂના ‘એવરો 748’ વિમાનોની જગ્યા લેશે
ભારતીય વાયુસેના માટે 56 મિલિટરી ટ્રાન્સપોર્ટ વિમાનો ખરીદવા માટે ભારતે સપ્ટેમ્બર 2021માં સ્પેનની એરબસ કંપની સાથે ₹21,935 કરોડનો એક મોટો અને ઐતિહાસિક સોદો કર્યો હતો. આ સોદા અંતર્ગત 40 વિમાનો ભારતમાં જ બનાવવાનું નક્કી થયું હતું.
ભારત સરકારે વર્ષોની તપાસ અને વાતચીત પછી 20 સપ્ટેમ્બર 2021ના રોજ આ ડીલ પાકી કરી હતી. આ પ્રોજેક્ટ ભારત સરકારના ખાસ ‘સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ’ નિયમ હેઠળ તૈયાર કરાયો છે, જે સંરક્ષણ ક્ષેત્રે સરકારી કંપનીઓ સિવાય પ્રાઇવેટ કંપનીઓને પણ કામ કરવાની તક આપે છે.
નક્કી થયા મુજબ 16 વિમાનો ગયા વર્ષે સ્પેનના સેવિલે શહેરમાં આવેલા એરબસના પ્લાન્ટમાંથી સીધા જ ભારત લાવવામાં આવ્યા હતા. બાકીના 40 વિમાનો હવે ટાટા કંપની (TASL) ગુજરાતના વડોદરામાં આવેલા પ્લાન્ટમાં એરબસ સાથે મળીને બનાવશે. ખાસ વાત એ છે કે ઑક્ટોબર 2024માં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને સ્પેનના વડા પ્રધાન પેડ્રો સાંચેઝે સાથે મળીને આ વડોદરા પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું.
C-295 વિમાનો ભારતની સંરક્ષણ ક્ષમતા કેવી રીતે વધારશે?
ભારતીય વાયુસેના (IAF) પાસે 1960ના દાયકાથી એટલે કે ખૂબ જ જૂના થઈ ગયેલા ‘એવરો 748’ (AVRO 748) વિમાનોનો કાફલો છે, જેને હટાવીને તેની જગ્યાએ આ નવા C-295 વિમાનો લાવવાની જરૂર હતી. આ સિવાય તે સમય જતાં ‘એન-32’ (AN-32) વિમાનોની જગ્યા પણ લેશે, જેના અગાઉ કેટલાક અકસ્માતો થયા છે. એએન-32 વિમાનો ઉત્તર-પૂર્વ ભારતના પહાડી અને મુશ્કેલ વિસ્તારોમાં ઉડવા માટે અનુકૂળ નથી, તેથી ચીનની સરહદ નજીકના વિસ્તારોમાં આ નવા C-295 વિમાનો ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવશે.
હાલમાં વાયુસેના પાસે આવા 57 ‘એવરો’ વિમાનો છે, જે મૂળ બ્રિટિશ કંપનીએ ડિઝાઇન કર્યા હતા અને ભારતમાં હિંદુસ્તાન એરોનોટિક્સ લિમિટેડે (HAL) બનાવ્યા હતા. હવે વાયુસેના આ વિમાનોનો ઉપયોગ ધીમે-ધીમે બંધ કરી રહી છે. HAL કંપનીએ આ જૂના વિમાનોને જ આધુનિક બનાવવાની ઓફર આપી હતી, પણ વાયુસેનાએ ના પાડી દીધી. કારણ એ હતું કે આજના સમયના મિલિટરી વિમાનોમાં જે સુવિધાઓ હોવી જોઈએ, તે આ જૂના વિમાનોમાં નહોતી. જેમ કે, એવરો વિમાનમાં પાછળનો દરવાજો (રેમ્પ ડોર) નથી હોતો, જેના કારણે યુદ્ધના સાધનો કે ગાડીઓ તેમાં સરળતાથી ચડાવી કે ઉતારી શકાતી નથી. આથી તેનો ઉપયોગ માત્ર સૈનિકો અને VVIP લોકોને લાવવા-લઈ જવા માટે જ થતો હતો.
C-295 વિમાન વાયુસેનાની આ બધી જરૂરિયાતો પૂરી કરે છે. તે બે એન્જિનવાળું આધુનિક ટેકનોલોજી ધરાવતું માલવાહક વિમાન છે, જે 5થી 10 ટન જેટલું વજન ઉચકી શકે છે. આ વિમાનમાં પાછળ મોટો દરવાજો છે, જેથી કટોકટીના સમયે સૈનિકો, હથિયારો અને સામાનને પેરાશૂટથી ખૂબ જ ઝડપથી નીચે ઉતારી શકાય છે. આ તમામ 56 વિમાનો સેનામાં સામેલ થયા પછી, ભારતીય વાયુસેના દુનિયામાં આ વિમાનનો ઉપયોગ કરનારી સૌથી મોટી વાયુસેના બની જશે.
ભારત પાસે અત્યારે અલગ-અલગ દેશોના મિલિટરી ટ્રાન્સપોર્ટ વિમાનો છે. બ્રિટિશ એવરો અને યુક્રેનના એએન-32 ઉપરાંત આપણી વાયુસેના પાસે સોવિયત સમયના ‘ઇલ્યુશિન-76’ (Il-76) અને અમેરિકાના મોટા વિમાનો ‘બોઇંગ સી-17 ગ્લોબમાસ્ટર’ તેમજ ‘સી-130જે સુપર હર્ક્યુલસ’ પણ સામેલ છે.
આ લેખ મૂળ અંગ્રેજીમાં લખાયલો છે, મૂળ લેખ વાંચવા અહીં ક્લિક કરો.


