Saturday, May 18, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટદિલ્હીમાં ટ્રેનિંગના નામે એક મહિના સુધી દરરોજ 8 કલાક ટ્રેનના ડબ્બા ગણાવ્યા,...

    દિલ્હીમાં ટ્રેનિંગના નામે એક મહિના સુધી દરરોજ 8 કલાક ટ્રેનના ડબ્બા ગણાવ્યા, રેલ્વેમાં નોકરી આપવાના નામે 28 લોકોનું કરોડોનું ફૂલેકું ફેરવ્યું

    અહેવાલોમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે છેતરપિંડીનો ભોગ બનેલા મોટાભાગના લોકો એન્જિનિયરિંગ અને ટેકનિકલ શિક્ષણમાં સ્નાતક થયા છે.

    - Advertisement -

    આ દુનિયામાં એવા ઘણા લોકો છે જેઓ શોર્ટકટ લઈને કરોડો કમાવાના કીમિયા અપનાવીને ગંભીર ગુના આચરી દે છે, સામે તેમને પણ એવો એક વર્ગ મળી જાય છે જેઓ પોતાની મહેનત કરતા છેતરપીંડી કરનારા લોકોની વાતોમાં વધુ ભરોસો કરીને પોતાનું સર્વસ્વ ગુમાવી દે છે, આવોજ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જેમાં દિલ્હીમાં રેલ્વેમાં નોકરી આપવાના નામે 28 લોકોની કરોડોની ઠગાઈ થઈ ગઈ હોવાનું સામે આવ્યું છે, છેતરપીંડીનો શિકાર બનેલા આ તમામ લોકો તમિલનાડુના છે, જેઓ ઠગો ની વાતોમાં આવીને દિલ્હીના રેલ્વે સ્ટેશન પર દરરોજ 8 કલાક ટ્રેનો ગણવાનું કામ કરતા હતા.

    મળતા અહેવાલો અનુસાર દિલ્હીમાં રેલ્વેમાં નોકરી આપવાના નામે 28 લોકોની કરોડોની ઠગાઈ થઈ હોવાની ફરિયાદ આર્થિક અપરાધ શાખા (ઈકોનોમિક ઓફેન્સીસ વિંગ) માં દાખલ કરવામાં આવી છે. FIRમાં જણાવવામાં આવ્યું છે કે પીડિતોને કહેવામાં આવ્યું હતું કે તેઓને ટ્રાવેલ ટિકિટ એક્ઝામિનર (TTE), ટ્રાફિક આસિસ્ટન્ટ અને ક્લાર્કની પોસ્ટ માટે તાલીમ આપવામાં આવી રહી છે. આ લોકોએ રેલવેમાં નોકરી મેળવવા માટે માટે ઠગને 2 લાખથી માંડીને 24 લાખ સુધી રૂપિયા આપ્યા છે.

    આવી રીતે કૌભાંડનો ખુલાસો થયો

    ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલ મુજબ ભૂતપૂર્વ સૈનિક એમ સુબ્બુસામીએ આ સમગ્ર કૌભાંડ અંગે એફઆઈઆર નોંધાવી છે. 78 વર્ષીય સુબ્બુસામી કહે છે કે જૂન અને જુલાઈ વચ્ચે તેઓ રેલ્વેમાં નોકરી અને તાલીમના નામે 2.67 કરોડ રૂપિયાની છેતરપિંડીનો ભોગ બન્યા છે. એવો આરોપ છે કે સુબ્બુસામી છેતરપિંડીનો ભોગ બનેલા લોકોને ઠગના સંપર્કમાં લાવ્યા હતા. જોકે, સુબ્બુસામી કહે છે કે તેઓ આ છેતરપીંડી હોવાનું નહોતા જાણતા અને તેઓ આ ઠગ ટોળકીની જાળમાં ફસાઈ ગયા હતા.

    - Advertisement -

    સુબ્બુસામીએ જણાવ્યું હતું કે, “હું કોઈમ્બતુરમાં સાંસદના ક્વાર્ટર્સમાં શિવરામન નામના વ્યક્તિને મળ્યો હતો. તેણે મને કહ્યું હતું કે તે તમામ સાંસદો અને મંત્રીઓને ઓળખે છે. આ પછી મેં આ વિસ્તારના માત્ર ત્રણ માણસોને ટીટીઈની નોકરી માટે અરજી કરવા કહ્યું હતું, પરંતુ અન્ય 25 લોકો તે માટે અરજી કરવા સંમત થયા હતા. ત્યાર બાદ અમે વિકાસ રાણા નામના વ્યક્તિને મળ્યા હતા. તેમણે કહ્યું હતું કે અમારી તાલીમની જવાબદારી તેમની છે. બધાએ મારા પર વિશ્વાસ કરીને પૈસા મોકલ્યા. મેં બધાના પૈસા રાણાના ખાતામાં મોકલ્યા. પરંતુ, મને કૌભાંડની જાણ થતાં જ મેં પોલીસને જાણ કરી હતી.”

    આ કૌભાંડ અંગે, મદુરાઈના પીડિત સ્નેહિલ કુમારે જણાવ્યું હતું કે, “દરેક ઉમેદવાર સુબ્બુસામીને રૂ. 2 લાખથી રૂ. 24 લાખ સુધીની રકમ ચૂકવી છે. સુબ્બુસામીએ વિકાસ રાણા નામના વ્યક્તિને પૈસા ચૂકવ્યા હતા. રાણાએ જણાવ્યું કે તે દિલ્હીમાં ઉત્તર રેલવેની ઓફિસમાં ડેપ્યુટી ડાયરેક્ટર છે.”

    ભણેલા-ગણેલા લોકો જ બન્યા કૌભાંડનો શિકાર

    અહેવાલોમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે છેતરપિંડીનો ભોગ બનેલા મોટાભાગના લોકો એન્જિનિયરિંગ અને ટેકનિકલ શિક્ષણમાં સ્નાતક થયા છે. જો કે, ઠગ ટોળકીએ TTE, કારકુન અને અન્ય પોસ્ટ માટે અલગ-અલગ રકમ નક્કી કરી હતી. પરંતુ તે તમામની તાલીમ એક સરખી હતી, જેમાં તેમને એક મહિના સુધી દરરોજના 8 કલાક દિલ્હીના રેલ્વે સ્ટેશન પર ટ્રેનો અને તેના કોચની ગણતરી કરવાની હતી.

    પીડિતોનું કહેવું છે કે રાણા તેમની પાસેથી પૈસા વસૂલવા માટે તેમને રેલવે ઓફિસની બહાર જ મળતો હતો. તે લોકોને ક્યારેય રેલ્વે બિલ્ડિંગની અંદર નહોતો લઈ ગયો. પીડિતોએ એમ પણ જણાવ્યું કે જ્યારે તેઓએ ટ્રેનિંગ ઓર્ડર, ઓળખ કાર્ડ, ટ્રેનિંગ કમ્પ્લીશન સર્ટિફિકેટ અને એપોઇન્ટમેન્ટ લેટર જેવા તમામ દસ્તાવેજો રેલવે અધિકારીઓ સાથે ક્રોસ વેરિફાય કર્યા ત્યારે બધું જ નકલી હોવાનો ખુલાસો થયો હતો.

    એફઆઈઆર નોંધાયા બાદ દિલ્હી પોલીસની ઈકોનોમિક ઓફેન્સીસ વિંગ (EOW) એ પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ નોકરી કૌભાંડ હતું. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. બીજી તરફ નોકરીના નામે આ છેતરપિંડી અંગે રેલવે મંત્રાલયમાં મીડિયા અને કોમ્યુનિકેશનના એડિશનલ ડાયરેક્ટર જનરલ યોગેશ બાવેજાએ જણાવ્યું હતું કે રેલવે બોર્ડ હંમેશા સલાહ આપતું આવ્યું છે કે લોકોએ આ પ્રકારની લોભામણી વાતોમાં આવીને છેતરપિંડીનો ભોગ બનવાથી બચવું જોઈએ.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં