પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંઘના નિધન (Dr Manmohan Singh Death) પર આખા દેશમાં સાત દિવસનો રાજકીય શોક મનાવામાં આવી રહ્યો છે. થોડા જ સમયમાં (શનિવાર 28 ડિસેમ્બર) તેમનો પાર્થિવ દેહ પંચ મહાભૂતોમાં વિલીન પણ થઈ જશે. તેવામાં પૂર્વ રાષ્ટ્રપતિ અને કોંગ્રેસના દિગ્ગજ દિવંગત નેતા પ્રણવ મુખર્જીના (Pranav Mukharjee) દીકરી શર્મિષ્ઠા મુખર્જી કોંગ્રેસ સામે આકરા પાણીએ જોવા મળી રહ્યા છે. તેમની આ નારાજગી પાછળનું કારણ કોંગ્રેસની ડો. મનમોહન સિંઘનું સ્મારક બનાવવાની માંગ છે. શર્મિષ્ઠા મુખર્જીનો આરોપ છે કે કોંગ્રેસ પાર્ટીએ તેમના પિતાના નિધન પર એક શોકસભા પણ નહોતી બોલાવી.
નોંધનીય છે કે ડો. મનમોહન સિંઘના નિધન બાદ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ (Mallikarjun Kharge) વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક પત્ર લખ્યો હતો. આ પત્રમાં તેમણે સ્વ. મનમોહન સિંઘનું સ્મારક બનાવવા માટે જમીન ફાળવવાની માંગ કરી છે. તેમણે માંગ કરી છે કે જે સ્થળે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા છે, એ સ્થળ પર જ મનમોહન સિંઘની યાદમાં એક સ્મારક ઉભું કરી દેવામાં આવે. જોકે સરકાર તેના પર હજુ કોઈ વિચાર-વિમર્શ કરે તે પહેલા જ પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના દીકરી શર્મિષ્ઠા મુખર્જીએ આ માંગને લઈને કોંગ્રેસ અને ખડગેની આલોચના કરી છે.
કોંગ્રેસ પાર્ટી પર લગાવ્યા ગંભીર આરોપ
શર્મિષ્ઠા મુખર્જીએ પોતાના X હેન્ડલ પર એક પોસ્ટ કરીને નારાજગી જાહેર કરીને કોંગ્રેસ પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેમણે દાવો કર્યો છે કે વર્ષ 2020માં જયારે તેમના પિતા, પૂર્વ રાષ્ટ્રપતિ અને કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા પ્રણવ મુખર્જીનું નિધન થયું, ત્યારે કોંગ્રેસ પાર્ટીની કાર્ય સમિતિએ એક ગોઠવવા બોલાવવા જેટલી તસ્દી પણ નહોતી લીધી. શર્મિષ્ઠા મુખર્જીએ કોંગ્રેસ નેતૃત્વ પર આ મામલે ગેરમાર્ગે દોરવાનો ગંભીર આરોપ પણ લગાવ્યો છે. શર્મિષ્ઠા મુખર્જીએ નામ લીધા વગર કહ્યું છે કે કોંગ્રેસના એક વરિષ્ઠ નેતાએ તેમને કહ્યું હતું કે રાષ્ટ્રપતિઓના નિધન પર પાર્ટીની CWC (કોંગ્રેસ વર્કિંગ કમિટી) દ્વારા શોકસભા બોલાવવાની પરંપરા નથી.
When baba passed away, Congress didnt even bother 2 call CWC 4 condolence meeting. A senior leader told me it’s not done 4 Presidents. Thats utter rubbish as I learned later from baba’s diaries that on KR Narayanan’s death, CWC was called & condolence msg was drafted by baba only https://t.co/nbYCF7NsMB
— Sharmistha Mukherjee (@Sharmistha_GK) December 27, 2024
કોંગ્રેસના તે અનામી વરિષ્ઠ નેતાની વાતને ખોટી હોવાનો દાવો કરતાની સાથે શર્મિષ્ઠાએ જણાવ્યું છે કે આ વાત સાવ ફાલતું છે, તેમને તેમના પિતાની ડાયરીમાંથી જાણવા મળ્યું છે કે એક પૂર્વ રાષ્ટ્રપતિના નિધન પર CWC બેઠક બોલાવવામાં આવી હતી. આટલું જ નહીં, તેમણે દાવો કર્યો છે કે તે શોકસભાનો મસૌદો તેમના સ્વર્ગસ્થ પિતા પ્રણવ મુખર્જીએ જ તૈયાર કર્યો હતો. તેમણે પોતાની પોસ્ટમાં ભાજપ નેતા CR કેસવનની એક પોસ્ટ પણ ટાંકી છે. આ પોસ્ટમાં તેઓ જણાવે છે કે કોંગ્રેસ પાર્ટીએ અન્ય નેતાઓની ઉપેક્ષા માત્ર એટલા માટે કરી, કારણકે તેઓ ગાંધી પરિવારમાંથી નથી આવતા.
પોતાની વાતને સાબિત કરતો સંદર્ભ પણ ટાંક્યો
નોંધવું જોઈએ કે આ પોસ્ટમાં જે સંદર્ભ ટાંકવામાં આવ્યો હતો, તે વર્ષ 2004થી 2009 સુધી સ્વર્ગસ્થ મનમોહન સિંહના સલાહકાર અને ફાઇનાન્સિયલ એક્સપ્રેસના પૂર્વ મુખ્ય સંપાદક ડો. બારૂ દ્વારા લખવામાં આવેલા પુસ્તક ‘ધ એકસીડન્ટલ પ્રાઈમ મીનીસ્ટર’નો એક અંશ છે. તેમાં કહેવામાં આવ્યું છે કે કોંગ્રેસના નેતૃત્વવાળી UPA સરકારે પૂર્વ વડાપ્રધાન દિવંગત પીવી નરસિમ્હા રાવનું 2004માં નિધન થયા બાદ તેમનું સ્મારક નથી બનાવવામાં આવ્યું. તેમાં લખવામાં આવ્યું છે કે, 2004થી 2014 સુધી સતત સત્તામાં રહેવા છતાં કોંગ્રેસ પાર્ટીએ તેની તસ્દી ન લીધી કે સ્વ. રાવનું સ્મારક બને.
ત્યારે હવે ડો. મનમોહન સિંઘના નિધન બાદ કોંગ્રેસ પાર્ટી અને મલ્લિકાર્જુન ખડગેએ તેમનું સ્મારક બનાવવાની માંગ સાથે જમીન ફાળવવા જે પત્ર લખ્યો છે, તે હવે કોંગ્રેસના જ સ્વર્ગસ્થ નેતાના પરિવાર માટે અણગમો બની ગયો છે. કોંગ્રેસ પાર્ટી તરફથી શર્મિષ્ઠા મુખર્જી દ્વારા જાહેર કરવામાં આવેલી આપત્તિ મામલે હજુ સુધી કોઈ પ્રતિક્રિયા નથી આપવામાં આવી.