અન્ય દેશોના આંતરિક મામલાઓમાં દખલગિરી કરવામાં કુખ્યાત અમેરિકી-હંગેરિયન અરબપતિ જ્યૉર્જ સોરોસ (George Soros) ફરી એક વાર ચર્ચામાં છે. કારણ એ છે કે તેમને અમેરિકાએ દેશનું સર્વોચ્ચ સન્માન એનાયત કર્યું છે. રાષ્ટ્રપતિ જો બાયડને તાજેતરમાં જ હિલેરી ક્લિન્ટન અને જ્યોર્જ સોરોસ સહિત 19 લોકોને ‘પ્રેસિડેન્સિયલ મેડલ ઓફ ફ્રિડમ’થી સન્માનિત કર્યા હતા. આ એવોર્ડ અમેરિકાનું સર્વોચ્ચ નાગરિક સન્માન છે. એવોર્ડ પ્રાપ્ત કરનારાઓની સૂચિમાં સોરોસનું નામ સામે આવતાંની સાથે જ ચર્ચાઓએ વેગ પકડ્યો અને હવે ટીકાઓ પણ થઈ રહી છે.
જ્યૉર્જ સોરોસને અમેરિકાના સર્વોચ્ચ સન્માન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવતાં બાયડનની ટીકા પણ થઈ રહી છે. સામાન્ય નાગરિકોથી લઈને રાજકીય પક્ષોના નેતાઓ અને અરબપતિઓ પણ તેનો વિરોધ કરી રહ્યા છે. અમેરિકન અરબપતિ અને ટેસ્લા ચીફ ઈલોન મસ્ક અને અમેરિકાની રિપબ્લિકન પાર્ટીના અઢળક નેતાઓએ પણ આ પગલાંનો વિરોધ કર્યો છે.
સોરોસને આપવામાં આવેલા સન્માનના પ્રશસ્તિપત્રમાં લખવામાં આવ્યું છે કે, તેઓ વિશ્વમાં અનેક લોકોને સ્વતંત્ર જીવન પૂરું પાડવા પાછળ નિમિત્ત બન્યા છે. તેમને સન્માનિત એટલા માટે કરવામાં આવી રહ્યા છે, કારણ કે તેમણે વિશ્વભરમાં અમુક એવાં સંગઠનોને સમર્થન આપ્યું છે, જે લોકતંત્ર, માનવાધિકાર, શિક્ષણ અને સામાજિક ન્યાયને મજબૂત કરવામાં અગત્યનો ભાગ ભજવતાં હોય. સોરોસને એક દેશભક્ત પણ ગણાવવામાં આવ્યા. તેમના વતી તેમના પુત્રએ રાષ્ટ્રપતિ તરફથી આ સન્માન સ્વીકાર્યું હતું.
ઈલોન મસ્ક સહિત અનેક લોકોએ ઉઠાવ્યો વાંધો
નોંધનીય છે કે સોરોસને અમેરિકન સન્માન આપવાના નિર્ણય બાદ તેનો વિરોધ થઈ રહ્યો છે. અમેરિકન રાષ્ટ્રવાદી અરબપતિ અને જમણેરી ઈલોન મસ્કે આ મામલે આક્રોશ વ્યક્ત કર્યો છે. તેમણે સોરોસને આપવામાં આવેલા સન્માનને હાસ્યાસ્પદ ગણાવ્યું છે. તેમણે પોતાના એક પોડકાસ્ટની એક ક્લિપ પણ પ્રતિક્રિયા સાથે શેર કરી છે, જેમાં તેમણે કહ્યું હતું કે જ્યૉર્જ સોરોસને મૂળ રૂપે માનવતાથી નફરત છે. સાથે જ તેમણે કટાક્ષ કરતા એક મિમ મારફતે સોરોસની તુલના અમેરિકન ફિલ્મ સિરીઝ સ્ટારવોર્સના એક પાત્ર ‘ડાર્થ સિડીયસ’ સાથે કરી હતી.
A travesty that Biden is giving Soros the Medal of Freedom https://t.co/LGvGe8kqKE
— Elon Musk (@elonmusk) January 4, 2025
અમેરિકાના નવનિર્વાચિત રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પુત્ર ટ્રમ્પ જુનિયર પણ આ મામલે આકરા પાણીએ જોવા મળ્યા. સોરોસને સન્માનિત કરવા પર તેમણે પણ આપત્તિ વ્યક્ત કરી. તેમણે પોતાના X હેન્ડલ પર એક પિઝા ડીલીવરી બોયનો વિડીયો શેર કર્યો અને લખ્યું કે, “અસલ રાષ્ટ્રપતિ મેડલથી સન્માનિત થવાનો અધિકાર આવા લોકોનો છે, સોરોસ જેવા જોકરોનો નહીં.” વાસ્તવમાં ટ્રમ્પ જુનિયરે શેર કરેલા વિડીયોમાં જે ડિલિવરી બોય છે, તેણે પોતાના જીવના જોખમે સળગતા ઘરમાં ઘૂસીને પાંચ બાળકોના જીવ બચાવ્યા હતા.
This guy deserves the presidential medal of freedom… Not the clowns like Soros and the others who got it from Biden this week. https://t.co/onifnV8xdU
— Donald Trump Jr. (@DonaldJTrumpJr) January 4, 2025
કોણ છે જ્યૉર્જ સોરોસ? શા માટે રહે છે વિવાદમાં?
જ્યૉર્જ સોરોસ અમેરિકી-હંગેરિયન અરબપતિ છે. તેમનો જન્મ 1930માં હંગેરીના બુડાપેસ્ટમાં એક યહૂદી પરિવારમાં થયો. પણ બીજા વિશ્વ યુદ્ધમાં હંગેરીમાં યહૂદીઓનો નરસંહાર થતો હતો તે દરમિયાન તેમના પરિવારે ખોટી આઈડી બનાવીને જીવ બચાવી લીધો હતો અને યુદ્ધ પૂરું થયા બાદ 1947માં તેઓ લંડન આવી ગયા હતા. જ્યાં લંડન સ્કૂલ ઑફ ઇકોનોમિક્સમાં અભ્યાસ કર્યો અને 1956માં અમેરિકા આવી ગયા. 1973માં તેમણે ‘સોરોસ ફંડ મેનેજમેન્ટ’ લૉન્ચ કર્યું હતું.
ફોર્બ્સ અનુસાર, હાલ સોરોસ પાસે 6.7 અરબ ડૉલર જેટલી સંપત્તિ છે. ભારતીય ચલણ હિસાબે આ રકમ 55 હજાર કરોડ જેટલી થાય છે. જોકે, કહેવાય છે કે તેઓ સંપત્તિનો મોટો હિસ્સો ‘દાન’ કરી ચૂક્યા હોવાના કારણે સંપત્તિ હવે ઘટવા માંડી છે. આખા વિશ્વમાં અનેક દેશોમાં દખલગીરી કરવા બદલ જ્યોર્જ સોરોસની છબી ખરડાયેલી છે. આરોપ છે કે સોરોસ વિશ્વના અનેક દેશોમાં પરોપકારના ઓથા હેઠળ રૂપિયા ઘૂસેડીને ત્યાની રાજનીતિમાં દખલગીરી કરતા રહે છે.
મોદી-ભાજપ સાથે પહેલેથી વેર, આંતરિક મામલામાં હસ્તક્ષેપ કરવામાં કુખ્યાત
ભારતમાં પણ કોંગ્રેસ અને ગાંધી પરિવાર સાથે તેમના ગાઢ સંબંધોને લઈને ચર્ચાઓ થતી આવી છે. તાજેતરમાં જ ભાજપે પણ આવો જ દાવો કર્યો હતો. ભાજપે દાવો કર્યો હતો કે કોંગ્રેસ અને ગાંધી પરિવાર સોરોસની મદદ લઈને દેશને નબળો પાડવાના પ્રયાસ કરી રહ્યા છે. જોકે ભારતના રાજકારણમાં હસ્તક્ષેપ કરવાની સોરોસની જૂની ટેવ રહી છે. તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિરોધી છે અને તેમની ઉપર ભારતને ‘હિંદુ નેશનાલિસ્ટ સ્ટેટ’ બનાવવાના આરોપ લગાવતા રહ્યા છે.
જ્યૉર્જ સોરોસ, તેમના NGO, તથાકથિત એક્ટિવિસ્ટો અને અમુક ‘પત્રકારો’ સહિતની એક આખી ઇકોસિસ્ટમ નરેન્દ્ર મોદી વિરુદ્ધ દુષ્પ્રચાર ફેલાવતી આવી છે અને તેમને આપખુદ શાસક તરીકે ચીતરીને તેમને સત્તા પરથી દૂર કરવાના (વ્યર્થ) પ્રયત્નો થતા આવ્યા છે. CAA વિરોધી આંદોલનો, રાફેલ ડિલ, ખેડૂત આંદોલનો, પેગાસસ સ્પાયવેર સહિતના પ્રોપેગેન્ડા અને ભારતના અન્ય અનેક એવા આંતરિક મુદ્દાઓ છે જેમાં સોરોસની સંડોવણી હોવાની આશંકાઓ રહી છે.