હિમાચલ પ્રદેશના (Himachal Pradesh) બહુચર્ચિત ‘ગુડિયા રેપ કેસ’માં (Gudiya Rape Case) આરોપીના કસ્ટોડિયલ ડેથ કેસમાં (Custodial Death Cases) ચંડીગઢની સ્પેશ્યલ CBI કોર્ટે IGP જઝહૂર ઝૈદી સહિત 8 પોલીસ અધિકારીઓને દોષી જાહેર કર્યા છે. આ મામલે 9 પોલીસ અધિકારીઓ વિરુદ્ધ CBI તપાસ ચાલી હતી, ત્યારે આ 9 પૈકી શિમલાના તત્કાલીન SP નેગીને કોર્ટે દોષમુક્ત કર્યા છે. જ્યારે અન્ય અધિકારીઓ દોષી જાહેર થયા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, આ દોષીઓમાં ઝહૂર ઝૈદી ઉપરાંત, પૂર્વ DSP મનોજ જોશી, SI રાજીન્દર સિંઘ, ASI દીપ ચંદ શર્મા, હેડ કોન્સ્ટેબલ મોહન લાલ, હેડ કોન્સ્ટેબલ સુરત સિંઘ, હેડ કોન્સ્ટેબલ રફી મહોમ્મદ અને કોન્સ્ટેબલ રાનિત સતેતાનો સમાવેશ થાય છે. આ તમામ લોકોને આગામી 27 જાન્યુઆરીના રોજ સજા સંભળાવવામાં આવશે. હાલ કોર્ટના આદેશ પર તમામની અટકાયત કરી લેવામાં આવી છે.
શું હતો મામલો?
વાત 4 જુલાઈ 2017ની છે. તે સમયે શિમલાના કોટખાઈ વિસ્તારમાં એક 16 વર્ષીય વિદ્યાર્થિની શાળાએથી પરત આવતી વેળાએ ગાયબ થઈ ગઈ હતી. 6 જુલાઈના રોજ કોટખાઈના તાંદીના જંગલમાં બાળકીની નિર્વસ્ત્ર લાશ મળી આવી હતી. તપાસમાં તેની સાથે બળાત્કાર અને બાદમાં હત્યા થઈ હોવાનું સામે આવ્યું હતું. તે સમયે ઝહૂર ઝૈદી IG હતા અને તેમની અધ્યક્ષતામાં એક SIT ગઠિત કરવામાં આવી હતી. આ SITએ સ્થાનિક યુવક સહિત 6 લોકોની ધરપકડ કરી હતી.
ધરપકડ કરાયેલા લોકોમાં એક સુરજ નામનો નેપાળી યુવક પણ હતો. પોલીસને શંકા હતી કે, તે આ રેપ વિથ મર્ડર કેસમાં શામેલ હતો. સુરજની ધરપકડ બાદ તેને કોટખાઈ પોલીસ સ્ટેશનમાં કસ્ટડીમાં રાખવામાં આવ્યો હતો. આ દરમિયાન પોલીસ કસ્ટડીમાં જ તેનું મોત થઈ ગયું હતું. મોત બાદ કરવામાં આવેલા પોસ્ટમોર્ટમમાં સુરજના શરીર પર 20 ઘાવ મળી આવ્યા હતા. એઇમ્સના ડોકટરોએ આપેલા રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે, તેને યાતના આપવામાં આવી હતી.
ભાજપની સરકારમાં સસ્પેન્ડ, કોંગ્રેસ સત્તામાં આવતા જ નોકરી પરત મળી
આ ઘટના બાદ તેનો ખૂબ જ વિરોધ કરવામાં આવ્યો હતો. આ મામલે ઉપરોક્ત 9 અધિકારીઓ વિરુદ્ધ તપાસ ચલાવવામાં આવી હતી. ત્યારે ઘટનાના 8 વર્ષ બાદ નવ પૈકી આઠ અધિકારીઓને દોષી જાહેર કરવામાં આવ્યા છે. આ મામલે ઝહૂર ઝૈદી સહુથી ઉચ્ચ અધિકારી છે, જેમને દોષી જાહેર કરાયા છે. તેઓ 1994 બેચના IPS છે. જૈદી ધરપકડ બાદ 582 દિવસ શિમલાની કંડા જેલમાં હતા. એપ્રિલ 2019માં સુપ્રીમ કોર્ટે તેમને જામીન આપતા તેઓ બહાર આવ્યા હતા. જોકે, તેમના વિરુદ્ધ ટ્રાયલ ચાલુ રાખવામાં આવ્યા હતા.
જાન્યુઆરી 2020માં ભાજપ સરકારે તેમને સસ્પેન્ડ કરી દીધા હતા, ત્રણ વર્ષના સસ્પેન્સન બાદ કોંગ્રેસની સરકાર આવતા જ તેમને ફરી નોકરી પર રાખી લેવામાં આવ્યા. સપ્ટેમ્બર 2023માં તેમને પોલીસ વિભાગમાં નોકરી આપવામાં આવી. જોકે, હવે CBI કોર્ટે તેમને અન્ય 7 અધિકારીઓ સાથે દોષી જાહેર કર્યા છે. આગામી 27 જાન્યુઆરીના રોજ તેમને સજા ફટકારવામાં આવશે.