કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના અમેરિકન ઉદ્યોગપતિ અને અનેક દેશોના આંતરિક મામલામાં હસ્તક્ષેપ કરવા માટે કુખ્યાત જ્યોર્જ સોરોસ સાથેના સંબંધોને લઈને ભારતીય જનતા પાર્ટી આક્રમક છે ત્યારે કોંગ્રેસના જ વરિષ્ઠ નેતા અને રાહુલ ગાંધીના નજીકના શશિ થરૂરની એક જૂની પોસ્ટ વાયરલ થઈ રહી છે.
આ પોસ્ટમાં શશિ થરૂરે સોરોસને તેમના જૂના મિત્ર ગણાવ્યા છે. 26 મે, 2009ના રોજ ટ્વિટર (જે હવે એક્સ બની ચૂક્યું છે) પર કરેલા એક ટ્વિટમાં શશિ થરૂરે પોતે જ્યોર્જ સોરોસ સાથે મુલાકાત કરી હોવાનું જણાવ્યું હતું.
Met old friend George Soros, upbeat abt India and curious abt our neighbourhood. He's far more than an investor: a concerned world citizen
— Shashi Tharoor (@ShashiTharoor) May 26, 2009
થરૂર લખે છે કે, “મારા જૂના મિત્ર જ્યોર્જ સોરોસને મળ્યો. તેઓ ભારત અને આપણા પાડોશી દેશોને લઈને ઉત્સાહિત દેખાયા. તેઓ એક રોકાણકાર કરતાં પણ વિશેષ છે, એક ચિંતિત વર્લ્ડ સિટીઝન કહી શકાય.”
હંગેરિયન-અમેરિકન અબજોપતિએ ભૂતકાળમાં વિશ્વભરના ‘રાષ્ટ્રવાદીઓ’ સામે લડવા માટે એક અબજ ડોલર ફાળવવાની ઘોષણા કરી હતી. ભારતમાં પણ મોદી સરકાર કે ઉદ્યોગસમૂહો વિરુદ્ધ સમયે-સમય કાવતરાં થતાં રહે છે તેમાં સોરોસ કે તેમની સંસ્થાનું નામ ઘણી વાર સામે આવતું રહે છે.