Monday, June 23, 2025
More
    હોમપેજદેશભીષણ ટર્બ્યુલન્સમાં ફસાઈ હતી દિલ્હી-શ્રીનગર ફ્લાઇટ, સેંકડો મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા, છતાં...

    ભીષણ ટર્બ્યુલન્સમાં ફસાઈ હતી દિલ્હી-શ્રીનગર ફ્લાઇટ, સેંકડો મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા, છતાં પાકિસ્તાને ન આપી એરસ્પેસના ઉપયોગની મંજૂરી: DGCAએ જણાવ્યું શું બન્યું હતું

    પહેલાં પાયલોટે વાયુસેનાના નોર્ધન કમાન્ડના ATCનો સંપર્ક કરીને પાકિસ્તાનની એરસ્પેસમાં જવા માટે પરવાનગી માંગી. ત્યારબાદ લાહોર ATCનો સંપર્ક કરીને થોડા સમય માટે તેમના હવાઈક્ષેત્રનો ઉપયોગ કરવા માટે જણાવવામાં આવ્યું. પરંતુ વિનંતીનો અસ્વીકાર કરી દેવામાં આવ્યો. 

    - Advertisement -

    દિલ્હીથી શ્રીનગર જતી એક ફ્લાઇટ બુધવારે (21 મે) ટર્બ્યુલન્સમાં ફસાઈ અને તેના કારણે વિમાનનો આગલો હિસ્સો ક્ષતિગ્રસ્ત થઈ ગયો અને સેંકડો યાત્રીઓના જીવ જોખમમાં મૂકાયા. હવે જાણવા મળ્યું છે કે વિમાનના પાયલોટે લાહોર ATCનો સંપર્ક કરીને થોડા સમય માટે પાકિસ્તાન એરસ્પેસનો ઉપયોગ કરવાની પરવાનગી માંગી હતી, પણ નકારી દેવામાં આવી હતી. ત્યારબાદ ભીષણ ટર્બ્યુલન્સ વચ્ચે જ વિમાન પસાર થયું. જોકે પાયલોટની સૂઝબૂઝના કારણે વિમાનનું સુરક્ષિત લેન્ડિંગ કરાવી દેવામાં આવ્યું હતું. 

    ઘટના એવી છે કે 21 મેની સાંજે 6:30 વાગ્યે ઈન્ડિગોનું એરબસ A321 નિયો એરક્રાફ્ટ 220 યાત્રીઓ અને ક્રૂ મેમ્બરો એમ કુલ 227 લોકોને લઈને દિલ્હીથી શ્રીનગર રવાના થવા માટે નીકળ્યું હતું. આ જ સમયે અચાનક ઉત્તર ભારતનું હવામાન બદલાયું અને તેજ પવન સાથે વરસાદ શરૂ થઈ ગયો હતો. દિલ્હી સહિત કેટલાંક ઠેકાણે બરફના કરા પડ્યા અને તેજ પવન આવ્યો. જેના વિડીયો પણ સોશિયલ મીડિયા પર ફરતા થયા હતા. 

    ખરાબ હવામાનના કારણે ટેક ઑફ કર્યા બાદ વિમાન ટર્બ્યુલન્સમાં ફસાઈ ગયું. ટર્બ્યુલન્સ એટલે હવાના દબાણ અને ગતિમાં અચાનક પરિવર્તન આવવાથી ઉત્પન્ન થતી સ્થિતિ છે, જેના કારણે વિમાનને ઉડાન દરમિયાન હવામાં ઝાટકા લાગે છે અને ઘણી વખત હાલક-ડોલક થવા માંડે છે. આમ તો ફ્લાઇટ ટર્બ્યુલન્સ સામાન્ય છે, પરંતુ ઘણી વખત તે બહુ તીવ્ર હોય તો આપાતકાલીન સ્થિતિ સર્જી શકે છે. જોકે મોટાભાગના કિસ્સામાં પાયલોટ સ્થિતિ સંભાળીને વિમાનને બહાર કાઢીને સુરક્ષિત ગંતવ્યસ્થાને પહોંચાડી દે છે. 

    - Advertisement -

    DGCAએ જણાવ્યું કે વિમાન પંજાબના પઠાણકોટ પાસે ઉડી રહ્યું હતું ત્યારે ટર્બ્યુલન્સમાં ફસાઈ ગયું. જેથી પહેલાં પાયલોટે વાયુસેનાના નોર્ધન કમાન્ડના ATCનો સંપર્ક કરીને પાકિસ્તાનની એરસ્પેસમાં જવા માટે પરવાનગી માંગી. ત્યારબાદ લાહોર ATCનો સંપર્ક કરીને થોડા સમય માટે તેમના હવાઈક્ષેત્રનો ઉપયોગ કરવા માટે જણાવવામાં આવ્યું. પરંતુ વિનંતીનો અસ્વીકાર કરી દેવામાં આવ્યો. 

    ઉલ્લેખનીય છે કે પહલગામના ઇસ્લામી આતંકવાદી હુમલા અને ત્યારબાદ ભારતીય સેનાએ હાથ ધરેલા ઑપરેશન સિંદૂરના કારણે બંને દેશો વચ્ચે વધતા તણાવ વચ્ચે ભારત-પાકિસ્તાન બંનેએ એકબીજા દેશોનાં વિમાનો માટે પોતાનાં હવાઈક્ષેત્રો બંધ કરી રાખ્યાં છે. પરંતુ આપાતકાલીન સ્થિતિ હોવા છતાં પાકિસ્તાને અવળચંડાઈ કરીને ભારતીય વિમાનને પરવાનગી આપી ન હતી. આ એ સમય હતો જ્યારે સેંકડો મુસાફરોના જીવ જોખમમાં હતા. 

    પાકિસ્તાને ઇનકાર કર્યા બાદ પરત ફરવું પણ યોગ્ય વિકલ્પ ન હતો, કારણ કે હવામાન દિલ્હીમાં પણ ખરાબ હતું, જેથી આ જ સ્થિતિમાં શ્રીનગર આગળ વધવા સિવાય બીજો કોઈ માર્ગ ન હતો. બીજી તરફ ટર્બ્યુલન્સના કારણે વિમાને તેજ હવાનો સામનો કરવો પડ્યો અને ગતિમાં પણ ઝડપથી ઉતાર-ચડાવ થવા માંડ્યો. વિમાનમાં પણ વૉર્નિંગ આવવાની ચાલુ થઈ ગઈ અને ઝડપથી ઊંચાઈ પણ ઘટવા માંડી હતી. પરંતુ ત્યારબાદ બંને પાયલોટે વિમાનનું નિયંત્રણ પોતાના હાથમાં લઈ લીધું. (સામાન્ય રીતે ટેક ઑફ બાદ લેન્ડિંગનો વખત આવે ત્યાં સુધી વિમાન ઓટો પાયલટ મોડ પર મૂકી દેવાય છે.) 

    પાયલોટ આ સ્થિતિમાં જ વિમાનને ઉડાડતા રહ્યા અને શ્રીનગર એરપોર્ટને ઇમરજન્સીની જાણ કરી દેવામાં આવી. ત્યારબાદ આખરે સુરક્ષિત લેન્ડિંગ કરાવવામાં આવ્યું. યાત્રા દરમિયાન કોઈને પણ ઈજા પહોંચી ન હતી, પરંતુ વિમાનનો આગલો ભાગ બહુ ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થયો હતો. તેનાથી એ પણ જાણવા મળે છે કે સ્થિતિ કેટલી ગંભીર હતી, પરંતુ પાયલોટની સૂઝબૂઝથી એક મોટી ઘાત ટળી. બીજી તરફ પાકિસ્તાનની નાપાક હરકતો ફરી એક વખત છતી થઈ ગઈ. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં