Saturday, July 27, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટપીએમ મોદીને લઈને BBCએ બનાવેલી ડોક્યુમેન્ટ્રીને લઈને વિવાદ: ભારત સરકારે ‘પ્રોપેગેન્ડા પીસ’...

    પીએમ મોદીને લઈને BBCએ બનાવેલી ડોક્યુમેન્ટ્રીને લઈને વિવાદ: ભારત સરકારે ‘પ્રોપેગેન્ડા પીસ’ ગણાવી, યુકે PM ઋષિ સુનક પણ વડાપ્રધાન મોદીના સમર્થનમાં આવ્યા

    ભારત સરકારના વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિન્દમ બાગચીએ એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આ ડોક્યુમેન્ટ્રીને ‘દુષ્પ્રચાર ફેલાવનારી’ ગણાવી હતી અને કહ્યું હતું કે તે ખોટા નરેટિવને આગળ ધપાવવા માટે બનાવવામાં આવી છે. 

    - Advertisement -

    2002નાં ગુજરાત રમખાણો બાદ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ઉપર અનેક આરોપો લાગ્યા હતા અને તેમણે તપાસનો પણ સામનો કરવો પડ્યો હતો. તમામ તપાસ અને કોર્ટ કાર્યવાહીને અંતે દેશની સુપ્રીમ કોર્ટે તેમને ક્લીન ચિટ આપી હતી. પરંતુ તેમ છતાં હજુ પણ એક વર્ગ આ રમખાણોને લઈને પીએમ મોદી અને દેશ વિરુદ્ધ અપપ્રચાર ફેલાવતો રહે છે. ત્યારે તાજેતરમાં જ BBC દ્વારા આ વિષય સંદર્ભે એક ડોક્યુમેન્ટ્રી રિલીઝ કરવામાં આવી હતી, જેને લઈને ભારત સરકારે જવાબ આપ્યો છે. 

    ભારત સરકારના વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિન્દમ બાગચીએ એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આ ડોક્યુમેન્ટ્રીને ‘દુષ્પ્રચાર ફેલાવનારી’ ગણાવી હતી અને કહ્યું હતું કે તે ખોટા નરેટિવને આગળ ધપાવવા માટે બનાવવામાં આવી છે. 

    વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે, આ ડોક્યુમેન્ટ્રી શૉ કોલોનિયલ માઈન્ડસેટ દર્શાવે છે. ડોક્યુમેન્ટ્રીને ‘પ્રોપેગેન્ડા પીસ’ ગણાવીને તેમણે ઉમેર્યું, “લાગે છે કે આ એક ચોક્કસ નરેટિવને આગળ વધારવા માટે બનાવવામાં આવી છે અને તેમાં પૂર્વગ્રહ અને નિરપેક્ષતાનો અભાવ સ્પષ્ટપણે દેખાય આવે છે.” 

    - Advertisement -

    અરિન્દમ બાગચીએ આ ડોક્યુમેન્ટ્રી બનાવવા પાછળના એજન્ડા અને હેતુ પર પણ સવાલો ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે, આ ડોક્યુમેન્ટ્રી આ નરેટિવને આગળ વધારવા માટે પ્રયત્નો કરતા લોકો અને એજન્સીની માનસિકતા દર્શાવે છે. જેના કારણે તે બનાવવા પાછળના હેતુ અને એજન્ડાને લઈને પણ ઘણા સવાલો સર્જે છે. 

    ઉલ્લેખનીય છે કે BBC દ્વારા તાજેતરમાં ‘India: The Modi Question’ નામથી બે ભાગમાં એક ડોક્યુમેન્ટ્રી રિલીઝ કરી હતી. તેને યુ-ટ્યુબ પર પણ રિલીઝ કરવામાં આવી હતી પરંતુ વિવાદ થયા બાદ હટાવી લેવામાં આવી હતી. આ સિરીઝના ડિસ્ક્રિપ્શન વિભાગમાં લખવામાં આવ્યું હતું કે, ‘ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતના મુસ્લિમ લઘુમતીઓ વચ્ચેના તનાવ પર એક નજર. 2002નાં રમખાણોમાં, જેમાં હજારો લોકો માર્યા ગયા, તેમાં તેમની ભૂમિકાના દાવાઓ અંગે તપાસ.’

    આ સિરીઝનો પહેલો ભાગ રિલીઝ કરવામાં આવ્યો હતો જ્યારે બીજો ભાગ આગામી અઠવાડિયે રિલીઝ થવાનો હતો પરંતુ તે પહેલાં જ પહેલો એપિસોડ હટાવી લેવાયો હતો. 

    સિરીઝને લઈને યુકેમાં પણ BBCની ટીકા થતી જોવા મળી છે. યુકેના સાંસદ લૉર્ડ રામી રેન્જરે એક ટ્વિટ કરીને કહ્યું કે BBCએ ભારતના 100 કરોડથી વધુ લોકોની ભાવનાને ઠેસ પહોંચાડી છે અને લોકતાંત્રિક ઢબે ચૂંટાયેલા વડાપ્રધાન, ભારતીય પોલીસ અને ન્યાયતંત્રનું સીધું અપમાન છે. તેમણે કહ્યું કે, તેઓ રમખાણોની નિંદા કરે છે પરંતુ BBCનું પક્ષપાતભર્યું રિપોર્ટિંગ પણ વ્યાજબી નથી.

    આ મુદ્દો બ્રિટનની સંસદમાં પણ ચર્ચાયો હતો. જ્યાં પાકિસ્તાન મૂળના એક સાંસદ ઇમરાન હુસૈને BBCની વિવાદિત ડોક્યુમેન્ટ્રીનો ઉલ્લેખ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગુજરાત રમખાણો માટે સીધી રીતે જવાબદાર ગણાવ્યા હતા. 

    જેના જવાબમાં યુકે પીએમ ઋષિ સુનકે પીએમ મોદીના બચાવમાં કહ્યું હતું કે, આ અંગે યુકે સરકારની સ્થિતિ એકદમ સ્પષ્ટ છે અને તેમાં કોઈ જાતનો ફેરફાર થયો નથી. તેમણે કહ્યું કે, અમે ક્યાંય અત્યાચારોના સમર્થનમાં નથી પરંતુ સાંસદે જે પાત્રાલેખન કર્યું છે તેની સાથે હું સ્પષ્ટપણે અસહમત છું.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં