ગુજરાત હાઇકોર્ટે તાજેતરમાં એક ચુકાદામાં રાજકોટ-અમદાવાદ હાઇ-વે પર સ્થિત એક દરગાહને ડિમોલિશનથી રક્ષણ આપવાનો ઇનકાર કરી દીધો. કોર્ટે કહ્યું કે, જમીન સરકારી માલિકીની છે એ સાબિત થાય છે અને સુરક્ષાને જોતાં હાઈ-વે ઉપર આ પ્રકારે અનધિકૃત બાંધકામને મંજૂરી આપી શકાય નહીં. ટ્રસ્ટ વક્ફ સંપત્તિ હોવાની દલીલો લઈને પણ ગયું હતું, પરંતુ માલિકી સાબિત કરી શક્યું નહીં. હાઇકોર્ટના આદેશ બાદ શુક્રવારે (4 એપ્રિલ) સ્થાનિક તંત્રએ આ દરગાહ હટાવી દીધી હતી.
આ કેસ રાજકોટ-અમદાવાદ નેશનલ હાઈ-વે પર આનંદપર ગામમાં આવેલી એક હઝરત જલાલ શાહ પીરની દરગાહનો છે. તેનું બાંધકામ સરકારી માલિકીની હાઈ-વે નજીકની જમીન પર થયું હોવાના કારણે જાન્યુઆરી 2025માં નોટિસ આપવામાં આવી હતી. ત્યારબાદ ટ્રસ્ટ હાઇકોર્ટ પહોંચ્યું હતું, પરંતુ કોર્ટે રાહત આપવાનો ઇનકાર કરી દીધો હતો. ત્યારબાદ ફરીથી એક સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન દાખલ કરીને આ આદેશ રદ કરવાની માંગ કરવામાં આવી.
દરગાહ ટ્રસ્ટની દલીલ હતી કે દરગાહ આનંદપર અને આસપાસનાં અમુક ગામોના કબ્રસ્તાનનો એક ભાગ છે અને સમયાંતરે બાંધકામ અને જાળવણી થતાં આવ્યાં છે. અહીં ઘણા લોકો આવે છે અને ઉર્સની પણ ઉજવણી કરવામાં આવે છે. દલીલ કરવામાં આવી કે માર્ચ 1963માં દરગાહ ‘વક્ફ એસ્ટેટ’ તરીકે નોંધાઈ હતી અને ઔકફ રજિસ્ટરમાં પણ તેની નોંધણી છે. દરગાહનું ‘ઐતિહાસિક મહત્ત્વ’ પણ ઘણું હોવાની દલીલો આપવામાં આવી.

હાઈ-વે પરની જમીન પર દરગાહ બની હોવાની દલીલો સામે અરજીમાં એ તર્ક આપવામાં આવ્યો કે તે સર્વિસ રોડ થકી હાઇ-વેથી અલગ પડી જાય છે અને મુખ્ય માર્ગથી લગભગ પંદરેક ફિટ દૂર છે. બાંધકામ કરવા પાછળ એવી દલીલ રજૂ કરવામાં આવી કે નેશનલ હાઇવે અને તેની આસપાસ બાંધકામ થવાના કારણે આસપાસનો વિસ્તાર ઊંચાઈ પર આવી ગયો હતો અને ચોમાસામાં રસ્તા પરથી પાણી દરગાહમાં આવી જતું હતું, જેથી ટ્રસ્ટે દરગાહનું બાંધકામ કરવાનો નિર્ણય કર્યો, જે માટે ગ્રામ પંચાયત પાસેથી પરવાનગી પણ લેવામાં આવી હતી. પરંતુ જાન્યુઆરીમાં તેમને હટાવવા માટે નોટિસ આપી દેવામાં આવી.
ટ્રસ્ટના વકીલે કોર્ટમાં દલીલ કરતાં કહ્યું કે, દરગાહનું નિરીક્ષણ આર્કિયોલોજિકલ સરવે ઑફ ઇન્ડિયા દ્વારા પણ કરવામાં આવ્યું છે. ઉપરાંત, તાલુકા અને જિલ્લા પંચાયત દ્વારા પણ તેને માન્યતા આપવામાં આવી છે, ઉપરાંત ટેક્સ લેવામાં આવે છે અને ઉર્સની પણ પરવાનગી આપવામાં આવે છે. તેમની પાસે વીજ કનેક્શન પણ છે અને બિલ પણ ભરવામાં આવે છે.

વકીલે આ દરગાહને ‘વક્ફ સંપત્તિ’ ગણાવીને કહ્યું કે, નિયમો અનુસાર તેને ડિમોલિશન માટેની નોટિસ આપી શકાય નહીં કારણ કે જે જમીન પર દરગાહ છે તેની ઉપર હાઈ-વે ઓથોરિટીની કોઈ માલિકી નથી. કોર્ટમાં એવી પણ દલીલ કરવામાં આવી કે આ દરગાહથી માત્ર એક કિલોમીટર દૂર હાઇ-વે ઉપર એક મંદિર પણ છે, પરંતુ તેને હટાવવા માટે નોટિસ આપવામાં આવી નથી, પરંતુ સમુદાય વિશેષ સાથે ભેદભાવ કરવામાં આવી રહ્યો છે.
રાજ્ય સરકારે કોર્ટમાં શું કહ્યું?
આ દલીલો પર રાજ્ય સરકાર તરફથી સ્પષ્ટતા કરવામાં આવી કે જે જમીન છે એ સરકારી માલિકીની ખરાબાની જમીન છે. જે જમીન નેશનલ હાઇવે એક્ટ, 1956ની જોગવાઈઓ હેઠળ નિયમોને આધીન રહીને, યોગ્ય કાયદાકીય પ્રક્રિયાઓના પાલન બાદ હાઇ-વે નિર્માણ માટે અધિગ્રહિત કરવામાં આવી હતી.
વક્ફ સંપત્તિની દલીલો મામલે સરકરી વકીલે સ્પષ્ટતા કરતાં કહ્યું કે, એપ્રિલ 2024નો વક્ફનો રિપોર્ટ જણાવે છે કે જમીન પર એક ઘર અને બે ઓરડા છે અને ઝીરો સ્ક્વેર યાર્ડવિસ્તાર ધરાવે છે. જ્યારે હવે ટ્રસ્ટ મોટું બાંધકામ કરી રહ્યું છે અને તેના કારણે હાઇ-વેની જમીન પર અતિક્રમણ થઈ રહ્યું છે અને તેના કારણે ટ્રાફિકને કાયમી અડચણરૂપ બનશે. ASIએ પણ એપ્રિલ 2005માં ટ્રસ્ટને જણાવ્યું હતું કે સ્થળનું પુરાતત્વીય મહત્ત્વ કશું જ નથી, કારણ કે તે પ્રાચીન સ્થળ હોવાનું માલૂમ પડ્યું નથી.
સરકારી વકીલે દલીલોમાં કહ્યું કે, જે બાંધકામો નિયમોથી વિપરીત થયાં હોય તેને પ્રોત્સાહન આપી શકાય નહીં, જેથી ગેરકાયદેસર બાંધકામ અને નેશનલ હાઇ-વે પર થયેલા અતિક્રમણને બચાવવા માટે કરવામાં આવેલી રિટ પિટિશન રદબાતલ ઠેરવવી જોઈએ.
જમીનને વક્ફ સંપત્તિ ઘોષિત કરવા માટે રજૂઆત કરવામાં આવી, પણ હજુ મામલો વિચારણા હેઠળ: કોર્ટ
બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે અવલોકન કરતાં કહ્યું કે, ટ્રસ્ટ વક્ફ તરીકે નોંધાયેલું છે, પરંતુ જે જમીન વિવાદમાં છે, તેને વક્ફ સંપત્તિ ઘોષિત કરવા માટે અરજીઓ કરવામાં આવી છે, જે હાલ વિચારણા હેઠળ છે. બીજું, એ વાતમાં કોઈ શંકા નથી કે જ્યાં કબ્રસ્તાન છે એ સરકારી ખરાબાની જમીન છે. અરજદારોએ પોતાની દલીલોના સમર્થનમાં અમુક વિગતો આપી છે, પણ તેનાથી એ તથ્ય યથાવત રહે છે કે જમીન સરકારી ખરાબાની જમીન છે અને નેશનલ હાઇ-વે એક્ટ હેઠળ રાજકોટ-અમદાવાદ હાઇ-વેના નિર્માણ માટે તેનું અધિગ્રહણ કરવામાં આવ્યું હતું.

કોર્ટે સ્પષ્ટ કર્યું કે જમીન ન તો ટ્રસ્ટની માલિકીની છે કે ન હજુ સુધી તેને વક્ફ સંપત્તિ ઘોષિત કરવામાં આવી છે. ટ્રસ્ટે પણ કોર્ટ સમક્ષ સ્વીકાર્યું છે કે તેમણે જમીનને કબ્રસ્તાન તરીકે ઘોષિત કરવા કે કબ્રસ્તાનને વક્ફ સંપત્તિ ઘોષિત કરવા અનેક ઠેકાણે અરજીઓ કરી છે. સાથે કોર્ટે કહ્યું કે, સંપત્તિ ન તો પુરાતત્વીય મહત્વની છે કે ન તેને વક્ફ સંપત્તિ ઘોષિત કરવામાં આવી છે. માત્ર ઘણા સમયથી તેનો ઉપયોગ કબ્રસ્તાન તરીકે કરવામાં આવી રહ્યો હોય અને અગાઉ ટ્રસ્ટ દ્વારા તેને કબ્રસ્તાન ઘોષિત કરવા માટે રજૂઆતો કરવામાં આવી હોય તેનાથી તે કબ્રસ્તાન બની જતી નથી.
