Friday, April 26, 2024
More
    હોમપેજસ્પેશ્યલજ્યોર્જ સોરોસ અને તેમનાં ભારતવિરોધી કારસ્તાનો: કોણ છે આ અમેરિકી અરબપતિ, જેઓ...

    જ્યોર્જ સોરોસ અને તેમનાં ભારતવિરોધી કારસ્તાનો: કોણ છે આ અમેરિકી અરબપતિ, જેઓ અગાઉ પણ દેશમાં અસ્થિરતા સર્જવાના પ્રયાસો કરી ચૂક્યા છે, જાણીએ

    જ્યોર્જ સોરોસની આ ગતિવિધિઓ જોતાં તેમના તાજેતરમાં નિવેદનમાં કંઈ નવાઈ જેવું ન લાગે, કારણ કે આવું તેઓ વર્ષોથી કરતા આવ્યા છે. પરંતુ એક વાત ચોક્કસ છે કે ભારતે હજુ ઘણા ‘જ્યોર્જ સોરોસો’નો સામનો કરવાનો છે. 

    - Advertisement -

    અમેરિકી-હંગેરિયન અરબપતિ જ્યોર્જ સોરોસ હાલ ચર્ચામાં છે. કારણ ભારત અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશેનું તેમનું એક નિવેદન છે. તાજેતરમાં તેમણે એક કોન્ફરન્સમાં અદાણી જૂથ પર લાગેલા આરોપોને લઈને મોદી વિશે ટિપ્પણી કરી અને કહ્યું કે તેમણે સંસદ અને રોકાણકારોને જવાબો આપવા જ પડશે. સોરોસ વિશે જાણીએ તે પહેલાં થોડી પૂર્વભૂમિકા બાંધવી જરૂરી છે.

    છેલ્લાં ત્રણ-ચાર વર્ષમાં વિશ્વએ આ સદીની સૌથી મોટી મહામારી વેઠી, આખી દુનિયાના અર્થતંત્ર પર માઠી અસર થઇ, લાખો લોકોએ જીવ ગુમાવ્યા, મોટાં-મોટાં અર્થતંત્રો પણ પડી ભાંગ્યાં અને અનેક મુશ્કેલીઓમાંથી આખું વિશ્વ પસાર થયું. પાકિસ્તાન અને શ્રીલંકા જેવા નાના દેશો તો પાયમાલ થઇ જ ગયા પણ જેઓ ‘મહાસત્તાઓ’ કહેવાતા હતા તેમણે પણ અનેક મોરચે પાછળ ધકેલાવું પડ્યું. એક તરફ આવો કપરો કાળ હતો અને બીજી તરફ ભારતે સતત આગેકૂચ ચાલુ રાખી હતી. ભારતે ન માત્ર કોરોનાની વેક્સિન બનાવી પણ દુનિયાભરના દેશોને આપી. દુનિયામાં જ્યાં-જ્યાં વિખવાદો અને વિવાદો થયા ત્યાં પણ સુલેહ કરાવવામાં ભારતે ભાગ ભજવ્યો. 

    આ સમય દરમિયાન પણ ભારતમાં સ્થાનિક સ્તરે અસ્થિરતા સર્જવાના અનેક પ્રયાસો થયા, પણ તેમાં સફળતા મળી નથી. હવે 2024ની લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે, જનમત દુનિયાની સામે છે. જેમ-જેમ સત્તા દૂર થતી દેખાઈ રહી છે તેમ એક ટોળકીના પેટમાં તેલ રેડાયું છે અને હવે એક આખી ગ્લોબલ ઇકોસિસ્ટમ ભારતમાં રાજકીય અસ્થિરતા સર્જવાના, સરકાર વિરુદ્ધ દુષ્પ્રચાર કરીને એક જનમત ઉભો કરવાના પ્રયાસોમાં લાગી પડી છે. 

    - Advertisement -

    થોડા સમય પહેલાં BBCની ‘પ્રોપેગેન્ડા ડોક્યુમેન્ટ્રી’ રિલીઝ થઇ. દેશની સુપ્રીમ કોર્ટે ક્લીન ચિટ આપી દીધી હોવા છતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની છબી ખરડવાના પ્રયાસ થયા. પછીથી હિંડનબર્ગ નામની એક અમેરિકી ફર્મે એક રિપોર્ટ પ્રકાશિત કરીને અગ્રણી ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણી અને તેમના જૂથ સામે સ્ટોક મનિપ્યુલેશનના આરોપ લગાવ્યા અને જેના કારણે તેમણે આર્થિક મોરચે ખાસ્સું નુકસાન વેઠવું પડ્યું. 

    ભારતીય વિપક્ષ અને ખાસ કરીને કોંગ્રેસ સતત મોદી સરકાર પર ઉદ્યોગપતિઓ અંબાણી-અદાણીને ખાસ લાભ પહોંચાડવાના આરોપ લગાવીને દુષ્પ્રચાર ફેલાવતા રહે છે અને આ મામલામાં તેમણે તક શોધીને સોશિયલ મીડિયાથી લઈને સંસદ સુધી ખૂબ ધમાલ મચાવી અને હવે મામલામાં એન્ટ્રી થઇ છે- જ્યોર્જ સોરોસની. 

    જ્યોર્જ સોરોસે એક કોન્ફરન્સમાં બોલતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર ટિપ્પણી કરીને તેમને ગૌતમ અદાણીના નજીકના ગણાવ્યા અને કહ્યું કે, “અદાણી એન્ટરપ્રાઈઝે સ્ટોક માર્કેટમાં ફંડ રેઝ કરવાના પ્રયાસો કર્યા પણ તેઓ નિષ્ફ્ળ ગયા. અદાણી ઉપર સ્ટોક મનિપ્યુલેશનનો આરોપ લાગ્યો અને તેમના સ્ટોક પત્તાંના મહેલની જેમ તૂટી પડ્યા.”

    પીએમ મોદી વિશે તેમણે કહ્યું, “મોદી આ વિષય ઉપર મૌન છે, પરંતુ તેમણે રોકાણકારો અને સંસદને જવાબ આપવા પડશે.” તેમણે એમ પણ દાવો કર્યો કે હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટના કારણે ભારતીય બજારોમાં ઉદભવેલી સ્થિતિના કારણે અમુક જરૂરી ‘સંસ્થાગત ફેરફારો’ આવશે અને ‘લોકશાહીનો પુનરુદ્ધાર’ થશે. 

    ‘સંસ્થાગત ફેરફારો’ અને ‘લોકશાહીના પુનરુદ્ધાર’ આવા શબ્દોથી એ બાબત સ્પષ્ટ છે કે જ્યોર્જ સોરોસનો મકસદ શું છે. આ પહેલીવાર નથી જ્યારે તેમણે ભારતવિરોધી ગતિવિધિઓ આચરી હોય, આ તેમની જૂની આદત રહી છે.

    કોણ છે જ્યોર્જ સોરોસ?

    જ્યોર્જ સોરોસ અમેરિકી-હંગેરિયન અરબપતિ છે. તેમનો જન્મ 1930માં હંગેરીના બુડાપેસ્ટમાં એક યહૂદી પરિવારમાં થયો. પણ બીજા વિશ્વ યુદ્ધમાં હંગેરીમાં યહૂદીઓનો નરસંહાર થતો હતો તે દરમિયાન તેમના પરિવારે ખોટી આઈડી બનાવીને જીવ બચાવી લીધો હતો અને યુદ્ધ પૂરું થયા બાદ 1947માં તેઓ લંડન આવી ગયા હતા. જ્યાં લંડન સ્કૂલ ઑફ ઇકોનોમિક્સમાં અભ્યાસ કર્યો અને 1956માં અમેરિકા આવી ગયા. 1973માં તેમણે ‘સોરોસ ફંડ મેનેજમેન્ટ’ લૉન્ચ કર્યું હતું. 

    ફોર્બ્સ અનુસાર, હાલ સોરોસ પાસે 6.7 અરબ ડૉલર જેટલી સંપત્તિ છે. ભારતીય ચલણ હિસાબે આ રકમ 55 હજાર કરોડ જેટલી થાય છે. જોકે, કહેવાય છે કે તેઓ સંપત્તિનો મોટો હિસ્સો ‘દાન’ કરી ચૂક્યા હોવાના કારણે સંપત્તિ હવે ઘટવા માંડી છે. 

    1999થી ભારતમાં કામ કરવાની શરૂઆત કરી, મોદીના વિરોધી રહ્યા છે 

    સોરોસે એક એક ‘ઓપન સોસાયટી ફાઉન્ડેશન’ પણ સ્થાપ્યું છે, જે 100થી વધુ દેશોમાં કાર્યરત છે. (કમનસીબે) ભારત પણ તેમાંથી બાકાત નથી. આ ફાઉન્ડેશનનું વાર્ષિક 1 બિલિયન અમેરિકન ડોલરનું બજેટ હોય છે. ભારતમાં તેમણે 1999થી કામ કરવાની શરૂઆત કરી હતી. 

    ભારતના રાજકારણમાં હસ્તક્ષેપ કરવાની સોરોસની જૂની ટેવ રહી છે. તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિરોધી છે અને તેમની ઉપર ભારતને ‘હિંદુ નેશનાલિસ્ટ સ્ટેટ’ બનાવવાના આરોપ લગાવતા રહ્યા છે. 

    જ્યોર્જ સોરોસ, તેમના NGO, તથાકથિત એક્ટિવિસ્ટો અને અમુક ‘પત્રકારો’ સહિતની એક આખી ઇકોસિસ્ટમ નરેન્દ્ર મોદી વિરુદ્ધ દુષ્પ્રચાર ફેલાવતી આવી છે અને તેમને આપખુદ શાસક તરીકે ચીતરીને તેમને સત્તા પરથી દૂર કરવાના (વ્યર્થ) પ્રયત્નો થતા આવ્યા છે. 

    CAA વિરોધી આંદોલનોમાં ભૂમિકા 

    જાન્યુઆરી 2020માં સોરોસે કેન્દ્ર સરકારના નાગરિકતા સંશોધન કાયદા (CAA) અને કાશ્મીરનો ઉલ્લેખ કર્યો હતો અને સરકારના નિર્ણયોને સમાજ માટે એક મોટા અને ભયાનક આંચકા સમાન ગણાવ્યા હતા. તેમણે નરેન્દ્ર મોદી અને તેમની સરકાર ઉપર મુસ્લિમ વસ્તી ધરાવતા પ્રદેશો પર દંડાત્મક પગલાં ભરીને લાખો મુસ્લિમો પાસેથી તેમની નાગરિકતા છીનવી લેવાના પ્રયાસો કરવાના આરોપ લગાવ્યા હતા. 

    પરંતુ બીજા છેડે વાસ્તવિકતા એ હતી કે આ કાયદાઓ કોઈની નાગરિકતા આંચકી લેવા માટે નહીં પણ પાડોશી ઇસ્લામિક દેશોમાંથી પ્રતાડિત થઈને ભારત આવેલા (ત્યાંના) લઘુમતીઓને નાગરિકતા આપવા માટે બનાવવામાં આવ્યા હતા. આ કાયદાઓને લઈને ભારતમાં પણ આંદોલનો થયાં અને પછીથી તેણે હિંસાત્મક રૂપ પકડ્યું હતું. 

    સપ્ટેમ્બર 2019માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે અમેરિકાના ટેક્સસમાં ‘હાઉડી મોદી’ નામનો ભવ્ય કાર્યક્રમ થયો તેના થોડા જ સમય બાદ સોરોસ પાકિસ્તાન જઈને તત્કાલીન વડાપ્રધાન ઇમરાન ખાનને મળી આવ્યા હતા. 

    રાફેલ ડીલને લઈને લાગેલા આરોપોમાં NGOનો મોટો ફાળો 

    2019ની લોકસભા ચૂંટણીમાં રાફેલ યુદ્ધ વિમાનોનો મુદ્દો પણ બહુ ચગ્યો હતો અને રાહુલ ગાંધીથી માંડીને વિપક્ષી નેતાઓએ સરકાર પર જાતજાતના આરોપો લગાવ્યા હતા. જોકે, તેનો ખાસ ફેર તો ન પડ્યો પણ સોરોસ ફાઉન્ડેશનના ફંડિંગથી ચાલતા એક ફ્રેન્ચ એનજીઓ ‘શેરપા’એ પણ રાફેલને લઈને ખૂબ અપપ્રચાર ફેલાવ્યો હતો.

    આ એનજીઓએ 2018માં ફ્રાન્સના નેશનલ ફાયનાન્સિયલ પ્રોસિક્યુટર સમક્ષ ભારત સાથે થયેલી 36 રાફેલ વિમાનોની ડીલમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આરોપ લગાવી ફરિયાદ કરી હતી. 

    ખેડૂત આંદોલનોના બહાને અસ્થિરતા સર્જવાના પ્રયાસ 

    વર્ષ 2020-21માં રાજધાની દિલ્હીની સરહદો ઉપર ખેડૂતોએ આંદોલન કર્યું હતું. આ આંદોલનને પણ વિદેશી શક્તિઓએ ખૂબ સહયોગ કર્યો હતો, જેમાં સોરોસ પણ સામેલ હતા. તેમના દ્વારા ફંડ પૂરું પાડવામાં આવતી સંસ્થાઓએ ખેડૂત આંદોલનના બહાને અસ્થિરતા સર્જવાના ખૂબ પ્રયાસ કર્યા હતા. 

    પેગાસસ સ્પાયવેર અને વધુ એક પ્રોપેગેન્ડા 

    2021માં ડાબેરી પ્રોપેગેન્ડા પોર્ટલ ‘ધ વાયરે’ એક સ્ટોરી પ્રકાશિત કરીને મોદી સરકાર ઉપર ઇઝરાયેલી સ્પાયવેર ‘પેગાસસ’નો ઉપયોગ કરીને પત્રકારોથી માંડીને નેતાઓની જાસૂસી કરવાનો આરોપ લગાવ્યો હતો. ‘ધ વાયર’ અને અન્યો દ્વારા પ્રકાશિત કરવામાં આવેલા આ રિપોર્ટ બે સંસ્થાઓ દ્વારા પ્રાપ્ત માહિતી પર આધારિત હતા, જેમાંથી એક હતી ફોર્બિડન સ્ટોરીઝ. જેના દાતાઓમાં જ્યોર્જ સોરોસના ‘ઓપન સોસાયટી ફાઉન્ડેશન’નો પણ સમાવેશ થાય છે. 

    જ્યોર્જ સોરોસની આ ગતિવિધિઓ જોતાં તેમના તાજેતરમાં નિવેદનમાં કંઈ નવાઈ જેવું ન લાગે, કારણ કે આવું તેઓ વર્ષોથી કરતા આવ્યા છે. પરંતુ એક વાત ચોક્કસ છે કે ભારતે હજુ ઘણા ‘જ્યોર્જ સોરોસો’નો સામનો કરવાનો છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં