હોમપેજગુજરાત‘અમારો લાલો ગયો, બીજા કોઈનો ન જવો જોઈએ’: ધંધુકામાં મૃતક ધર્મેશ ભરવાડના...

‘અમારો લાલો ગયો, બીજા કોઈનો ન જવો જોઈએ’: ધંધુકામાં મૃતક ધર્મેશ ભરવાડના પરિવારે ઑપઇન્ડિયાને જણાવી આપવીતી, આરોપી રિઝવાનના ડ્રગ્સ-દારૂના ધંધાનો ઘટસ્ફોટ

આરોપ છે કે રિઝવાન વિસ્તારનો એક કુખ્યાત બુટલેગર હતો અને આ કેબિનમાંથી જ તે દારૂ અને ડ્રગ્સ જેવા નશાના કાળા કારોબારનું સંચાલન કરતો હતો. તેની સામે અગાઉ પણ પોલીસ ચોપડે અનેક ફરિયાદો નોંધાઈ ચૂકી છે, જે સાબિત કરે છે કે તે લાંબા સમયથી ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંકળાયેલો હતો.

- Advertisement -

અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરમાં તાજેતરમાં જ એક ગંભીર ઘટના બની હતી, જેમાં ધર્મેશભાઈ ભરવાડ (લાલાભાઈ) નામના હિંદુ યુવાનની મુસ્લિમ શખ્સોએ હત્યા કરી હતી. બાઈક પાર્ક કરવા જેવી સામાન્ય બાબતમાં થયેલા ઝઘડામાં યુવાન પર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો, જેનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. આ ઘટનાને પગલે ગામમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, પરંતુ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી પરિસ્થિતિને કાબુમાં લીધી હતી. હાલમાં ગ્રાઉન્ડ ઝીરો પર સ્થિતિ શાંત છે અને પોલીસ સતત પેટ્રોલિંગ કરી રહી છે.

ઘટના સામે આવ્યા બાદ ઑપઇન્ડિયા ધંધુકા પહોંચ્યું હતું અને ધર્મેશના પરિવાર સાથે વાતચીત કરી હતી. દરમિયાન મૃતકના ભાઈ ગોવિંદભાઈએ જણાવ્યું હતું કે ધર્મેશભાઈ જ્યારે ગામમાં ગયા હતા ત્યારે અસામાજિક તત્વોએ તેમના પગના ભાગે છરીના ઘા ઝીંકી દીધા હતા. આ હિંસક ઘટના બાદ ગામમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, પરંતુ પોલીસે તાત્કાલિક સ્થિતિ પર કાબુ મેળવી લીધો હતો. પરિવારે પોતાના વ્હાલસોયા પુત્રને ખોયાનો ઊંડો આઘાત વ્યક્ત કર્યો છે.

મૃતકના પરિવારે પોલીસ પ્રશાસનની કામગીરી પર સંતોષ વ્યક્ત કરતા જણાવ્યું છે કે પોલીસ તરફથી તેમને સારો સહયોગ મળી રહ્યો છે અને તપાસ પણ યોગ્ય દિશામાં થઈ રહી છે. જોકે, પરિવારની મુખ્ય માંગ એ છે કે આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓને જલ્દીમાં જલ્દી અને કડકમાં કડક સજા મળવી જોઈએ. ધર્મેશભાઈ પાછળ તેમના બે નાના સંતાનો (પાંચ અને સાત વર્ષના) મૂકી ગયા છે, ત્યારે આ માસૂમ બાળકોને સાચો ન્યાય મળે તેવી આજીજી પરિવારે સરકાર પાસે કરી છે.

- Advertisement -

પરિવારજનોએ રોષ અને ચિંતા સાથે જણાવ્યું હતું કે ધંધુકા વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ચોક્કસ સમાજને ટાર્ગેટ કરીને હત્યા કરવાની ઘટનાઓ વધી રહી છે. અવારનવાર બનતી આવી ઘટનાઓ હવે અટકવી જોઈએ અને જે અસામાજિક તત્વો આ ગુનાઓ કરે છે અથવા તેમને જેઓ પીઠબળ પૂરું પાડે છે, ત્યાં સુધી સરકારે તપાસના મૂળ લંબાવવા જોઈએ. ભવિષ્યમાં અન્ય કોઈ પરિવાર પોતાનો ‘લાલો’ ન ખોવે તે માટે આવા દૂષણને જડમૂળમાંથી નાબૂદ કરવાની માંગ સ્થાનિકો દ્વારા કરવામાં આવી છે.

આ સિવાય ઑપઇન્ડિયાના ગ્રાઉન્ડ રિપોર્ટમાં ધંધુકામાં ધર્મેશ ભરવાડની હત્યાના આરોપી રિઝવાનના ગુનાહિત સામ્રાજ્ય અંગે ચોંકાવનારી વિગતો સામે આવી છે. સામે આવ્યું છે કે રિઝવાન ધંધુકામાં એક નાનકડી કેબિન જેવી ઑફિસ ધરાવતો હતો, જે બહારથી સામાન્ય દેખાતી હોવા છતાં અંદરથી એસી (AC) જેવી તમામ આધુનિક સુવિધાઓથી સજ્જ હતી. આ સ્થળ માત્ર તેની ઑફિસ નહીં, પરંતુ તેની ગેરકાયદેસર પ્રવૃત્તિઓનું મુખ્ય કેન્દ્ર હતું.

આરોપ છે કે રિઝવાન વિસ્તારનો એક કુખ્યાત બુટલેગર હતો અને આ કેબિનમાંથી જ તે દારૂ અને ડ્રગ્સ જેવા નશાના કાળા કારોબારનું સંચાલન કરતો હતો. તેની સામે અગાઉ પણ પોલીસ ચોપડે અનેક ફરિયાદો નોંધાઈ ચૂકી છે, જે સાબિત કરે છે કે તે લાંબા સમયથી ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંકળાયેલો હતો. આમ, ધર્મેશ ભરવાડની હત્યા પાછળ આવો રીઢો ગુનેગાર અને તેનો ફેલાયેલો નશાનો ગેરકાયદેસર વ્યવસાય જવાબદાર હોવાનું જણાય છે.

શું હતો સમગ્ર મામલો?

ધંધુકામાં 18 એપ્રિલના રોજ બાઈક પાર્ક કરવા જેવી નજીવી બાબતમાં થયેલા ઝઘડાએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. મૃતક ધર્મેશ ભરવાડ (લાલાભાઈ) તેમના પિતરાઈ ભાઈ રાહુલ સાથે બેન્કનું કામ પતાવી સંબંધીના ઘરે જઈ રહ્યા હતા, ત્યારે નસીબ સોસાયટી પાસે રિઝવાન મણિયાર અને સમીર અમદાણીએ તેમનો રસ્તો આંતર્યો હતો. આરોપીઓએ ‘તને આજે પતાવી જ દેવો છે’ તેમ કહી ધર્મેશભાઈ પર છરી વડે ઘાતકી હુમલો કર્યો હતો, જેમાં ગંભીર ઈજાઓ થવાને કારણે સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું.

આ ઘાતકી હત્યાના પગલે ધંધુકા અને આસપાસના વિસ્તારોમાં હિંદુ સમાજમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. જનઆક્રોશને જોતા પોલીસ પ્રશાસન તાત્કાલિક હરકતમાં આવ્યું હતું અને અમદાવાદ ગ્રામ્ય એસ.પી. સહિતના ઉચ્ચ અધિકારીઓએ સ્થિતિ સંભાળી લીધી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં જ મુખ્ય આરોપી રિઝવાન નિઝામ મણિયાર અને સમીર મહંમદ અમદાણીની ધરપકડ કરી લીધી હતી. હાલ આ મામલે SITની રચના અને સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટરની નિમણૂક કરવાની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી છે.

હત્યાના કેસમાં આરોપીઓની ધરપકડ બાદ તંત્રએ ગુનેગારો સામે લાલ આંખ કરી છે. 21 એપ્રિલે તંત્રએ બુલડોઝર એક્શન લેતા આરોપીઓના ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવાની કામગીરી શરૂ કરી હતી. ધંધુકાના ખાટકીવાડ વિસ્તારમાં વહીવટીતંત્ર દ્વારા કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કરી 4 જેટલા ગેરકાયદે દબાણો દૂર કરાયા હતા. આ ઉપરાંત ધંધુકા-બગોદરા હાઈવે પરના ગેરકાયદે શેડ અને દુકાનો સહિત કુલ 14 જેટલા દબાણો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું.

આ ડિમોલિશનની કામગીરી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે લોખંડી પોલીસ બંદોબસ્ત તહેનાત કરવામાં આવ્યો હતો. ડી.એસ.પી. આસ્થા રાણાના માર્ગદર્શન હેઠળ આશરે 400 પોલીસ જવાનો ઘટનાસ્થળે હાજર રહ્યા હતા અને ડ્રોન દ્વારા સમગ્ર વિસ્તારનું પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. વહીવટીતંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ગુનેગારો દ્વારા કરવામાં આવેલા તમામ ગેરકાયદેસર બાંધકામો અને દબાણોને જડમૂળમાંથી નાબૂદ કરવામાં આવશે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં