વનતારા કેસમાં વધુ તપાસની માંગ કરતી અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી: SITના તારણોને ગણાવ્યા અંતિમ, પશુ-સંરક્ષણ કાર્યની કરી પ્રશંસા

જામનગર સ્થિત વનતારા વન્યજીવ સંરક્ષણ કેન્દ્ર સાથે જોડાયેલા પ્રાણીઓના ટ્રાન્સફર અને આયાત-નિકાસ મામલે વધુ તપાસની માંગ કરતી અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. અદાલતે સ્પષ્ટ કર્યું છે કે આ મામલે અગાઉ સુપ્રીમ કોર્ટ દ્વારા નિમાયેલી વિશેષ તપાસ ટીમની (SIT) તપાસ પૂર્ણ થઈ ચૂકી છે અને તેના તારણોને સપ્ટેમ્બર 2025 તથા માર્ચ 2026માં અદાલત દ્વારા સ્વીકારવામાં આવ્યા હતા. તેથી હવે આ મામલો ફરીથી ખોલી શકાય નહીં.

જસ્ટિસ પ્રશાંત કુમાર મિશ્રા અને જસ્ટિસ એન. વી. અંજારિયાની બેન્ચે આ નિર્ણય આપ્યો હતો. અરજીમાં CBI, ડિરેક્ટોરેટ ઑફ રેવન્યૂ ઇન્ટેલિજન્સ (DRI), વાઇલ્ડલાઇફ ક્રાઇમ કન્ટ્રોલ બ્યુરો (WCCB) અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) જેવી એજન્સીઓ દ્વારા ફરી તપાસ કરવાની માંગ કરવામાં આવી હતી. અરજી કરનાર કરણાર્થમ વીરમાહ ફાઉન્ડેશને બ્રાઝિલ, યુએઈ, યુગાંડા, પેરુ, મલેશિયા અને વેનેઝુએલા સહિતના દેશોમાં થયેલા કેટલાક વિકાસક્રમો અને CITES સ્ટેન્ડિંગ કમિટીની ચર્ચાઓનો આધાર લીધો હતો.

જોકે સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે અરજીમાં ઉઠાવવામાં આવેલા તમામ મુદ્દાઓની તપાસ SIT પહેલેથી જ કરી ચૂકી છે. આ SITમાં સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ, હાઇકોર્ટના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ, પૂર્વ પોલીસ કમિશનર અને વરિષ્ઠ કસ્ટમ અધિકારીનો સમાવેશ થતો હતો. તપાસ દરમિયાન SITને CBI, ED, DRI, WCCB, કસ્ટમ વિભાગ, સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી અને CITES મેનેજમેન્ટ ઓથોરિટી ઑફ ઇન્ડિયા સહિત અનેક સરકારી સંસ્થાઓનો સહયોગ મળ્યો હતો.

અદાલતે નોંધ્યું કે SITએ સ્થળ નિરીક્ષણ કર્યું હતું, દસ્તાવેજોની તપાસ કરી હતી, વિદેશી પ્રશાસન પાસેથી માહિતી મેળવી હતી અને ફરિયાદીઓ, પત્રકારો તથા પર્યાવરણ કાર્યકરોના નિવેદનો પણ સાંભળ્યા હતા. તેથી જે ટ્રાન્સફર અને વ્યવહારો અંગે હવે પ્રશ્નો ઉઠાવવામાં આવી રહ્યા છે, તે પહેલેથી જ તપાસના દાયરામાં આવી ચૂક્યા છે.

સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં કહ્યું કે SITના અહેવાલને સ્વીકાર્યા બાદ ગ્રીન્સ ઝૂઓલોજિકલ, રાધા કૃષ્ણ ટેમ્પલ ટ્રસ્ટ અને સંબંધિત સંસ્થાઓ સામે આ જ મુદ્દે ફરી તપાસ, પૂછપરછ કે કાર્યવાહી થઈ શકે નહીં. અદાલતે તેને ‘અંતિમતાનો અવરોધ’ (Bar of Finality) ગણાવ્યો હતો.

અદાલતે CITES સચિવાલયના અવલોકનોનો પણ ઉલ્લેખ કર્યો હતો. સચિવાલયે જણાવ્યું હતું કે ભારત લાવવામાં આવેલા પ્રાણીઓ માટે જરૂરી CITES પરમિટ, રિ-એક્સપોર્ટ સર્ટિફિકેટ અથવા આયાત પરવાનગી વગર કોઈ આયાત થઈ હોવાના પુરાવા મળ્યા નથી. ઉપરાંત, પ્રાણીઓ અથવા તેમના સંતાનોના વેચાણ સાથે જોડાયેલી કોઈ વ્યાપારી પ્રવૃત્તિના પુરાવા પણ મળ્યા નથી.

સુપ્રીમ કોર્ટે યુએઈ, વેનેઝુએલા, બ્રાઝિલ, ચેક રિપબ્લિક અને દક્ષિણ આફ્રિકા સહિતના દેશોમાંથી થયેલા દરેક પ્રાણી ટ્રાન્સફરની અલગ-અલગ સમીક્ષા કરી હતી. અદાલતે નોંધ્યું કે આ તમામ ટ્રાન્સફર કાયદેસર, બિન-વ્યાવસાયિક અને ઝૂ-થી-ઝૂ ટ્રાન્સફર હતા, જેને જરૂરી CITES પરમિટ અને સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીની મંજૂરી પ્રાપ્ત હતી.

અદાલતે વધુમાં જણાવ્યું કે વનતારાએ દરેક તબક્કે સદ્દભાવનાથી કામ કર્યું હતું. જો કોઈ વિદેશી નિકાસકર્તાએ પોતાના દેશમાં કોઈ અનિયમિતતા કરી હોય તો તેના માટે પ્રાણીઓને સ્વીકારનારી ભારતીય સંસ્થાને જવાબદાર ઠેરવી શકાય નહીં.

ચુકાદામાં સુપ્રીમ કોર્ટે જામનગર સ્થિત વનતારાના સંરક્ષણ કાર્યની પણ પ્રશંસા કરી હતી. અદાલતે નોંધ્યું કે વનતારા વૈશ્વિક સ્તરે મહત્વપૂર્ણ સંરક્ષણ કાર્યો કરી રહ્યું છે, જેમાં બ્રાઝિલ સાથે લુપ્તપ્રાય મેકૉ પક્ષીઓના પુનઃસ્થાપન અને વિવિધ પ્રજાતિઓના સંવર્ધન કાર્યક્રમોનો સમાવેશ થાય છે. કોર્ટે કહ્યું કે કાયદેસર રીતે આયાત કરાયેલા અને સુરક્ષિત વાતાવરણમાં રાખવામાં આવેલા પ્રાણીઓને ફરીથી ખસેડવા અથવા તેમની સ્થિતિમાં ફેરફાર કરવો ક્રૂરતા સમાન બની શકે છે.

સુપ્રીમ કોર્ટે ભવિષ્યમાં CITES હેઠળ આવતી પ્રજાતિઓની આયાત પ્રક્રિયાને વધુ મજબૂત બનાવવા માટે પણ કેટલાક નિર્દેશો આપ્યા છે. કોર્ટે CITES મેનેજમેન્ટ ઓથોરિટી ઑફ ઇન્ડિયાને જિનીવામાં સ્થિત CITES સચિવાલય સાથે સીધો સંપર્ક સ્થાપિત કરીને જીવિત પ્રાણીઓ માટે આયાત પરમિટ જારી કરવાની વિગતવાર સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) તૈયાર કરવાનો આદેશ આપ્યો છે.

ચુકાદા બાદ વનતારાએ આ નિર્ણયનું સ્વાગત કર્યું હતું. વનતારાના CEO વિવાન કરાણીએ જણાવ્યું કે આ ચુકાદો સંસ્થાના કાર્યની કાયદેસરતા અને પારદર્શિતાને ફરી એકવાર માન્યતા આપે છે. તેમણે કહ્યું કે વનતારામાં સંરક્ષણ માત્ર એક દાવો નહીં પરંતુ દરરોજ કરવામાં આવતી કરુણાભરી સેવા છે અને સંસ્થા પ્રાણીઓના કલ્યાણ માટે અગાઉ કરતાં વધુ પ્રતિબદ્ધ રહેશે.