વડાપ્રધાન નરેન્દ્ર મોદીની (PM Narendra Modi) ઇંગ્લેન્ડ અને માલદીવ મુલાકાતે ભારતને વૈશ્વિક મંચ પર એક નવી ઊંચાઈ આપી છે. બંને દેશો સાથે થયેલા ઐતિહાસિક કરારે ભારતના આર્થિક, વ્યૂહાત્મક અને સાંસ્કૃતિક પ્રભાવને વધુ મજબૂત બનાવ્યો છે. આ મુલાકાત ભારતની ‘નેબરહુડ ફર્સ્ટ’ અને ‘સાગર’ (પ્રદેશમાં બધા માટે સુરક્ષા અને વિકાસ) નીતિનું ઉત્તમ ઉદાહરણ છે. અહીં વિસ્તારથી સમજીએ કે ઇંગ્લેન્ડ અને માલદીવ સાથેની પીએમ મોદીની મુલાકાતોથી ભારતને શું શું ફાયદો થયો, કયા કરાર થયા અને ભારતના ભવિષ્ય પર તેની શું અસર થશે.
પીએમ મોદીની ઈંગ્લેન્ડ મુલાકાત દરમિયાન CETA કરાર
PM મોદીની ઇંગ્લેન્ડની મુલાકાત દરમિયાન 24 જુલાઈ, 2025ના રોજ ભારત અને યુનાઇટેડ કિંગડમે કોમ્પ્રિહેંસિવ ઇકોનોમિક એન્ડ ટ્રેડ એગ્રીમેન્ટ (CETA) પર હસ્તાક્ષર કર્યા. આ કરાર ત્રણ વર્ષની મહેનત અને 14 રાઉન્ડની વાટાઘાટોનું પરિણામ છે. ભારત તરફથી વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલ અને યુકે તરફથી બિઝનેસ એન્ડ ટ્રેડ સેક્રેટરી જોનાથન રેનોલ્ડ્સે આ કરાર પર હસ્તાક્ષર કર્યા.
આ પ્રસંગે PM મોદી, યુકેના વડાપ્રધાન કીર સ્ટાર્મર, વિદેશ મંત્રી એસ. જયશંકર અને યુકેના ચાન્સેલર રશેલ રીવ્સ પણ હાજર રહ્યા હતા. આ કરાર ભારતને વૈશ્વિક વેપારમાં આગવું સ્થાન આપવા જઈ રહ્યો છે.
CETA સંબંધિત મહત્વપૂર્ણ બાબતો
બ્રેક્ઝિટ પછી યુકે નવા વેપાર ભાગીદારો શોધી રહ્યું હતું ત્યારે વર્ષ 2022માં CETAની શરૂઆત કરવામાં આવી હતી. આ દરમિયાન ભારત તેના ‘આત્મનિર્ભર ભારત’ અને ‘મેક ઇન ઇન્ડિયા’ જેવાં મિશનોને વેગ આપવા માંગતું હતું. બંને દેશો વચ્ચે ત્રણ વર્ષ સુધી ચાલેલી વાટાઘાટોમાં ટેરિફ ઘટાડો, વિઝા નિયમો, બૌદ્ધિક સંપદા અધિકારો (IPR) અને સંવેદનશીલ ક્ષેત્રોના રક્ષણ જેવા ઘણા મુદ્દાઓ પર ચર્ચાઓ થઇ. 6 મે 2025ના રોજ બંને દેશો સૈદ્ધાંતિક રીતે સંમત થયા અને 22 જુલાઈ, 2025ના રોજ ભારતના કેન્દ્રીય મંત્રીમંડળે તેને મંજૂરી આપી હતી. અંતે 24 જુલાઈ, 2025ના રોજ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા.
આ કરાર એટલા માટે પણ ખાસ છે કારણ કે તે ફક્ત વેપાર પૂરતો માર્યાદિત નથી. તે માલ, સેવાઓ, રોકાણ, બૌદ્ધિક સંપત્તિ અને વ્યાવસાયિક ગતિશીલતાને જેવા તમામ મુદાઓને આવરી લે છે. આ ભારત માટે આર્થિક વિકાસ, રોજગાર સર્જન અને વૈશ્વિક નેતૃત્વ તરફ એક મોટું પગલું છે.
CETA દ્વારા ભારતને થનાર લાભો
99% નિકાસ (Export) પર શૂન્ય ટેરિફ
• ભારતથી યુકે જતી 99% ચીજવસ્તુઓ હવે ટેરિફ મુક્ત રહેશે. આનાથી કાપડ, ચામડું, ફૂટવેર, રત્નો અને ઝવેરાત, રમકડાં અને દરિયાઈ ઉત્પાદનો જેવા ક્ષેત્રોમાં નિકાસને વધુ વેગ મળશે.
• ખેડૂતો અને માછીમારોને લાભ: 95% કૃષિ પેદાશો પર શૂન્ય ટેરિફથી ભારતીય ચા, કોફી, હળદર, મરી, કઠોળ, કેરી, નારંગી, જૈકફ્રુટ, મિલેટ્સ જેવા ઓર્ગેનિક ઉત્પાદનો યુકેના 375 અબજ ડોલરના કૃષિ-બજારમાં સરળતાથી પ્રવેશ મેળવી શકશે. સાથે માછીમારોની 99% દરિયાઈ પેદાશો પર શૂન્ય ટેરિફથી આવકમાં 20થી 30% વધારો થશે.
• સંવેદનશીલ ક્ષેત્રોનું રક્ષણ: ભારતે સ્થાનિક ખેડૂતો અને ઉદ્યોગોને નુકસાન ન થાય તે માટે ડેરી, સફરજન અને ખાદ્ય તેલ જેવા ક્ષેત્રોને કરારમાંથી બાકાત રાખ્યા છે.
• અંદાજિત વૃદ્ધિ: આ ક્ષેત્રોમાંથી નિકાસમાં વાર્ષિક 10થી 15%નો વધારો થવાની ધારણા છે, જેનાથી તિરુપુર, કાનપુર અને કોલકાતા જેવા કાપડ અને ચામડાના હબમાં લાખો નોકરીઓનું સર્જન થશે.
રોજગાર સર્જન અને MSMEને પ્રોત્સાહન
• આ કરાર ભારતના કાપડ, ચામડું અને ઝવેરાત જેવા શ્રમવાળા ક્ષેત્રોમાં લાખો નોકરીઓનું સર્જન કરશે.
• આ કરારથી નાના અને મધ્યમ ઉદ્યોગો (MSME), કારીગરો અને વણકરોને વૈશ્વિક બજારમાં સ્થાન મળશે. બૌદ્ધિક સંપદા અને ભૌગોલિક સૂચક (GI ટેગ) રક્ષણથી ભારતીય ઉત્પાદનોને વૈશ્વિક માન્યતા આપશે.
• ઉદાહરણ તરીકે, તિરુપુરના ટેક્સટાઇલ ઉદ્યોગ અને કાનપુરના ચામડા ઉદ્યોગને નવાં બજારો મળશે, જેનાથી સ્થાનિક કારીગરો અને મહિલાઓને રોજગારની નવી તકો મળશે.
સસ્તાં આયાતી ઉત્પાદનો
• યુકેથી ભારતમાં આવનારા વ્હિસ્કી, ફોરવ્હીલ કાર (જેગુઆર, લેન્ડ રોવર), ચોકલેટ, કોસ્મેટિક્સ અને ECG અને એક્સ-રે મશીન જેવા તબીબી ઉપકરણો સસ્તાં થશે.
• આગામી 10 વર્ષમાં વ્હિસ્કી પરના ટેરિફ 150% થી ઘટીને 75% અને પછી 40% થશે. કાર પરના ટેરિફ 100%થી ઘટીને 10% સુધી થશે.
• આનાથી ભારતીય ગ્રાહકોને સસ્તા અને ઉચ્ચ-ગુણવત્તાવાળા ઉત્પાદનો મળશે અને યુકેની કંપનીઓને ભારત જેવા મોટા બજારમાં તેમનો હિસ્સો વધારવાની તક મળશે.
સેવા ક્ષેત્રમાં નવી તકો
• આ પહેલી વાર છે જ્યારે યુકેએ આટલી મોટી પ્રતિબદ્ધતાઓ કરી છે. ભારતીય IT/ITES, નાણાકીય સેવાઓ, શિક્ષણ, ટેલિકોમ, આર્કિટેક્ચર અને એન્જિનિયરિંગ કંપનીઓને યુકેના બજારમાં સરળતાથી પ્રવેશ મળશે.
• ડબલ કોન્ટ્રીબ્યુશન કન્વેન્શન (DCC): 75,000 ભારતીય કર્મચારીઓને યુકેમાં સામાજિક સુરક્ષા ચૂકવણીમાંથી 3 વર્ષ માટે મુક્તિ મળશે. જેનાથી તેમના પગારમાં વધારો થશે અને કંપનીઓ માટે ખર્ચમાં 20થી 30% સુધીનો ઘટાડો થશે.
• આ ઉપરાંત 36 જેટલા સેવા ક્ષેત્રોમાં ‘ઇકોનોમિકલી નીડ્સ ટેસ્ટ’ જરૂરી રહેશે નહીં અને ભારતીય વ્યાવસાયિકો યુકેના 35 ક્ષેત્રોમાં 24 મહિના સુધી સ્થાનિક ઓફીસ વિના કામ કરી શકશે.
• દર વર્ષ 1800થી વધુ ભારતીય રસોઇયા, યોગ પ્રશિક્ષકો અને સંગીતકારો યુકેમાં કામ કરી શકશે.
શિક્ષણ ક્ષેત્રમાં ક્રાંતિ
• યુકેની પાંચ પ્રસિદ્ધ યુનિવર્સિટીઓ સાઉથમ્પ્ટન, લિવરપૂલ, યોર્ક, એબરડીન અને બ્રિસ્ટોલ ભારતમાં તેમના કેમ્પસ ખોલશે. સાઉથમ્પ્ટને ગુરુગ્રામ સ્થિત એક કેમ્પસ ખોલ્યું છે, અને બાકીના બેંગલુરુ અને મુંબઈમાં ખુલશે.
• આનાથી ભારતીય વિદ્યાર્થીઓ ઘરે બેઠા વિશ્વસ્તરીય શિક્ષણ મેળવશે અને વિદેશ જવાનો ખર્ચ બચાવી શકશે. આ કરારથી ભારતના શિક્ષણ ક્ષેત્રમાં મોટો ફેરફાર આવશે.
રોકાણો અને સ્ટાર્ટઅપ્સ
• આ કરારથી યુકેથી ભારતમાં 6 બિલિયન પાઉન્ડનું (આશરે (₹65,000 કરોડ રૂપિયા) રોકાણ આવશે, જેનાથી ઉત્પાદન, ફાર્માસ્યુટિકલ્સ અને સ્ટાર્ટઅપ્સને વેગ મળશે.
• ભારતીય સ્ટાર્ટઅપ્સને યુકેના રોકાણકારો અને ઇનોવેશન હબ્સ સુધી પહોંચ મળશે, જેનાથી વૈશ્વિક વિસ્તરણમાં મદદ મળશે.
આર્થિક વિકાસ અને વૈશ્વિક નેતૃત્વ
• વર્તમાન સમયમાં, ભારત-યુકે દ્વિપક્ષીય વેપાર $56 અબજ ડોલર (અંદાજીત ₹4.7 લાખ કરોડ) છે. CETAનું લક્ષ્ય તેને વર્ષ 2030 સુધીમાં $120 બિલિયન (₹10 લાખ કરોડ) સુધી લઈ જવાનું છે.
• વર્ષ 2040 સુધીમાં ₹2.8 લાખ કરોડ રૂપિયાનો વધારાનો વેપાર થશે, જે ભારતના GDPમાં 0.5-1%નો ઉમેરો કરશે.
• આ કરાર ભારતના ‘મેક ઇન ઇન્ડિયા’ મિશનને વેગ આપશે અને ભારતને વૈશ્વિક વેપારમાં અગ્રેસર બનાવશે.
CETAની વિશેષતાઓ
• માલ અને સેવાઓનો વેપાર: આ કરાર માલ, સેવાઓ, રોકાણો અને બૌદ્ધિક સંપત્તિને આવરી લે છે.
• સતત વિકાસ: પર્યાવરણ, નવીનતા અને બિન-ટેરિફ અવરોધોમાં ઘટાડો કરવા પર ભાર
• મહિલાઓ અને MSME માટે જોગવાઈઓ: વેપાર ધિરાણ અને વૈશ્વિક ભાગીદારી માટે ખાસ સુવિધાઓ.
• પ્રોફેશનલ મોબિલિટી: યુકેમાં કામ કરવા માટે ભારતીય પ્રોફેશનલ્સ માટે સરળ વિઝા નિયમો.
વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે તેને ‘ઐતિહાસિક’ ગણાવતા કહ્યું, “આ કરાર ભારતના ખેડૂતો, કારીગરો અને નાના ઉદ્યોગપતિઓ માટે નવા દરવાજા ખોલશે. આ ભારતને વૈશ્વિક આર્થિક શક્તિ બનવા તરફ લઈ જશે.”
માલદીવ મુલાકાત: ભારત-માલદીવ સંબંધોમાં નવો યુગ
25 જુલાઈ 2025ના રોજ પીએમ નરેન્દ્ર મોદીએ માલદીવના 60મા સ્વતંત્રતા દિવસ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી. માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુ આમંત્રણ પર થયેલી આ મુલાકાતે તણાવપૂર્ણ સમય પછી બંને દેશો વચ્ચેના સંબંધોને નવી મજબૂતી આપી છે. માલદીવમાં ‘ઇન્ડિયા આઉટ’ અભિયાન અને તેમના ચીન તરફી વલણ બાદ આ મુલાકત એક સકારાત્મક પરિવર્તનનું પ્રતીક છે.
માલદીવ સાથેના સંબંધોની પૃષ્ઠભૂમિ
ભારત અને માલદીવ વચ્ચે લાંબા સમયથી સાંસ્કૃતિક, વેપારી અને વ્યૂહાત્મક સંબંધો છે. વર્ષ 1965માં સ્વતંત્રતા પછી માલદીવ સાથે રાજદ્વારી સંબંધો સ્થાપિત કરનાર ભારત પહેલો દેશ હતો. વર્ષ 1988માં ઑપરેશન કેક્ટસ, વર્ષ 2004ની સુનામી અને વર્ષ 2014માં જળ સંકટ દરમિયાન ભારતે માલદીવને મદદ કરી હતી. કોવિડ-19ની મહામારી દરમિયાન પણ ભારતે રસી અને આર્થિક સહાય પણ પૂરી પાડી હતી.
જોકે, 2023માં રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુના સત્તામાં આવ્યા પછી ‘ઇન્ડિયા આઉટ’ ઝુંબેશથી બંને દેશોના સંબંધોમાં ખટાશ આવી ગઈ. મુઈઝુએ ભારતની સૈન્ય હાજરીને સાર્વભૌમત્વ માટે જોખમી ગણાવી અને ચીનની નજીક જવાનો પ્રયાસ કર્યો. પરંતુ ભારતની આર્થિક અને વ્યૂહાત્મક મદદે માલદીવને ભારતનું મહત્વ સમજાવી દીધું. વર્ષ 2024માં માલદીવના વિદેશ અને રક્ષા મંત્રીઓની ભારત મુલાકાત અને ભારતની $400 મિલિયન ડોલરની કરન્સી સ્વેપ સુવિધાથી સંબંધોમાં સુધારો થયો.
માલદીવની મુલાકાત દરમિયાન થયેલા કરારો અને ભારતને થયેલા ફાયદા
આર્થિક સહાય અને દેવામાં રાહત
• ભારતે માલદીવને ₹4850 કરોડની ઋણ સહાય (LoC) આપી હતી, જેનાથી માળખાગત સુવિધાઓ, આવાસ અને સમુદાય વિકાસ પ્રોજેક્ટ્સમાં મદદ કરશે.
• માલદીવની વાર્ષિક દેવાની ચુકવણીની જવાબદારીઓને ઓછી કરવામાં આવી, જેનાથી તેમના અર્થતંત્રને રાહત મળી રેહશે.
• 400 મિલિયન ડોલરની (₹3320 કરોડ) ચલણ સ્વેપ સુવિધા અને 50 મિલિયન ડોલરના (₹415 કરોડ) ટ્રેઝરી બિલ્સ લંબાવવામાં આવ્યા હતા.
• 69 મિલિયન ડોલરની (₹572.7 કરોડ) ગ્રાન્ટ આપવાનું વચન આપવામાં આવ્યું છે.
• લાભ: ભારત માલદીવના સૌથી વિશ્વસનીય આર્થિક ભાગીદાર તરીકે ઉભરી આવશે. તે હિંદ મહાસાગરમાં ભારતનો પ્રભાવ વધારશે અને ચીનના વધતા પ્રભાવને સંતુલિત કરશે.
મુક્ત વેપાર કરાર (IMFTA)
• ભારત-માલદીવ મુક્ત વેપાર કરાર (IMFTA) પર વાટાઘાટો શરૂ થઈ. તે મત્સ્યઉદ્યોગ, જળચરઉછેર અને પર્યટન જેવા ક્ષેત્રોમાં વેપારને વેગ આપશે.
• લાભ: ભારતીય માછીમારો અને વેપારીઓને માલદીવમાં એક નવું બજાર મળશે. માલદીવને સસ્તા દરે ભારતીય ઉત્પાદનો મળશે, જેનાથી બંને દેશો વચ્ચે વેપાર વધશે.
આવાસ અને માળખાગત સુવિધાઓ
• હુલહુમાલેમાં 3,300 સામાજિક આવાસ એકમોનું હસ્તાંતરણ.
• અડ્ડુ શહેરમાં રોડ અને ડ્રેનેજ સિસ્ટમ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન.
• પાણી પુરવઠા અને ગટર સુવિધાઓ જેવા 6 ઉચ્ચ અસર ધરાવતા સામજિક વિકાસ પ્રોજેક્ટ્સ શરૂ કરવામાં આવ્યા.
• લાભ: ભારતની મદદથી, માલદીવમાં જીવનધોરણ સુધરશે. જેનાથી ભારતની સોફ્ટ પાવર વધશે અને માલદીવમાં ભારતની સકારાત્મક છબી બનશે.
સંરક્ષણ અને સુરક્ષા સહયોગ
• હુલહુમાલેમાં સંરક્ષણ મંત્રાલયના ભવનનું ઉદ્ઘાટન.
• 72 ભારે વાહનો અને બે ભીષ્મ હેલ્થ ક્યુબ સેટનું ટ્રાન્સફર.
• માલદીવનાં રાષ્ટ્રીય સંરક્ષણ દળને (MNDF) $4 મિલિયનની (₹33.2 કરોડ) ગ્રાન્ટ આપી.
• લાભ: માલદીવની સંરક્ષણ ક્ષમતા વધારવાથી હિંદ મહાસાગરમાં દરિયાઈ સુરક્ષા મજબૂત થશે, જે ભારત માટે વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ છે. કોલંબો સુરક્ષા સમિટમાં ભારત-માલદીવ સહયોગ પ્રાદેશિક સ્થિરતા વધારશે.
ડિજિટલ અને ટેકનોલોજીકલ સહયોગ
• UPI અને Rupay ચુકવણી પ્રણાલીઓની શરૂઆત, જેનાથી માલદીવમાં પર્યટન અને છૂટક વેપારને વેગ મળશે.
• ભારતીય ઉષ્ણકટિબંધીય હવામાનશાસ્ત્ર સંસ્થા અને માલદીવ હવામાન સેવા વચ્ચે કરાર.
• ડિજિટલ પરિવર્તન માટે વસ્તી સ્તરે ડિજિટલ ઉકેલો શેર કરવા માટે કરાર.
• લાભ: ભારતીય ડિજિટલ કંપનીઓને માલદીવમાં એક નવું બજાર મળશે. માલદીવમાં ભારતીય પ્રવાસીઓ માટે વ્યવહારો સરળ બનશે, જેનાથી પ્રવાસન વધશે.
આરોગ્ય અને મત્સ્યઉદ્યોગ
• માલદીવ ભારતીય ફાર્માકોપીયાને (IP) માન્યતા આપે છે, જેનાથી માલદીવમાં ભારતીય દવાઓ સરળતાથી ઉપલબ્ધ થાય થશે.
• મત્સ્યઉદ્યોગ અને જળખેતીમાં સહયોગ માટે કરાર.
• લાભ: ભારતીય ફાર્મા કંપનીઓને માલદીવમાં બજાર મળશે. માછીમારો માટે માલદીવમાં વ્યવસાયની તકો વધશે.
સાંસ્કૃતિક અને રાજદ્વારી મજબૂતીકરણ
• ભારત-માલદીવ રાજદ્વારી સંબંધોની 60મી વર્ષગાંઠ નિમિત્તે સંયુક્ત ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી.
• પીએમ મોદી અને રાષ્ટ્રપતિ મુઇઝુએ ‘માતાના નામે એક વૃક્ષ’ અભિયાન હેઠળ વૃક્ષારોપણ કર્યું.
• લાભ: સાંસ્કૃતિક અને લોકો વચ્ચેના સંબંધો મજબૂત થશે. માલદીવમાં એક ભારતની છાપ એક વિશ્વસનીય મિત્ર તરીકે વધુ મજબૂત થશે.
માલદીવ સાથે સંબંધોમાં સુધારો
• છેલ્લાં બે વર્ષમાં માલદીવમાં ‘ઈન્ડિયા આઉટ’ ઝુંબેશથી ભારત વિરુદ્ધ વાતાવરણ ઉભું થયું હતું. રાષ્ટ્રપતિ મુઈઝુએ શરૂઆતમાં પોતાને ભારતથી દૂર રાખ્યા અને ચીન તરફ પોતાનો ઝુકાવ દર્શાવ્યો. પરંતુ ભારતની આર્થિક અને વ્યૂહાત્મક મદદથી માલદીવને ભારતનું મહત્વ સમજાયું.
• 2024માં નાણાકીય સહાય: $400 મિલિયન ડોલરની કરેંસી સ્વેપ સુવિધા અને 28 ટાપુઓ પર પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા પ્રોજેક્ટ્સ.
• 2025માં વધારાની સહાય: $69 મિલિયન ડોલરનું અનુદાન સહાય અને $50 મિલિયન ડોલરના ટ્રેઝરી બિલને આગળ વધાર્યું.
• ઉચ્ચ સ્તરીય મુલાકાતો: માલદીવના વિદેશ મંત્રી અબ્દુલ્લા ખલીલ અને સંરક્ષણ મંત્રી ઘસ્સાન મૌમૂનની ભારત મુલાકાતોએ સંબંધોને એક નવું પરિમાણ આપ્યું.
રાષ્ટ્રપતિ મુઇઝુએ પીએમ મોદીની મુલાકાત દરમિયાન કહ્યું હતું કે, “ભારત અમારો સૌથી નજીકનો અને સૌથી મૂલ્યવાન ભાગીદાર છે. IMFTA આપણી આર્થિક ભાગીદારીને વધુ મજબૂત બનાવશે.” આ દર્શાવે છે કે માલદીવ હવે ભારત સાથે સહયોગને પ્રાથમિકતા આપી રહ્યું છે.
ભારત માટે વ્યૂહાત્મક અને આર્થિક મહત્વ
• હિંદ મહાસાગરમાં પ્રભાવ: માલદીવ હિંદ મહાસાગરમાં એક મહત્વપૂર્ણ શિપિંગ રૂટ પર આવેલ છે. ભારતની મદદથી, માલદીવની સંરક્ષણ અને આર્થિક સ્થિતિ મજબૂત થશે, ઉપરાંત ભારતનો ક્ષેત્રીય પ્રભાવ વધશે.
• ચીનના પ્રભાવને સંતુલિત કરવો: માલદીવમાં ચીનનો વધતો પ્રભાવ ભારત માટે એક પડકાર હતો. ભારતની આર્થિક અને સંરક્ષણ સહાયથી માલદીવ ભારતની નજીક આવ્યું છે.
• પર્યટન અને વેપાર: UPI અને Rupay જેવી ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ ભારતીય પ્રવાસીઓ માટે માલદીવની મુસાફરીને સરળ બનાવશે. આનાથી પર્યટન અને વેપારમાં વધારો થશે.
• સોફ્ટ પાવર: આવાસ, આરોગ્ય અને માળખાગત સુવિધાઓમાં ભારતની સહાયથી માલદીવમાં ભારતની છબી એક વિશ્વસનીય મિત્ર તરીકે મજબૂત થઈ.
બંને દેશો માટે સહિયારા લાભો
ઈંગ્લેન્ડ
• યુકે ભારત જેવા વિશાળ બજારમાં પ્રવેશ મેળવશે. તેમના વ્હિસ્કી, કાર અને મેડીકલ ઉપકરણો ભારતમાં સસ્તા થશે, અને તેમની કંપનીઓનો હિસ્સો વધશે.
• ભારતમાં 90% બ્રિટિશ ઉત્પાદનો પર ટેરિફ ઘટાડાથી યુકેને £6 બિલિયન પાઉન્ડના રોકાણ અને નિકાસનો લાભ મળશે.
• યુકેમાં હજારો નોકરીઓ સુરક્ષિત થશે,વિશેષ રીતે વ્હિસ્કી, ઓટોમોબાઈલ અને નાણાકીય સેવાઓ ક્ષેત્રોમાં.
માલદીવ
• ભારતની આર્થિક મદદથી માલદીવનું અર્થતંત્ર વધુ મજબૂત બનશે. ₹4850 કરોડની લોન સહાય અને લોન ચુકવણીમાં રાહતથી માલદીવની નાણાકીય સ્થિતિમાં સુધારો થશે.
• આવાસ, રસ્તા અને સંરક્ષણ પ્રોજેક્ટ્સ માલદીવના લોકોના જીવનમાં સુધારો લાવશે.
• UPI અને IMFTA જેવા કરારો માલદીવના પ્રવાસન અને વેપારને વેગ આપશે.
ભારત
• બંને દેશો સાથે વેપાર અને રોકાણ વધવાથી ભારતની અર્થવ્યવસ્થા વધુ મજબૂત થશે.
• હિંદ મહાસાગરમાં ભારતનો વ્યૂહાત્મક પ્રભાવ વધશે, અને ‘મેક ઇન ઇન્ડિયા’ને નવી ગતિ મળશે.
• ખેડૂતો, કારીગરો, યુવાનો અને MSMEને નવી તકો મળશે, જેનાથી ભારતની સામાજિક અને આર્થિક સમૃદ્ધિ વધશે.
પીએમ નરેન્દ્ર મોદીની ઇંગ્લેન્ડ અને માલદીવની મુલાકાતે વૈશ્વિક મંચ પર ભારતને વધુ મજબૂત બનાવ્યું છે. યુકે સાથેના CETA કરારે ભારત માટે વેપાર, રોજગાર અને શિક્ષણ માટે નવા દરવાજા ખોલ્યા છે, તો માલદીવ સાથેના કરારોએ હિંદ મહાસાગરમાં ભારતની સોફ્ટ પાવર અને વ્યૂહાત્મક સ્થિતિને મજબૂત બનાવી છે. આ બંને મુલાકાતો ભારતની ‘નેબર ફર્સ્ટ’ અને ‘SAGAR’ નીતિ હેઠળ પ્રાદેશિક સ્થિરતા અને સમૃદ્ધિ તરફ એક મોટું પગલું છે.
આ ફક્ત વેપારી અને વ્યૂહાત્મક કરારો નથી, પરંતુ ભારતની પ્રગતિની નવી કથા છે. ખેડૂતોને નવા બજારો મળશે, યુવાનોને નોકરીઓ અને MSMEને વૈશ્વિક માન્યતા મળશે. પીએમ મોદીનું નેતૃત્વ અને તેમની દૂરંદેશી નીતિઓ ભારતને ઝડપથી વૈશ્વિક આર્થિક શક્તિ બનાવવાના માર્ગ પર આગળ લઈ જઈ રહી છે.


