Thursday, January 23, 2025
More
    હોમપેજદેશજે IAS પૂજા સિંઘલ પર ભ્રષ્ટાચારનો આરોપ, તેઓ કામ કરશે ઝારખંડના વહીવટી...

    જે IAS પૂજા સિંઘલ પર ભ્રષ્ટાચારનો આરોપ, તેઓ કામ કરશે ઝારખંડના વહીવટી સુધારા વિભાગમાં: જામીન મળતાં જ પરત લઈ લેવાયું સસ્પેન્શન, 2022માં EDએ કરી હતી ધરપકડ

    12 મે, 2022ના રોજ EDએ એક મની લોન્ડરિંગ કેસમાં ઝારખંડ કેડરનાં IAS અને માઇન્સ વિભાગનાં તત્કાલીન સચિવ પૂજા સિંઘલની ધરપકડ કરી હતી. તેના બીજા દિવસે તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યાં હતાં.

    - Advertisement -

    મની લોન્ડરિંગ કેસમાં જેલમાં જઈ આવેલાં IAS અધિકારી પૂજા સિંઘલને (Pooja Singhal) ઝારખંડ સરકારે ફરીથી નોકરીમાં બહાલી આપી છે. મે, 2022માં તેમની ધરપકડ બાદ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યાં હતાં. ડિસેમ્બર, 2024માં કોર્ટે જામીન આપ્યા બાદ હવે તેમનું સસ્પેન્શન (Suspension) પરત ખેંચી લેવામાં આવ્યું છે. બુધવારે (22 જાન્યુઆરી) આ બાબતની સત્તાવાર જાહેરાત કરવામાં આવી. કહેવાય છે કે આ નિર્ણય રિવ્યૂ કમિટીની ભલામણ પર લેવામાં આવ્યો. તેઓ ‘કર્મચારી અને વહીવટી સુધારા’ વિભાગમાં કામ કરશે તેવું પણ ઝારખંડ સરકારે જણાવ્યું છે.

    12 મે, 2022ના રોજ EDએ એક મની લોન્ડરિંગ કેસમાં ઝારખંડ કેડરનાં IAS અને માઇન્સ વિભાગનાં તત્કાલીન સચિવ પૂજા સિંઘલની ધરપકડ કરી હતી. તેના બીજા દિવસે તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યાં હતાં. તેમણે જામીન અરજી મૂકતાં ડિસેમ્બરમાં કોર્ટે સુનાવણી હાથ ધરી હતી અને 7 ડિસેમ્બર, 2024ના રોજ PMLA કોર્ટે તેમને જામીન આપ્યા અને તેઓ જેલની બહાર આવ્યાં હતાં.

    રિપોર્ટ્સ અનુસાર, જેલમાંથી બહાર આવ્યા બાદ તરત જ તેમના સસ્પેન્શનને હટાવવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી હતી. આ મામલાની ફાઈલ મુખ્ય સચિવની અધ્યક્ષતામાં રચાયેલી સસ્પેન્શન સમીક્ષા સમિતિની બેઠકમાં મોકલવામાં આવી હતી. સમિતિએ સમગ્ર મામલાની સમીક્ષા કર્યા પછી તેમનું સસ્પેન્શન પાછું ખેંચવાની ભલામણ કરી હતી. આ ભલામણના આધારે પૂજા સિંઘલનું સસ્પેન્શન પરત ખેંચવામાં આવ્યું.

    - Advertisement -

    મનરેગામાં કૌભાંડ મામલે 31 મહિના સુધી જેલમાં રહ્યા બાદ 7 ડિસેમ્બરે પૂજાને જામીન મળ્યા હતા. રાંચીની EDની વિશેષ કોર્ટે તેમને 2 લાખના પર્સનલ બોન્ડ પર જામીન આપ્યા હતા. વાસ્તવમાં તેમના વકીલે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 479ને ટાંકીને દલીલ કરી હતી કે, આ જોગવાઈ હેઠળ કોઈ આરોપીએ જો મહત્તમ સજાના ત્રીજા ભાગની સજા ટ્રાયલ દરમિયાન જ કાપી હોય તો કોર્ટ તેને જામીન પર મુક્ત કરી શકે છે. જોકે એજન્સીએ જામીનનો વિરોધ કર્યો હતો પરંતુ આખરે કોર્ટે ડિસેમ્બર, 2024માં જામીન મંજૂર કર્યા હતા.

    કોણ છે પૂજા સિંઘલ

    મૂળ ઉત્તરાખંડનાં રહેવાસી પૂજા સિંઘલ 2000 બેચનાં IAS અધિકારી છે. તેઓ 21 વર્ષની ઉંમરે IAS બન્યાં હતાં અને કહેવાય છે કે આટલી ઉંમરે IAS કેડરમાં પ્રવેશ કરનારી સૌથી નાની ઉંમરની મહિલા હોવા બદલ તેમનું નામ લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સમાં પણ નોંધાયું હતું. તેઓ ઝારખંડના અનેક જિલ્લાઓમાં કલેક્ટર તરીકે સેવા આપી ચૂક્યાં છે ઉપરાંત અનેક વિભાગોના સચિવ પણ રહ્યાં છે.

    IAS પૂજા સિંઘલ પર આરોપ છે કે તેઓ જ્યારે ખૂંટીમાં ડીસી હતાં ત્યારે 16 ફેબ્રુઆરી, 2009થી 19 જુલાઈ, 2010 સુધી કોઈ કામ કરવામાં આવ્યું ન હોવા છતાં એક એન્જિનિયરને મનરેગા હેઠળ ₹18 કરોડ ફાળવ્યા હતા. આ મામલે વર્ષ 2011માં ખૂંટી અને અડકી પોલીસ મથકમાં એન્જિનિયર વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી હતી. આ કેસમાં પછીથી પૂજાનું નામ પણ સામે આવ્યું હતું. વર્ષ 2018માં એન્જિનિયરોએ મનરેગામાં 20% કમિશન આપવાની વાત સ્વીકારી હતી. ત્યારબાદ EDએ પૂજા સિંઘલ વિરુદ્ધ તપાસ શરૂ કરી.

    6 મે, 2022ના રોજ EDએ ઝારખંડ સહિત બિહાર, પશ્ચિમ બંગાળ, દિલ્હી અને રાજસ્થાનમાં પૂજા સંબંધિત 25 સ્થળોએ દરોડા પાડ્યા હતા. જેમાં સિંઘલના પતિ અભિષેક ઝાની હોસ્પિટલ અને તેમના આવાસનો પણ સમાવેશ થતો હતો. આ ઉપરાંત પૂજા સિંઘલના CA સુમન કુમાર સિંઘના ઘરે દરોડા પાડવામાં આવતાં ત્યાંથી £19.31 કરોડ રોકડા મળી આવ્યા હતા. જે મામલે તેની ધરપકડ કરવામાં આવી હતી.

    ત્યારબાદ એજન્સીએ પૂજાના પતિ અભિષેક અને બાદમાં પૂજાની પણ પૂછપરછ કરી હતી. આખરે 11 મે, 2022ના રોજ તેમની ધરપકડ કરી લેવામાં આવી હતી. તેના બીજા દિવસે 12 મેના રોજ ઝારખંડ સરકારે તેમને સસ્પેન્ડ કરી દીધાં હતાં.

    વ્યક્તિગત જીવનમાં પણ રહ્યા છે વિવાદો

    મહત્વની બાબત એ છે કે તત્કાલીન સરકારમાં પૂજા સિંઘલ એકસાથે 3 અલગ-અલગ પદ પર નિયુક્તિ પામ્યાં હતાં. તેઓ મોંઘીદાટ પાર્ટીઓ આપવા પ્રખ્યાત હતાં. સિવાય તેમનાં 2 વખત લગ્ન થયાં છે. પ્રથમ લગ્ન IAS રાહુલ પુરવાર સાથે થયા હતા. આ સમયે તે SDO અને રાહુલ DC હતા. જોકે એ સમયે પૂજાના સંબંધો તેમના ઉપરી અધિકારી સાથે વધવા લાગ્યા જેના પરિણામે તેમના રાહુલ પુરવાર સાથે છૂટાછેડા થઇ ગયા હતા.

    ત્યારપછી તેઓ મુઝફ્ફરપુરના અભિષેક ઝા ઉર્ફે બિટ્ટુના સંપર્કમાં આવ્યાં. ઓસ્ટ્રેલિયાના કસ્ટમ્સ વિભાગમાં કામ કરતા અભિષેક અને પૂજાની મુલાકાત ફેસબુક પર થઈ હતી. ફેસબુક પરની મિત્રતા મુલાકાતમાં ફેરવાઈ ગઈ બંનેએ લગ્ન કરવાનો નિર્ણય લીધો. બંનેના લગ્ન મુઝફ્ફરપુરમાં અભિષેક ઝાના પૈતૃક ઘરે થયાં હતાં. નોંધનીય છે કે મનરેગા ગોટલા મામલે અભિષેક ઝાના પિતા સાથે પણ EDએ પૂછપરછ કરી હતી.

    પૂજા સિંઘલને નોકરીમાં પરત લેવાના ઝારખંડ સરકારના નિર્ણયની સોશિયલ મીડિયા પર ખાસ્સી ચર્ચા થઈ. લોકો કહી રહ્યા છે કે ભ્રષ્ટાચારના કેસમાં હજુ ટ્રાયલ ચાલી રહી હોય ત્યારે આ રીતે અધિકારીને પરત નોકરી પર લેવાં કેટલું યોગ્ય છે. લોકો આ કેસને પૂજા ખેડકરના કેસ સાથે પણ જોડી રહ્યા છે, જેમણે ડિસેબિલિટી સર્ટિફિકેટમાં ઘાલમેલ કરીને નોકરી મેળવી હોવાનું છેક જુલાઈ, 2024માં સામે આવ્યું હતું પરંતુ ત્યારથી તેમને સતત ન્યાયતંત્રનું સંરક્ષણ મળતું રહ્યું હોવાના કારણે પોલીસ ધરપકડ કરીને પૂછપરછ કરી શકી નથી. તાજેતરમાં દિલ્હી હાઇકોર્ટે પૂજા ખેડકરના આગોતરા જામીન ફગાવી દીધા હતા અને વચગાળાની રાહત આપતો આદેશ પરત લઈ લીધો હતો. પરંતુ ત્યારબાદ તેઓ તરત સુપ્રીમ કોર્ટ પહોંચી ગયાં અને ત્યાંથી વચગાળાની રાહત મેળવી લીધી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં