આતંકવાદ વિરુદ્ધ ‘ઝીરો ટોલરન્સ’ની નીતિ સાથે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે હવે પાડોશી આતંકી રાષ્ટ્ર પાકિસ્તાન સામેની ચળવળને આંતરરાષ્ટ્રીય સ્તરે લઈ જવાનો નિર્ધાર કર્યો છે. આ કામમાં સાથ વિપક્ષ પણ આપશે. સરકાર જુદા-જુદા દેશોમાં કુલ સાત પ્રતિનિધિમંડળો મોકલી રહી છે, જેઓ જે-તે દેશોમાં જઈને ઑપરેશન સિંદૂર પર ભારતનો પક્ષ મૂકશે.
સિંધુ જળ સંધિના અમલીકરણ પર રોક અને ત્યારબાદ ઑપરેશન સિંદૂરની ભવ્ય સફળતા પછી સરકાર પાકિસ્તાન અને તેની આતંકવાદ છાવરવાની વૃત્તિને દુનિયા સામે લાવવા કમર કસી રહી છે. કુલ સાત પ્રતિનિધિમંડળ આ અભિયાનનો હિસ્સો બનશે. જેની સત્તાવાર ઘોષણા કરી દેવામાં આવી છે.
India to send all party delegation to several capitals & UNSC countries to sensitize about Delhi's 'strong message of Zero tolerance against terrorism'
— Sidhant Sibal (@sidhant) May 17, 2025
Statement: pic.twitter.com/jKYfmKhvG4
પ્રતિનિધિમંડળોનું નેતૃત્વ જુદી-જુદી પાર્ટીના સાંસદો કરશે. જેમાં કોંગ્રેસમાંથી શશિ થરૂર, JDUમાંથી સંજય ઝા, DMKમાંથી કરુણાનિધિ, NCPમાંથી સુપ્રિયા સુલે અને શિવસેનામાંથી શ્રીકાંત શિંદે, ભાજપમાંથી રવિશંકર પ્રસાદ અને બૈજયંત પાંડાનો સમાવેશ થાય છે.
કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રાલયે જણાવ્યું કે, તમામ સર્વપક્ષીય પ્રતિનિધિમંડળો વિદેશોમાં જઈને આતંકવાદ વિરુદ્ધ લડવાની ભારતની નીતિ વિશે તેમને માહિતગાર કરશે અને આતંકવાદ વિરુદ્ધ ભારતની દ્રઢતા અને ઝીરો ટોલરન્સની નીતિ વિશે દુનિયાને જણાવશે.
પ્રતિનિધિમંડળોમાં જે અન્ય સાંસદોને સામેલ કરવામાં આવ્યા છે તેમાં મનીષ તિવારી અને સલમાન ખુર્શીદ (કોંગ્રેસ), પ્રિયંકા ચતુર્વેદી (શિવસેના UBT), સસ્મિત પાત્રા (BJD), સુદીપ બંદોપાધ્યાય (TMC), અસદુદ્દીન ઓવૈસી (AIMIM) વગેરે સાંસદોનો સમાવેશ થાય છે. તમામ આ મહિનાના અંતમાં રવાના થશે તેમ જણાવવામાં આવ્યું છે. તારીખ સંભવતઃ 22 મે હોય શકે.
યાદીમાં સૌથી વધુ ધ્યાન શશિ થરૂરે ખેંચ્યું છે. વર્ષોથી કોંગ્રેસ પાર્ટીમાં રહીને અનેક અગત્યનાં પદો પર ફરજ બજાવનાર સાંસદ છેલ્લા થોડા સમયથી પાર્ટીની વિચારધારાથી થોડું અલગ વલણ અપનાવી રહ્યા છે. તાજેતરમાં પહલગામ ઈસ્લામી આતંકવાદી હુમલા અને ત્યારબાદ ભારત સરકાર અને સેનાના ઑપરેશન સિંદૂર પર પણ તેમણે પરિપક્વ નિવેદનો આપ્યાં હતાં, જેના કારણે પછીથી કોંગ્રેસે એવું કહેવાની પણ ફરજ પડી હતી કે આ બધાં નિવેદનો થરૂરનાં છે અને પાર્ટીનું સ્ટેન્ડ એ જ હોય એ જરૂરી નથી. હવે થરૂરને સરકારે મોટી જવાબદારી આપી છે ત્યારે પાર્ટીનું શીર્ષ નેતૃત્વ હજુ આ બાબતે મૌન જણાય રહ્યું છે.