અમદાવાદની (Ahmedabad) જે સેવન્થ ડે સ્કૂલમાં (Seventh Day School) હિંદુ વિદ્યાર્થીની મુસ્લિમ સગીરે નિર્મમ હત્યા કરી હતી, તે શાળા વિરુદ્ધ કાર્યવાહીની માંગણી સાથે પીડિત પરિવાર અને વાલીઓ વિવિધ સ્થળોએ આવેદન આપવા માટે પહોંચ્યા હતા. મૃતક વિદ્યાર્થીના માતા-પિતાની સાથે ‘જન આક્રોશ વાલી મંડળ સંઘર્ષ સમિતિ’ના સભ્યોએ અમદાવાદ DEO, મેયર, સ્ટેન્ડિંગ કમિટી અને AMC કમિશનરને આવેદન આપીને શાળા વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગણી કરી છે. પીડિત પરિવારે કહ્યું છે કે, આવી ઘટના બીજી કોઈ શાળામાં ન બને, તે માટે આ આવેદન આપવામાં આવ્યા છે.
વિગતે વાત કરીએ તો, ગુરુવારે (28 ઑગસ્ટ) આ આવેદન આપવામાં આવ્યા છે. તમામ સ્થળોએ અપાયેલા આવેદનોની નકલ ઑપઇન્ડિયા પાસે ઉપલબ્ધ છે. મેયર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને આપવામાં આવેલા આવેદનમાં કહેવામાં આવ્યું છે કે, AMC દ્વારા ભાડા પટ્ટે સરકારી જમીન આપવામાં આવ્યા બાદ સેવન્થ ડે સ્કૂલમાં ગંભીર ઘટનાઓ બનતી રહી છે. સાથે ખ્રિસ્તી ધર્માંતરણનો આરોપ પણ લગાવવામાં આવ્યો છે. આવેદનમાં માંગણી કરવામાં આવી છે કે, આ ભાડા પટ્ટો તાત્કાલિક ધોરણે રદ કરવામાં આવવો જોઈએ અને ગેરકાયદે મિલકત પર બુલડોઝર ફેરવવામાં આવવું જોઈએ.
તે સિવાય DEOને આપવામાં આવેલા આવેદનમાં માંગણી કરવામાં આવી છે કે, શાળાની માન્યતા તાત્કાલિક ધોરણે રદ કરવામાં આવે અને તે શાળાને સરકાર હસ્તક લઈ લેવામાં આવે. વધુમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે, શાળામાં ભૂતકાળમાં અનેક ગુનાહિત પ્રવૃત્તિઓ ચાલતી હતી, પરંતુ શાળાએ આ અંગે કોઈ કાર્યવાહી કરી ના હતી. એવો દાવો પણ કરવામાં આવ્યો છે કે, શાળામાં કેટલાક વિદ્યાર્થીઓ હથિયારો લઈને આવતા હોવાની ફરિયાદ પણ શાળા પ્રશાસનને કરવામાં આવી હતી. પરંતુ, તે દિશામાં પણ કોઈ કાર્યવાહી થઈ શકી નથી.
આ ઉપરાંત અન્ય પણ બીજા અનેક આરોપો સાથે આ શાળાની માન્યતા રદ કરીને તેને સરકાર હસ્તક લેવા માટેની માંગણી કરવામાં આવી છે. અધિકારીઓ સાથેની વાતચીત દરમિયાન મૃતક વિદ્યાર્થીના માતા-પિતાએ પોતાના પુત્રને ‘વીરગત’ ગણાવ્યો હતો અને માંગણી કરી હતી કે, આવું અન્ય વિદ્યાર્થીઓ સાથે ન થાય, તે માટે યોગ્ય કાર્યવાહી કરવામાં આવવી જોઈએ.
AMC કમિશનરને રજૂઆત કરતા મૃતકના પિતાએ જણાવ્યું હતું કે, તેમના પુત્રની આત્માને માત્ર ત્યારે જ શાંતિ મળી શકશે, જ્યારે શાળા વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. વાલીઓએ રજૂઆત કરતા કહ્યું હતું કે, “બીજા કોઈ આવા વિદ્યાર્થીએ બલિદાન ન આપવું પડે, તે માટે AMCએ યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ અને દાખલો બેસાડવો જોઈએ.” દરમિયાન, વિદ્યાર્થીના માતાએ પણ અધિકારીને ન્યાય અપાવવા માટે કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
‘યોગ્ય કાર્યવાહી થાય તેવી આશા’- મૃતક વિદ્યાર્થીના માતા
ઑપઇન્ડિયા સાથેની વાતચીતમાં ‘જન આક્રોશ વાલી મંડળ સંઘર્ષ સમિતિ’ના અધ્યક્ષે જણાવ્યું હતું કે, DEO, મેયર અને AMC કમિશનરને હિંદુ વિદ્યાર્થીની ઘાતકી હત્યાના પગલે આવેદન આપવામાં આવ્યા છે. આ ઘટનાને લઈને માંગણી કરવામાં આવી છે કે, સેવન્થ ડે સ્કૂલની બેદરકારીના કારણે તેની માન્યતા રદ કરવામાં આવે અને AMCનો ભાડા પટ્ટો પણ રદ કરવામાં આવે. તેમણે આરોપ લગાવ્યો છે કે, જે શરતોને લઈને ભાડા પટ્ટા પર જમીન આપવામાં આવી હતી, તે શરતોનું ઉલ્લંઘન થયું છે. તેમણે એવી માંગણી પણ કરી છે કે, સરકાર આ સ્કૂલને પોતાના હસ્તક લઈ લે, જેથી અન્ય બાળકો સાથે આવું ન થાય.
ઑપઇન્ડિયા સાથેની વાતચીતમાં મૃતક વિદ્યાર્થીના માતાએ જણાવ્યું હતું કે, તેમણે સ્કૂલની માન્યતાને રદ કરવા માટેની માંગણી કરી છે અને ઉચ્ચ અધિકારીઓને આ અંગે રજૂઆત પણ કરી છે. તેમણે કહ્યું કે, “અમે હાથ જોડીને અધિકારીઓને વિનંતી કરી છે કે, આ શાળા વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરવામાં આવે.” વધુમાં તેમણે કહ્યું હતું કે, હાલ તો અધિકારીઓ તરફથી મળેલી પ્રતિક્રિયા સંતોષકારક હતી, પણ આ મામલે ઝડપી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી છે. અંતે તેમણે કહ્યું હતું કે, યોગ્ય કાર્યવાહી થાય તેવી આશા છે.