ગ્રામ પંચાયતની મંજૂરી લેવામાં આવી હોવાની દલીલો પર કોર્ટે કહ્યું કે, જમીન રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી હેઠળ આવે છે અને ઓથોરિટી તરફથી કોઈ મંજૂરી લેવામાં આવી હોય તેવા કોઈ દસ્તાવેજો રજૂ કરવામાં આવ્યા નથી.
મંદિરોને નોટિસ ન આપવામાં આવી હોવાની માત્ર વાતો, આધાર-પુરાવા રજૂ કરવામાં ન આવ્યા
મંદિરોને નોટિસ ન આપીને ભેદભાવ કરવામાં આવી રહ્યો હોવાની દલીલો પણ કોર્ટે ફગાવી દીધી હતી અને કહ્યું કે, જ્યાં સુધી આ બાબતના કોઈ ઠોસ પુરાવાઓ કે તથ્યો રજૂ કરવામાં ન આવે ત્યાં સુધી તેને ધ્યાને લઈ શકાય નહીં. આવી વાતો માત્ર આરોપોના આધારે કહેવામાં આવી છે, રેકર્ડ પર તેને સાબિત કરવા માટે કોઈ ડોક્યુમેન્ટ્સ રજૂ કરવામાં આવ્યાં નથી. ઉપરાંત, ટ્રસ્ટે પણ એ વાતનો વિરોધ કર્યો નથી કે જમીન હાઈ-વે ઓથોરીટીની છે અને બાંધકામ નિયમો અનુસાર હાઇ-વેને અડચણ ન બને એમ કરવામાં આવ્યું છે.
કોર્ટે આગળ કહ્યું કે, અરજદારોને પૂરતો સમય અને તક આપવામાં આવ્યા છતાં તેઓ એ સાબિત કરી શક્યા નથી કે આ જમીન તેમની માલિકીની છે કે ન તેની સાબિતી માટે કોઈ દસ્તાવેજો રજૂ કરવામાં આવ્યા છે.
કોર્ટે ઠેરવ્યું કે નેશનલ હાઈ-વેની જમીન પર બનાવવામાં આવેલાં આવાં અનધિકૃત બાંધકામ ટ્રાફિક માટે અડચણરૂપ બને છે અને જાહેર હિતમાં તેને દૂર કરવાં જરૂરી છે. માત્ર જમીનનો ઉપયોગ કોઈ ચોક્કસ હેતુ માટે કરવામાં આવી રહ્યો હોય તેનો અર્થ એ નથી કે કાયમી માલિકી હોય તેમ તેનો ઉપયોગ કરવાની પરવાનગી મળી જાય. ટ્રસ્ટ ભલે પબ્લિક ટ્રસ્ટ તરીકે નોંધાયેલું હોય અને તેની પાસે PAN નંબર હોય, પણ તેનાથી એ બાબતો યથાવત રહે છે કે ટ્રસ્ટનો જમીન પર કોઈ કાયદાકીય હક બનતો નથી. જેથી નેશનલ હાઈ-વે ઉપર કોઈ અડચણ ન બને અને અનધિકૃત બાંધકામ દ્વારા ટ્રાફિક ન અવરોધાય તે સુનિશ્ચિત કરવાનું કામ ટ્રસ્ટનું પણ છે.
આ અવલોકનો બાદ કોર્ટે સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન ફગાવી દીધી હતી અને અગાઉનો જાન્યુઆરી 2025નો આદેશ યથાવત રાખ્યો હતો.
Buldozer action continues in Gujarat : Illegally Dargah built on Rajkot – Ahemdabad Highway demolished by Gujarat govt…. pic.twitter.com/U2YU6OKDvJ
— Mr Sinha (@MrSinha_) April 4, 2025
કોર્ટે 2 એપ્રિલના રોજ આ આદેશ આપ્યા બાદ 4 એપ્રિલના રોજ સ્થાનિક તંત્રએ હાઈ-વે ઉપર બનેલું અનધિકૃત બાંધકામ હટાવી દીધું હતું. ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં આ બાંધકામ હટાવી દેવામાં આવ્યું અને માર્ગ મોકળો બનાવ્યો હતો.